એ પણ મા છે ને ? – વર્ષા અડાલજા

[‘ગુજરાત’ સામાયિક, દીપોત્સવી અંક-2012માંથી સાભાર. આપ વર્ષાબેનનો આ નંબર પર +91 9833076673 અથવા આ સરનામે varshaadalja@gmail.com સંપર્ક કરી શકો છો.]

‘મમ્મી આ દ્રૌપદી પણ કમાલ છે ! સાચ્ચે જ ગુસ્સો આવે છે એની પર.’
મોડી સવારે આરાધના બાલ્કનીમાં ગરમ કોફી પી રહી હતી. સામે જ શાંત દરિયો દૂર સુધી ફેલાતો હતો. પોતાનામાં જ સમાહિત દરિયા પરથી ઉડી આવતો પવન ચાંચમાં ઠંડક લઈ ઘરમાં ઘૂમી વળતો હતો. દૂરથી આવી રહેલા વરસાદનો પગરવ સંભળાઈ રહ્યો હતો. મુંબઈનો તેજીથી હણહણતો ટ્રાફિક હજી શરૂ થયો ન હતો. વહેલી સવારે ચાલવા નીકળેલા લોકો પાછા ફરતા હતા.

આ દ્રશ્ય આરાધનાને ખૂબ ગમતું. વહેલી-મોડી જ્યારે ઊઠે, જલ્દી નીકળી જવું હોય તો ય કોફી તો બાલ્કનીમાં જ પીવાની. દાદાજીને કહેતી, ‘આઈ એમ ડેટીંગ ધ સી. અમારી સવારે ફીસ્ક્ડ એપોઈન્ટમેન્ટ…’ આજે સવારે મોડી ઊઠી હતી. વહેલી સવારે ચાલવા ગયેલા દાદાજીને પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. આરતી એમના માટે સંતરાનો રસ કાઢી રહી હતી અને આમ્લેટની તૈયારી કરી રાખી હતી. કોફી પૂરી કરી આરાધના નાસ્તા માટે પ્લેટ ગોઠવવા લાગી. ગ્લાસ મૂકતાં પ્રશ્ન યાદ આવી ગયો,
‘મમ્મી, તેં જવાબ ન આપ્યો.’
‘પણ શેનો ?’
‘તેં સાંભળ્યું જ નહીં ? તું પણ !’
આરતી ગરમ ઉપમા બાઉલમાં કાઢીને ટેબલમેટ પર ગોઠવી. જલ્દી ચમચીઓ પ્લેટની બાજુમાં મૂકી.
‘તું જુએ છે ને બ્રેકફાસ્ટની ધમાલ. તારા દાદાજીનો ફોન આવી ગયો. ક્લબ પરથી નીકળી ગયા છે. બસ આવતા જ હશે. એમને પૂછજે તારો પ્રશ્ન. તને ખબર છે ને એમની પાસે બધા પ્રશ્નોનાં જવાબ હોય છે.’

બારણાની ઘંટડી રણકી ઊઠી.
આરાધનાએ બારણું ખોલ્યું : ‘વેલકમ દાદાજી…..’ બોલતાં બોલતાં વળગી પડી. આ રોજનું દ્રશ્ય. આરાધના ચાર વર્ષની હતી ત્યારથી આમ જ, આ જ સમયે ભજવાતું. તો ય આરતી માટે એ રોજિંદું સામાન્ય દ્રશ્ય નહોતું. આટલા વર્ષે ય, પહેલી વખત જેવો જ ઉમળકો અકબંધ સચવાયો હતો. જ્યારે સુબંધુ એને અચાનક છોડીને બીજી સ્ત્રી સાથે અમેરિકા ચાલી ગયો હતો, ત્યારે સસરાએ પૂત્રવધુ અને પૌત્રીને પાંખમાં લીધા હતા.

