અબ પછતાયે ક્યા હોત હૈ…. – આશા વીરેન્દ્ર

[‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.]

[dc]સ[/dc]ડસડાટ દોડી જતી ટ્રેનની ઝડપ કરતાં વધુ વેગથી અનિલાના મનમાં વિચારો ચાલતા હતા. આજે જે બન્યું એમાં આમ તો કંઈ નવું નહોતું. બાર વર્ષના લગ્નજીવન દરમ્યાન કેટલીય વાર નાની-મોટી વાત માટે અનિલાને ઠપકો આપવા મયંક આજુબાજુના ચાર ઘરના લોકો સાંભળી શકે એટલા જોરથી ઘાંટા પાડતો. એ પછી જ્યારે અનિલા બહાર નીકળે ત્યારે જાણે એણે કોઈ ગુનો કર્યો હોય એમ પાડોશીઓ એની સામે જોઈ રહેતા. આજે ઑફિસે જવા તૈયાર થતાં એને એકદમ યાદ આવ્યું ને એણે મયંકને કહ્યું : ‘મયંક, લાઈટ બિલ ભરવાની કાલે છેલ્લી તારીખ છે ને મારી પાસે પૈસા નથી તે….’

હવે આમાં એનો શું વાંક-ગુનો હતો ? પણ જાણે કશુંક બહાનું જ શોધતો હોય એમ મયંકે બૂમો પાડવાનું ચાલુ કર્યું.
‘સવારના પહોરમાં પૈસા, પૈસા ને પૈસાની જ વાત હોય. હું તો જાણે પૈસાનું ઝાડ હોઉં એમ મને ખંખેર્યા કરવાનો.’
‘અરે પણ હું તો ફક્ત…..’
‘હા, હા, રાણીસાહેબા, તમે તો ફક્ત હુકમ જ કરો છો. બિલ ભરી દેજે, બેંકમાંથી પૈસા લેતો આવજે, વીમાનું પ્રીમિયમ ભરી દેજે….. અને તમારા આ સેવકે હુકમનું પાલન કરવા તૈયાર રહેવાનું.’

આવી વાતનો શું જવાબ આપવો એ ન સમજાતાં એ ચૂપચાપ ઑફિસે જવા નીકળી ગઈ હતી. લેડીઝ ડબ્બામાં એણે આસપાસ નજર ફેરવી. એ બહાને મન બીજી વાતમાં પરોવાય ! સામે બેઠેલી સ્ત્રી છાપું વાંચી રહી હતી એટલે એનો ચહેરો જોઈ શકાતો નહોતો પણ એના જમણા હાથ પરનું લાખું જોઈને એ ચમકી ઊઠી. એનાથી બોલાઈ ગયું : ‘અરે, કેતકી તું ?’ ખરેખર એ કેતકી જ હતી. બંને કૉલેજકાળની ખાસ બહેનપણીઓ તોયે આજે પંદરેક વર્ષ પછી બંને મળતાં હતાં. કૉલેજ પતાવીને છૂટાં પડ્યા પછી સંજોગો એવા ઊભા થતા ગયા કે એકમેકના લગ્નમાં પણ હાજર ન રહી શકાયું. શરૂઆતમાં થોડાં વર્ષો પત્રો અને ફોનથી સંપર્ક રહ્યો પણ પછી તો એ ય છૂટી ગયો. આજે આટલા વખતે ભેગી થયેલી સખીઓની વાતો પંદર-વીસ મિનિટના પ્રવાસમાં તો શી રીતે પૂરી થાય ?
કેતકીએ કહ્યું : ‘દાંડી મારને આજે ઑફિસમાં ! ચાલ મારે ઘરે. આજે હું એકલી જ છું. આખો દિવસ શાંતિથી રહીએ, ખાઈએ-પીએ અને પેટ ભરીને વાતો કરીએ.’
સવારના બનાવથી ઉદાસ અને બેચેન અનિલાને આ વાત ગમી ગઈ. એ બહાને કંઈક હળવા થવાશે. એણે ઑફિસમાં ફોન કરીને માંદગીની વાત કરીને રજા મેળવી લીધી.

