માનવતાના માર્મિક પ્રસંગો – સંકલિત

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર. પુનઃપ્રકાશિત. આજે એક જ કૃતિ પ્રકાશિત કરવામાં આવી છે.]

[1] ભાઈ ! હું તારી બહેન થાઉં હોં !

આ એક સત્ય ઘટના છે.
સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો. શાળા અને કૉલેજોમાં પરીક્ષાની શરૂઆત થઈ ગઈ હતી. આજે પરીક્ષાનો છેલ્લો દિવસ હતો. સાંજે છ વાગ્યા અને ઘંટ વાગ્યો. સુપરવાઈઝરે વિદ્યાર્થીઓનાં પેપર્સ લેવા માંડ્યાં. પેપર્સ આપી આપીને પરીક્ષાર્થીઓ પરીક્ષા ખંડની બહાર નીકળી એકબીજાની સાથે વાતો કરતા કરતા ઘર તરફ વળ્યા. એ સમયે સુશક્તિ પણ પરીક્ષાનું ઉત્તરપત્ર આપીને એકલી ઘેર જવા નીકળી. તેની પાસે ન તો સાઈકલ હતી કે ન તો કોઈ સંગાથ હતો. એટલે એ ઝડપથી એકલી એકલી ચાલતી જતી હતી. પેપર સારું ગયું હતું એનો એના હૈયામાં આનંદ હતો.

એવામાં જ એક બીજી કૉલેજનો રોમિયો સુશક્તિની પાછળ પાછળ ગમે તેવા શબ્દો બોલતો, બબડતો આવવા લાગ્યો. એ કેટલીયે વાર હોઠોના બુચકારા બોલાવતો. જાણે એને પ્રેમ કરતો હોય એવા ચાળા કરતો, સુશક્તિ ઉપર કાંકરા ફેંકતો, ઈશારા કરતો એની છેક નજદીક પહોંચી ગયો. સુશક્તિને ખ્યાલ આવી ગયો કે એની પાછળ પાછળ કોઈ આવે છે એટલે એ એક ઝાડ નીચે ઊભી રહી. એણે ચારે તરફ જોયું પણ પેલા રોમિયો સિવાય એને કોઈ દેખાયું નહિ, ત્યાં તો પેલાએ પાસે આવીને હસતા હસતા કહ્યું : ‘ચાલ, સામે હોટલ છે ત્યાં જઈને આઈસ્ક્રીમ ખાઈએ અને મજા કરીએ.’ ત્યાં જ સુશક્તિની આંખ અચાનક દૂરથી સાઈકલ પર આવતા બે છોકરાઓ પર પડી પણ પેલો રોમિયો કહે : ‘આઈ લવ યુ માય ડાર્લિંગ, ચાલ જલદી કરને…’ આ શબ્દો સાંભળતાં જ સુશક્તિએ એને પાસે બોલાવી જોરથી બે-ચાર તમાચા ચોડી દીધા અને પછી તો એને પકડીને એની સારી પેઠે ધોલાઈ કરી.

ત્યાં જ પેલા બે છોકરાઓ આવી પહોંચ્યા. એમણે પણ એ રોમિયોની સારી પેઠે ધોલાઈ કરી. એને એવો માર્યો કે બિચારો જમીન પર ઢળી પડ્યો અને રડવા લાગ્યો. અચાનક ત્યાં ફરતા-ફરતા બે પોલીસ આવી ચડ્યા. પોલીસ એને પકડીને ચાલવા લાગ્યા ત્યાં જ સુશક્તિ પેલા બે છોકરાઓને અને પોલીસને કહેવા લાગી :
‘ભાઈ, એને છોડી દો, હવે કદાપિ એ કોઈ છોકરીની છેડતી નહીં કરે.’
‘કેમ, તમે કેવી રીતે કહી શકો ?’
‘કારણ કે હું કરાટે શીખેલી છું. વળી એની ધોલાઈ મેં અને આ બન્ને ભાઈઓએ એવી તો કરી છે કે હવે હંમેશને માટે આ બધું ભૂલી જશે.’ સુશક્તિ પછી પેલા રોમિયો તરફ જોતી બોલી :
‘ભાઈ ! તું તો મારો ભાઈ જેવો છે. કૉલેજમાં સાથે ભણીએ તે ભાઈ-બહેન કહેવાય. એક વાત સમજી લે કે હવે પછી ક્યારેય કોઈ છોકરીની છેડતી કરીશ નહિ, નહીં તો તને જેલમાં પૂરી દેશે. તારાં મા-બાપ રડશે, તારી અને એમની આબરૂ જશે અને છેવટે તારી આખીયે જિંદગી બરબાદ થઈ જશે.’ આ સાંભળતાં જ પેલો રોમિયો એકદમ સુશક્તિના પગમાં પડતાં બોલ્યો : ‘બહેન ! બહેન ! મને બચાવો, હવે પછી ક્યારેય કોઈની ય છેડતી નહીં કરું.’

