- ReadGujarati.com - http://www.readgujarati.com -

મિનિ-વેકેશન – તંત્રી

આપણા જાણીતા સાહિત્યકાર મીરાબેને એક વાર સરસ વાત કહી હતી. એ પ્રસંગ કદાચ પરદેશનો હોઈ શકે. એક વ્યક્તિને સામાન્ય પેટનો દુઃખાવો રોજ થયા કરે. એણે ડોક્ટરનો સંપર્ક કર્યો. પહેલાં તો રોજિંદી દવાઓથી સારું થવા લાગ્યું પરંતુ થોડા સમય પછી સ્થિતિ એની એ જ. ડૉક્ટરે જાતજાતના ટેસ્ટ કરાવ્યા. કોઈ રિપોર્ટમાં કશું વાંધાજનક નહોતું. પરંતુ આ ભાઈને તો જાણે પેટની તકલીફ કાયમી થઈ ગઈ ! અચાનક એક દિવસ ડૉક્ટરને શું સૂઝ્યું તે એમણે તે ભાઈના વ્યવસાય અંગે પૂછ્યું. તેમણે જણાવ્યું કે તેઓ પોતે મોટી એક હોટેલના ચીફ વેઈટર તરીકે કામ કરે છે અને ખાસ કરીને ‘માઈક્રોવેવ ફૂડ’નો વિભાગ સંભાળે છે. હવે ડૉક્ટરને રોગ બરાબર પકડાયો. ડૉક્ટરે તેમને એ વ્યવસાયમાં રજા પાડીને થોડા દિવસ ઘરે રહેવાનું સૂચન કર્યું. એ ભાઈને નવાઈ લાગી કે આ તે વળી કેવો ઉપાય ! પણ ખરેખર એ ઉપાય કારગત નીવડ્યો અને એ ભાઈનો રોગ સદંતર ગાયબ થઈ ગયો. ડૉક્ટરનું કહેવું હતું કે માઈક્રોવેવના એ તરંગો પણ શરીરને જુદી જુદી રીતે અસર કરતાં હોય છે.

કંઈક આવું હમણાં મારી સાથે પણ થયું છે. ડૉક્ટર એને સારી ભાષામાં ‘ફૂડ ઈન્ફેક્શન’ કહે છે. પરંતુ એ થવાનું કારણ સતત અવિરત કામ અને આ આધુનિક યંત્રોનો ઉપયોગ છે. ભાત ભાતના ટેસ્ટમાંથી પસાર થયા બાદ ડૉક્ટરનું કહેવું છે કે મારે 8-10 દિવસ માટે રજા લેવી જોઈએ. સાહિત્યના કામમાં સ્ટ્રેસ ન હોય પરંતુ કોઈ પણ કામ એક ધાર્યું વર્ષોથી ચાલ્યા કરે તો એક જાતનો તનાવ સ્વાભાવિક ઊભો થતો હોય છે. એ માટે થોડો વિરામ, હળવાશ, પ્રવાસ વગેરે જરૂરી બને છે. જ્યારે રીડગુજરાતી પર બે-ત્રણ દિવસ રજા હોય છે ત્યારે પણ ‘બૅક ઑફિસ વર્ક’ તો ચાલુ જ હોય છે. હવે સમય છે આ સૌને વિરામ આપવાનો. થોડો સમય પ્રકૃતિના ખોળે નીકળી પડવાનો. આમ તો એક પણ રજા પાડવી ગમતી નથી પરંતુ હવે ડૉક્ટરનો ઑર્ડર તો માનવો રહ્યો. સ્વાસ્થ્યનો અર્થ છે ‘સ્વ’માં સ્થિત થવાનો. સ્વમાં સ્થિત થવા માટે આ સર્વ ઉપકરણોથી અળગા થવું રહ્યું. રીડગુજરાતી પર લેખોની અનિયમિતતાથી વાચકોને ચોક્કસ ખલેલ થતી હશે પરંતુ થોડું પીરસવું પણ ઉત્તમ પીરસવું એ ન્યાયે હું ગમે તે લેખો મૂકવા કરતાં રજા રાખવાનું વધુ પસંદ કરું છું. અહીંયા કોઈ નિયમિતતાનો વિક્રમ આપણે સ્થાપિત કરવો નથી. કારણ કે આ કોઈ કર્મકાંડ નથી. આ તો ગમતાનો ગુલાલ છે. એથી જેટલું વહેંચી શકાય એનો આનંદ માણવાનો છે. એટલે જ તો ચાલ્યા એટલું ચાલ્યા, થાક્યા તો બેસી પડ્યા અને આરામ થઈ ગયો એટલે વળી પાછા ફરી આગળ ચાલીશું.

આમ, આજથી રીડગુજરાતી પર મિનિવેકેશન શરૂ થાય છે. લગભગ 1-માર્ચ-2013ની આસપાસથી ફરી મળીશું. ત્યાં સુધી હું મારા મનને આરામ આપું અને તમે તમારી આંખોને આરામ આપો ! અલબત્ત, રીડગુજરાતીના તમામ વિભાગો તો ચાલુ છે જ. અત્યાર સુધીમાં પ્રકાશિત થયેલા 5000 લેખો આપ જોઈ શકશો. હા, ફક્ત વાચકોના પ્રત્યુત્તર હમણાં પાઠવી નહીં શકાય.

વિશેષમાં, જો વાચકોમાં કોઈ ડૉક્ટર હોય અને તેમને પણ આ ડિજિટલ ઉપકરણોની શરીર પર થતી અસરો અંગે કંઈક કહેવું હોય તો તેઓ પોતાના સૂચનો અહીં વ્યક્ત કરી શકે છે. તેમની સલાહ લાખો કોમ્પ્યુટર વાપરનારાઓ માટે ઉપયોગી થશે.

આપ સૌ વાચકમિત્રોને પ્રણામ.
આભાર.

લિ.
મૃગેશ શાહ
+91 9898064256
તંત્રી, રીડગુજરાતી.