મને શોધતો ‘હું’ – કુલદીપ લહેરુ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી કુલદીપભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kuldeeplaheru@gmail.com સંપર્ક કરી શકો છો.]

[dc]પ[/dc]ત્રકાર હોવાને કારણે નીતનવા લોકોને મળવાનું અને નવું જાણવાનું-શીખવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું રહે છે. ગુજરાતી કહેવત ‘સંગ તેવો રંગ’ ના નાતે અમે પત્રકારોને અનેકાનેક સારા-નરસા, સાચા-ખોટા, સકારાત્મક-નકારાત્મક, એક શબ્દમાં કહું તો ‘રંગબેરંગી’ (કદાચ ‘બેરંગી’ શબ્દ વધુ યોગ્ય રહેશે) થઇ જવા જોઈએ! પણ સામાન્ય રીતે આમ નથી બનતું. ‘સંગ એવો રંગ’ કહેવત માટે જરૂરી તત્વ છે ‘પ્રભાવ’. અને પત્રકારો બહુ જલ્દી કોઈના પ્રભાવ, કોઈની અસર હેઠળ આવી નથી જતા. શક્ય છે કે એ જ કારણે આપણી આસપાસ કુદકેને ભૂસકે વધી રહેલી નકારાત્મક લાગણીઓ અને વિચારધારાઓથી આજ સુધી અળગો રહી શક્યો હોઉં.

હા, હું સકારાત્મક વિચારો કરવાની તરફેણમાં છું. હું માનું છું કે જેવું વિચારીએ એવું થાય. સારા વિચારોનું ફળ સારું અને નબળાં વિચારોનું ફળ નબળું જ મળવાનું. પરંતુ કેટલીક વાસ્તવિકતાને અવગણવી અશક્ય જ નહીં અસંભવ પણ છે. લોકો ભલે ગમે તેટલી સિદ્ધીઓ, સુખ-સાહ્યબી, આરામ અને મોજ-મસ્તીની વાતો કરતાં હોય પરંતુ એ બધાની સાથે-સાથે જો કોઈને કંઈક ’મિસ’ થઈ રહ્યાંની લાગણી ન થતી હોય તો એ વાત સાથે હું અસહમત છું. અઢળક દ્વિધાઓ, ચિંતાઓ, સમસ્યાઓથી ઘેરાયેલો અને એના ઊકેલની શોધમાં ફાંફાં મારતા માણસ પાસે ’કણસવા’ માટેની યોગ્ય જગ્યા પણ ક્યાં છે? કહે છે કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે. વાત સો ટચનાં સોના જેવી છે અને એ જ વાતે મને થોડા નકારાત્મક પાસાઓનો સાક્ષાત્કાર કરાવ્યો અને દુર્ભાગ્ય એ વાતનું છે કે આજે મહદ અંશે એ જ માનવીની ઓળખ બની ગઈ છે.

મેળવ્યું તો ઘણું છે પણ એની સામે ગુમાવ્યું છે એનાથી અનેકગણું વધારે. લોકોનાં ઘર તો વધુ મોટા અને સુખ સગવડભર્યા થયાં છે પણ કુટુંબ નાનું થઈ ગયું છે. મા-બાપ ક્યાં તો અલગ રહેતાં હોય અને ક્યાં તો વૃદ્ધાશ્રમની ’શોભા’ વધારતાં થઈ ગયાં છે. મા-બાપ પાસે કિટી પાર્ટીઓ કે ઓફિશિયલ મીટિંગ્સમાં હાજર રહેવા માટે પૂરતો સમય છે પણ પોતાનાં સંતાનો સામે લાગણીથી જોવાનો સમય નથી. મકાનો વધુને વધુ મજબૂત થઈ રહ્યાં છે પણ ઘરો એટલી જ સરળતાથી ભાંગી રહ્યાં છે. ચહેરા પરનો મેકઓવર વોટરપ્રૂફ થઈ ગયો છે પણ ભવોભવ ન તૂટે એવા સંબંધોનો મેકઓવર સાંપની કાંચળીની માફક કોઈપણ સમયે ઊતરી જાય એવો થઈ ગયો છે. ભણતરનું સ્તર વધવાની સાથે સુધર્યું પણ છે પરંતુ ગણતરનીં દ્રષ્ટિએ શૂન્યતા ભણીની દોટમાં વધુને વધુ લોકો સામેલ થઈ રહ્યાં છે. લોકો કોઈ પણ બાબતની લાંબે ગાળે શું અસર થશે એ વિચાર્યા વિના માત્ર ક્ષણિક અને ટૂંકા ફાયદાઓ સુધી જ નજર માંડી રહ્યાં છે. અમૂલ્ય લાગણીઓની કિંમત અંકાઈ રહી છે. ચોરેને ચૌટે પ્રેમની વાતો તો વધી ગઈ છે પણ પ્રેમ ઘટી ગયો છે.