સુશક્તિએ એને બે હાથ વડે ઊભો કરી કહ્યું : ‘ચાલ, તને તારે ઘરે મૂકી જાઉં. હું તારી બહેન છું ને, ચાલ.’ ત્યારે સૌ એની સામે જોઈ રહ્યા.
.

[2] અંતરના ધબકારા – દિલીપ સંઘવી

એક સેવાભાવી સત્સંગ મંડળ તરફથી દર ઉનાળે એપ્રિલ-મે એમ બે મહિના દરરોજ બે-ત્રણ કલાક દરમિયાન ઠંડી મજાની મસાલાયુક્ત પૌષ્ટિક છાશનું નિઃશુલ્ક વિતરણ થાય છે. જેનો સામાન્ય જનતા, આજુબાજુનો વેપારીવર્ગ, શાળા-કૉલેજ જતા વિદ્યાર્થીઓ, રહેવાસીઓ તથા બપોરના સૂકા રોટલા સાથે દાળ-શાકની અવેજીમાં છાશથી ચલાવી લેતો શ્રમજીવીવર્ગ લાભ લેતો. આ અભિયાનનો કુલ ત્રીસથી પાંત્રીસ હજારનો ખર્ચ, બસો-ત્રણસોથી હજાર-બેહજાર, પાંચ હજાર, દસ હજાર રૂપિયાની નામેરી દાતાઓની સખાવતોમાંથી નીકળી જતો. દરેક દાતાને રસીદ આપવાનો નિયમ પણ હતો.

છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી, મધ્યમવર્ગનાં એક શ્રમજીવી-આધેડ વયનાં બહેન છાશ વિતરણના બરોબર એક મહિના પછી આવતાં અને છાશ માટે ડોનેશનમાં બસો રૂપિયા આપી જતાં. એ બહેન ગાય-ભેંસના તબેલામાં છાણ-ગોબરનાં વાસીદાનું તથા છાણાં થાપવાનું કાયમી કામ કરતાં. એમનો વીસ વર્ષનો અભણ અને અપંગ દીકરો નાનું-મોટું ચોકીદારીનું કામ કરતો. બહેનનો પતિ છેલ્લાં બાર વર્ષથી અર્ધલકવાગ્રસ્ત લાચારીથી ઘરમાં પથારીવશ હતો. આ વર્ષે પણ મહિના પછી બહેન આવ્યાં. બારી પાસે ઊભાં રહી, સાડલાના છેડે બાંધેલી ગાંઠ છોડી, એમાંથી ગડી વાળેલી સો-સોની બેના બદલે ત્રણ નોટ સેવાનિષ્ઠ બહેનના હાથમાં આપતાં બોલ્યાં : ‘આ લો બોન, બહોના તૈંણસો લો. વધુ લોકોની આંતરડી ઠારજો. લાલિયાને (અપંગ પુત્રને) આપણા ટસ્ટી (ટ્રસ્ટી) ચંપુભૈ ને ન્યાં વધારાનું કોમ મલ્યું છે તો લાલિયો કિયે કે માડી છાશવાળાં બોનને સો વધારે આલજો.’ પછી દર વખતની જેમ કહે : ‘મુંને રસીદ નો ખપે. છાશ પીવાનો ટેમ નથી. હું તો આ હાલી. મારા વન્યા ગાયું ભેંશું ભોંભરતી હશે…’

હવે બન્યું એવું કે બહેન હજુ બોલવાનું પૂરું કરે ત્યાં પેલા ટ્રસ્ટી ચંપુભૈ એટલે કે ચંપકભાઈ પોતે આવ્યા. ગાડીમાંથી ઊતરી, બારી પાસે આવી અને હજારની એક નોટ સેવાનિષ્ઠ બહેન તરફ ફેંકતા બોલ્યાં : ‘છોકરી, પેટ્રોલના ભાવવધારાને લીધે છાશ માટે બેહજારને બદલે હજાર રૂપિયા આપું છું. હું છાશ પીને આવું ત્યાં સુધી તું રસીદ બનાવી રાખ….’

સેવાનિષ્ઠ બહેનનો અંતરાત્મા બોલી ઊઠ્યો : ‘ચંપુભૈના માહ્યલાં માંહેની સ્વાર્થભરી મતલબી ‘બૂ’ મારતી મણ જેટલી હજાર રૂપિયાની સખાવત આગળ, લાલિયાના વધારાના સો રૂપિયાની કીડીના કણ જેટલી ‘આંતરડી ઠારજો’ જેવી સખાવત. આ અમીરી સખાવતને કારણે હજુ પુણ્ય પરવાર્યું નથી.’
.

