ચાલવું એટલે ઘરે પાછા ફરવું – કલ્પના દેસાઈ

[‘પોરવાડ બંધુ’ સામાયિકમાંથી સાભાર. આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેવા વિનંતી.-તંત્રી.]

[dc]શિ[/dc]યાળાની ઋતુ એટલે વિરોધાભાસની ઋતુ ! શિયાળો એટલે તબિયત બનાવવાની ઋતુ ને શિયાળો એટલે તબિયત ઉતારવાની ઋતુ ! શિયાળો એટલે વહેલા ઊઠીને ચાલવાની કે દોડવાની ઋતુ ને શિયાળો ગોદડું ઓઢીને મોડે સુધી ઊંઘવાની ઋતુ ! શિયાળો એટલે જાણે, ફક્ત ને ફક્ત ખાવાની ઋતુ ! ને પછી, શિયાળો એટલે માંદા પડીને ફક્ત ને ફક્ત દવા ખાવાની ઋતુ. એમ તો, એક લાંબુ લિસ્ટ તૈયાર થાય એમ છે જો શિયાળા પર જ નજર માંડીને બેસી રહીએ તો. એટલે આજે તો શિયાળો જાણે કે ફક્ત ચાલવા માટે જ બન્યો હોય એવું માનીને આપણે ચાલવાની વાતો જ ચાલવા દઈશું.

શિયાળાના ફક્ત ચાર મહિના જ નિયમીતપણે ચાલીએ તો બાકીના આઠ મહિના ન ચાલીએ તો ચાલે ! જેવું ફક્ત આ ચાર મહિના જ આડેધડ પેટ દાબીને કે દાબીને પેટ ભરીને ખાઈએ- પેલા પાક, વસાણા ને ઘી-તેલના રેલાવાળા બત્રીસવાનાં- તો બાકીના આઠ મહિના ન ખાઈએ તો ચાલે ! આખા વર્ષની શક્તિ તો જમા કરી લીધી, હવે ખાઓ ન ખાઓ ચાલે ! આપણા બધાના મગજમાં આવી વાતો એટલી સજ્જડ બેસી ગઈ છે ને કે, જેવો શિયાળો પતે કે સૌથી પહેલાં પેલા ચાલવાવાળા પોતાના દરમાં કે ઘરમાં ભરાઈ જાય. ‘કંઈ ગરમી છે….!’ ‘ઘરની બહાર નીકળવા જેવું નથી. તરત જ પરસેવાના રેલા ચાલુ.’ (ભઈ, પરસેવો પાડશો તો વળતર મળશે. પેલી શિયાળામાં જમા કરેલી કેલરી બળશે.) પણ નહીં, ચાલવાનું તો શિયાળામાં જ ! જાણે કે શિયાળો એટલે જ ચાલવું.

એમ તો, ચાલવું એટલે દોડવું, એવું ઘણાં સમજે છે. તમે જોયું હશે, સવારે ચાલવાવાળામાંથી અમુક લોકો દોડતાં હોય એમ ચાલતાં દેખાય ! એમના મોં પર રઘવાટ કે ગભરાટ સ્પષ્ટ દેખાતો હોય. જાણે કે કોઈ એમની પાછળ પડ્યું હોય અથવા એ લોકો કોઈની પાછળ પડ્યા હોય ! એમની પાસે સમયનો અભાવ હોવાથી ચાલવું એમને પોસાતું નથી. દોડવાની રોજની પ્રેક્ટિસને લીધે એમને બસ કે ટ્રેન પકડવી અઘરી લાગતી નથી. ચોર એમના હાથમાંથી છટકી શકતો નથી ને દોડવીર તરીકે એમનું સમાજમાં નામ રોશન થાય છે. એમનું જોઈને લોકો દોડવા નથી માંડતાં પણ એમને જોતાં જ લોકો 108ની ગાડીને એમ્બ્યુલન્સને આગળ જવા દે તેમ રસ્તો ખાલી કરી આપે છે.

