દુઃખ : તમારું સાચું સાથી – પુષ્કર ગોકાણી

[ ‘માનવીનાં મન’ પુસ્તકમાંથી સાભાર.]

[dc]મ[/dc]નને આપણે સમજતા નથી તેથી ઘણી આંટીઘૂંટીઓ ઊભી થાય છે અને વ્યવહારમાં ક્લેશ થાય છે. આપણે સૌ પ્રથમ વિચારવું જોઈશે કે મન શું ચાહે છે. મનનું વલણ કઈ તરફ રહે છે. મનની મૂળભૂત માંગ શું છે ? મનની ખાસિયત શું છે ? આપણે કદી આ વાત સમજ્યા જ નથી, તેથી મન મૂંઝવણ ઊભી કરે છે.

મન કાંઈક ઈચ્છે છે. તે પ્રમાણે કરવા જતાં, સામા માણસની અને વાતાવરણની પ્રતિકૂળતા ઊભી થતાં મન પાછું પડે છે, મનમાં સંઘર્ષ શરૂ થાય છે અને તેમાંથી નીકળવા મન ત્યાર પછી અનેક ઝાંવાં નાખે છે. તેમાં મન સમતુલા ખોઈ નાખે છે અને એવાં કાર્યો થાય છે કે વધુ દુઃખ ઉત્પન્ન થાય છે. આપણે એ દુઃખોથી શા માટે ડરીએ છીએ ? જરા ઊંડે ઊતરીને આનો વિચાર કરીએ. દુઃખ શું છે ? મન શા માટે દુઃખથી ભારે લાગે છે ? આપણે રૂઢિ, પરંપરા અને સંસ્કારથી દુઃખ પ્રત્યે વિચિત્ર દષ્ટિથી જોઈએ છીએ. શારીરિક કષ્ટથી ડરીએ છીએ. રોગ અને દર્દથી ગભરાઈએ છીએ. પણ ખરેખર બીવા જેવું છે ખરું ? વિશ્વમાં ઘણા માણસોને એવો રોગ થાય છે કે જેથી તેને દુઃખની સંજ્ઞા થતી જ નથી. યહૂદીઓમાં એ રોગ વધારે વ્યાપ છે. તેને ‘ડીસ-એનેટોમી’ કહે છે. આ રોગમાં તે માણસને કોઈ ટાંકણી ખોસી દે તોય તેને દુઃખ થતું નથી. ઘડીભર આપણને લાગશે કે દુઃખની સંજ્ઞા ન થાય તો કેવું સારું ! આને તો રોગ કહેવાય જ નહિ ! આ સ્થિતિ તો એક આશીર્વાદ સમી છે. દુઃખની ચિંતા જ નહિ ! પણ હવે તે રોગીની જીવનચર્યા જુઓ. અહીં રજૂ કરેલી બધી જ વાતો સાચી બનેલી છે.

એક યુવાન વહેલી સવારે ઘડિયાળના એલાર્મથી જાગી ઊઠે છે. તેને ઊઠવું નથી તેથી તે એલાર્મ બંધ કરવા બેલ તરફ હાથ ફેલાવે છે. હાથે એલાર્મને વાગતો નથી અને ટેબલ ઉપર રહેલ ગ્લાસને વાગે છે. ગ્લાસ નીચે ભોંય પર પડી તૂટી જાય છે. પછી જાગ્રત અવસ્થામાં તે યુવાન ઊભો થઈને એલાર્મ બંધ કરે છે. દરમિયાન તેના પગ તૂટી ગયેલ ગ્લાસના કાચના ટુકડા ઉપર પડે છે. આથી તેનો પગ ચીરાય છે, પણ તે યુવાનને દુઃખની સંજ્ઞા ન થતી હોઈ કાંઈ ખબર પડતી નથી. ઘણું લોહી વહી ગયા પછી તેને કોઈ પ્રવાહીમાં તે ચાલે છે તેવો સ્પર્શ થતાં તે નીચે જુએ છે, ત્યારે તેને ખ્યાલ આવે છે કે તેને વાગ્યું છે અને તેમાં એટલું બધું લોહી વહી જાય છે કે હૉસ્પિટલમાં દાખલ કરવો પડે છે. જો તેને દુઃખની ખબર પડતી હોત તો તેણે તરત જ પગ ઉઠાવી લીધો હોત ને લોહી બંધ કરવા માટે પાટાપિંડી કરી લીધાં હોત. પરિણામે તેનું આટલું બધું લોહી વહી જાત નહિ અને હૉસ્પિટલમાં રહેવું પણ પડત નહિ. દુઃખની આપણને સંવેદના ન થાય કે દુઃખની ખબર આપણને ન પડે તે પણ એક વિકૃતિ છે. આમ દુઃખ ન થવું એ ખરેખર જ એક મોટી બીમારી છે. દુઃખ જીવનની અંદર સલામતી આપે છે. દુઃખની જાણ થતાં જ મનુષ્ય સ્વાભાવિકપણે તેનાથી બચવા યત્ન કરે છે, અને તેના શરીરની સંભાળ રાખે છે. આમ, દુઃખ તો શરીરનો સાચો રખેવાળ છે.

