ફરી એક વાર આપનું સ્વાગત છે ! – તંત્રી

વેકેશનના વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. ઈશ્વરકૃપાએ આપણા સૌની વાચનયાત્રા પુનઃ શરૂ થવા જઈ રહી છે ત્યારે હું સમજી શકું છું કે આપ સૌ આતુરતાથી નવા લેખોની કાગડોળે રાહ જોઈ રહ્યા હશો. વાંચન એ આપણા સૌનો માનસિક ખોરાક છે. જે રીતે ખેતરમાંથી દાણા લાવીને અને પકવવાની પ્રક્રિયા સુધી ધીરજપૂર્વક મહેનત કરવી પડે છે તેમ શિષ્ટ વાંચન માટે પણ પુષ્કળ પરિશ્રમ કરવો પડતો હોય છે. જો કે જે બાબત આપણને ગમતી હોય એનો થાક નથી લાગતો પરંતુ અત્યંત એકધારી વ્યસ્તતા પણ થોડો વિરામ માંગી લે છે.

આ વિરામના દિવસોમાં ઘણા બધા લોકોને મળવાનું થયું અને ઘણી જુદી જુદી અનુભૂતિઓમાંથી પસાર થવાનું થયું. હોસ્પિટલથી લઈને પ્રવાસના સ્થળો અને સુરતના બુકફેરની મુલાકાત લીધી. ક્યાંક કોઈ વક્તવ્ય આપ્યંવ તો ક્યાંક નિરાંતની પળોમાં બાળવાર્તાઓ વાંચવાની મજા પણ માણી. કોઈ પણ કાર્યને લાંબા સમય સુધી ચલાવવું હોય તો કઈ રીતે કામ કરવું એ અંગે થોડો વિચાર પણ કર્યો. આ કાર્ય કઈ રીતે શુદ્ધ બને અને કઈ રીતે સુક્ષ્મ બને એ અંગે પણ ચિંતન ચાલતું રહ્યું. ‘યોગ કર્મસુ કૌશલમ’ એ વિચાર વારંવાર મનમાં ઘોળાતો રહ્યો.

આ પંદર દિવસમાં ખૂબ પુસ્તકો નવા મળ્યા. અનેક સામાયિકો આવ્યા. ‘ઉદ્દેશ’ સામાયિક બંધ થવાનું છે એવી દુઃખદ વાત જાણવા પણ મળી. ‘હોલી ચાઈલ્ડ સ્કૂલ’ દ્વારા થતી પુસ્તક પ્રસાર-પ્રચારની સુખદ ક્ષણો પણ માણી. આ બધી જ વાતો હું તમને મારા લેખો દ્વારા તો કહીશ જ પરંતુ આજે મૂળ વાત એ કરવી છે કે આ લાંબા ઉપવાસ પછી આપણે ધીમે ધીમે ખોરાક પર ચઢીશું. એટલે કે હમણાં બે-ચાર દિવસ સુધી એક-એક લેખ પ્રકાશિત થશે અને એ પછી ધીમે ધીમે હું મારા નિયત ક્રમમાં આવવાની કોશિશ કરીશ જેથી કરીને અગાઉની જેમ જ આપ બે લેખો નિયમિત માણી શકો.

ઘણા બધા વાચકમિત્રોના ઈ-મેઈલનો જવાબ નથી આપી શક્યો એ માટે ક્ષમા ચાહુ છું. સમીક્ષા માટે મોકલેલા લેખો પણ જોઈ શકાયા નથી કારણ કે આરામ કરવો જરૂરી હતો. પરંતુ મને લાગે છે કે ધીમે ધીમે નિયમિતતા આવતી જશે. હવે તો આપણે રોજ મળતા જ રહીશું ને ? એટલે ખૂબ બધી વાતો કરતા રહીશું.

ચાલો ત્યારે, આવતીકાલે આપણા આદરણીય સાહિત્યકાર શ્રી મોહમ્મદ માંકડ સાહેબના એક મનનીય લેખથી આપણી વાચનયાત્રાનો ફરી એકવાર આરંભ કરીએ.

આભાર.

લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી
+91 9898064256.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “ફરી એક વાર આપનું સ્વાગત છે ! – તંત્રી”

Copy Protected by Chetan's WP-Copyprotect.