સંવેદન, સમજણ અને સાવધાની – જયદેવ માંકડ

[ બહુધા સામાન્યજન મહાન વ્યક્તિના જીવનના કેવળ બાહ્ય પ્રગટ રૂપને જ જોઈ શકે છે. તેમના દૈનિક જીવન વ્યવહાર વિશેની તેને કોઈ માહિતી હોતી નથી. આ સમયે ઉત્તમશ્લોક માનવીઓના નજીક રહેનારા વ્યક્તિઓ જો આ બાબતે કંઈક પ્રકાશ પાડે તો એ માહિતી સામાન્યજન સુધી પહોંચી શકે. મહુવા ખાતે પૂ.મોરારિબાપુના સાનિધ્યમાં રહેતા જયદેવભાઈ આપણા સુધી આ પ્રકારના કંઈક અનુભવો વહેંચતા રહે છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825272501 અથવા આ સરનામે jaydevmankad@gmail.com સંપર્ક કરી શકો છો.]

[dc]આ[/dc]જીવન જેમણે કેળવણી અને રચનાત્મક કાર્યોમાં વિતાવ્યું છે એવા શ્રી રમેશભાઈ સંઘવીને લાંબા અંતરાલ બાદ મળવાનું બન્યું. ચર્ચા દરમ્યાન એમણે એક વેદના રજૂ કરી : ‘શિક્ષણ વ્યવસ્થા સંવેદનાનું શિક્ષણ આપવામાં નિષ્ફળ રહી છે….’ વાત પણ સાચી છે. આમ જોઈએ તો અનેક મોરચે શિક્ષણ વ્યવસ્થા પાંગળી સાબિત થઈ છે. પરંતુ હૃદયની કેળવણી અને સંવેદના જગાવવાના કામમાં પણ ઉતરતી સાબિત થઈ છે.

આ ચિંતા પણ વાજબી છે. સંવેદનશૂન્યતા અથવા મઢેલી કે મઠારેલી સંવેદનાઓનો પણ કોઈ અર્થ નથી. ભારત આઝાદ થયું તે પહેલા ગાંધીજીએ પણ આ જ ચિંતા વ્યક્ત કરી હતી…. શિક્ષિતોમાં સંવેદનાનો અભાવ ! જોઈએ છીએ, વાંચીએ છીએ અને રોજ અનુભવીએ છીએ પરંતુ એ પછી બધું જ પાછું ઢબુરાઈ જાય છે. આ સંદર્ભમાં સાવ સહજપણે મોરારિબાપુનું જીવન અને એમની રામકથાનું સ્મરણ થઈ જાય છે. રામકથા કે બાપુનો સંગ કેમ ગમે છે ? હકીકતે રામકથામાં શું કામ થાય છે ? કેમ તે વધુ ને વધુ લોકોને સ્પર્શે છે ? શા કારણે અનેક લોકો આજેય રામકથા સાથે જોડાયેલા રહે છે અને નવાનવા ઉમેરાતા જાય છે ? મને જેમ સમજાય છે તેમ – રામકથા હોય કે બાપુનું દૈનિક જીવન હોય – એમના સંપર્કમાં આવનારા માટે પોતાની અંદર ક્યાંક ધરબાયેલી સંવેદનાનાં પુનઃ પ્રગટીકરણનો અનુભવ છે. અંદર રહેલું ઈચ્છા તત્વ ખેંચી જાય છે. અંદર કોઈ ઉણપ સાલે તે પ્રાથમિક શરત છે. એ પછી સાવ નિર્ભારપણે અને જીવીને કહેવાતું સત્ય આવી વ્યક્તિઓ માટે જીવન જળ સાબિત થાય છે.

