[ ‘પરિચયનાં પારિજાત’ પુસ્તકમાંથી સાભાર.]
[dc]સ[/dc]વારના પહોરમાં શ્રીધરકાકાનો ફોન આવ્યો. મને કહે, ‘તમને એક તસ્દી આપવાની છે. આજે કેટલા વાગ્યે મારે ત્યાં આવવાનું તમને ફાવશે ?’ સમય નક્કી કરીને સાંજે એમને મળવા હું ગયો. ઔપચારિક વાતચીત પૂરી થતાં એ બોલ્યા :
‘તમને જે ખાસ હેતુથી બોલાવ્યા છે, તે વાત કરી દઉં…..’
‘કહો….’
‘અમારી પેઢીના મુનિમજીને તો તમે ઓળખો છો ને ?’
‘હા, રામુકાકાની જ વાત કરો છો ને ?’ મેં કહ્યું.
‘બરાબર.’ કહીને એમણે ખોંખારો ખાતાં કહ્યું, ‘તમારે એમને મનાવી લાવવાના છે….’
‘પહેલાં એ તો કહો કે રામુકાકા રિસાયા ક્યારે ?’
‘અઠવાડિયું થઈ ગયું……’
‘શી વાત બની હતી ?’
‘વાતમાં તો જાણે…. મારી જ ભૂલ હતી. મેં એમને એંશી હજાર રૂપિયા બેંકમાં ભરવા માટે રોકડા આપેલા. બેંક બંધ થવાની તૈયારી હતી ને રકમ ભરવી જ પડે તેમ હતું, કારણ કે મેં વધુ રકમના સામે ચેક આપેલા હતા. મુનિમજી, મેં આપેલી રકમ લઈને નીકળી પડ્યા. કલાક પછી હાંફળા-ફાંફળા પાછા આવ્યા. મને કહે,
‘આ તો સિત્તેર હજાર રૂપિયા છે….’
‘હોય જ નહીં…. પૂરા એંશી હજાર તમને આપેલા….’
‘તમારી ભૂલ થતી હશે. તમે મને પૈસા આપ્યા તે બેગમાં નાખીને તરત હું બેંકે પહોંચ્યો. પણ ત્યાં ગણ્યા તો દસ હજાર રૂપિયા ઓછા હતા.’
‘એ બને જ શી રીતે ?’
‘ભૂલથી…..’
‘મારાથી આટલી મોટી ભૂલ થાય જ નહીં….’
‘તો બીજા કોઈને એમાંથી તમે દસ હજાર આપ્યા હશે….’
મને મુનિમજી સાથે વાત કરવાનું ન ગમ્યું. બેંકમાં સમયસર રકમ ન ભરાવાને કારણે મેં આપેલા ચેક નહીં સ્વીકારાય એ કારણે પણ મનમાં રોષ પ્રજળી રહ્યો. મારાથી એલફેલ બોલાઈ ગયું. એમના ઉપર ચોરીનું આળ ચડાવી માર્યું…..’
‘પછી ?’ મેં વચ્ચે જ પૂછ્યું.
‘મુનિમજી રડી પડ્યા…. ખૂબ કરગર્યા…. પણ હું મક્કમ રહ્યો. એમને નોકરીમાંથી દૂર કરી દીધા….’
‘પણ દસ હજાર રૂપિયાનું શું થયું ?’
‘બીજા દિવસે મુનિમજી આવ્યા. મને કહે, શેઠજી ! લો, આ તમારા દસ હજાર રૂપિયા…. ! મારાથી ભૂલ થઈ ગઈ. મને માફ કરો….. ને એટલું કહીને એ ચાલતા થયા. હું મનોમન એમના પ્રત્યે તિરસ્કાર અનુભવી રહ્યો. મુનિમજીને મેં સદાય વડીલ તરીકે આદર આપ્યો હતો, છતાં એમણે મારી સાથે આવો દુર્વ્યવહાર કર્યો એનો મને ઊંડો અફસોસ થયો.’ કહીને શ્રીધરકાકા થોડો સમય અટક્યા.