આરતી જોતી રહી. સસરાએ આરાધનાને કપાળ પર ચૂમી ભરી, વહાલ કર્યું અને બન્ને હાથ પકડી ટેબલ પર આવ્યા. આજે સુબંધુને બરાબર વીસ વર્ષ થયા હતા. ઑફિસેથી એક ફોન કરી કહી દીધું હતું, હું જાઉં છું. કદી પાછો નહીં આવું. બિઝનેસનાં બધાં પેપર્સ તૈયાર કરી દીધાં છે, ફલેટ તારા અને આરાધનાને નામે છે. વકીલ શેઠના સાથે બધી ગોઠવણ કરી છે. બધું જ તમને આપીને જાઉં છું. પપ્પાને કહેવાની હિંમત નથી. હું જાણું છું માફી માગવાનો પણ મારો અધિકાર નથી. પપ્પા, તું અને આરાધના બને તો માફ કરી દેજો. ભૂલી જજો. જાણું છું કહેવું સહેલું છે તોય કહું છું. અને ફોન મૂકાઈ ગયો. આરતી હાથમાં ફોન પકડી સ્તબ્ધ ઊભી રહી ગઈ. મૃત્યુ કરતાં ય આ વિદાય ખૂબ વસમી હતી. અચાનક આમ જ માંડેલો સંસાર તરછોડી દઈ અદશ્ય થવું !

દાદા અને પૌત્રી હસતાં, વાતો કરતાં હતાં, એમને યાદ હશે આજના દિવસની ક્ષણ જ્યારે સસરાને આ વાત કરતાં એ બેભાન થઈ ઢળી પડી હતી અને એમણે એમનાં બે શક્તિશાળી હાથોમાં એને ઝીલી લીધી હતી. જેમ પુત્રનાં સંસારનો બોજ ખભા પર આસાનીથી ઊંચકી લીધો હતો એમ જ !
‘અરે આરતી હજી, તેં જ્યૂસ નથી પીધો ? અને આજે લંચમાં શું મૂકશે ટિફિનમાં ?’
આરતીએ હસીને કહ્યું : ‘પપ્પા, તમારી ફેવરીટ વાનગી. પનીર ટીક્કા અને દાલ મખ્ખની.’
વિશ્વંભર ખુશ થઈ ગયા.
‘વાહ આરતી, તું સાચ્ચે જ અન્નપૂર્ણા છે. તને ખબર છે અરૂ બેટા, દ્રૌપદી પાંડવો સાથે વનમાં હતી ત્યારે ભોજન પૂરું થઈ ગયું હતું અને…..’
‘બસ, બસ દાદાજી, એ વાત પછી. તમે મને ટેલ્સ ઓફ મહાભારત પુસ્તક બર્થડે ગીફટ આપ્યું હતું તે કાલે રાત્રે વાંચતી હતી. મેં તમને વચન આપેલું ને ! મને દ્રૌપદીની એક વાત ન સમજાઈ. રીતસર ગુસ્સો જ આવ્યો હતો.’
‘બોલો બોલો, એવો તો એણે શું ગુનો કરી નાંખ્યો ?’
‘પોતાનાં પુત્રોની હત્યા કરનારને એણે માફ કરી દીધો ? વ્હાય દાદાજી ? આટલા મોટા અપરાધની ક્ષમા ?’
‘અશ્વત્થામાનાં માથાનો મણિ તો ઝૂંટવાઈ ગયો ને ?’
આરાધનાને ચીડ ચઢી, ‘વ્હોટ નોનસેન્સ ! જીવતો તો છોડી દીધો ને ! પુત્રોનાં હત્યારાને ક્ષમા ? મા થઈને !’
‘બેટા, મા હતી એટલે જ તો માફી આપી જેમ હું મારા પુત્રોનાં વિરહમાં બળી રહી છું. એમ પુત્રમૃત્યુ માટે બીજી મા દુઃખ ન પામે. આવું તો મા જ વિચારી શકે ને !’