વળી શારીરિક દુઃખ જેમ શરીરને સાચવવા-દરકાર રાખવા માટે ચેતવણીરૂપ બને છે તેમ, તે દુઃખ સહન કરવાની આપણી ક્ષમતા પણ વધારે છે. પહેલી વખત છાતીમાં ગભરામણ થાય ત્યારે મૃત્યુ પાસે આવ્યું જાણી આપણે અધમૂવા થઈ જઈએ છીએ, ધમાલ કરી મૂકીએ છીએ. પણ જ્યારે ડૉક્ટર જણાવે છે કે, ‘આ તો ગૅસની તકલીફ છે, વાયુનો પ્રકોપ છે.’ ત્યારે તરત હોશમાં આવી જઈએ છીએ. ફરી વાયુ ન થાય તેવો ખોરાક અને ઔષધ લઈએ છીએ. તેમ છતાં કોઈ વાર અનિયમિત થતાં કે વિવિધ ખોરાક લેવાતાં ફરી વાયુ થાય છે તો હવે ગભરાતા નથી, અધમૂવા થઈ જતા નથી. પણ મનની સમતુલા રાખીને તરત ઔષધ લઈએ છીએ. આપણે જોયું કે પહેલાં થયેલા વાયુપ્રકોપના દુઃખે આપણને બીજી વખત થયેલા વાયુપ્રકોપના હુમલામાં મનની સમતુલા આપી, તે દુઃખમાં સહન કરવાની ક્ષમતા આપી ! કોઈ પણ શારીરિક દુઃખ એવી નવી તાકાત આપે છે. પ્રતિકાર કરવા માટે શરીરને તૈયાર કરે છે. તેથી જ તો આપણે શરીરમાં વિવિધ રોગ થાય તેવી રસી દાખલ કરી, તે રોગનો હળવો હુમલો વહોરી લઈએ છીએ. તેના દ્વારા તૈયાર થયેલ શરીર ભવિષ્યમાં આવી પડનાર હુમલા સામે રક્ષણ કરી શકે છે. ભવિષ્યમાં શીળી, ઓરી, અછબડા, બાળલકવા, ધનુર, કોલેરા, ટાઈફોઈડ, મોટી ઉધરસ વગેરે ન થાય તે માટે ડૉક્ટરો બાળકોને જન્મ્યા પછી આ પ્રકારની રસી આપી તે રોગને હળવા પ્રકારે તે શરીરમાં દાખલ થવા દે છે. જેથી બાળકની ક્ષમતા, એટલે શરીરમાં ભવિષ્યમાં તે રોગ સામે પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થઈ જાય છે. એટલા માટે તો શીળી નીકળે ત્યારે ઘરગથ્થુ ઈલાજમાં ગરમ વસ્તુ ખવડાવાય છે, જેથી શરીરમાં શીળી વગેરે ગરમી વિશેષ પ્રમાણમાં નીકળે અને શરીર વધારે પ્રતિકારશક્તિ મેળવે. આમ, અજાણતાં આપણે દુઃખને પૂજીએ છીએ, આવકારીએ છીએ. દરેક રોગ, શરીરને દુઃખ આપે છે; પણ તે દુઃખ ભવિષ્યમાં આવી પડનારા મોટા દુઃખ સામે લડવા માટે, પ્રતિકાર કરવા માટે અને સહન કરવા માટે સાવ નવી જ વિશિષ્ટ શક્તિ (ક્ષમતા) આપે છે, લાયકાત આપે છે.

