બાકી લાડવા એટલે લાડવા – વિનોદ ભટ્ટ
[ ‘ગુજરાત’ સામાયિક- દીપોત્સવી અંકમાંથી સાભાર.]
[dc]કો[/dc]ઈ લગ્નની નિમંત્રણ-પત્રિકામાં બુફે અર્થાત સ્વરુચિ ભોજન લખ્યું હોય એ પત્રિકા વાંચતા, જે મારા ગીધુકાકાથી વીસ-પચ્ચીસ કિલોનો નિસાસો નંખાઈ જાય છે. તેમને બુફે કલ્ચર દીઠું ગમતું નથી. લગભગ દસેક વર્ષ પહેલાં તે એક લગ્નના ભોજન સમારંભમાં ગયા હતા. અત્યારે તો કેટરિંગ કોન્ટ્રાક્ટરો જ પોતાના લેબલના સિક્કા લગાવેલી, પેન્ટ-શર્ટમાં સજ્જ સુંદર, સુઘડ છોકરીઓ મહેમાનોને પીરસવા માટે મોકલે છે, પણ એ દિવસોમાં કોઈ સેવા-સંસ્થામાંથી આવેલ ધોળા પણ ઊજળા નહીં એવા કધોણા સાડલાવાળી નિસ્તેજ અને નિર્લેપ ચહેરાવાળી બહેનો બુફે ટેબલ પાછળ ઊભી રહીને પીરસતી હતી. એક તો લગ્ન જેવો માંગલિક અવસર હોય તેમાં સોગિયા સફેદ લૂગડાંવાળી મહિલાઓ ઉદાસ ચહેરે ઊભી હોય, તેમને જોઈને જ ગીધુકાકાની ભૂખ અડધી તો મરી જતી. એ બહેનો પાછી શરમાળ, જીવ હાકોટીને ના પીરસે, ડરી ડરીને પીરસે, યજમાન લૂંટાઈ જશે એવો એમના ચહેરા પર ભય હોય.
આવી એક બહેને નાની ચમચી વડે કાકાની ડિશમાં એક રતાશ પડતી ચીજ નાખી.
કાકાએ તેને પૂછ્યું : ‘બહેન, આ ચટણી છે ?’
‘ના કાકા, આ તો ગાજરનો હલવો છે…..’ બહેને ચોખવટ કરી.
‘તો મોટી બહેન…..’ કાકા દાઢમાં બોલ્યા : ‘હલવો પીરસાતો હોય એ રીતે પીરસોને ?’
ગીધુકાકા તેમના તેમ જ તેમના વડવાઓના જમાનાની વાત કરતાં કહે છે કે, એ વખતે વળી કંકોતરી કેવી ને વાત કેવી ! બધું મૌખિક હોય. અત્યારે તો સટ્ટા-જુગારમાં કમાએલાઓ ત્રણસો રૂપિયા જેવી રકમ એક એક કંકોત્રી પાછળ ફેંકી દે છે. એ સમયમાં તો ન્યાતનો વેદિયો ગામના ફળિયામાં કે શહેરની પોળના ચોકઠામાં આવીને મોટેથી સાદ પાડી જાય કે, ફલાણા ફલાણાને ત્યાંથી આ દિવસે, તિથિએ, વારે, આ સમયે આખાય ગામના રહીશોને જમાડવાના છે. એ સાંજે કોઈએ ઘેર ચૂલો સળગાવવાનો નથી. એ વખતે જેના ઘેર તાળું હોય તેના ઘર પાસે પેપરો મૂકવામાં આવતાં ને તેનાં પડોશીને જાણ કરવામાં આવતી કે શિવાભાઈ આવે તો પ્રાણલાલ શેઠનાં નોતરાનું કહી દેજો.