આરાધના ટેબલ પરથી ઊઠી, બેઝીનમાં હાથ ધોતાં બોલી,
‘પણ મહાભારતમાં વેર લેવાની કેટકેટલી ઘટનાઓ છે, ઓહોહો ! અને દ્રૌપદી…. અરે એણે પોતે ય વેર લેવાની પ્રતિજ્ઞા લીધેલી ને… કોની…. કોની…. આઈ ડોન્ટ રીમેમ્બર….’
આરતી પ્લેટ્સ લેવા માંડી. રસોડામાં જતાં કહ્યું : ‘દુઃશાસનની…’
‘એક્ઝેટલી, થેંક્સ. મોમ, ભાઈ શ્રી પાંચ દુશાસનિયાનાં છાતીનાં લોહીથી મારા વાળ…. ઓ યુ નો ધેટ. તો પછી આમાં જ ક્ષમા શું કામ ? પુત્રોનાં મૃત્યુનાં દુઃખ કરતાં લાજ લૂંટાવાનું દુઃખ વધારે ? આ વાત મારે ગળે ન ઉતરે દાદાજી….’
વિશ્વંભરનો મોબાઈલનો રીંગટોન વાગવા લાગ્યો. એમણે ફોન લઈ અંદર જતાં કહ્યું :
‘દ્રૌપદી અદ્દભુત સ્ત્રી હતી. ભરી સભામાં વડીલોને પ્રશ્ન પૂછી શકે…. હલ્લો પ્લીઝ, હોલ્ડ ઓન…. પણ એ મા હતી. આ વિશ્વમાં માથી અધિક કોણ છે ?’ આરતી તરફ એક નજર કરી અને ઝડપથી અંદર ચાલ્યા ગયા. બન્નેની નજર મળી. ક્ષણ ભર જ અને આરતીએ પીઠ ફેરવી દીધી. આરાધના હસી પડી, ‘લો, દાદુએ આખી વાતનો ધ એન્ડ જ કરી નાંખ્યો….’ કૉલેજનું મોડું થાય છે… બબડતી એ અંદર દોડી ગઈ.

આરાધના અને વિશ્વંભર બન્ને ગયાં. બપોર થતાં ડ્રાઈવર લંચ લઈ ગયો. આરતી માંડ થોડું જમી અને બેડરૂમમાં કશુંક વાંચવાનું લઈને સૂતી, પણ આંખો બંધ થતાં જ એક પછી એક દ્રશ્યો તાદશ્ય થવા લાગતાં હતાં. કપરૂ ચડાણ ચડીને આવી હોય એમ શ્વાસ ભરાઈ ગયો. હાંફતા હાંફતા બેઠી થઈ ગઈ. ઘડિયાળ તરફ નજર ગઈ. ત્રણમાં દસ. એ આ જ પલંગ પર હૈયાફાટ આક્રંદ કરી રહી હતી અને ડૉ. સંઘવી સામે બેઠા હતા, ઓશિકા પાસે પપ્પા. એને માથે માયાથી હાથ ફેરવતા કહેતા હતા : ‘ખૂબ રડી લે આરતી, પછી ક્યારેય કુળકલંકને યાદ કરી તને રડવા નહીં દઉં. ડૉક્ટર, ખબર જ ન પડી અમને કે આ બધી ગોઠવણ ક્યારથી કરતો હતો, કોણ હતી એ બધું જ જડબેસલાક ખાનગીમાં. અમારે લડવા જેટલો ય સંબંધ નથી રાખવો.’ એ ટગર ટગર સસરાને જોઈ રહી હતી. સુબંધુ વિના શે જીવાશે ? એને વેલની જેમ વીંટળાઈને જીવી હતી. હવે આધાર વિના એ ભોંયભેગી થઈ ગઈ હતી. હવે કેવું મહોરવાનું ? કશા જ કારણ વિના પતિ એને છોડીને ક્યાંક ચાલ્યો ગયો હતો, મૂળિયાં ખેંચીને. કોણ હશે ? કેવી હશે એ સ્ત્રી જેના મોહપાશે એને ખેંચી લીધો ? નાની દીકરી, પિતા જેવા સસરા, વિસ્તરેલો ધંધો….. જીવન હશે હવે એક તપતી બપોર. ખુલ્લા પગે એ ચાલતી જ રહેશે. ન વિસામો ન છાંયો.