કેતકીનો સુંદર, સુરુચિપૂર્ણ ઢબે સજાવાયેલો ફ્લેટ, આખું કબાટ ભરીને કવિતા અને વાર્તાનાં પુસ્તકો, ફૂલ-ઝાડનાં સુશોભિત કૂંડાઓ – આ બધું જોઈને એ તાજુબ થઈ ગઈ.
‘અલી તારામાં આટલી બધી આવડત વળી ક્યારથી આવી ગઈ ? કેટલું સુંદર રીતે ઘર સજાવ્યું છે !’ એણે કેતકીની મજાક કરતાં કહ્યું.
‘આ બધું કંઈ આપણું કામ નહીં હં ! આ કમાલ તો મારા પતિદેવનો છે.’
‘વાહ ! તું તો ભારે નસીબદાર !’ ધીમો નિઃસાસો નાખતાં અનિલા બોલી. નાનપણથી એને હોંશ હતી કે, પોતાનું ભલે નાનું, પણ કલાત્મક ઢબે સજાવેલું ઘર હોય. પણ મયંકને એવો કશો શોખ તો નહોતો જ, ઉપરાંત આવા કોઈ ખર્ચા કરવા પણ એ તૈયાર ન થતો. ભેજ લાગવાથી દીવાલો પરથી રંગના પોપડા ઊખડી ગયા છે, ટાઈલ્સ ઘસાઈને જૂની થઈ ગઈ છે, ફર્નીચર પણ બાબા આદમના જમાનાનું હોય એવું લાગે છે, સોફાની ગાદી ફાટી ગઈ છે પણ મયંકનો એક જ જવાબ હોય : ‘હજી તો ચાલે એવું છે.’ જો એની કમાણી ઓછી હોત તો પોતે કદી ન બોલત પણ એક મોટી કંપનીમાં માર્કેટીંગ મેનેજર એવા મયંકનો પગાર પાંચ આંકડામાં તો હોય જ ને ! પણ એ તો બસ, બચત કરવામાં જ માનતો- ઘડપણ માટે.

દરવાજાની બેલ વાગી ને કેતકીનો ઈસ્ત્રીવાળો કપડાં આપી ગયો. કબાટ ખોલીને એ ઈસ્ત્રીવાળી સાડીઓ હેન્ગરમાં મૂકવા લાગી. એક સાડી પર અનિલાનું ધ્યાન ગયું, ‘કેતકી, પેલી આસમાની રંગની સાડી બતાવ, કેટલી સુંદર છે !’
‘તે હોય જ ને ! મારા જન્મદિન પર મારા વરજીએ ભેટ આપી છે.’ કેતકીએ ખુશ થતાં સાડી બતાવી. મયંકને કદીયે લગ્નદિવસ, જન્મતિથિ કશું ઊજવવાનું મન ન થતું. સિનેમા-નાટક, હરવું-ફરવું કશામાં એને રસ નહોતો. એને રસ હતો ફક્ત શેરબજારમાં. અનિલાની બધી આવડત, બધા શોખ નિરસતાભર્યા, એકધારા જીવન હેઠળ દબાઈ ગયા હતા.
‘કેતકી, આપણે કૉલેજમાં હતાં ત્યારે બધાં તને ‘ફેટી બ્યૂટી’ કહીને ચીડવતા. તું તો ખાસ્સી જાડી હતી. આટલી પાતળી ને ઘાટીલી કેવી રીતે થઈ ગઈ ?’
‘તું કદાચ મને વરઘેલી કહેશે છતાં મારે કહેવું જ પડશે કે, એનો યશ પણ સતીષને જ જાય છે. ડાયટીંગ કેવી રીતે કરવું, શું અને કેટલા પ્રમાણમાં ખાવું, નિયમિતપણે જીમમાં જવું – બધું એણે પ્રેમથી મને સમજાવ્યું.’
‘તે તારો વર ડાયેટિશિયન છે કે શું ?’
‘ના રે ના, થયેલું એવું કે અમારા લગ્ન પહેલાં એક છોકરી સાથે એનો ઈન્ટરવ્યૂ ગોઠવાયેલો. પહેલી જ મુલાકાતમાં એને છોકરી ગમી ગયેલી. બંને ત્રણ-ચાર વખત મળ્યાં એમાં ખ્યાલ આવ્યો કે બંનેના વિચારો ઘણા મળતા આવે છે પણ માત્ર એ પોતાની આગળ જાડો લાગે છે એમ કહીને પેલી છોકરીને ના પાડી દીધેલી.’