ઘરેથી પડિયા, પતરાળાં અને પાણીનાં બોઘરણાં, ગ્લાસ વગેરે સાથે લઈ જવાનો રિવાજ હતો. અત્યારે કહેવાતું ચોખ્ખું પાણી ‘જાર’, બોટલોમાં અને પાઉચમાં વેચાય છે એવું ત્યારે નહોતું. નદી, કૂવા કે બોરનાં પાણી પીવાતાં, છતાં એ પાણીથી થતા રોગોનું પ્રમાણ આજના મુકાબલે ઘણું ઓછું રહેતું. અને લગ્ન ટાણે ગામડાંમાં તો ઘી પણ પાણીની પેઠે વપરાતું. પંદર-વીસ ગાઉં દૂરના ગામોમાંથી ખમતીધર માણસના ત્રીસથી ચાળીસ ગાડાં જોડીને જાન આવે. વરના ગામથી કન્યાના ગામે વહેલા પહોંચવાની ઉતાવળ હોય તેમ બળદોને દોડાવવાની હોડ ચાલે. બળદોય શાણા, સમજુ-પોતાનાં ગામના વરરાજાની આબરૂનો સવાલ હોય તેમ કે પછી જાણે પોતાનું જ લગ્ન હોય તેમ બળદોય પૂરી તાકાત લગાવીને દોડતા. ગાડે જોડેલ જે બળદની જોડ કન્યાના માંડવે પહેલી પહોંચે એનું બહુમાન થાય, બળદની એ જોડ ફાવી જાય. પાસેના હવાડામાં ઘી હોય એ ઘીથી ભરેલો હોય. પ્રથમ આવેલા બળદોને ત્રણ ત્રણ નાળ જેટલું ઘી ઈનામ પેટે પીવા મળે. બાકીનું ઘી અન્ય બળદોની વચ્ચે વહેંચાય. આ થઈ બળદની વાત.
જમનાર-જાનૈયાઓને પણ તેમની ખાવાની તાકાત હોય એટલું ઘી સીધે સીધું પીરસાય. લાપસી કે બરફી ચૂરમામાં વાડી દ્વારા ઘીની ધાર થાય. મહેમાન બસ ના કહે ત્યાં સુધી ઘીની ધાર ચાલુ રહે. બાજુમાં ખાલી વાટકો પડ્યો હોય તો એ પણ ઘીથી ભરી આપે. ઉપર બૂરું ખાંડ ભભરાવવાનો. પતરાળાંની નીચે પહેલેથી જ પાણી છાંટ્યું હોય એટલે લાપસી કે ચૂરમાનો ટેકરો કરે, જે પછી પેટનો ખાડો પૂરે. ભૂખ કકડીને લગાડવા માટે બ્રાહ્મણો વડે યથાશક્તિ સંસ્કૃત શ્લોકો લલકારવામાં આવે, એનો આશય જો કે ભોજનને પૂરતો ન્યાય આપવાનો જ હોય. મોદકપ્રિય કોઈ દાદા 85-90 વર્ષે અમરધામ પામ્યા હોય તો તેમની મરણ પહેલાંની અંતિમ ઈચ્છા એવી જ રહેતી કે મેં હમણાં સુધી ઘણા બધા લોકોને ત્યાં જઈ ટંકે સાત-આઠ લાડવાના માથા ભાંગ્યાં છે. તો મારી પાછળ ઘીથી લચપચ લાડુ ભલે લોકો ખાય. એ બધાનું અહીં ખાધેલું મને ત્યાં મળશે. ઉપર જઈને પણ લાડવા પામવાની મંછા તો ખરી જ.