તેથી શું દુઃખનો તિરસ્કાર કરવો વાજબી છે ? દુઃખ તો તમારું સાચું સાથી છે. આ સમજ આવે એટલે દુઃખમાં આપણે પ્રસન્નચિત્ત રહી શકીએ. ધીમે ધીમે જીવન પ્રત્યે આપણી એક સાચી સમજ કેળવાય, કે દરેક દુઃખ આપણી શક્તિ વધારે છે ! પ્રગતિ માટે દુઃખ એક સોપાન છે. દુઃખનાં પગથિયાં ચડતાં ચડતાં મનુષ્ય પોતાની જાતને ઘણી ઊંચી લઈ જાય છે. કોઈક વાર લાગે કે દુઃખથી શરીરની બધી શક્તિ હણાઈ ગઈ છે. પણ તે તો એક બિનકાયમી તબક્કો છે. તે દુઃખ દ્વારા શરીર એક એવી શક્તિ મેળવે છે કે તેનાથી મોટા દુઃખ સામે લડવું આસાન બને છે, જીવનની કઠોરતા ઝીલવા સમર્થ થવાય છે. તેમ કરતાં કરતાં કદાચ શરીરમાં મૃત્યુ આવે તો તે પણ પછી જાણે કે ચેતના માટે આ શરીર નકામું થયું છે તો લાવ બીજું શરીર ધારણ કરી લઉં, એવી સરળતાથી તેવી વ્યક્તિઓ શરીરને છોડી દે છે. સંતપુરુષો આવા અભિગમથી મૃત્યુથી ડરતા નથી. શ્રી રામકૃષ્ણ પરમહંસ અને શ્રી રમણ મહર્ષિએ પોતાના શરીરમાં થયેલા કૅન્સરના મહાવ્યાધિને વધાવી લીધો હતો. તેવા અસાધ્ય રોગમાં પણ એમનું મન પ્રસન્ન હતું, વળી દુઃખને વધાવનાર મનુષ્ય તો મૃત્યુ સાથે દોસ્તી બાંધી લે છે. શ્રી રામકૃષ્ણ પરમહંસને અંતકાળે વિવેકાનંદજીએ કહ્યું :
‘પ્રભુ, આપ તો સમર્થ છો, આ રોગને શમાવી લો.’
‘શરીરનો આવડો બધો મોહ તને ક્યાંથી થયો, નરેન ?’
‘પ્રભુ, આપના જેવી મહાન ચેતનાને ધારણ કરનાર શરીર પણ અમારે મન બહુ જ પુણ્યમય તીર્થ છે – મંદિર છે, તે શરીરને સાચવી લો, અમારે માટે સાચવી લો.’
‘કદાચ સાચવી લઈશું તો શું થશે ?’ પરમહંસ બોલ્યા, ‘ગાંડા, પછી તો તમે કોઈ તમારી મેળે આગળ વધી શકશો નહિ. મારે કારણે પાંગળા રહેશો અને પરમાત્માને પામવા માટે તો દરેકે પોતાની રીતે, છેવટે બધા ટેકા છોડીને આગળ વધવાનું છે ! આ મૃત્યુ તો મારે માટે દિવ્યતાનું દ્વાર છે. અન્યને મૃત્યુ નવપલ્લવિત શરીર આપે છે. ચેતનાને સાચો વિશ્રામ મળે તેવું શરીર આપે છે. મને મૃત્યુ આપશે પરમ ચેતના સાથેનું ઐક્ય. આવો અવસર શા માટે છોડી દઉં ? શરીર તો છૂટવા દેવું જ યોગ્ય છે ! કુદરત આપણી ઘણી જ સંભાળ રાખે છે. તેના કાયદાનું અતિક્રમણ કરવામાં આપણી ભલાઈ નથી.’ રામકૃષ્ણે જીવનના અંતિમ સમયે આપેલું આ જ્ઞાન, તેમના જીવનમાં તેમણે દુઃખનો કેવો મધુર સ્વીકાર કર્યો છે તે સમજાવે છે.