ચાલવાનો અર્થ ઘણાએ ફરવાના અર્થમાં પણ લીધો છે. ચાલવા જવું એટલે ફરવા જવું. આ લોકો ચાલતાં નહીં પણ ટહેલતાં દેખાય ! આજે આ ગલી, કાલે પેલી ગલી. આજે આ બગીચો, કાલે પેલો બગીચો. બગીચાના અભાવે તળાવની એ નદીને પાળ ને ત્યાં ગદકી હોય તો તૂટેલા પુલની પાળે-પાળે એ લોકો ચાલે. ઊભા રે’-ચાલે-ઊભા રે’ ને થાકે તો બેસી પણ જાય ! આમને મન ચાલવું એટલે મનમાં આવે તેમ ચાલવું. નિજાનંદમાં મસ્ત ! સમયનું કોઈ બંધન નહીં. ચાલવાના ચોક્કસ આંટા કે ડગલાં કે કિ.મી.ના આંકડાનું ગણિત નહીં. મારા મતે તો આ જ શ્રેષ્ઠ ચાલવું છે. પણ એમાં એક વાત છે. ઘરે પાછા ફરવાનું યાદ રાખવું પડે !

ચાલવું એટલે બોલવું ! મેં ઘણા લોકોને ચાલતી વખતે બોલતાં જોયાં છે. બે કે બેથી વધારે લોકો સાથે ચાલવા નીકળે તો સ્વાભાવિક છે કે, વાતો તો થવાની જ. આમાં બે ફાયદા થાય. ડબલ કેલરી બળે ને મન હલકું થાય. જો કે આમા બોલવાના બધાએ વારા બાંધવા પડે. નહીં તો એકને જ ફાયદો થાય ને બાકીનાંને ગેરફાયદો થાય. કેલરી તો ઓછી બળે પણ બોલવા ન મળે એટલે મન ભારે થઈ જાય. ઘણાં એટલે જ કદાચ એકલાં જ ચાલવા નીકળે. પછી ઘરમાં જે ન બોલાતું હોય એટલે કે બોલવાનો મોકો ન મળતો હોય તે ય નિરાંતે બબડતાં બબડતાં જઈ શકાય. ઘણાંને સવારમાં ભજન ગાવાના ગમતાં હોય પણ ઘરમાં બધાંની ઊંઘ બગડતી હોય તો ચાલવાને બહાને ભજન ગવાઈ જાય. ને આજકાલ, મોબાઈલને લીધે કોઈને બોલવાનું કહેવું નથી પડતું, એવાઓ તો ચાલતાં ચાલતાં બોલતાં જ રહે છે. એમને મન તો ચાલવું એટલે બોલવું કે બોલવું એટલે ચાલવું બધું એક જ. એમની બોલચાલના બધા વ્યવહારનું એક જ ઠેકાણું – મોબાઈલ !

એમ તો, ચાલવું એટલે મળવું. ઘણાં તો મિત્રોને મળવા માટે જ ચાલવા નીકળતા હોય છે. એકબીજાને મળતાં રહેવા માટે ચાલવું ને તે પણ શિયાળાની સવારે કે સાંજે ચાલવું ને પછી મળવું એ તો ઘણી ઉત્તમ વાત કહેવાય. મૂળ વાંધો ત્યાર પછીના સમયનો છે. ભેગાં મળ્યા પછી કોઈને ચા પીવાનું મન થાય ને કોઈને ભજિયાં ખાવાનું મન થાય. એટલે પછી સમૂહમાં ચાલતાં ચાલતાં જે લારી મળી જાય ત્યાં અડ્ડો જામી જાય. આમાં ચાલવું એટલે એકબીજાને મળવું કે પછી, ખાવાપીવા માટે જ મળવું તે સમજવું મુશ્કેલ છે. ખેર, ચાલવું જ જરૂરી છે. દરેક વ્યક્તિ પોતાનો અર્થ શોધીને ચાલે, એટલે ચાલે.

મારે મન તો ચાલવું એટલે મારી પેનનું ચાલવું ! પેન ચાલતી નથી કે પેન સારી નથી કે કાગળ ખલાસ કે કાગળ સારા નથીનું કોઈ બહાનું આમાં ચાલે એમ નથી. બારે માસ પેન ચાલવી એટલે ચાલવી જ જોઈએ. માનસિક તંદુરસ્તીનું ઓસડ ભર્યું છે એમાં ! (એમ તો, શારીરિક તંદુરસ્તી માટે પણ ચાલવું તો જરૂરી જ છે. એટલે વિચારું છું કે, આ લેખ લખાઈ જાય પછી કલાક ફરી આવું. યાદ તો રાખવું જ પડશે કે, ‘ચાલવું એટલે ઘેર પાછા ફરવું.’) તો પછી, તમારે મન ચાલવું એટલે શું ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “ચાલવું એટલે ઘરે પાછા ફરવું – કલ્પના દેસાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.