બાકી લાડવા એટલે લાડવા. એને કોઈ ના પહોંચે. આ લાડવાનો પ્રભાવ જ એવો કે જ્યાં સુધી ભાણામાં લાડુ પડ્યો હોય ત્યાં સુધી દાળને તો છેટે જ રાખવાની- દાળમાં હાથ નાખે એ વાડમાં હાથ નાખે…. જો કે વરાની ને ખાસ તો બ્રાહ્મણિયા દાળ પણ એટલી બધી ટેસ્ટી હોય કે તેની સુવાસ ત્રણ દિવસ સુધી આંગળમાંથી જતી નહીં. એનું કારણ એ કે, એ દાળના સબડકા બોલાવવા જમનારા પોતાના આંગળાનો ઉપયોગ કરતા. તેમ છતાં મન ના ભરાય, સંતોષ ન થાય તો દાળનો પડિયો મોઢે માંડી પીનારા છૂટા મોંએ દાળ પીતા. આ દાળ પ્રકરણમાં ચમચી નામની આડખીલીનો કોઈ વિચાર કરતું નહીં (ચમચીનો ઉપયોગ એરંડિયું પીવામાં જ કરાતો) અને દાળનો પડિયો મોઢે માંડનાર ક્યારેય શરમ, સંકોચ કે ક્ષોભ અનુભવતો નહીં, કેમ કે તેની આસપાસ-ચોપાસ દાળના સબડકાના સુસવાટા જ સંભળાતા હોય. અને ભોજનમાં ચટણી એ વળી શું ? ચટણીઓ પહેલ વહેલી હોટલોમાં શરૂ થઈ. વચમાં વળી ચટણીનું શું કામ ? બહુ, બહુ તો કેરી કટકા હોય, તે પણ એની સિઝનમાં જ. રાયતાં-ફાયતાં ના તાયફા તો મોડાં શરૂ થયાં. ને ત્યાર બાદ ગામડાં તૂટ્યાં ને શહેરો વસ્યાં એમ કહેવાને બદલે સાચું પૂછો તો જેનું વહેલું ખૂટ્યું એ વહેલા આવ્યા. જેમની કોઠીઓમાં દાણા વહેલા ખૂટ્યાં એ શહેર તરફ વહેલા વળ્યા.
તો પણ શહેરની પોળોમાં લગ્ન ઘર આંગણે જ હોય. ઘરની નજીક ચોકઠું હોય ત્યાં મંડપ બંધાય. લગ્નના બે-ત્રણ દિવસ પહેલાં ઢોલી આવતો, ઢોલ વગાડતો. એ સમયે શહેરોમાં લાઈટો નહીં એટલે લાઉડ સ્પીકરોનાં ન્યૂસન્સ નહોતાં. બ્રાહ્મણોની પંગત જમતી હોય ત્યાંથી કોઈ પરન્યાતીલો- અબ્રાહ્મણ પસાર થઈ શકે નહીં, બૂટ કે ચંપલ પહેરવાનો તો સવાલ જ નહીં- ઉઘાડા પગેય ત્યાંથી નહીં જવાનું. આ ભૂદેવોની પંગત જમીને ઊઠે નહીં ત્યાં સુધી પેલા બિન-બ્રાહ્મણોને ‘સ્ટેચ્યુની’ પેઠે દૂર ખોડાઈ રહેવાનું (તેને મનોમન પ્રભુને પ્રાર્થના કરવાની છૂટ કે હે ઈશ્વર ! આ બ્રાહ્મણોને ઊભા કર, જેથી હું મારા ઘેર જઈ ખીચડી ખાઈ શકું) એટલે તો ગીધુકાકાને નિરાંતે પંગતમાં બેસીને જમવાની મજા આવે છે, એવી મજા બુફેમાં ક્યારેય નથી આવતી.
અત્યારે તો ભૂખ લગાડવા માટે તો પહેલા ચીઝ-કોર્ન ટોમેટો સૂપ, સ્વીટ કોર્ન સૂપ, કે ફલાવર-બદામનો સૂપ યા જલજીરાના શરણે જવું પડે છે. આવું બધું એ સમયે નહોતું. ત્યારે તો જમણનું નિમંત્રણ જ ઓપિટાઈઝર બની જતું. નિમંત્રણ મળે એ ક્ષણથી જ ભૂખ ઉઘડવા માંડતી. જ્યારે આજે તો ભૂખ લગાડવા મથવું પડે એવા દિવસો આવ્યા છે. સૂપ પતાવ્યા પછી ખાલી ડિશ, બાઉલ, ચમચી ને પેપર નેપકીન લેવા લાઈનમાં ઊભા રહી જવાનું. ડિશ, વાડકી વગેરે મળે એ લઈને રામરોટી ઘરના પાસે ઊભા રહેલા ભિક્ષુકોની પેઠે, ગરીબ-રાંકડા થઈને વાનગીઓનાં ટેબલ પાસે કતાર લગાવવાની અને પોતાનો નંબર આવે ત્યાં સુધી એ ટેબલ પર તેમજ આસપાસના ટેબલો પર ખડકાયેલી વાનગીઓની આગળ મૂકેલ પાટિયાં વાંચવાનાં. બાપ જન્મારેય સાંભળવામાં ન આવી હોય એવી વાનગીઓનાં નામ વાંચતા જીવ ચૂંથાય કે એ ચીજ શું હશે ? સ્વાદમાં કેવી હશે ? મોટા ભાગે વાતમાં માલ નહીં, પાછાં નામ અટપટાં જેમ કે લસણિયા, બાર બેકિયું, ખિચિયા. મેં ગીધુકાકાને પૂછેલું કે આ ખિચિયા કિસ ચિડિયાકા નામ હૈ ? ત્યારે તેમણે મને સમજાવેલું કે વિનુ, તને યાદ છે આપણે પરિમલ ગાર્ડન પાસે એક વાર પટલાણીનું ખીચું ખાધેલું ? બસ એને શણગારી એની જાતિ બદલીને અહીં ખિચિયા બનાવી દીધી છે.