મારા મનમાં જાતજાતના તર્ક-વિતર્ક ઉદ્દભવતા હતા. જો મુનિમજીએ રૂપિયા દસ હજાર લઈ લેવાની ભૂલ કરી હતી તો શ્રીધરકાકાએ તેમના માથે આળ ચડાવ્યું કેમ કહેવાય ? ઊલટાનું પોલીસ કેસ નહિ કરીને મહેરબાની કરી કહેવાય…..! ને મુનિમજી એ રકમ પાછી શા માટે આપી ગયા હશે ? કશો પુરાવો તો હતો નહીં….! વળી શ્રીધરકાકાએ એમને નોકરીમાંથી પણ તગડી મૂક્યા હતા……
એમને કશો ભય લાગ્યો હશે ?
એમનો અંતરાત્મા જાગ્યો હશે ?
નોકરી પાછી મેળવવાની લાલસાથી રકમ પરત આપીને ક્ષમા માગવા આવ્યા હશે ? હું વિચારતો હતો ત્યાં જ શ્રીધરકાકા બોલ્યા : ‘મુનિમજી મને દસ હજાર રૂપિયા પાછા આપીને ક્ષમા માગીને ચાલ્યા ગયા….. એ જ દિવસે અમારી એક ગ્રાહક કંપનીના મેનેજરનો ફોન આવ્યો. એમણે ફોનમાં કહ્યું કે :
‘ગઈકાલે અમે તમને આપેલી રોકડ રકમમાં ગોટાળો થયો છે.’
‘કેવો ગોટાળો ?’ મને ફાળ પડી.
‘રૂપિયા દસ હજારનો ગોટાળો… તમને શરતચૂકથી દસ હજાર ઓછા અપાયા છે. એક બંડલ અહીં ટેબલ ઉપર જ રહી ગયું હતું. અત્યારે મારી પાસે જ એ મૂકી રાખ્યું છે. મુનિમજીને મોકલીને મંગાવી લેવા વિનંતી છે. આમ તો ગઈકાલે જ રાત્રે અમને ખ્યાલ આવી ગયેલો… તમને ફોન કરવા ખૂબ પ્રયત્ન કર્યો, પણ તમારી ઓફિસ બંધ થઈ ગઈ હતી….’
મેનેજરનો આ ફોન સાંભળીને મને સમગ્ર વાતની ઘડ બેસી ગઈ. એ મેનેજરે મને આપેલી રકમ મેં પણ ગણી નહોતી. તેમાં ઉપરના વીસ હજાર ઉમેરીને મુનિમજીને મેં બેંકમાં મોકલ્યા હતા…. મને ખૂબ પસ્તાવો થયો. મારી પેઢીના ખાનદાન મુનિમજી પ્રત્યે મેં કાદવ ઉછાળ્યો એ માટે મને ઊંડી વેદના થઈ…..’ શ્રીધરકાકાએ રૂમાલ કાઢીને પાંપણો લૂછી.
મેં કહ્યું : ‘પણ તમે તો કહેતા હતા કે મુનિમજી પણ ક્ષમા માગીને તમને દસ હજાર રૂપિયા આપી ગયેલા.’
‘હા, એ રકમ પણ મારી પાસે પડી છે….’
‘પણ મુનિમજીએ પૈસા ન લીધા હોત તો તમને શું કામ આપી જાત ?’
‘સ્વમાની માણસ બીજું શું કરે ? મને તો લાગે છે કે એ ગાંઠના પૈસા આપી ગયા હશે…..!’
‘તો તો ખરેખર તમારી મોટી ભૂલ ગણાય…..’
‘ભૂલ નહીં, અપરાધ જ ગણાય…..’ શ્રીધરકાકા બોલ્યા. પછી ઊંડો શ્વાસ લઈને બોલ્યા, ‘મેં પછી તો પ્રાયશ્ચિત રૂપે માણસને મોકલીને ક્ષમા માગીને તેમને ફરીથી કામ ઉપર જોડાઈ જવા કહ્યું, પણ હવે એ માનતા જ નથી ! આ રકમ લેવાની પણ ના પાડે છે ! એટલે મને થયું કે હવે તમને જ તસ્દી આપું. તમે ગમે તેમ કરીને એમને સમજાવો… મનાવો. મારી ભૂલ માટે હું ક્ષમા માગવા તૈયાર છું…..’
મેં કહ્યું : ‘હું પ્રયત્ન કરી જોઉં…..’