ઉદાહરણરૂપે ખાદીની વાત લઈએ. ગાંધીજીએ ખાદીને વસ્ત્ર નહીં, પણ વિચારધારા કહી છે. એનું આખુંય અર્થશાસ્ત્ર પણ છે. જે ખેતમજૂરથી લઈને ખાદીભંડારના કર્મચારી સુધી સૌને સન્માન સાથે રોજી આપે છે તે વસ્ત્રની તાકાતને નાનીસૂની ન ગણી શકાય. વર્ષોથી મોરારિબાપુ ખાદી પહેરે છે. એમને તે ગમે છે એટલે પહેરે છે. તલગાજરડાના મંદિરોમાં ભગવાન પણ ખાદીના વસ્ત્રોમાં વધુ શોભાયમાન થઈ ઊઠ્યા છે. અત્રેના મંદિરોની ધ્વજા હોય કે રામકથાનાં પોથીજી હોય, તમામ ખાદીના વસ્ત્રોમાં છે. કોઈને કોઈ સંદર્ભ કથામાં આવે ત્યારે બાપુ ખાદીના વસ્ત્રો વિશેનો વિચાર અને પોતાનો ભાવ વ્યક્ત કરે છે. એની અસરરૂપે આજે અનેક કથાપ્રેમી ભાઈ-બહેનો ખાદીના વસ્ત્રો પહેરવા લાગ્યાં છે. ભારત દેશને અનુકૂળ અને જરૂરી એવું આર્થિક આયોજન આપણે નથી કરી શક્યા. દેશમાં હજુ સાડા સાત લાખ ગામો છે. કથામાં આ વાત વણાઈ જાય છે અને તેના તાણાવાણા છેક શ્રોતાના હૃદય સુધી પહોંચી જાય છે. આ ઘટના કોઈ ચળવળ કે યોજના કે કોશિશનું પરિણામ નથી. શ્રોતાઓ સમજપૂર્વક અને સ્વેચ્છાએ ખાદી પહેરે છે. ભલે હજુ બધા ન પહેરે પરંતુ વિચાર પહોંચે છે.

રામકથા એટલે મને સમજાયું છે તેમ જીવનના અનુભવોનો મુક્ત અને ખુલ્લા હૃદયનો સંવાદ છે, ડાયલોગ છે. અહીં નથી કોઈ ઉપદેશ કે નથી કોઈ આદેશ. ક્યારેક ને ક્યારેક આ સંવાદ સામેની વ્યક્તિને સ્પર્શે છે અને પછી ક્ષમતા અનુસાર તે વ્યક્તિ તેને જીવવાનો પ્રયત્ન કરે છે. ખાદીનો વિચાર આજે પણ એ રીતે પ્રસ્તુત છે. અંગ્રેજી માનસિકતા બદલવી રહી. ગામડાઓ ભાંગે છે, મજૂર અને ખેડૂત હતાશ થતો જાય છે, ખુલ્લું આકાશ અને પોતાનું ગામ છોડીને શહેરની કેદમાં ગિરફતાર થાય છે. પરંતુ આ માટેની સંવેદના ક્યાં ? બાપુ આ સંદર્ભને પણ જાણે-અજાણે સ્પર્શ કરી લે છે. મહુવા તેમને થોડા વર્ષો રહેવું પડ્યું. પરંતુ એ પછી બાળકોનો અભ્યાસ વગેરે પૂરું થતાં બાપુ પુનઃ પાછા સ્વસ્થાને એટલે કે ગામડામાં- તલગાજરડા રહેવા આવી ગયા છે.