એક લગ્નમાં અમે કુલ 73- તોંતેર આઈટમ્સ જોઈ હતી, જેમાંની પંદર-સત્તર ચાખતાં જ પેટ ભરાઈ ગયું. એટલું જ નહીં, પેટ ખેંચવા માંડ્યું. ત્યાં એક ઓળખીતાએ માહિતી આપી કે વિનુભાઈ, ડેઝર્ટમાં પુડિંગ ઈટેબલ છે, લેવા જેવું છે, પણ સાચું કહું તો પાન ખાવાનીય પેટમાં જગ્યા નહોતી. જો કે મને કે ગીધુકાકાને ભોજનમાં જૂની ને અસલ ચીજો મળતી તે શુદ્ધ સંગીત જેવી ઑરિજિનલ લાગે છે ને અત્યારની વાનગીઓ રિ-મિક્સ મ્યુઝિક જેવી બનાવટી લાગે છે. પહેલાં જે વાનગીઓ જમતાં તેમાંથી અમીનો ઓડકાર આવતો એ કોણ જાણે કેમ પણ અત્યારે નથી આવતો. ક્યારેક પેટ ભરાય છે ખરું, પણ મન તો ક્યારેય ભરાતું નથી, ઠરતું નથી.



મુ.વિનોદભાઈ,
આપના લાડવાએ તો મોંઢામાં પાણી લાવી દીધું ! આપ તો રહ્યા બ્રાહ્મણ એટલે હજુ પણ લાડવાનો જોગ ક્યાંક થઈ જાય બાકી અમે પટેલો તો લાખો ખર્ચીને છેવટે મુફલીસ એવાં મન્ચુરિયન ખાતા થઈ ગયા છીએ ! મોંઢાં અને પેટ બગાડે એવાં !
આપની ક્ષમાયાચના સાથે જણાવું કે … ૧. ચોથા ફકરામાં નીચેથી ત્રીજી લીટીમાં
હવાડા વાળા વાક્યમાં કંઈક ભૂલ છે. ૨. પાંચમા ફકરામાં વાડી દ્વારા ઘીની ધાર …
વાક્યમાં ‘વાઢી દ્વારા’ જોઈએ. { વાઢી = નાળચાવાળુ ઘી પીરસવાનું માટીનું વાસણ.}
આપનું દીર્ઘાયુશ ઈચ્છીને લાલચ રાખુ કે ગુજરાતી ગિરા વધુ હસતી રહે.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
વાહ !! વાહ !!!!
ગામડાં તૂટ્યાં ને શહેરો વસ્યાં એમ કહેવાને બદલે સાચું પૂછો તો જેનું વહેલું ખૂટ્યું એ વહેલા આવ્યા. જેમની કોઠીઓમાં દાણા વહેલા ખૂટ્યાં એ શહેર તરફ વહેલા વળ્યા.
વિનોદકાકા,
લાડવા હજુ અમારી પેઢી ( ઉ. ૫૨ ) સુધી થોદડ ઘણા લોકપ્રિય છે, પણ નવી પેઢી તો કદાચ એનાથી અજાણ જ છે. નવી પેઢીને આ લેખ વચાવવો જોઇએ.