[3] માનવતાનાં દર્શન – મહેન્દ્ર આર. શાસ્ત્રી

1986ના જુલાઈમાં પહેલી વાર યુરોપના પ્રવાસે જવાનો યોગ સાંપડ્યો હતો. એક મલ્ટીનૅશનલ કંપનીમાં કામ કરતો હોવાથી પ્રશિક્ષણ નિમિત્તે છ અઠવાડિયાં અઠવાડિયાં માટે જર્મની અને અન્ય દેશોમાં જવાનું આમંત્રણ મળ્યું હતું. મને વીરપુરના જલારામબાપા પર શ્રદ્ધા અને ભાવનગરમાં અમારાં કુળદેવી રૂવાપરી માતાજી પર આસ્થા. પરદેશ જવાના ચાર દિવસ અગાઉ આ બંને સ્થળે દર્શન કરવાની અદમ્ય ઈચ્છા અને ભાવના. તેથી પરદેશપ્રવાસની ઘણી તૈયારીઓ કરવાની હોવા છતાં વડોદરા-વીરપુર-ભાવનગર-વડોદરા બસ દ્વારા 24 કલાકમાં જ યાત્રાની યોજના બનાવી.
એક રાત્રે વડોદરાથી 10 વાગે વીરપુર-જૂનાગઢવાળી બસમાં બેસી ગયો. રાજકોટ થઈને બસ વીરપુર સવારે 7 વાગે પહોંચી. બેઠાં બેઠાં કરેલી રાત્રિની મુસાફરીનો થાક ઉતારવા તથા પ્રાતઃકાલનાં સ્નાનાદિ કામ પતાવવા જલારામબાપાના મંદિર સામે જ એક ગેસ્ટ હાઉસમાં રૂમ માટે પૂછતાછ કરી. માલિક-મૅનેજરે એક દિવસનો ચાર્જ રૂ. 80 કહ્યો. મેં પૈસા આપવા પાકીટ કાઢ્યું. વાતવાતમાં મૅનેજરને જણાવ્યું કે મારે દર્શન કરીને તરત જ ભાવનગર તરફ બસમાં નીકળી જવું છે. તેણે જણાવ્યું કે વીરપુર-ભાવનગરની બસ 10 વાગે ઊપડે છે. બે-ત્રણ કલાક રહેવા માટે રૂ. 80 શા માટે ખર્ચો છો ? બાજુમાં બીજું ગેસ્ટ હાઉસ છે. ત્યાં રૂ. 15માં તમે સ્નાનાદિ કામ પતાવી થોડો આરામ કરીને બે કલાકમાં નીકળી શકો છો. આમ એણે પોતાનો ધંધો ગુમાવીને મારા પૈસા બચાવ્યા.

બાજુના ગેસ્ટહાઉસમાં રૂ. 15 આપી રહેવા ગયો. ગરમ પાણીથી નાહીને થોડો આરામ કર્યો. ચા-પાણી અને સવારના પેપર માટે ગેસ્ટ-હાઉસના વેઈટર છોકરાને બોલાવ્યો. સરસ આદુવાળી ચા પીધા પછી છોકરાને પેપર માટે રૂ. 2 આપ્યા. તેણે કહ્યું, ‘તમારે માત્ર 15-20 મિનિટ માટે પેપર વાંચવું છે તે માટે રૂ. 2 શા માટે ખર્ચો છો ?’ તેણે મને ગેસ્ટહાઉસનું પેપર વાંચવા માટે આપ્યું અને મારા પૈસા બચાવ્યા.

વીરપુરથી દર્શન કરીને દશ વાગ્યાની બસમાં ભાવનગર જવા નીકળ્યો. બે વાગ્યે પહોંચી ત્યાં રૂવાપરી માતાજીનાં દર્શન કર્યાં અને થોડો નાસ્તો-પાણી કર્યાં. ચાર વાગ્યે એસ.ટી. સ્ટેન્ડ પર પહોંચ્યો. તે વખતે બપોરે સાડા ચારથી પાંચ વચ્ચે ભાવનગર-વડોદરા અને ભાવનગર-અમદાવાદની લકઝરી બસો જતી હતી. ટેકનિકલ કારણોસર ભાવનગર-વડોદરાની બસ કૅન્સલ કરવામાં આવી હતી. મારે વડોદરા જલદી પહોંચવું હતું. તેથી અમદાવાદવાળી લકઝરી બસમાં બેઠો. અમદાવાદથી કોઈ બસ-ટ્રેનમાં વડોદરા પહોંચી જઈશ એવું મનમાં હતું. કંડકટર ટિકિટ આપવા આવ્યો ત્યારે મેં તેને મારી વાત જણાવી અને અમદાવાદ સુધીની ટિકિટ માટે પૈસા આપ્યા. કંડકટરે મને ભાવનગરથી ધંધૂકાની ટિકિટ લેવા કહ્યું અને ધંધૂકામાં મઢી-વડોદરા બસનું કનેકશન મળી જશે તો મારા પૈસા અને સમય બચશે તેમ જણાવ્યું. ધંધૂકામાં બસ ઊભી રહી ત્યારે કંડકટરે મારી સાથે આવીને મઢી-વડોદરાની બસ ચાલી નથી ગઈ તેની ખાતરી કરી પછી તેણે પોતાની અમદાવાદની બસ ચલાવી.