પોતાના પ્રિયપાત્રનાં હાથમાં જ પહોંચશે કે નહીં એ શંકા સાથે મોકલાતા પ્રેમપત્રોને સ્થાને મોબાઈલમાં એસએમએસ અને ઈન્ટરનેટ પર ઈમેઈલે પ્રેમનો વિસ્તાર વૈશ્વિક અને અતિશય વેગીલો કરી દીધો છે પણ માનવીનું ટચૂકડું હ્રદય તો પ્રેમની વ્યાખ્યા જ ભૂલી ગયું છે. માનવીનાં મનની સાચી લાગણીઓ સમજવાને બદલે ખોટા શબ્દો પરની આસ્થા વધી રહી છે. ખરી લાગણી ખોટી પૂરવાર થાય છે અને દોડી-ભાગીને કોઈ સેવા કે મદદ કરે તો ક્યાં તો એમ કરવા પાછળ એનો કોઈ સ્વાર્થ હશે એવી ધારણા બંધાય છે કે પછી એની ગણતરી મૂર્ખ વ્યક્તિમાં થાય છે. વૈધકિય સારવાર, દવાઓ વિગેરે ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો છે પણ લોકોનું આરોગ્ય એટલું જ કથળી રહ્યું છે તથા શરીર અને મન નબળાં થઈ રહ્યાં છે. માનવી ચંદ્ર સુધી જઈ આવ્યો છે, ત્યાં વસવાનાં સપનાઓ પણ જોઈ રહ્યો છે પરંતુ પોતાના પાડોશીને ઓળખવાનો પ્રયત્ન તો શું વિચાર પણ વિસરાઈ ગયો છે. આવકમાં વધારો થયો છે પરંતુ માનસિક શાંતિ હણાઈ ગઈ છે. બુદ્ધિપ્રતિભા વધી છે પણ લાગણીઓ ઘટી રહી છે. બીજાનું જોઈને આપણાં ઘરમાં એલસીડી, એ.સી. અને ફોર વ્હિલર તો આવ્યા છે પણ લોકોની દેખાદેખીમાં આપણો સ્વભાવ પૂર્ણતાને બદલે અભાવ તરફ ફંટાઈ રહ્યો છે.

આપણે આપણી પોતાની પ્રકૃતિ, જે ખરેખર પ્રેમ અને આનંદની સર્જક છે, એને ભૂલી જઈને મિથ્યાભિમાન, ક્રોધ અને લાલચ જેવા માનવશત્રુ સાથે હાથ મિલાવી રહ્યાં છીએ. જ્ઞાનમાં વધારો થયો છે પણ એ જ્ઞાનનો ક્યાં, ક્યારે ઊપયોગ કરવો એ વિવેક વિલય પામ્યો છે. દૂર્યોધનની માફક પોતે ખોટા હોવાની સમજ હોવા છતાં હાર સ્વિકારવાની તૈયારીનો અભાવ અથવા તો અસત્યનું વળગણ છોડવા માટેની અસમર્થતા વૃદ્ધિ પામી રહી છે. હ્રદય-મન અકળાવી મૂકનારાં વિચારોમાં છેલ્લે… માનવોની સંખ્યામાં તો વધારો થયો છે પણ માનવીની માનવતા ઝાંઝવાનાં જળ સમાન થઈ ગઈ છે. ઈશ્વર પાસે એ જ પ્રાર્થના કે તેઓ આ ખાલીપાને ભરે, જે સર્વત્ર વ્યાપ્ત છે…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “મને શોધતો ‘હું’ – કુલદીપ લહેરુ”

Copy Protected by Chetan's WP-Copyprotect.