- ReadGujarati.com - http://www.readgujarati.com -

વર્ગખંડની બહારનું શિક્ષણ – જિતેન્દ્ર દેસાઈ

[‘નવચેતન’ સામાયિક ઓક્ટોબર-નવેમ્બર-2009 દીપોત્સવી અંકમાંથી સાભાર.]

[dc]મા[/dc]રું પ્રાથમિક, માધ્યમિક અને મહાવિદ્યાલયનું એમ બધું જ શિક્ષણ ગાંધીજીના શિક્ષણના પ્રયોગ જેવી નઈ તાલીમની પ્રાયોગિક શિક્ષણપદ્ધતિમાં થયું. એ શિક્ષણ-પદ્ધતિની એક વિશેષતા યા લક્ષણ હોય તો તે વર્ગની ચાર દીવાલો બહારનું શિક્ષણ યા ઘડતર. તેનું સાધન નાના-મોટા પ્રવાસો અને શિબિરો. શિબિરો પણ જુદે જુદે સ્થળે થાય એટલે પ્રવાસ બની જાય. વર્ગ બહારનું આ શિક્ષણ યા ઘડતર કાયમી પ્રભાવ મૂકી ગયું છે. સિત્તેર થયાં તોય સહાધ્યાયીઓ ભેગાં થઈ જઈએ ત્યારે પ્રવાસ ને શિબિરનાં સંસ્મરણો વાગોળવા સમય ઓછો પડતો હોય તેમ લાગે છે.

પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણનાં વરસોમાં, વરસના અંતે વેકેશનો પહેલાં, અઠવાડિયા-દસ દિવસનો પ્રવાસ ખરો જ. તે સિવાય શનિ-રવિ ને ક્યારેક તહેવારના દિવસે સ્થાનિક પ્રવાસો થતા તે જુદા, તે પણ મહિને એક યા બે તો ખરા જ. હરિજન આશ્રમ, સાબરમતીનું પાવર હાઉસ, દૂધેશ્વરનું વૉટર વર્કસ, કૅમ્પના હનુમાન, ભીમનાથનું મંદિર, હઠીસિંગનાં દેરાં ને વાડી, સ્વામીનારાયણ મંદિર, અડાલજની વાવ, ઝૂલતા મિનારા, ચંડોળા તળાવ, કાંકરિયા અને નગીના વાડી, દરિયાખાનનો ઘુમ્મટ ને સરખેજનો રોજો જેતલપુરનો મહંમદ બેગડાનો મહેલ ને કિલ્લો અને ત્યાંથી આગળ ઊંટડિયા મહાદેવ ! બધું સિનેમાની પટ્ટીની જેમ આંખ સામેથી સરી જાય છે. નાના બગલથેલામાં નાસ્તાનો ડબ્બો સાથે લઈ, બબ્બેની જોડીમાં લાઈનસર, રસ્તાની કોરે કોરે ચાલતા જવાનું ને ચાલતા પાછા આવવાનું ! ક્યારેક એએમટીએસની લાલ બસમાં કે એસટીની ખખડધજ લીલી બસમાં એક તરફના પ્રવાસની છૂટ મળતી ત્યારે આખી બસ અમારાથી ભરાઈ જતી. ત્યાંય સમૂહગીતોની ગમ્મત ને અંતકડીની હરીફાઈ જામતી !

આવા સ્થાનિક પ્રવાસો કરી માધ્યમિક શિક્ષણનાં વરસોમાં આખું અમદાવાદ અમે પગ તળેથી કાઢેલું એમ કહેવાય. એનો પ્રભાવ ? આજે ઉપર જોયાં તે સ્થળોમાંના કોઈ એક પાસેથી પસાર થતાં એમ થાય કે આટલે દૂર અમે બબ્બેની લાઈનમાં ચાલતાં આવેલાં ! અલબત્ત, ત્યારે ચઢતું લોહી હતું. આજે તેવું નથી. તોય વિશ્વાસ ખરો કે આવી પડે તો આ તો શું, આનાથીય વધારે અંતર ચાલી કાઢીએ. આ વિશ્વાસ એ પ્રવાસનો, સ્થાનિક પગપાળા પ્રવાસનો પ્રભાવ. વળી આ દરેક સ્થળે ગયા હોઈએ તેનાં ખાટાં, મીઠાં, ખટમધુરાં સંસ્મરણો પણ સ્મૃતિપટ પરથી પસાર થઈ જાય. જીવનના પૂર્વાર્ધના આવાં સંસ્મરણો જીવનને જીવવા જેવું બનાવી રાખે છે.