ને એ જ રાત્રે દસ હજાર રૂપિયા લઈને હું રામુકાકાને ઘેર પહોંચ્યો. રામુકાકા હાજર નહોતા. એમનાં પત્નીને મેં પૂછ્યું :
‘રામુકાકા ઘેર નથી ?’
‘ના, ટ્યુશન ભણાવવા બહાર ગયા છે.’
‘મારે એમને મળવાનું હતું….’
‘શ્રીધરભાઈએ મોકલ્યા છે ?’
‘હા….’
‘શું કામ છે ?’
‘એમના પૈસા એમને પાછા આપવાના હતા…. ને શ્રીધરકાકા વતી ક્ષમા માગવાની હતી…..’
‘માથું વાઢીને પાઘડી બાંધવા આવ્યા છો ?’
‘એવું ન બોલો, કાકી….! ભૂલ અને ગેરસમજ માનવી નહીં કરે તો બીજું કોણ કરશે ?’
‘જવા દો એ વાત….’ કાકી બોલ્યાં, ‘મોટા શેઠિયાઓને એમના પૈસામાં જ રસ હોય છે. નાના માણસની આબરૂને પણ એ એમના પૈસાના ત્રાજવે જ તોળે છે. તમારા શેઠને તો કદાચ ખબર પણ નહીં હોય, પણ તેમના આક્ષેપોએ તો એમને (રામુકાકાને) બે દિવસ સુધી ખાવા-પીવાનું હરામ કરાવ્યું હતું. મારા જૂના દાગીના વેચીને રકમ એમને પહોંચાડી. એમના ત્યાં નોકરી કરીને વફાદારી બતાવવાની ભૂલ કરી એની માફી માગીને એ પાછા આવ્યા. માંડ માંડ આશ્વાસન આપીને એમને શાંત કર્યા. થોડા વખતથી તો એ આજુ-બાજુમાં ટ્યુશન કરવા જાય છે….. રૂપિયા તો કેટલા જોઈએ ? અમે તો બે માનવી છીએ. પેટે વસ્તાર નથી. એટલે ગુજારો તો ગમે તેમ કરીને કરી લઈશું…..’ કાકી અત્યંત આક્રોશપૂર્વક બોલ્યાં.
એટલામાં રામુકાકા આવ્યા. એ મારા આગમનનો હેતુ સમજી ગયા. એમણે કાકીને કહ્યું : ‘રહેવા દે હવે… આ ભાઈ સામે આક્રોશ વ્યક્ત કરવાનો શો અર્થ ?’
મેં કહ્યું : ‘કાકા, એમનો આક્રોશ તો શ્રીધરકાકા પ્રત્યે છે ને એ આક્રોશ ખોટો પણ નથી.’
‘ખોટો કે સાચો, પણ હવે એનો શો મતલબ ?’ કહીને રામુકાકા શાંત બની ગયા.
મેં કહ્યું : ‘શ્રીધરકાકાએ હૃદયપૂર્વક તમારી ક્ષમા માગી છે. આ તમારી રકમ પરત મોકલી છે. ને તમને ફરીથી કામ ઉપર આવી જવા કહેવડાવ્યું છે…. આમ તો એ પોતે જ આવત, પણ એમનો પગ ભારે થઈ ગયો છે….’
‘હું પણ એ ઑફિસમાં હવે પગ નહીં મૂકી શકું….. મારો પગ પણ ભારે થયો છે….’
‘તમે ક્યાં કશો અપરાધ કર્યો છે ?’
‘અપરાધ કરતાં આક્ષેપ મોટો છે….! ને અમારા જેવા માટે તો અમારી આબરૂ એ જ અમારી શ્રીમંતાઈ છે… એને લૂંટાવવાનું કેમ પરવડે ?’
મેં લાગણીપૂર્વક કહ્યું : ‘કાકા ! બહુ શ્રદ્ધા લઈને આવ્યો છું. તમે તો વડીલ છો. એક વ્યક્તિની ભૂલ સુધારવા માટે, તેને પ્રાયશ્ચિત કરવા માટે તમે એને તક પણ નહીં આપો ?’
રામુકાકા ચૂપ રહ્યા.
મેં રકમ એમની સામે મૂકતાં કહ્યું : ‘શ્રીધરકાકા તમને પૂરા સન્માન સાથે સ્વીકારશે. તમે એમને માફ કરી દો.’