બહુ જ સુન્દર લેખ્. નાનપન નિ યાદ આવિ ગઇ.
વાહ વાહ…બહુજ મસ્ત લેખ છે. વિનોદ ભટ્ટને વાંચવાની મજાજ કંઈ ઓર છે. એકદમ રસાળ અને વાંચતા વાંચતા દરેક વાક્યે વાક્યે એક તાજગી અને પ્રસન્નતાનો અહેસાસ થયા વગર ના રહે. ખુબજ સરસ.
ખુબ જ મજા આવી. સમય સમય પ્રમાણે બધુ બદલાય એનો સ્વિકાર કરવો રહ્યો.
khubj saras!
bufe thi yaad avyu k je loko bufe ma jamva jay 6e te kato ghare thi jamine ave 6e yato ghare jaine khay 6.
baki saram vagrnane kai nahi!!!!!
ખુબ સરસ …!!!
વાચેી ને મો મા પાણેી આવેી ગ્યુ .. !
અમે ગામડે રહેતા ત્યારે ભોજન મા ચણા ના વઘારેીયા પણ આવતા, જેનો સ્વાદ હજુ પણ યાદ આવે છે.
આવો સરસ લેખ મોકલવા બદલ ખુબ જ ધન્યવાદ .. !
અતિ ઉત્તમ મસ્ત લેખ્….મજા આવેી.વિનોદભાઈ તમારા લેખ વૈવિધ્ય ખજાનાથેી ભરપુર ચ્હે.
વર્તમાન સજોગોનુસાર “સમય વર્તે સાવધાન્”નેી નિતેી અપનાવેી રહેી ખરુને?
લેખ વાચી મજા આવી હવે તો એવુ લાગે કે આ સમય કરતા એ સમય ખૂબ સારો હતો. ૫ણ શુ થાય સમય પ્રમાણે ચાલવુ તો પદશે જ ને……
…બહુજ મસ્ત લેખ છે. વિનોદ ભટ્ટને વાંચવાની મજાજ કંઈ ઓર છે. એકદમ રસાળ અને વાંચતા વાંચતા દરેક વાક્યે વાક્યે એક તાજગી અને પ્રસન્નતાનો અહેસાસ થયા વગર ના રહે. ખુબજ સરસ.
સરસ..
Dear Vinodbhai,
Nice article. I invite you to enjoy LADU !
મોટેભાગે લગભગ ૮૦ના દાયકા સુધીના લાડુના પરવાનાઓ મળી આવે ખરા!!!!!!!!
કે જેઓ નામ સાંભળતાંજ તલપાપડ થઈ જાય.
કોઈ અભાવો નહીં—————————-ખાવ અને ખવડાવો, આનંદ આનંદ.
સુંદર, સુંદર બસ સુંદરજ.
હાર્દિક અભિનંદન.
superb article…memories recollectd by my grand parents
બેસ્ત્
વિનોદભાઈ અને લાઙુ બેઉ યાદ આવી ગયા. બનાવવાનુ ભુલઈ નથી ગયુ. આભાર
લાદવા ગનિજ સારિ વસ્તુ ખાવા નિ મઝા આવે
bufe nu vanchi ne yaad avyu k sathe pangat ma besi ne j jamvani maza male 6 a to bufe ma koi divas na male.bufe jamu 6u tyare evu lage jane koi bhikh manva line ma ubho 6u.
ketlak eva 6e je bufe ma’y palaathi vaadi ne besijaay 6e…
બહુ સુંદર આ લેખ છે.
નીચેના વાક્યો સહજ તા થી રમુજ ફેલાવી ગયા.
આવી એક બહેને નાની ચમચી વડે કાકાની ડિશમાં એક રતાશ પડતી ચીજ નાખી.
કાકાએ તેને પૂછ્યું : ‘બહેન, આ ચટણી છે ?’
‘ના કાકા, આ તો ગાજરનો હલવો છે…..’ બહેને ચોખવટ કરી.
‘તો મોટી બહેન…..’ કાકા દાઢમાં બોલ્યા : ‘હલવો પીરસાતો હોય એ રીતે પીરસોને ?’
સરસ મને બહુ ગમ્યો.