માધ્યમિક શાળા એટલે કે વિનયમંદિરનાં વરસોમાં બંને વેકેશન પહેલાં દસેક દિવસનો પ્રવાસ ગોઠવાતો. આબુ-અંબાજી, પાટણ-વડનગર, મોઢેરા-બહુચરાજી, ચાંપાનેર-પાવાગઢ, પાલિતાણા-શેત્રુંજય, સોમનાથ-વેરાવળ, દ્વારકા-પોરબંદર ને વચ્ચે હરસિદ્ધ માતા. આ અને આવા પ્રવાસો દ્વારા અમે ગુજરાત-સૌરાષ્ટ્રના ઐતિહાસિક અને ધાર્મિક તીર્થસ્થાનો અંકે કરેલાં. આ પ્રવાસોમાં અઠવાડિયા સુધી ચાલે તેટલો કોરો નાસ્તો સહુ સાથે લાવે. તેમાં સુખડી, થેપલાં, વડાં, ખારી પૂરી, ફરસી પૂરી, નાની ગોળ ગોળ ભાખરી, સાથે ગોળ ને છૂંદો એવું બધા લાવે. પ્રવાસમાં સવાર-સાંજ જ્યાં રોકાણ થાય ત્યાં સહુ કૂંડાળામાં સાથે બેસી, ડબ્બા ખોલી મોજથી ભૂખ ઠારે. આ વાનગીઓમાં વાતોનાં વડાં સહુથી ચઢી જાય તેવાં !

જ્યાં જમવાનું મળે ત્યાં એવું જમવાનું કે સાથે લાવેલો નાસ્તો બચે ! જૂનાગઢના પ્રવાસમાં એક ‘શારદા લૉજ’ હતી તેમાં લગભગ બપોરે એકના અરસામાં અમારી પ્રવાસી ટુકડી પહોંચે. આ લૉજમાં અમે એક ટંકે બે ટંકનું જમી લેતા. લૉજવાળાય અમને આવેલા જોઈ ધમધોકાર કામે લાગી જાય અને સમજી જાય કે આ એક-બે રોટલી નહીં પણ રોટલીની થપ્પી ખાનારા આવ્યા છે. યાદ રહી ગયું હોય તો તે એ કે અમને તે પ્રેમથી આવકારી સંતોષ થાય તેવી રીતે જમાડતા. હમણાં જૂનાગઢ જવાનું થયું તો શારદા લૉજ શોધી, પણ જડી નહીં. પચાસેક વરસ પરની વાત, કેવી રીતે જડે ? પણ જો જડી હોત તો એક ટંક જમવા જઈ પચાસ વરસ પહેલાંનું ભોજન, સ્થળ, પીરસનાર વગેરેને યાદ કરતાં કરતાં એકાદ રોટલી વધારે જમી લીધી હોત એ નક્કી.

આ પ્રવાસોમાં પ્રવાસ ઓછામાં ઓછા ખરચે એટલે કરકસરથી કરવાનો. આવી કરકસર આવે એટલે અગવડ પણ આંગળી પકડીને સાથે આવે. ત્યારે સંસ્કૃતિના પરિવ્રાજક કાકાસાહેબની ઉક્તિ યાદ આવે : ‘પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી ઢબ !’ આ વાત જેણે આત્મસાત કરી તેને જીવનના ઘણા પ્રસંગે અગવડ વેઠવાની આવે ત્યારે તે અગવડ અગવડ લાગે જ નહીં. સગવડ-અગવડ વચ્ચેની ભેદરેખા જ ભૂંસાઈ જાય. પ્રવાસનો આ પ્રભાવ અમારી ઉપર કાયમ રહ્યો. કરકસરના આગ્રહને કારણે મોટે ભાગે પ્રવાસી ટુકડીનો પડાવ પરિચિત શાળાની ઓસરીમાં કે છાત્રાલયના મોટા ખંડમાં રહેતો. ત્યાં પહોંચી પહેલું કામ વાળીઝૂડી, સોઈ-ઝાટકીને એ જગ્યાને ચોખ્ખી-ચણાક બનાવી દેવાનું. પછી લાઈનસર પથારી પાથરવાની. પથારી એટલે એક જણ સૂઈ શકે તેવી સાંકડી શેતરંજી, ઓઢવાનું, નાનું ઓશીકું યા બગલથેલાનું ઓશીકું. ઘણા તો તેય ટાળતા. પ્રવાસનો થાક એવો લાગ્યો હોય કે આ પથારી પરેય મીઠી નીંદર આવી જતી. આ પ્રવાસમાં ખપ પૂરતી ઓછામાં ઓછી ચીજવસ્તુઓથી ચલાવી લેવાની જે તાલીમ મળી તે પ્રવાસનો કાયમી પ્રભાવ જણાય. ક્યાંક પાણીની તંગી હોય તો ઓછા પાણીથી વાસણ સાફ કરવાના કીમિયા ને સ્નાન ગપચાવીને પણ સ્વચ્છ રહેવાની આવડત પણ આ પ્રવાસે શીખવી.