‘એ તો શક્ય જ નથી…..!’ રામુકાકા બોલ્યા.
એમની મક્કમતા અણનમ હતી. મને પણ ‘શું કરવું’ તે સૂઝતું નહોતું. થોડીવારે એકાએક વિચાર આવતાં મેં કહ્યું : ‘રામુકાકા ! તમે ભલે શ્રીધરકાકાની ઓફિસે નોકરી કરવા ન આવશો, પણ તમે બે રીતે એમને માફ કરી શકો છો.’
‘કઈ બે રીતે ?’
‘એક તો આ રકમ પરત લઈ લો…. ને બીજું આમેય તમે ટ્યુશન શરૂ કર્યા છે તો હવે તમે શ્રીધરકાકાનાં બાળકોને ટ્યુશન ભણાવવા એમના ઘરે આવો….!’ રામુકાકા ઘડીભર વિચારી રહ્યા…. પત્નીની સામે નજર કરી. પછી બોલ્યા :
‘ભલે, એટલું જરૂર કરીશ….!’ ને ત્યારથી રામુકાકા મુનિમ મટીને શિક્ષક બની ગયા. એ દરરોજ શ્રીધરકાકાને ત્યાં બાળકોને ભણાવવા નિયમિત આવવા લાગ્યા.
શ્રીધરકાકાની મોટી દીકરી પ્રથમ નંબરે પાસ થઈ, ત્યારે શ્રીધરકાકાએ એક ભવ્ય મિજબાની ગોઠવી. રામુકાકા એમનાં પત્નીને લઈને આવ્યા હતા. શ્રીધરકાકાએ સાત તોલા સોનાનો સેટ એમને આપતાં કહ્યું :
‘આટલું ગુરુદક્ષિણા રૂપે ભેટ…..!’
‘આટલી મોટી ગુરુદક્ષિણા ન હોય….’ રામુકાકા બોલ્યા.
‘મેં કરેલા અપરાધના પ્રાયશ્ચિત્ત રૂપે તો આ ઘણું ઓછું જ કહેવાય….. રામુકાકા ! તમે તો મને મારા અપરાધ માટે માફ કરી દીધો, પણ હું હજી મારી જાતને માફ કરી શક્યો નથી !’ શ્રીધરકાકા બોલ્યા. ત્યાં જ રામુકાકાનાં પત્નીએ કહ્યું :
‘શેઠજી ! એક શરતે આ ગુરુદક્ષિણા સ્વીકારું…..’
‘કઈ શરત ?’
‘તમારી દીકરીનાં લગ્ન વખતે એને હું આ સેટ ભેટ રૂપે આપું ત્યારે તમારે ના નહિ પાડવાની…..!’
શેઠ ગળગળા થઈ ગયા.
સૌનાં હૃદય દ્રવી ઊઠ્યાં.
25 thoughts on “રામુકાકા – રોહિત શાહ”
Really good one……..
સરસ્.સત્ય વાસ્તવિકતા સમજાવેી.માનસાઈ હજેી જિવન્ત ચ્હે.સમાજ્મા ક્વચિત રામુકાકા જેવા જિવન્ત પાત્રો ઝલ્હલે ચ્હે.
one who is shouting for 10000 how can give gift such a precious article …. ? lekhak ne vinanti thodu vyajbi lakho…
ખુબ સરસ.
અત્યારના જમાનામાં આવા લોકો જોવા નથી મળતા, પણ ખરેખર આવા લોકો હોય છે.
વાર્તા સરસ અને અસરકારક છે. એકદમ સરળ રજુઆત ગમી જાય તેવી છે. રામુકાકા મુનિમ મટીને શિક્ષક બની ગયા તે વાત લેખકે જે રીતે રજૂ કરી છે તેનો મર્મ સમજવા જેવો છે. ખુબ સુંદર.
આ વાર્તા સાચે જ સરસ ચ્હેહ્.મારિ આન્ખો મા જર્જરિયા આવિ ગયા. આવઇ વફ્ફાદારઇ આ એકવિસ્મિ સદિ મા સ્વપ્નવત ચ્હે.
nice story rohitbhai.
Very inspiring and heart-touching story. It is written in a simple way, but very effective. Enjoyed reading every bit of it.
