- ReadGujarati.com - http://www.readgujarati.com -

અંતઃસ્ફુરણા અને આવિષ્કાર – ડૉ. પંકજ જોષી

[ ડૉ. પંકજભાઈના લેખનથી આપણે પરિચિત છીએ. થોડા દિવસો અગાઉ જ આપણે તેમનો એક લેખ માણ્યો હતો. દેશના અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક એવા પંકજભાઈની ‘ફાયરબોલ’ થિયરી વિશે આપણે અગાઉ વાત કરી હતી. તેમનો આ લેખ ‘નવનીત સમર્પણ’ ફેબ્રુઆરી-2013માંથી સાભાર લેવામાં આવ્યો છે. આપ તેમનો આ સરનામે psjcosmos@gmail.com સંપર્ક કરી શકો છો.]

[dc]કે[/dc]ટલાક સમય પહેલાં એક વિદ્વાન સંગીતકારને મળવાનું થયેલું. સાહિત્ય, સંગીત, વિજ્ઞાન આ બધી વાત એમની સાથે અનાયાસે જ ચાલતાં તેઓ મને કહે, ‘જુઓ, આ તમારા વિજ્ઞાનમાં બધી ગણતરીઓ થાય. પણ બધી વાતનાં એમ ગણિત નથી મંડાતાં અને બધું એમ ગણતરીમાં ન પકડાય. અમારા સંગીતમાં સૂર હૃદયમાંથી પ્રગટ થાય છે અને અંદરથી જ સુરાવલીઓની સ્ફુરણા ઝરણાંની જેમ વહે છે.

મેં તેમને સહમત થતાં તરત કહ્યું : ‘જુઓ ગુરુજી, આપની વાત તો સાવ સાચી છે ! માત્ર તેમાં એક જ વાત ઉમેરું. વિજ્ઞાનીઓ પણ જ્યારે વિશ્વ વિશે વિચારે છે કે હું પણ મારું કાર્ય કરું છું ત્યારે પહેલેથી થોડી જ ખબર હોય છે કે આજે આ ગણતરી કરીશું કે પેલું ગણિત માંડશું ! આ ટેબલ પર બેઠા કે વ્યાખ્યાનમાં ગયા કે કુદરતમાં એક લટાર મારવા નીકળ્યા, અને ક્યાંક અનાયાસે જ અંતઃસ્ફુરણા થાય છે કે આ સમસ્યા કે રહસ્યનો ઉકેલ તો આ ગણિતીય પગલાથી મળી શકે. અને ગણતરી તો તે પછી શરૂ થાય છે ! આમ વિજ્ઞાન કહો કે સંગીત, મૂળ મહત્વ તો એ અંતઃસ્ફુરણાનું જ છે.’ વિજ્ઞાન અને સંગીતને ભેગા કરવાની આ વાત ગુરુજીને થોડી નવાઈ ભરેલી તો લાગી પણ પછી સાનંદાશ્ચર્ય એ પણ બોલી ઊઠ્યા કે ‘ભાઈ, બાત તો યે સચ લગતી હૈ !’

ખરેખર જોઈએ તો માત્ર આ બે ક્ષેત્રોમાં જ શા માટે, હકીકતે તો જીવનના દરેક પ્રદેશમાં મૂળ શરૂઆત તો આપણી પોતાની અંતઃસ્ફુરણાથી જ થાય છે. ચિત્રકારનું ચિત્ર પહેલાં તો તેની અંદર અંતઃકરણમાં જ આકાર લે છે, કવિની પહેલી પંક્તિ કોઈ સમય, સંજોગ, ઘટના દ્વારા અંદર જ સ્ફૂરી નીકળે છે એક ભાવસ્વરૂપે. સમગ્ર ચિત્ર કે પૂર્ણ કાવ્યની રચના તો પછી સમયાંતરે થાય છે. દર્દીને જોતાં ડૉક્ટર તેનું વિજ્ઞાન-જ્ઞાન ભલે વાપરે પણ નિદાન તો અંતઃસ્ફુરણા દ્વારા જ થાય છે, જેમાં એક પ્રતીતિ આકાર લે છે કે ભાઈ, આમાં રોગ તો આ જ હોવો જોઈએ. પછી વળી બુદ્ધિ કામ કરવા લાગે છે કે તેને માટે કઈ દવા અને કેવો ઉપચાર કરીશું.