પણ એવું બન્યું નહીં.
સસરાએ સહજતાથી ખભે સંસાર ઊંચકી લીધો. એનાં સંસારરથનું ભાંગેલું પૈડું ફેંકી દઈ એ પોતે પૈંડુ બની રહ્યા અને રથ ચાલવા લાગ્યો. વહેલી સવારે ઘરની નજીકની કલબમાં ક્રિકેટનાં મેદાનમાં ચાલવા જતા, નિયમિત ટેનિસ રમતા. નાની-મોટી માંદગીને તો ગણકારે જ શાના ? જાણે મજબૂત હાથો વડે સમયનું ઘૂમતું ચક્ર અટકાવી દઈ સરી જતી જવાનીને, એનાં મિજાજને પકડી રાખ્યો હતો. સુબંધુ હતો ત્યારે ય, હાશ હું રીટાયર થયો એ રીતે એ વર્ત્યા જ નહોતા. ઓફિસે તો થોડો સમય જતા જ હતા. હવે એમણે પૂરું ધ્યાન બિઝનેસ પર આપવા માંડ્યું. આરતીને એક દિવસ કહી દીધું :
‘પપ્પા પ્લીઝ, તમે આટલો બધો બોજ ઊંચકો તે મને નથી ગમતું. આ મોટું ઘર, બીઝનેસ વેચીને નાનું ઘર લઈએ, પૈસા વ્યાજે મૂકશું, તમે આ ઉંમરે….’
‘આ ઉંમરે એટલે શું આરતી ! પહેલી વાત તો તું અને અરુ મારે મન બોજ નથી. બીજું મને આમ પણ વ્યાજખાઉ લોકો નથી ગમતા. આરાધના હવે મોટી થતી જશે, એનું જીવન ઉલ્લાસથી ભરી દેવાનું છે આપણે. એ બિચારી બાપડા વડીલ દાદા અને એકલવાયી માનાં પડછાયામાં જીવે તે મને મંજૂર નથી.’ વિશ્વંભરે હેરડાય કર્યા, લેટેસ્ટ કપડાં ખરીદ્યા. ફિલ્મ્સ, પિકનિક, અનેક શોખ, બધું જ આરાધનાની સાથે માણતા.

અચાનક એક દિવસ આરતીનાં બા, બાપુજી આવ્યા. અમે આરતી અને આરાધનાને લઈ જવા આવ્યા છીએ. વિધુર સસરો અને વિધવા વહુ આમ સાથે રહે…. લોકો કેવી કેવી વાત કરે છે ખબર છે તમને બેને ? ત્યાં સુધી વાત આવી છે કે તમારે પહેલેથી જ સંબંધ હતો. એટલે જ સુબંધુ ચાલી ગયો છે. બે ય કુટુંબ વગોવાય છે. બસ, ઘરે ચાલ. સસરા મોકલશે દર મહિને પૈસા. – આરતી સ્તબ્ધ ઊભી રહી. ન આકાશ તૂટી પડ્યું. ન ધરતીકંપ થયો. છતાં કશુંક ભયંકર બન્યું હતું જેનાં આઘાતથી મૂઢ બની ગઈ. સસરાએ તો માંડ જાત સંભાળતા કહી દીધું : ‘નિર્ણય આરતી પર છોડું છું. એને જવું હોય તો ખુશીથી અરુને લઈને….’ આગળ બોલાયું નહીં. અપરાધીની જેમ નીચું જોઈ બેસી રહ્યા. આરાધના એમના ખોળામાં હતી. નાના-નાનીએ બહુ હાથ લંબાવ્યાં છતાં એ એમની પાસે ન ગઈ. બે હાથની સજ્જડ આંકડી ભરાવી દીધી. એ ઉશ્કેરાઈ ગયા,
‘આંખ ખોલ જો આરતી, કેટલા ચાલાક છે તારા સસરા. આરાધનાને કેવી લાલચો આપી હેવાયી કરી છે ! જાણે અમે તો એનાં કાંઈ છે જ નહીં !’ બોલતાં જ બા ઊઠ્યા અને ડોળા તતડાવતાં આરાધનાને ખેંચવા લાગ્યા. આરાધનાએ જોરથી ચીસ પાડી. પુત્ર છોડીને ભાગી ગયો ત્યારે ન રડનારા સસરાની આંખ છલકાઈ ગઈ. જોર અજમાવવાં જતાં બાનો હાથ આરતીએ પકડી લીધો :
‘બા, હું અને આરાધના અહીં જ રહેશું, પપ્પા સાથે.’ બાનો સાદ ફાટી ગયો.
‘શું બોલીશ તને એનું ભાન છે ? આવા પાપ ઉપરવાળો માફ નહીં કરે અને આ ડોસલો વિશ્વંભર, એને તો રૂંવેરૂંવે કીડા પડશે.’
‘તું મારી મા છો, પણ મારા પિતા જેવા સસરાનું આવું ભયંકર અપમાન હું નહીં સાંખી લઉં… તમે… તમે… જઈ શકો છો….’ બાપુજી આંધળા રોષથી ભડકી ઊઠ્યા.
‘સગ્ગા મા-બાપને જાકારો ? તારે નરકમાં સડવું હોય તો સડ. આરાધના પર કુસંસ્કાર નહીં પડવા દઉં. એને તો લઈને જ જશું સમજી !’ આરાધના જોર જોરથી રડતી હતી. બા-બાપુજી હાથ લાંબો કરી લડી રહ્યાં હતાં. આરતીએ કાન પર હાથ દાબી દીધાં. આંખો બંધ કરી બેસી રહી. છેલ્લું દશ્ય. બા-બાપુજી આજથી તારા નામનું નાહી નાંખ્યું કહી ચાલી ગયા પછી સસરાનો આંસુભર્યો ચહેરો એને માથે હાથ મૂકી આરાધનાને ગળે વળગાડી અંદર ચાલી જવું.

