- ReadGujarati.com - http://www.readgujarati.com -

મિત્રો, જવાબ નહીં સવાલ શોધો – ઈલાબહેન ભટ્ટ

[ જગતવિખ્યાત ‘સેવા’ નામની સંસ્થાના સ્થાપક ઈલાબેન ભટ્ટ (અમદાવાદ)નું જ્યોર્જ ટાઉન યુનિવર્સિટી, વૉશિંગ્ટનમાં માનદ ડૉક્ટરેટની પદવી સ્વીકારતાં અંગ્રેજીમાં આપેલું વક્તવ્ય (તા.19 મે-2012) અત્રે ‘વિચાર વલોણું’ સામાયિકમાંથી સાભાર પ્રકાશિત કર્યું છે.]

આજનું કમેન્સમેન્ટ વ્યાખ્યાન આપવું એ મારું સૌભાગ્ય છે. આવા તેજસ્વી યુવાન ગ્રેજ્યુએટોની સમક્ષ ઊભી છું ત્યારે મારા પગમાં જોર અને હૃદયમાં ઉમંગ પ્રગટે છે. દુનિયા રાહ જોઈ રહી છે તમારી નવી સ્ફૂર્તિની, તમારા નવા વિઝનની કે આવતીકાલ આજના કરતાં બહેતર બને. ગ્રેજ્યુએટ યુવાનો, તમોને, પ્રત્યેકને આ જીવનની શ્રેષ્ઠ પળો જીવવાનું ભાગ્ય પ્રાપ્ત થાઓ.

આજે, તમારા શૈક્ષણિક જગત-ભૂમિની તમે વિદાય લઈ રહ્યા છો, કાર્યક્ષેત્રની દિશામાં જવા તત્પર છો. તમે બહુ વાંચ્યું છે, ઘણું ભણ્યા છો. અને મને ખાતરી છે કે તમારી ભણેલી થિયરીઓ અને તમારા શીખેલા માર્ગદર્શક સિદ્ધાંતોને સંસારમાં અજમાવવા અધીરા છો. ખરું ને ? જો એ સાચું હોય તો તમારી યુનિવર્સિટીએ તેની ફરજ બજાવી છે. હવે, હું તમને સૌને જણાવું છું કે મારી તમારા પાસે શું અપેક્ષા છે. હું ચાહું કે તમે જ્યારે જ્યોર્જટાઉન છોડી રહ્યાં છો ત્યારે તમારી જાત માટે તમે થોડા અનિશ્ચિત, સાશંક હો. આ ભૂમિ તમે જ્યારે છોડી રહ્યાં છો ત્યારે તમારા ભાથામાં પ્રશ્નો વધુ અને જવાબો થોડા હોય.

આપણે પ્રશ્નો શું પૂછીએ છીએ તેના પર આપણી જિંદગીનો ઘાટ ઘડાય છે. આપણા સવાલો અનેક બંધ બારણાં ઊઘાડે છે. અજાણ્યા ક્ષેત્રોમાં આપણને ખેંચે છે. જવાબો તો ધીમે ધીમે આવશે, જીવનના વર્ષો જીવતાં જીવતાં જવાબો મળશે, કોઈ વાર સાદા સત્ય રૂપે, અને ઘણીવાર અર્ધસત્યના ધોધ રૂપે. અને, તમે જો શાંતિથી, કાળજીથી સાંભળતા હશો તો સમજાશે કે કોઈ પ્રશ્નનો માત્ર એક જવાબ નથી. સત્ય અનેક રૂપ ધારણ કરે છે. ઘણીવાર, કેટલાક સત્ય સ્વયં સવાલ હોય છે.