એક વાર સૌરાષ્ટ્રના પ્રવાસમાં અમારું રાત્રિરોકાણ એક સ્ટેશનના પ્લૅટફૉર્મ પર કરવું પડે એવી નોબત આવી. પ્લૅટફૉર્મના એક છેડે જગ્યા પસંદ કરી, સાફ કરી, અમે લાઈનસર શેતરંજી પાથરી સૂવાની તૈયારી કરી લીધી. પ્લૅટફૉર્મ પરના મુસાફરો અમારી પ્રવૃત્તિ કુતૂહલપૂર્વક જોયા કરે. પ્રાર્થના કર્યા વગર સૂવાનું હોય કે ! એટલે અમે અમારા શિક્ષક સાથે સમૂહપ્રાર્થના કરી. ખાલી ડબ્બાના ઢોલકના તાલે સુંદર ભજન ગવાયું ને ઝિલાયું. રામધૂન પણ ખરી અને જરા જોરથી જામી. પછી થોડો મનોરંજન-કાર્યક્રમ પણ પીરસાયો. રસ્તા પર જાદુનો ખેલ જોવા ટોળું મળે તેમ પ્લૅટફૉર્મ પર મુસાફરોનું ટોળું જામ્યું. કાર્યક્રમ પતાવી અમે સૂવાની તૈયારી કરતાં હતાં ત્યાં મુસાફરોમાંનો એક મારી પાસે આવ્યો અને પૂછ્યું, ‘તમે બધા કોઈ અનાથ આશ્રમવાળા છો ?’ એને શું ખબર કે નઈ તાલીમની પ્રાયોગિક શાળાના આ વિદ્યાર્થીઓ અનાથ નથી પણ બે નાથવાળા છે ! એક નાથ ઉપરવાળો ને બીજો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી !

શિક્ષણમાં ચાર-દીવાલના વર્ગખંડની બહાર આવા પ્રવાસ દ્વારા જે શિક્ષણ મળ્યું તેનો પ્રભાવ હરપળે યાદ આવે તેવો છે. જે વિદ્યાર્થીઓ આવી તાલીમથી વંચિત રહે છે તેઓ શિક્ષણનું એક મહત્વનું પ્રદાન ગુમાવે છે. મારા દીકરાનું શિક્ષણ ચીલાચાલુ સામાન્ય શાળામાં ને કૉલેજમાં થયું. પ્રવાસ દ્વારા જીવનઘડતરની તક તેને મળી નહીં. એટલે તે ગ્રૅજ્યુએટ થયો તેની સાથે મેં તેને એક સૂચન કર્યું : ‘આપણાં સગાંસંબંધી ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, બિહાર, મધ્યપ્રદેશ એમ અડધા દેશમાં પથરાયેલાં છે. તું તેમને સહુને મળી આવ. પ્રવાસનો કાર્યક્રમ જાતે બનાવવાનો, રિઝર્વેશન ઈત્યાદિ જાતે કરાવવાનાં ને કરકસરથી મુસાફરી કરવાની.’ તેણે એ સ્વીકાર્યું. ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, યુ.પી., એમ.પી.માં રહેતાં સગાંવહાલાંઓને તે મળી આવ્યો. જ્યાં જાય ત્યાં આજુબાજુનાં સ્થળો પણ જોયાં. એ પ્રવાસ પૂરો કર્યા પછી તેણે જે કહ્યું તે પ્રવાસનું પ્રદાન અને પ્રભાવ : ‘ત્રણ વરસના કૉલેજના શિક્ષણમાં હું જે શીખ્યો તેનાથી ત્રણગણું હું આ ત્રણ મહિનાના પ્રવાસમાં શીખ્યો છું !’ અસ્તુ.