આઝાદીના 64 વર્ષો પછી પણ આપણા સમાજનો છેલ્લો માનવી હજુ ગૌરવવંતુ સ્થાન નથી મેળવી શક્યો. કઈ કેટલાય માટે બે ટંકનો રોટલો અને નાનો એવો પણ પોતાનો ઓટલો – હજુયે સ્વપ્ન છે. એમના આરોગ્યના પ્રશ્નો છે. એ પરિવારોની કેળવણી, સામાજિક ઘડતર અને નાગરિકતા તો ખૂબ દૂરની વાત છે. આપણી આસપાસ શ્વસતા આવા માનવીઓ તરફ આપણી કોઈ જવાબદારી નહીં ? અહીં ચિત્રકૂટધામના પ્રસાદગૃહમાં નાતજાત કે અન્ય કોઈ પ્રકારના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ જ્યારે સાદર પ્રસાદ લે છે ત્યારે તે ક્ષણો માણવા જેવી હોય છે. સામાજિક સમરસતા અને માનવીની મૂળભૂત અન્નની જરૂરિયાતનો કેવો સુંદર ઉકેલ અહીં દેખાય છે ! અનેક રામકથા પ્રેમી શ્રોતાઓ પોતપોતાના કાર્યક્ષેત્રમાં, ઉદ્યોગોમાં અને પોતાના ઘરમાં કામ કરતા નોકર કે કર્મચારીને વિનામૂલ્યે ભોજન અને અન્ય સુવિધાઓ પૂરી પાડે છે અને તેમના કલ્યાણ માટે કાર્ય કરે છે. આ જ પ્રમાણે દીન-વંચિતો માટેનો બાપુનો અનોખો આદરભાવ હવે સૌની માહિતીમાં છે. મૂળમાં તો સંવેદના જ કામ કરી રહી છે. દલિત પરિવારોને આવાસ સુદ્ધાં કરાવી આપ્યાં છે. જ્યારે જ્યારે સમયનો અવકાશ રહે ત્યારે કોઈપણ ઠેકાણે ચાલતી રામકથામાં બાપુ સમાજનો જે અંતિમ માનવામાં આવે છે તેવા માનવીને મળવા નીકળી પડે છે. તેમની સાથે બેસે છે. તેમને ત્યાંથી રોટલો અને શાક પ્રસાદરૂપે લે છે કે ચા પીવે છે. શ્રુંગબેરપુર (અલાહબાદ)ની એક કથા દરમ્યાન રોજના ક્રમ મુજબ કોઈને ત્યાં બાપુ જાય… સરપંચ અને સ્થાનિક આગેવાનો પણ સાથે હોય. સરપંચથી એક દિવસ તો ન જ રહેવાયું…. ‘બાપુ, આપ જાણો છો કે આપ કોને ત્યાંથી રોટલો લો છો ?’ સરપંચના મનોભાવને સમજતા બાપુએ એટલું જ કહ્યું, ‘એમણે મારી જાત પૂછી છે કે હું તેમને પૂછું ?’ એકવાર રસ્તા પર રહેતા પરિવારને ત્યાં ત્રણ પથ્થર પર તપેલી મૂકી રસોઈ કરી રહેલા એક વ્યક્તિએ ગાંઠિયાનું શાક બનાવ્યું ત્યારે તેના મોંમાં જે બીડી હતી તેની રાખ પણ તે શાકના મસાલાનો ભાગ બની હતી…. પરંતુ જ્યાં ફક્ત સંવેદન છે ત્યાં તો ‘સબસે ઊંચી પ્રેમ સગાઈ’નો ન્યાય છે. ક્યાંય પણ કોઈ કુદરતી કે માનવસર્જિત આપત્તી આવે એટલે યથાશક્તિ મદદ બાપુ તરફથી પહોંચે.