ગઈ સદીના સિત્તેરના દાયકામાં જ્યારે મેં ભારતની ગરીબ શ્રમજીવી બહેનો સાથે કામ શરૂ કર્યું ત્યારે મને સવાલ ઊઠ્યો કે, ‘કામ/વર્ક’ એટલે શું ? ‘કામ’ની કઈ વ્યાખ્યા ? અહીં, આ બહેનો મળસ્કેથી અંધાર ઊતરે ત્યાં સુધી કામ કરે છે, શાકભાજી વેચે છે, બીડી વાળે છે, કપડાં સીવે છે, અનાજ ઉગાડે છે, માછલી પકડે છે, ઢોર ઉછેરે છે, રસ્તા વાળે છે, ઘરમાં બેસી ઝાડુ ટોપલાં બનાવે છે. કમરતોડ કામો કરે છે, કમાય છે, કુટુંબને નભાવે છે…. પણ કાયદાની નજરે તેઓ કામગાર નથી ! હકીકતે, કાયદાના ચોપડે તેઓ સહુ ‘બેરોજગાર’ નોંધાય છે. કારણ ? તેમને માટે કોઈ માલિક કે શેઠ નથી. માલિક નોકરના સંબંધ વિના તેઓ કામગાર ન ગણાય. તેવું તેમને શિક્ષણ આપવામાં આવ્યું હશે. કાનૂનની દષ્ટિમાં ‘અદશ્ય’ અને તેથી કાનૂની અને સામાજિક સુરક્ષા માટે પણ અદશ્ય, બેકાનૂની અપાત્ર ? તેથી અમે સંગઠિત થયા, અને સેલ્ફ એમ્પ્લોઈડ વિમેન્સ ઍસોસિયેશન અમારું નામ રાખ્યું. ટૂંકમાં તેને ‘સેવા’ (Sewa) કહીએ છીએ જેનો અમારી ભાષામાં અર્થ સૌની સેવા કરવી, તેવો થાય છે. પછી જ્યારે સંગઠનને ટ્રેડ યુનિયન તરીકે રજિસ્ટર કરાવવા ગયાં ત્યારે રજીસ્ટારે તેની નોંધણી કરવા ઈન્કાર કર્યો. કેમ ? કારણ કે અમે કોઈની સામે લડતાં નહોતાં. અને કોઈ ચીજ કે કોઈ જણની સામે વિરુદ્ધ થવા સંગઠિત નહોતાં થયાં. અમે તો એકબીજા સાથે રહેવા સંગઠિત થયાં છીએ ! કાળક્રમે સમાજ, સરકાર અને તેમના ઘડેલા કાયદાઓના સંકુચિત અને તેથી અન્યાયી દષ્ટિકોણને અમે સવાલ કરતાં રહ્યાં. એમ કરતાં કરતાં, ગરીબ શ્રમજીવી બહેનોનું સચેત, સજાગ આંદોલન બનતું ગયું.

તમો પણ જિંદગીમાં આવી અનેક બેહૂદી ‘એબ્સર્ડીટી’ સાથે ટકરાશો. આફ્રિકાના ઘાના દેશની બે ખેડૂત બહેનોએ મને કહ્યું, ‘અમે ખેડૂત છીએ. અમે જે પકવીએ તે અમે ખાતાં નથી, અને જે અમે ખાઈએ તે અમે પકવતાં નથી.’ તે બહેનો રોકડિયો પાક નિકાસ માટે ઉગાડે છે, અને જે પોતે ખાય છે તે દૂરના કોઈ દેશ કે ખંડમાં ઉગાડેલું, ઠારેલું અને કેનમાં-ડબ્બામાં પેક કરેલું રોજ ખાય છે. દુનિયાના ઘણા દેશોમાં, જે જમીન ખેડે છે અને જગતને જમાડે છે, તે ખેડૂત પોતે ભૂખે મરે છે. દુનિયામાં ખોરાકનો ઉપભોગ વધતો જાય છે, પણ ખેતી એ પગભર વ્યવસાય નથી રહ્યો. જે દેશો પ્રાકૃતિક સંપત્તિથી વધુ સંપન્ન છે તે દેશો સૌથી ગરીબ દેશોમાંના છે. તેથી હું આપ સૌને કહું છું કે : સવાલ કરતા રહો. તમે જોયું હશે કે જ્યાં ગરીબી છે ત્યાં અન્યાય છે. મનુષ્ય, સમાજ અને કુદરત ત્રણેનું શોષણ તમે જોશો. જ્યાં ગરીબી છે ત્યાં ભેદભાવ છે. જ્યાં ગરીબી છે તે કુટુંબોમાં, સમાજમાં, કાર્યક્ષેત્રમાં ભય અને ધમકી છે. જ્યાં ગરીબી છે ત્યાં કડક પદશ્રેણી અને અસમાનતા છે. જ્યાં ગરીબી, ત્યાં અપાર લાચારી. મારે મન, ગરીબી એ હિંસા છે, વળી સમાજની અવિરત સંમતિથી થતી હિંસા છે. તો, ગરીબી શું માત્ર નાણાકીય બાબત છે ? પૈસા વડે ગરીબી દૂર થશે ? ના, ગરીબ સશક્ત નહીં થાય ત્યાં સુધી નહીં થાય. જગતના સમતુલન વિના નહીં, પ્રજા અને તેના કલ્યાણકારી વાતાવરણ વિના નહીં. ડેવલપમેન્ટ-વિકાસ એ કોઈ દયાદાન નથી. એ પ્રોજેક્ટ નથી. એ અર્થશાસ્ત્રને લગતું પણ નથી. વિકાસ એ જગતનું સમતુલન પુનઃસ્થાપિત કરવા માટે છે.