મોટા વકીલો કે મહાન રાજકારણીને પણ જ્યારે અટપટી સામાજિક સમસ્યાઓ કે વિશાળ જનહિતના પ્રશ્નોનાં સમાધાન કરવાનાં હોય ત્યારે તેઓ કેવળ વિચાર, તર્ક અને બુદ્ધિથી ઉપર ઊઠીને તેમની મેઘા અને પ્રજ્ઞા દ્વારા નિર્ણયો લેતા હોય છે અને જટિલ ઘટનાઓને અનેક નાનકડાં પગલાંઓ દ્વારા કંઈક નવી જ દિશા અને હલ આપતા હોય છે. ખરેખર તો આવી વિશાળ અને ઊંડી મેઘા તથા પ્રજ્ઞા ધરાવતા હોવાને કારણે જ તેઓ મહાન સમાજશાસ્ત્રી કે રાજકારણી ગણાય છે કે બની શકે છે. વળી આનું જ બીજું નામ છે અંતઃસ્ફુરણા કે અંતઃપ્રેરણા અને આ જ વાતને અવારનવાર ગાંધી ‘અંદરનો અવાજ’ કહેતા ! પણ એવી બધી મોટી મોટી વાતોને જવા દઈએ તોય નાનામાં નાનાં કાર્યો અને નિર્ણયો પણ છેવટે તો અંતઃસ્ફુરણા દ્વારા જ થાય છે. વિદ્યાર્થી પોતાના સમયપત્રકનું આયોજન અને કેમ બધો અભ્યાસ આવરી લેવો તે દ્વારા જ કરે છે. અને સવારમાં ચા પીવા બેસતી ગૃહિણી કે માતાને સૂઝી આવે છે કે ચાલો, આજે તો આ રસોઈ જ બનાવીએ !

આમ જોતાં કાર્યમાત્ર કે સર્જનમાત્રનું મૂળ આપણી અંતઃસ્ફુરણામાં જ મળી આવે છે. અને આ અંતઃસ્ફુરણામાંથી જ પછી ઉત્પન્ન થાય છે આવિષ્કાર. જ્યારે મનુષ્ય પોતાનાં મન, બુદ્ધિ, ઈન્દ્રિયો અને શરીર દ્વારા, પોતાને થયેલી અંતઃસ્ફુરણા પર અને તેના આધારે અને મળેલી દિશા પ્રમાણે કાર્ય કરવા લાગે છે ત્યારે થાય છે આવિષ્કાર. આ કાર્ય જેટલું ઉત્તમ રીતે, જેટલી એકાગ્રતાથી, જેટલા વિશેષ પરિશ્રમથી થાય તેટલો જ ઉત્તમ આવિષ્કાર કે નવી શોધ કે નવું સર્જન અથવા નવી રચના આકાર લે છે. રોજેરોજ નવી અદ્દભુત રસોઈ બને અથવા જમવા મળે એ પણ કોઈ મહાન ચિત્ર કે કાવ્ય કે નવી વિજ્ઞાન શોધ જેવો જ એક સુંદર આવિષ્કાર છે ! વિજ્ઞાનમાં તો અવનવી શોધો અને આવિષ્કાર અચાનક જ અને વીજળીના ચમકારાની જેમ કોણ જાણે ક્યાંથી આવી ચડેલી અંતઃસ્ફુરણા દ્વારા થયાના અનેકાનેક દાખલાઓ છે. મહાન ગણિતશાસ્ત્રી હેન્રી પોંકારે ભૂમિતિના એક ગહન પ્રશ્ન પર વર્ષોથી વિચારી રહ્યા હતા. પછી એક વખત તેઓ કામમાંથી રજા લઈને ફરવા જતા હતા અને ત્યાં તે લખે છે કે તેમણે બસનાં પગથિયાં પર પગ મૂક્યો અને બરાબર ત્યારે જ આ સમસ્યાના સમાધાન માટેનો એક નવો જ વિચાર તેમના મનમાં ચમકી ઊઠ્યો ! તેમાંથી જ તેઓ સાચા ઉકેલ ભણી દોરાયા.