આ ત્રણે બનાવો સવારના સાત થી સાંજના સાત વાગ્યા સુધીમાં, બાર કલાકમાં બન્યા. ત્રણ અદના માનવીઓ – ગેસ્ટ હાઉસ મૅનેજર, વેઈટર બૉય અને બસ કંડકટર – આ પાત્રોએ જે પરોપકાર અને માનવતાની ભાવના દેખાડી તે આજ સુધી મારા માનસપટ પર અવિસ્મરણીય રહી છે.
.

[4] રાખડીનું બંધન – દીપક ત્રિવેદી

રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમનું મંગળપર્વ છે. આ પવિત્ર પ્રસંગે ભાઈ બહેનને કહે છે : તારી રક્ષા કાજે જરૂર પડે તો સર્વસ્વ આપવાની મારી તૈયારી છે. અને તે સર્વસ્વ આપવાની તૈયારીનાં પ્રતીકરૂપે ભાઈ બહેનને ભેટ આપે છે. પરંતુ આજે એમાંનો ભાવ ખોવાઈ ગયો છે. માત્ર વ્યવહાર જ રહ્યો છે. ફૂલ અને ખુશ્બૂ જેવો પવિત્ર અને અતૂટ નાતો તૂટતો જાય છે. અત્યારે કોઈ-કોઈ ભાઈ પૈસાના મદમાં બહેનને ભૂલી જાય છે. આવો એક નજરે જોયેલો કિસ્સો અહીં હું ટાંક્યા વિના નથી રહી શકતો.

અમારા ઘરની પાછળ એમ.પી. શાહ કૉલેજમાં નાની એવી પૉસ્ટ-ઑફિસમાં રક્ષાબંધન પૂર્વેના એક શનિવારે હું રાખડી પોસ્ટ કરવા અને પહેલી તારીખ હોવાથી મારાં બાનું વ્યાજ લેવા ગયો હતો. રક્ષાબંધન નજીક હોવાથી ઘણી બહેનો કવર લેવા કે રાખડી પોસ્ટ કરવા આવી હતી. ત્યારે 65 થી 70 વર્ષનાં એક માજી, કે જેમના હાથ ધ્રૂજતા હતા, સહેજ વાંકાં વળી ગયાં હતાં તે હાંફળાં-ફાંફળાં મારી પાસે આવીને કહે કે, ‘ભાઈ, આ સરનામું કરી દે ને. મારા ભાઈને રાખડી સમયસર પહોંચાડવી છે.’ મેં એ સરનામું કવર ઉપર લખી આપ્યું. પછી મેં કહ્યું કે માજી કાંઈ લખવું નથી ? તો કહે, ‘હા, હા, લાવ ભઈલા.’ ને એમણે મોટા-મોટા અક્ષરે થોડુંક કાંઈક લખ્યું. એમનાં લખાણ ઉપરથી લાગતું હતું કે થોડું-ઘણું ભણ્યાં હશે. ખૂબ જાળવીને રાખડી ઉપાડીને કેટલીયે વાર પોતાની મેલી સાડીથી લૂછી, ચૂમી અને ખૂબ પ્રેમથી કવરમાં મૂકી અને મૂકતાં મૂકતાં આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

મેં કહ્યું : ‘માજી, તમને તમારા ભાઈ બહુ વહાલા હશે નહીં ?’
ત્યારે માજી કહે : ‘દુનિયાની દરેક બહેનને એનો ભાઈ વહાલો જ હોય પણ ભાઈને બહેન….’ એમ કહીને જાણે ભાન આવ્યું હોય એમ અટકી ગયાં. મેં કહ્યું : ‘કેમ માજી આવું બોલો છો ?’
તો કહે, ‘કાંઈ નહીં ભઈલા ! મેં મારા ભાઈને કેડમાં તેડીને રમાડેલો છે. પણ અત્યારે એ એટલો મોટો થઈ ગયો છે કે મને બોલાવતોય નથી. કોણ જાણે મારી આ રાખડીયે બાંધતો હશે કે કેમ ?’ એમ કહેતાં માજી ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યાં. ત્યારે મને થયું કે શું આ અતૂટ રિશ્તો છે ! ભાઈ-બહેનની પ્રીતનું પવિત્ર પ્રતિક છે !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “માનવતાના માર્મિક પ્રસંગો – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.