પણ, આજે આપણી દુનિયા ભારે અસમતોલ છે. અસમાનતાથી ભરેલી છે. ટેકનોલોજી અને કેપિટલથી સજ્જ બની આપણે દુનિયાનું આધુનિકિરણ કરવા ઊપડ્યાં છીએ. જરા ખમો, થંભો અને વિચારો કે પ્રગતિના નામે આપણે શું કરી રહ્યાં છીએ. શહેરીકરણ, તે વિકાસ નથી. સમાજને અસમતોલ કરતી ટેકનોલોજી એ ઉકેલ નથી. સફળતાનું માપ એક માત્ર નફો હોય તો અવશ્ય આપણે માનવસમાજ અને ધરતી માતા પર પ્રહાર કરીએ છીએ. પરંતુ, આપણું ધ્યેય જો પ્રત્યેકની અન્ન, વસ્ત્ર, રહેઠાણની પ્રાથમિક જરૂરિયાત સંતોષવાની હોય, દરેક વ્યક્તિની શક્તિ પૂર્ણ રીતે ખીલવા પામે એ ધ્યેય સાથે જો આપણાં ભણતરનું સાર્થક્ય હોય તો, એ માટે જરૂર છે આમૂલ ભિન્ન અભિગમની. તેમાં આપણા ખુદના અંતઃકરણનાં ભાગીદાર બનવું પડશે. માણસાઈના સંબંધોમાં ભાગીદારી કરવી પડશે. અનંતકાળની પ્રકૃતિમાતા સાથેનો સંબંધ સાચવવો પડશે. એવી સર્વગ્રાહી સમગ્રતાની વિચારશક્તિની જરૂર છે. આપણે વિચાર અનુબંધની જરૂર છે. તમે સૌ ‘કર્મ’ શબ્દથી જાણકાર છો. ઘણીવાર કર્મને નસીબ કે નિર્મિત તરીકે સમજવામાં આવે છે. સંસ્કૃતમાં કર્મ અર્થાત કાર્ય. તમે જેવા સમાજકાર્ય અને વ્યવસાયનિ દુનિયામાં પ્રવેશ કરશો, સરકારમાં સત્તાસ્થાને બેસશો, કંપનીઓમાં, બિનનફાકારી સંસ્થાઓમાં કામ કરશો, યા યુનો, વર્લ્ડ બેંકમાં જોડાશો ત્યારે હું આશા રાખું કે તમે એક ઘડી થંભીને વિચાર કરશો કે તમારાં કાર્યની આજના જીવન ઉપર અને ભાવી જીવન ઉપર શી અસર કરશે.

હું જ્યારે જવાબ શોધવા મથું છું, ત્યારે મારી જાતને ત્રણ સવાલ પૂછું છું : મારા કૃત્યની મારા પર શું અસર થશે ? મારી આસપાસના લોકો પર અને વ્યાપક માનવજાત પર શું અસર થશે ? અને ત્રીજું, મારા કૃત્યની ધરતીમાતા પર શું અસર થશે ? નિઃશંક મારા કૃત્યોની તમારા પર અસર પડે છે. ભલેને તમે હજારો માઈલ દૂર હો અને તમારા સત્કાર્યોની મારા પર. તો જુઓ, અન્યોન્ય જવાબદારીથી આપણે કેવા સહુ બંધાયેલાં છીએ !

ધ વૉલ્શ સ્કૂલ ઓફ ફોરીન સર્વિસના ગ્રેજ્યુએટ બહેનો અને ભાઈઓ, તમે અસમતુલનયુક્ત દુનિયામાં પ્રવેશી રહ્યાં છો, ત્યારે આશા છે કે તમે જગતમાં સમતુલનની ભાવના આણશો, સંવાદિતા અને ન્યાયનો સ્પિરીટ તમારી દુનિયાના ખૂણે ખૂણે સીંચી દેશો. ત્યારે નિર્બળને તમારામાંથી બળ પ્રાપ્ત થશે. હું તમને એવા સુબળવાન થવા પ્રાર્થું છું.