ખુમારી – સુલોચના ભણશાલી

[ સત્યઘટના : ‘અખંડ આનંદ’ ડિસેમ્બર-2012માંથી સાભાર.]

[dc]બ[/dc]પોરે બાર-સાડાબાર વાગ્યે ડોરબેલ રણકી. દરવાજો ખોલી જોયું તો એક 13-14 વર્ષનો કિશોર, મેં પ્રશ્નાર્થ કર્યો તો કહે, ‘આન્ટી, કુરિયર.’ અત્યાર સુધી લગભગ 24-25 વરસના યુવકો કુરિયર બોય તરીકે આવતા એટલે જરા નવાઈ લાગી ને સવાલ કર્યો, ‘બેટા, તું આટલો નાનો ને આવી નોકરી મળી ગઈ ?’ તેની તેજસ્વી આંખો ને માસુમ ચહેરો જોઈ પ્રસન્નતા અનુભવી.
તે કહે, ‘હા….. આન્ટી, એક અઠવાડિયાથી આ ‘સર્વિસ’ મળી છે.’ ખૂબ ખુશ દેખાતો હતો એ.

તેણે લાવેલું મોટું પેકેટ લઈ દરવાજો બંધ કરવા લાગી તો ખૂબ શાલીનતાથી કહે, ‘આન્ટી, પાણી મળશે ?’ સામાન્ય રીતે હું આવા સમયે એકલી હોઉં ત્યારે દરવાજો ન ખોલું ને પાણી પણ ન આપું. (વર્તમાન સમયાનુસાર ડર લાગે એટલે) પણ આ છોકરાની નિર્દોષતા ને તેજસ્વી આંખોએ મને વિવશ કરી મૂકી, મેં કહ્યું : ‘ચોક્કસ, ઊભો રહે, લાવું.’ ઘરમાં જઈ એક લોટો પાણી ભરીને લાવી. તેણે ખૂબ સંતોષપૂર્વક પીધું અને પછી કહે, ‘આન્ટી, હું મારો ડબ્બો અહીં બેસીને ખાઉં ?’
મેં સહજતાથી કહ્યું : ‘ખા, જરૂર ખા.’

તેણે તેની બૅગમાંથી એક પ્લાસ્ટિક કાઢી જમીન પર પાથર્યું ને પોતે સાથે લાવેલ સ્ટીલનો ડબ્બો કાઢી ખોલ્યો. મેં પણ જિજ્ઞાસાથી તે જોવા માંડ્યું તો માત્ર ભાત જ હતો. તેણે એક નાની પડીકી કાઢી, જેમાં લાલ મરચાની ચટણી જેવું કાંઈક હતું, તેમાંથી થોડી ચટણી ડબ્બાના ઢાંકણા પર કાઢી, બાકી પડીકી બંધ કરીને ભાત ખાવા લાગ્યો. દાળ-શાક-રોટલી કંઈ જ ન હતું છતાં તે ખૂબ શાંતિથી ને સંતોષથી ખાતો હતો. હું ઘરમાં જઈ વાટકો ભરી છાશ લઈ આવી ને તેને આપી. પણ તેણે ખૂબ સરળતાથી ના પાડી. ખૂબ આગ્રહ કર્યો ત્યારે પીધી. પછી બાકી રહેલા ભાતનો ડબ્બો બંધ કરી, પાણી પીધું.

મારાથી પૂછ્યા વિના ન રહેવાયું કે : ‘આટલો ભાત કેમ ન ખાધો ?’
કહે : ‘સવારે માત્ર ચા પીને નીકળેલો એટલે ભૂખ લાગી હતી તેથી માએ આપેલ ભાત ખાઈ લીધો. બીજો વધેલો ભાત 4-5 વાગ્યે ક્યાંક જગ્યા મળશે ત્યાં ખાઈ લઈશ, જેથી રાત્રે આઠ વાગ્યા સુધી નિરાંત.’
મેં પૂછ્યું : ‘તું આટલી નાની વયે કેમ ભણવાને બદલે કામે લાગી ગયો છે ?’ મનમાં થયું, જરૂર કાંઈક મજબૂરી હશે.
ત્યારે તેણે કહ્યું : ‘ઘરમાં હું ને મારી મા બે જ છીએ. આંધ્રથી આવીને અહીંયાં રહીએ છીએ. બીજું કોઈ નથી. મા કોઈનાં ઘરકામ કરે છે અને હું આ જૉબ કરું છું. પણ આન્ટી, હું ભણું પણ છું. નાઈટ સ્કૂલમાં. રાત્રે 9 થી 11 વાગ્યા લગી. સવારે 8:30 વાગ્યે આ જોબ પર આવી જઉં; રાત્રે 8 વાગ્યે ઘરે પહોંચી, જમીને રાત્રે નવ વાગ્યે સ્કૂલમાં. હાલમાં હું નવમી કક્ષામાં ભણું છું. ગયા વર્ષે 74% માર્ક્સ મેળવેલા. આ વરસે વધુ મેળવીશ. ખૂબ ખૂબ ભણીશ. મારી માને સુખી કરીશ. આપ મને એવા આશીર્વાદ આપો.’ તેની ધગશ, સૌમ્યતા જોઈ મસ્તક નમી પડ્યું, કારણ તેના મોં પર જરાય દુઃખ લાચારી નહીં, પણ ખુમારી હતી.

આખો પ્રસંગ ખૂબ જ નાનો છતાં હૃદયને સ્પર્શી ગયો કે આપણા જેવાં કુટુંબમાં શાક-ભાવતું ન હોય તોય ખાનાર વ્યક્તિ તરત દુઃખી થઈ જતી હોય છે. ત્યારે આ બાળકમાં સંજોગના સહર્ષ સ્વીકાર સાથે ખુમારી જોઈ મન આનંદિત થઈ ગયું, પ્રભુને મનોમન પ્રાર્થના થઈ ગઈ- એ બાળકને ખૂબ સુખ પ્રગતિ આપજે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “ખુમારી – સુલોચના ભણશાલી”

Copy Protected by Chetan's WP-Copyprotect.