અહીં મોરારિબાપુના સ્વભાવમાં રહેલા એક બીજા સુંદર પાસા તરફ પણ ધ્યાન જાય છે, અને તે છે સંવેદનને જીવી લેવાની સ્વાભાવિક સમજણ. સંવેદનશીલ વ્યક્તિ ક્યારેક આગ્રહી અથવા દુરાગ્રહી બની જતી હોય છે. ‘મમ સત્યમ’ વાળી વાત આવીને ઊભી રહેતી હોય છે. આ સ્વભાવદોષને પાછા મમળાવવા પણ આપણને ગમે છે ! ખાદીના વસ્ત્રો બાપુને ગમે છે એટલે પહેરે છે પરંતુ બીજા પહેરે જ તેવો આગ્રહ કે દૂરાગ્રહ ક્યારેય જોવા નથી મળ્યો. અરે ! કોઈ સામેથી આવીને ભારપૂર્વક અને સ્વેચ્છાએ માંગ કરે અને જો પોતાની પાસે હોય તો રુદ્રાક્ષની માળા આપે. એટલે જ તો એમને કોઈ શિષ્ય નથી અને નથી કોઈ પરંપરા…. પોતાને સમજાયેલા સત્યનું નમ્રતાપૂર્વક જતન કરવાનો પ્રયત્ન બાપુની સમજણને સ્પષ્ટ કરે છે. પ્રભાતે પાંગરતું પુષ્પ હોય, પક્ષીઓનો મધુર કલકલાટ હોય અને જેને સંબંધોની સમજ નથી તેવા શિશુનું પ્રસન્ન કરી દેતું હાસ્ય હોય…. આ ત્યારે મધુરા બને છે જ્યારે તેને સ્વભાવથી જીવાય. શિશુને અને પુષ્પને કોઈ પ્રચારની જરૂર નથી. સંવેદનની સાથે સમજણ પણ જરૂરી છે. રામકથામાં પરસ્પરના સંવાદરૂપે વ્યક્ત થતા વિચારો અને જીવનનાં અનુભવોની ચર્ચામાં આ જાગૃતિ છે. કોઈ નેટવર્ક નથી, કોઈ પ્રચાર નથી, કશુંય મેળવી લેવાની ઈચ્છા નથી કે નથી કોઈ ઉપદેશ….. એટલે ઘટના ઘટે છે.

આવી સંવેદનશીલતા અને સમજણથી જ્યારે વ્યક્તિ જીવે ત્યારે જે પ્રશ્ન ભલભલાને ગૂંચવી નાખે છે તે છે અસાવધાની. બાપુના વ્યક્તિત્વનું ત્રીજું મહત્વનું પાસું એટલે સતત સાવધાની. પંચાવન વર્ષોની રામકથાના માધ્યમ દ્વારા સમાજ માટે જે જીવાયું છે અને જે કામો થયા છે તેનો લેશ પણ અહંકાર નથી દેખાતો. નહીંતર તો અહંકાર, રાગ-દ્વેષ અને મમતા જેવા સ્વભાવ દોષો માણસને પછાડવાની રાહમાં જ હોય છે. બાપુના તમામ વ્યવહારોમાં અખંડ સાવધાની જોવા મળે છે. અરે, ક્યારેક દેખીતી રીતે અપ્રિય લાગતી ઘટનામાંથી પણ શુભ ને ઉજાગર કરતાં બાપુને જોયા છે, અનુભવ્યા છે અને માણ્યા છે. નથી કોઈ શિષ્ય, સંપ્રદાય કે નથી કોઈ સંસ્થા સાથેનું જોડાણ. કેટલું કામ, કેવડું કામ, વ્યક્તિ અને સમાજ માટે થયું છે ! તેમ છતાંય કોઈકના શેરની પંક્તિઓ મુજબ ‘મેલે મેં અકેલા, અકેલે મેં મેલા’…. ની જેમ જીવાતું જાય છે. જાણે હરતું ફરતું વિશ્વવિદ્યાલય ! સંવેદનશીલતા કર્મને પ્રેરે છે, તેના યોગ્ય નિર્વહનની સહજ સમજણ તેને ગતિ પ્રદાન કરે છે અને સ્વભાવથી જીવવાની સાવધાની તેમાં સુગંધ ઉમેરે છે. વીજળીના ઝબકારે મોતી પરોવી લેવાની સમજ જેને પડી છે તે આમ જીવે એવું સમજાય છે. સંવેદનારૂપી પહાડમાંથી પ્રસ્ફુટિત થતું ઝરણ સમજણ ને જીવતું ને ઝીલતું સાવધાનીપૂર્વક ગતિ કરે તો સહુને આપ્લાવિત કરી મૂકે તેવા વિશાળ પ્રવાહમાં પરિવર્તિત થાય તેવું કૈંક બાપુનાં સતત વહેતા જીવનપ્રવાહમાં દેખાય છે તેનો આનંદ વ્યક્ત કરી પૂરું કરું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “સંવેદન, સમજણ અને સાવધાની – જયદેવ માંકડ”

Copy Protected by Chetan's WP-Copyprotect.