અનિલાને આંચકો લાગ્યો. હા, એનું નામ સતીષ જ હતું. એને અનિલા એટલી પસંદ પડી ગયેલી કે છ મહિનામાં દસ-બાર કિલો જેટલું વજન ઉતારીને એ ફરી પાછો મળવા આવ્યો પણ ત્યારે મયંક સાથે એની સગાઈ થઈ ચૂકી હતી. અજાણપણે અનિલાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. કેતકીનું ધ્યાન ન જાય એમ એણે આંખો લૂછી. કેતકીની વાતો ચાલુ જ હતી, ‘અમારી મિટિંગ ગોઠવાઈ ત્યારે એ ઊંચો-ગોરો, 65 કિલો વજન ધરાવતો હેન્ડસમ યુવાન હતો. એની આગળ હું તો ઘણી જાડી લાગતી હતી પણ એણે કહ્યું, મારે બાહ્ય દેખાવને મહત્વ નથી આપવું. મને તો તારો હસમુખો ને નિખાલસ સ્વભાવ ગમી ગયો છે.’

આસમાની સાડી પર હાથ ફેરવતાં અનિલાને કબીરનો પેલો દુહો યાદ આવી ગયો : ‘અબ પછતાયે ક્યા હોત હૈ, જબ ચીડિયન ચુગ ગઈ ખેત.’ એકાએક એ પલંગ પરથી ઊભી થઈ ને એણે કેતકીને કહ્યું : ‘ચાલ હવે હું જાઉં ?’

(રાજશ્રી બર્વેની મરાઠી વાર્તાને આધારે)


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous દુઃખ : તમારું સાચું સાથી – પુષ્કર ગોકાણી
‘ઘર’ વિનાનું ઘર – પ્રવીણ શાહ Next »   

9 પ્રતિભાવો : અબ પછતાયે ક્યા હોત હૈ…. – આશા વીરેન્દ્ર

 1. કેટ કેટલા-કેટલીઓએ પસ્તાવુ પડે એવી વાસ્તવિક વાર્તા.

 2. ketan shah says:

  It is not late yet. Try to understand eachother, adjust eachother. Talk friendly to eachother and it will hapen.

 3. gita kansara says:

  જિવનમા અનેક પ્રસગમા અનિલા જેવુજ પુનરાવર્તન થાય ચ્હે.સમજિ વિચારેીને યોગ્ય નિર્નય લેવો જરુરેી ચ્હે.ચાલો ત્યારે જાગ્યા ત્યાથેી સવાર કેમ ખરુને?

 4. Tfh says:

  બોગસ વારતા

 5. NISHU says:

  સરસ વારતા અને ઘણી વાર એક ખોટો નિણય જિન્દગેી ભર પસ્તાવો રહેતો હોય છે

 6. dhara says:

  ye sab nashib ka khel he…hamare nasib me jo likha he wahi hame milenga…

 7. jalpa says:

  Very good story.

 8. Arvind Patel says:

  જીવન માં ક્યારેય કોઈ પણ વાત નો અફસોસ ના કરવો. જે થયું તે સારા માટે જ છે તેવું માનવું. જો દુખી ના થવું હોય તો. ભૂતકાળ ઉખેડી ને કોઈ સુખી થયું નથી. ભૂતકાળ ની ભૂલો ને સુધારી ને વર્તમાન માં આનંદ થી જીવવું. સાથે ભૂતકાળ ની કોઈ અસર વર્તમાન કે ભવિષ્ય ઉપર ના પડે તે જોવું.

 9. Dr dinkar virparia says:

  Nasib thi vadhare ane samay karta vehlu kyarey kai maltu nathi

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.