આરતી ઊઠી ગઈ અને બાલ્કનીમાં આવીને ઊભી રહી. ઉતરતી બપોરના તેજ કિરણો દરિયા પર વેરાઈ ગયા હતા. પ્રવાહી સોનાની જેમ દરિયાનાં પાણી ઝગમગતા હતા. સસરાએ વચન પાળ્યું. તૂટી ગયેલા ઘરને મજબૂત ટેકો કરી, ફરી સજાવ્યું. આરાધનાને ફૂલની જેમ સહજ ખીલવા દીધી, પણ છોડને ખાતર, પાણી, હવા મળે છે એની કાળજી રાખી. એ મોટી થતી ગઈ એમ એને સામે બેસાડી રજેરજ બધી વાત કરી, ‘જો બેટા, હું તારો દાદુ છું, પણ પહેલાં મિત્ર છું, કશું જ નહીં છૂપાવું. આપણાં સૌનાં જીવનમાં શું બન્યું એ જાણવાનો તને અધિકાર છે.’
આરાધના વળગી પડેલી, ‘દાદુ, યુ આર ગ્રેટ. તમે ન હોત તો અમારું શું થાત ?’
‘ના રે ગાંડી. તમે મા-દીકરી ન હોત તો હું જીવનને ભરપૂર જીવતાં શીખ્યો ન હોત. હું સિનિયર સિટીઝનનું લેબલ કપાળે લગાવી નિરાશાવાદી જીવન જીવતો હોત. મેં તારું ઘડતર થોડું કર્યું છે ? તેં મારું ઘડતર કર્યું…. તારા શૈશવનું વિસ્મય તેં મારી આંખોમાં આંજી દીધું બેટા.’ આરતીએ તૃપ્તિનો ઊંડો શ્વાસ ભર્યો. ખરી વાત હતી. પપ્પા હતા તો એમને ટેકે જીવી ગઈ. બા-બાપુજીને ત્યાં આશ્રિત બની મા-દીકરી બિચ્ચારી બાપડી કહેવાતી. સસરાએ માથું ટટ્ટાર રાખી જીવતાં શીખવ્યું.

દરિયાનાં ઉપરાઉપરી ધસી આવતાં મોજાં જેવાં અને ફીણ ફીણ થઈ વિખરાઈ જતાં દિવસો. રોજ સૂર્ય ઊગે છે, એનાં ઝગમગતાં કિરણોમાં બાલ્કનીમાં ઊભા ઊભા કોફી પીતી આરાધના, વિશ્વંભર મોર્નિંગ વોક પરથી પાછા આવતા બારણું ખોલી ગળે વળગી પડે છે, ગુડ મોર્નિંગ દાદુ. વિશ્વંભર બે હાથે આરાધનાને ઊંચકી લે છે, એંસી થયા તો ય જો છે ને તાકાત ! આરાધના ઝટપટ ઉતરી પડે છે. કડક અવાજે કહે છે, દાદુ, બીહેવ યોર એજ… વિશ્વંભર ખડખડાટ હસીને ગણગણવા લાગે છે, અભી તો મૈં જવાન હું. કોલેજમાં ક્રિકેટ રમતો. હાઈએસ્ટ સિક્સર્સનો રેકોર્ડ છે મારો યાદ રહે…..

