અવિરત…ચક્ર ! – જયંતિ ધોકાઈ

જીવનની સાથે ચક્ર જોડાયેલું છે- સમયચક્ર ! ‘એવં પરિવર્તિતં ચક્રમ’
જીવનચક્ર શરૂ થાય છે…..
પાંચ વર્ષનું બાળક થોડું સમજણું થાય છે ત્યારે તે એમ માને છે કે ‘મારા પપ્પા જેવા ડાહ્યા ને પ્રેમાળ…. બીજા કોઈ નથી….’

જરા મોટું થતાં તે શાળામાં જવાનું શરૂ કરે છે. બહારની દુનિયાનો તેને થોડો પરિચય થાય છે…. જીવનચક્ર ફરતું રહે છે… બાળકને લાગે છે કે… પોતાના પિતાને તે ધારતો હતો એવા કદાચ નથી. તેનાથી થોડી ચડિયાતી બુદ્ધિવાળા, વધુ સમજદાર લોકો પણ આ દુનિયામાં છે ખરા….
અને ચક્ર વધારે ફરે છે…..

શાળાનો અભ્યાસ પૂરો કરી એ બાળક બાળક મટી યુવક બને છે, કૉલેજ જવા લાગે છે. નવી ને અવનવી દુનિયા તેની સામે ખડી થાય છે…. ને તેની માન્યતામાં મોટો ફેરફાર થઈ જાય છે ! તેને હવે એમ લાગે છે કે… તેના પિતા બહુ હોંશિયાર નથી, બુદ્ધિશાળીયે નથી. એટલું જ નહિ, તે થોડા ગમાર કે મૂર્ખ પણ છે.
ફરી ચક્ર ફરતું રહે છે….

કૉલેજનો અભ્યાસ પૂર્ણ કરી તે વાસ્તવિક જગતમાં પદાર્પણ કરે છે. નોકરી-ધંધાની શોધ આદરે છે, રખડે છે. તેને લાગે છે કે…. પોતે ધારતો હતો એટલા તેના પિતા મૂર્ખ નથી. કંઈક સમજદાર ને અનુભવી પણ લાગે છે. ચક્ર ફરતું રહે છે આગળ….

યથા સમયે યુવકનાં લગ્ન થાય છે. વળી એક નવું જીવન, નવા પડકારો વચ્ચે તે આવી જાય છે. કડવી વાસ્તવિકતાઓ ને ભારેખમ જવાબદારીઓ ઘુરકિયાં કરતી જાણે તેને ક્યારેક ડરાવી પણ જાય છે ! અલબત્ત, તે ડરી જતો નથી…. પણ….
ચક્ર તો ફરતું જ રહે છે…..
એક-બે બાળકોનો એ પિતા થઈ જાય છે.

અને…. અગાઉની માન્યતામાં વળી એક પલટો આવી જાય છે. તેને થાય છે કે…. પિતા ઘણા સમજદાર ને અનુભવી છે એટલું જ નહિ, તેઓ ખરેખર એક ઉચ્ચ ખાનદાની પણ ધરાવે છે…
ફરતું રહે છે ચક્ર….
એનું બાળક થોડું મોટું થાય છે, શાળાએ જાય છે, કૉલેજમાં જાય છે અને એ બાળકની માન્યતા-વિચારધારા……?!

બસ… આમ જ.
ફરતું રહે છે ચક્ર… સમયચક્ર !
‘એવં પરિવર્તિતં ચક્રમ |’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “અવિરત…ચક્ર ! – જયંતિ ધોકાઈ”

Copy Protected by Chetan's WP-Copyprotect.