દુઃખ ન હોય તો સુખની અનુભૂતિ પણ થતી નથી. દુઃખ જેટલું તીવ્ર હોય તેટલી જ સુખની તીવ્રતા અનુભવાય છે. ખૂબ દુઃખ આવી પડે ત્યારે અને તેમાંથી મુક્ત થઈએ ત્યારે જે રાહત અનુભવાય છે તે સુખકારક લાગે છે. પ્રસૂતિની તીવ્ર વેદના બાળકના જન્મનો અનેરો આનંદ આપે છે. બાળક ઉપર વહાલની ભૂમિકા ઊભી કરે છે. આમ દુઃખ જીવનના રક્ષણ માટે જરૂરી છે. સુખની સંવેદના માટે તો દુઃખ ન હોય તો ચાલી શકે નહિ. બહુ ગહેરાઈથી વિચારશો તો લાગશે કે જીવનમાં જે ગતિ છે તે દુઃખને લીધે છે. નિત્ય સુખ હોય તો માણસની ગતિ સંભવિત નથી.

એક માણસને શારીરિક દુઃખ થાય તો તેના ઈલાજ માટે તે ડૉક્ટર પાસે કે અનુભવી પાસે દોડી જશે. તે દુઃખ નિવારવા આર્થિક સદ્ધરતા મેળવવા અન્ય પરિશ્રમ પણ કરશે. કોઈ વળી ભૌતિક કષ્ટ વેઠતો હશે તો પોતાની સગવડો વધારવા માટે, પૈસા માટે દોડધામ કરશે. રોજ તે ઘરમાં શું સગવડો નથી એ વિચારો અને એ સગવડો ઊભી કરવા વધારાના પૈસા મેળવવા તે વધારે શ્રમ કરશે. આ શ્રમ તેને શારીરિક રીતે ઉપયોગી થઈ પડે એવું પણ બને. આમ દુઃખ તેના જીવનને દિશા આપે છે, શરીરને પોષણ પણ આપે છે. જો સુખને બરોબર સમજશો તો જણાશે કે તે જીવનને સમતુલા આપી શકતું નથી. પરદેશથી તમારા સ્નેહી આવ્યા છે. તમે એને ચાહો છો. તેમને ખૂબ વહાલ કરો છો. તમે એને સ્ટેશન ઉપર લેવા જાવ છો, તેને જોઈને તમે ભેટી પડો છો. તે પણ તમને બહુ જ સ્નેહથી બાઝી પડે છે, પોતાની સાથે પ્રેમથી દબાવે છે. તમોને સુખની પરાકાષ્ઠા લાગે છે. પણ જુઓ, તે થોડી વધારે વાર તમોને બાથમાં દાબી રાખે છે, હવે તમારી લાગણી બદલાઈ છે. સુખને બદલે તમને કષ્ટ થાય છે. હવે તે ક્યારે છોડે તે માટે તમે ધીમો પ્રયત્ન કરો છો. જો તે તમારા પ્રયત્નને નાકામિયાબ બનાવીને હજુયે તમને વળગી રહે તો થોડી વારમાં એક ધિક્કારની લાગણી જન્મે છે. ‘તે શા માટે મને છોડતો નથી ? તે કેવો જંગલી છે !’ તમે વધુ પ્રયત્ન કરી છૂટવા મથો છો અને તેમ છતાં તે ન છોડે તો તમે મોંએ કાંઈ અઘટતું બોલી પડો છો. સુખની- લાંબા સુખની આવી વલે થાય છે.