આપણા દેશના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન કેવળ અંતઃસ્ફુરણાને આધારે જ મોટાં મોટાં પરિણામો તથા ગણિતના પ્રમેયો લખી નાખતા ! તેની સાબિતી પૂછો તો તેમને પોતાને પણ ખબર ન હોય, પણ કહેતા કે એ પરિણામ તો એમ જ હોવું જોઈએ ! આમાંનાં ઘણાં પરિણામોની સાબિતીઓ ગણિતશાસ્ત્રીઓએ પછી દાયકાઓની મહેનતને અંતે શોધી છે અને આજે પણ તેમની આવા કેટલાયે ભવીષ્યવાણીરૂપ પ્રમેયો પર કામ ચાલી રહ્યું છે. કેક્યુલે નામના વિજ્ઞાનીને એક સ્વપ્ન આવેલું, જેમાં તેમણે પરસ્પર વીંટળાયેલા સર્પ જોયા અને તેના પરથી રસાયણ તથા જીવનની રચનામાં પાયાનો ભાગ ભજવતા બેન્ઝિન તથા ડીએનએ અણુઓની અગત્યની રચના વિશે તેઓ મૂળભૂત શોધ કરી શક્યા. આમ વિજ્ઞાનમાં તો આવા દાખલાઓની વણજાર છે જેમાં મહત્વની શોધ પાછળ અંતઃસ્ફુરણા ભાગ ભજવી ગઈ હોય. પછી તે અંતઃસ્ફુરણા ક્યાંથી અને કેમ જન્મી તે પૂછો તો તેને વિશે વિજ્ઞાની કે સંશોધક કંઈ જવાબ આપી શકે નહીં ! પરંતુ તે અનેક વાર મહાન આવિષ્કારો ભણી દોરી જાય છે તેમાં શંકા નથી. અલબત્ત, આ સઘળી અંતઃસ્ફુરણાનું ઉદ્દગમસ્થાન તો આપણું અંતઃકરણ અથવા મન-બુદ્ધિ છે. આમ જુઓ તો મન, બુદ્ધિ અથવા ઘણી વાર જેને ચિત્ત અથવા અહંકાર કહેવાય છે તે એક જ અંતઃકરણનાં વિવિધ સ્વરૂપો છે, અને જ્યારે તે જે કામ કરે ત્યારે તેને તેવું નામ અપાય છે. આ રીતે, અંતઃકરણમાં થતી વિવિધ સ્ફુરણાઓ તેને જ અંતઃસ્ફુરણા કહેવાય છે.

હવે સ્વાભાવિક રીતે જ, જેવું આપણું અંતઃકરણ હોય, નબળું કે સબળ, શુદ્ધ કે મલિન, તે પ્રકારે જ આપણને અંતઃસ્ફુરણાઓ થવાની ! નબળા કે અશુદ્ધ અંતઃકરણમાં અંતઃસ્ફુરણાઓ પણ સ્વાભાવિક રીતે એવી જ હશે, જ્યારે બીજી બાજુએ જ્ઞાની-વિજ્ઞાનીઓના અંતઃકરણ સૂક્ષ્મ હોવાને કારણે જ તેઓ સૃષ્ટિનાં વિવિધ રહસ્યો અને નિયમો તથા સંરચના પકડી શકે છે કે જોઈ શકે છે. એવું પણ બને કે અંતઃકરણ અતિ બળવાન હોય, સૂક્ષ્મતા ધરાવતું હોય, પરંતુ એવું અંતઃકરણ પણ મલિન કે અશુદ્ધ હોઈ શકે. અને તો આવી વ્યક્તિની અંતઃસ્ફુરણાઓ કોઈ મોટા ચોર-આતંકવાદીની કે રાવણ કે દુર્યોધન જેવી પણ હોઈ શકે ! પછી આવી અંતઃસ્ફુરણાઓ ભલે ખૂબ બુદ્ધિયુક્ત હોય છતાં પણ કર્મમાં પરિવર્તિત થાય ત્યારે ઘણાં વિનાશકારી પરિણામો લાવનારી પણ હોઈ શકે. વિશ્વ કે સમાજમાં જ્યારે પણ હાનિકારક આવિષ્કારો અને પરિણામો જોઈએ છીએ ત્યારે તેનું કારણ મોટે ભાગે આવી અશુદ્ધ કે વિકૃત અથવા જાડી અંતઃસ્ફુરણાઓ જ હોય છે. અલબત્ત તેમાંથી જ પછી વ્યક્તિ કે સમાજનાં નાનાં કે મોટાં અને ઘોર દુઃખોનો ઉદ્દભવ અને વિકાસ થાય છે. આમ, જો ઉત્તમ અંતઃસ્ફુરણાઓ જોઈતી હોય તો આપણે આપણા અંતઃકરણને શુદ્ધ, સૂક્ષ્મ અને સ્થિર કરવું પડે, અને સર્વોત્કૃષ્ટ અંતઃસ્ફુરણા માટે આવી શુદ્ધિ, સૂક્ષ્મતા, સ્થિરતા, પરિપૂર્ણ સ્વરૂપે જોઈએ. આપણને ખબર છે કે સ્થૂળ દેહની અશુદ્ધિ પણ અનેક રોગોને જન્મ આપે છે. આથી જ શરીરની પણ સતત આંતર-બાહ્ય શુદ્ધિ આપણે કરવાની હોય છે. આવી જ રીતે અંતઃકરણની શુદ્ધિ કરવી એ પણ એક મોટું કામ છે. અને તે કરવું જ રહ્યું, કારણ કે ઉત્તમ અંતઃસ્ફુરણાઓ સિવાય જીવનમાં આનંદ અને સુખ-શાંતિ શક્ય જ નથી. આથી જ આપણે ત્યાં કહ્યું છે- तन्मे मनः शिव संकल्पमस्तु- અમારું મન ઉત્તમ અને કલ્યાણકારી સંકલ્પો-સ્ફુરણાઓવાળું બનો !