Few sentences are very heart-touching – like: ‘અપરાધ કરતાં આક્ષેપ મોટો છે….! ને અમારા જેવા માટે તો અમારી આબરૂ એ જ અમારી શ્રીમંતાઈ છે… એને લૂંટાવવાનું કેમ પરવડે ?’
Thank you for writing this and sharing it with us Mr. Rohit Shah. Would love to read more from you. Keep up the good work 🙂
વાર્તા સારેી છે ૫ણ આવુ વસ્તવેીક મા નથેી હોતુ
You are right
વાર્તા ખરેખર ખુબ જ સરસ હતિ, પરન્તુ વાસતવ મા સક્ય નથિ……!
story was good, but not possible in this tens………!
આતો વાર્તા છે અને વાસ્તવિક હોય તેને વાર્તા ન કહેવાય પણ સત્યઘટના કહેવાય.
રજુઆત સરળ શૈલીમાં હોવાથી સારી લાગી…
સરસ વાર્તા, કેટલાક વાચક મિત્રો નો પ્રતિભાવ છે – વાસ્તવ માં / આજ ના જમાના માં આ શક્ય નથી – પણ જો તમે તમારી જાત ને રામુકાકા કે શ્રીધર ભાઈ ની જગ્યા એ મૂકી ને વિચારો તો શું તમે આજ રીતે ના વર્ત્યા હોતે? વળી દરેક જમાને સારા અને ખરાબ ( કે પરિસ્થિતિ પ્રમાણે સારા કે ખરાબ) લોકો હોય જ છે – રામ પણ, રાવણ પણ, યુધિષ્ઠીર – દુર્યોધન, કોઈ જમાનો સારો કે ખરાબ નથી હોતો.
Mrugeshbhai,
Could you please mail me the book details, the name of publisher and contact info.
Thanks,
Dhaval Shah
ખુબ જ સરસ વાર્તા…લેખકને અભિનંદન કે તેઓ વાચકનાં હ્રદય સુધી પહોચી શક્યા…
ખુબ સરસ વાર્તા..ખરેી માન્સાઈ
ખુબ સરસ વાર્તા
ખુબ જ સુંદર વાર્તા. ઘણી વાર આવું બનતું હોય છે કજેમ કે પોતાને મળવાપાત્ર રકમ પૂરી ન મળતા માણસ સામે રખાયેલી હકની રકમ પણ ત્યાં જ મૂકી ‘ તો રાખો આ પણ’ કહીને ચાલ્યો જાય છે. ને આવું બંને કે નહી એના કરતા અહીં જે મનોવૃત્તિ રજુ થઇ છે તે અગત્યની છે. તમે કોઈના સો સારા કામ કર્યા હોય વફાદારી સારપના સંગે, પણ એક કામ ભૂલથી પણ બગડ્યું કે તમારા વાંક વિના પણ બગડ્યું એટલે તમને ઘડીના છઠા ભાગમાં કોડીનો કરી દેતા.જુનું બધું સારું ભૂલી જતાં માણસ જરાય શરમાતો નથી ! સુંદર વાર્તા. સૌને અભિનંદન.
ંમાન્નસે સમજિ વિચારિને વાત કરવિ જોઈ
કવિ કલાપિનિ પન્કતિઓ યાદ આવિ ગૈ હા પસ્તવો વિપુલ ઝરનુ સ્વર્ગથિ તે ઉતર્યુ ચ્હે
Nice story…
અઢળક સારા પ્રતિભાવ પ્રાપ્ત રચના ને “વાર્તા કે સત્ય ઘટના” કહેવી એ એક અલગ વિષય છે. પણ કાલ્પનિક ( ફેન્ટસી) તો નથી જ. જગતમા આવા બનાવો બનતા જ રહે છે.
આવા ખોટા નિર્ણયો ને સુધારવાની ઘણીવાર “કોઇ તક મળતી નથી” એ એટલી જ સત્ય હકીકત છે.
સૌ પ્ર્થમ આ વાર્તા નથિ આ સત્ય્ઘટન છે., જે કોઇક્નિ સમજમા નહિ આવે.
હ્ર્દય સ્પર્શિ સુનદર સત્યઘટના ખુબ સરળ રિતે પેશ થયેલો પ્રેરક પ્ર્સન્ગ.
I like