દુઃખમાંથી તો સુખ મેળવવાની દિશા રહે છે, સુખ મળે તેવી આશા રહે છે, ઉત્સાહ રહે છે, સુખ મળે ત્યારે એક સંતોષ અને રાહતની લાગણી રહે છે. પણ સુખમાંથી જે પ્રાપ્ત થાય છે તે બહુ જ નિરાશાજનક હોય છે. મળેલું સુખ છીનવાઈ ન જાય તેનો ભય રહે છે. લાંબો સમય તેવું સુખ રહેતાં કંટાળો રહે છે. જીવનમાંથી રસ ઊડી જાય છે. દુઃખ તમોને પાછળ જોવાની- જીવનને મૂલવવાની તક આપે છે. દુઃખથી તમે ધર્મ તરફ વળવા પ્રયત્ન કરો છો. દુઃખના અનુભવથી તમે બીજાના દુઃખને સમજી શકો છો. બીજાને મદદરૂપ થવા પ્રયત્નશીલ રહો છો. દુઃખ સામા માણસને પ્રેમ, સહકાર અને હૂંફ આપે છે. સુખમાં તમે અન્યને ભૂલી જાવ છો. ધર્મથી વિમુખ બનો છો. અહંકારને આવકારો છો. તેને કારણે આસપાસનાં સૌના તિરસ્કારનું ભાજન બની જાવ છો. જો દુઃખને સમજશો તો તમોને તે જીવનઘડતર માટે સોનારૂપ લાગશે. તમારી ક્ષમતા અને લાયકાત દુઃખથી વધે છે. દુઃખ જીવનમાં રસ આપે છે. દુઃખને આવી રીતે સમજશો તો તમારા મનમાં પ્રસન્નતા અનુભવાશે. સુખ કરતાં એ અનેકગણી ઊંચી લાગણી છે. આપણે કદી દુઃખનો સારો વિચાર જ નથી કર્યો ! જીવનમાં તેને તિરસ્કારી, તેનાથી ડરી, તેને દૂર કરવા દોડીએ છીએ. એમાં ને એમાં જીવનને નિરાશામય, ક્લિષ્ટ અને ધૂંધળું બનાવી દઈએ છીએ. ઈશ્વરે આપણને મોકલેલા એ આશીર્વાદને આપણે સ્વીકારી શકતા નથી.

આપણા સાંસ્કૃતિક વારસા અને વૈભવ તરફ નજર કરો. ભૂતકાળમાં થયેલા મહાન પુરુષોની મહત્તા, તેમણે સહન કરેલાં દુઃખથી છે. રંતિદેવ અને કુંતા માતાજીએ તો પરમાત્મા પાસે દુઃખ જ માગ્યાની કથાઓ આપે વાંચી હશે. દુઃખ પ્રત્યે આપણો માનસિક અભિગમ – આપણી મનની ભૂમિકા જ્યારે બદલાશે ત્યારે જીવનમાં ફોરમ પ્રગટશે, જીવન જીવવાની મજા માણી શકાશે. તેથી હું એમ નથી કહેતો કે સદાયે દુઃખ આવી પડે એવી પ્રાર્થના કરો, કે દુઃખ ઊભું થાય તેવા પ્રસંગો ઊભા કરો. હું એમ પણ નથી કહેતો કે આવી પડેલા દુઃખમાંથી છૂટવા પ્રયત્ન ન કરો. ઉપર્યુક્ત વિશ્લેષણનો એવો અર્થ થતો નથી. તેમાં તત્વ આટલું જ છે : દુઃખ પ્રત્યે આપણી જે ભાવના છે તેને સમજો અને તે સમજ જ દુઃખ પ્રત્યે આપણો અભિગમ બદલશે. દુઃખ આવી પડે ત્યારે આ સમજ હશે તો મન તેમાંય પ્રસન્ન રહેશે. દુઃખથી મૂંઝાશો નહિ; આવી પડેલા દુઃખમાં સમતા રાખશે, માનસિક સમતુલા અનુભવશે. દુઃખને કારણ પછી માણસ મગજ ગુમાવીને અન્યને દુઃખ ઉત્પન્ન થાય તેવું કાંઈ નહિ કરી બેસે. દુઃખમાં મન તટસ્થ રહેતાં દુઃખનો સમતાપૂર્વક સામનો કરી શકશે. તેમાંથી નીકળવાનો સાચો માર્ગ ખોળી શકશે.

દુઃખમાંયે મનને આ રીતે સમજવું તે માનસિક વિકાસ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “દુઃખ : તમારું સાચું સાથી – પુષ્કર ગોકાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.