અનેકવિધ ધર્મો અને વળી દરેક ધર્મમાં પણ અનંત વિધિવિધાનોની આપણે આ જગતમાં મોટી ખીચડી કરી મૂકી છે. પણ જો એ સમજી લઈએ કે ધર્મમાત્રનો મૂળ ઉદ્દેશ અને હેતુ સર્વ પ્રથમ તો શુભ સંકલ્પ, જેમાંથી ઉત્તમ કર્મોનો જન્મ થાય, અને આ માટેની અંતઃકરણની શુદ્ધિ-સુક્ષ્મતા-સ્થિરતા સિદ્ધ કરવી એ અને એટલો જ છે, તો આપણું મોટું કામ થઈ જાય. જો આ પાયાની વાત સમજી લઈએ તો અનેકવિધ ગોટાળા, તકલીફો તથા આપણી અંદર તથા બહારનાં દુઃખોમાંથી આપણે બચી જઈએ. વાસ્તવમાં તો ખરું અધ્યાત્મ પણ આ જ છે, અને તે સિદ્ધ કરવા માટે જ અનેકવિધ સાધનોનો ઉપદેશ થયો છે એવું જણાય છે. થોડો વિચાર કરતાં તરત આ વાત સ્પષ્ટ થાય તેવું છે.

મહાન વિજ્ઞાની ન્યુટનને એક વાર પૂછવામાં આવ્યું, ‘બ્રહ્માંડ વિશેની આવી અદ્દભુત શોધ તમે કેવી રીતે કરો છો ?’ ત્યારે તેમનો જવાબ હતો કે ‘વિશ્વનાં આ રહસ્યો વિશે મારા અંતઃકરણની સ્થિરતા કરીને આ થાય છે. આ મહાપ્રશ્નો પર હું મારું મન સતત એકાગ્ર કરી રાખું છું, અને પછી પ્રાતઃકાળે જેમ પહેલાં સૂર્યનું પ્રથમ કિરણ અને પછી સંપૂર્ણ પ્રકાશ ફેલાય છે તેમ કુદરતનાં આ સૂક્ષ્મ રહસ્યોની રચના તથા નિયમો મારા અંતઃકરણમાં સ્પષ્ટ થઈ જાય છે.’ આમ જોતાં આપણને સમજાય છે કે વિશ્વના અથવા આપણા જીવનના સૂક્ષ્મ નિયમોને સમજવા હોય તો અંતઃકરણની શુદ્ધિ તથા સૂક્ષ્મતા તો ખરાં જ પણ તેની સ્થિરતા પણ એટલી જ જરૂરી છે. વળી બ્રહ્માંડને ભૂલી જઈએ તો પણ, જીવનમાં સુખ-શાંતિ જોઈતાં હોય તોય તેના મૂળ નિયમો સમજ્યા વિના ચાલે તેવું નથી !

બીજા શબ્દોમાં કહીએ તો, सत्यम-शिवम-सुंदरम ની સિદ્ધિ કરવી હોય તો અંતઃકરણની શુદ્ધિ-સૂક્ષ્મતા-સ્થિરતા કરવાં જ પડે. શુદ્ધિ હોય તો જ વાસ્તવિક સત્ય સમજાય, સૂક્ષ્મતા હોય તો જ ખરું શિવ કલ્યાણકારી તત્વ શું છે તેની ખબર પડે, અને પછી છેવટે તેના પર અંતઃકરણની સતત સ્થિરતા થાય ત્યારે જ વાસ્તવિક અનંત આનંદનો જન્મ થાય ! આ રીતે જોઈએ તો, જીવનમાં ખરેખર કરવાનું કામ તો આ જ છે, અને વાસ્તવમાં પરમ પુરુષાર્થ પણ આ જ છે. જો આપણું પ્રત્યેક કર્મ આ જ હેતુથી થાય તો પછી તેમાંથી સહજ રીતે જ જન્મે જીવનનો આ સર્વોત્કૃષ્ટ આવિષ્કાર.