રોજેરોજ સમયસર ભજવાતું આ દશ્ય.
સવારે સાડા છએ વિશ્વંભર મોર્નિંગ વોક માટે ઉતરે, સાત ચાલીસે ફોન રણકે….
ફોનની ઘંટડી રણકી…. ઊઠી બેટા, દસ મિનિટમાં ઘરે પહોંચું છું, આઈ એમ ઓન માય વે.
આરતીએ બૂમ પાડી.
‘અરૂ, તારા દાદુ આવ્યા સમજ. ચાલ જ્યૂસ તૈયાર કર તો !’ આરાધનાએ જલ્દી કોફી પૂરી કરી અને ફ્રીજમાંથી સંતરા કાઢી જ્યૂસ તૈયાર કરવા લાગી. આરતીએ ઈડલી મૂકવા ગેસ પર કૂકર મૂક્યું….. બરાબર આઠ વાગ્યે ડોરબેલ વાગી. આરાધના દોડતી બારણું ખોલી અને ગળે વળગતી બોલી પડી, ‘વેલકમ હોમ દાદુ….’

આઠ વાગ્યા.
આરાધનાએ જલ્દી પ્લેટ, ગ્લાસ ગોઠવ્યા. આજે ઊઠતાં થોડું મોડું થઈ ગયું હતું. પણ દાદુનું ટાઈમિંગ પરફેક્ટ, મમ્મી બોલતાં બોલતાં એ ઉતાવળે દરવાજા પાસે આવી.
આઠ વાગી ગયા હતા, પણ ડોરબેલ ન રણકી. આઠ ને દસ…. આરાધના ચિડાઈ,
‘મમ્મી, દાદુ તો નાના જ થતા જાય છે ! હવે સંતાકૂકડી રમવાનું શરૂ કર્યું ? આજે તો એવી ઝઘડીશ !’
સાડા આઠ.
ખુલ્લા દરવાજામાં મા-દીકરી એકમેકને જોવા ઊભા રહી ગયા. મોર્નિંગ જોગર્સની જેમ ઘડિયાળનો કાંટો ઝડપથી દોડી રહ્યો હતો.
આઠ પાંત્રીસ.
આવું તો કદી બન્યું ન હતું. કલબમાં સવારે ઘણાં મિત્રો ચાલવા કે ટેનિસ, સ્વીમીંગ માટે આવતા, પણ સવારે તો ગુડમોર્નિંગ કે એક સ્મિત સિવાય ગપ્પા મારવા વિશ્વંભર કદી ન રોકાતા. દસ વાગ્યે આરાધનાને કોલેજ પાસે ઉતારી દઈ એ ઓફિસે જતા. ઘડિયાળનો કાંટો શ્વાસ લેવા પણ ઊભો રહ્યો નહોતો. એ જ ઝડપથી દોડી રહ્યો હતો.
નવ ને પાંચ.
આરાધનાએ મોબાઈલ પર ફોન કર્યો. રીંગ વાગતી રહી. અરે ! આ તો સૌથી મૌટું આશ્ચર્ય ! આરાધના ઉતાવળી થઈ ગઈ. આરતીએ ધરપત આપી, ‘અરૂ, રીલેક્સ. પપ્પા સમયસર જ હોય પણ તું જાણે છે ને ! કેટલો શ્રમ કરે છે ? ગજા બહારનો. થાકી ગયા હશે. હા, કદાચ જૂનો મિત્ર મળી ગયો હશે. ફોરેનબોરેનનો હશે, ઘણાં સમયે મળ્યા હશે એટલે ઘડીક વાતો કરવા…..
‘ઘડીક શું મમ્મી ! દોઢ કલાક મોડા અને તે ય દાદુ ? નો વે. ફોન તો લે જ ને ! પોતે પણ ફોન કરે…. હાશ.. ફોન આવ્યો…

અરુએ ફોન લેતાં જ ધમકાવવા માંડ્યા…. આ શું ! આટલું મોડું ? મારી કૉલેજ….
‘એક મિનિટ મેડમ. યે ફોન આપકે ફેમિલી મેમ્બર કા હૈ ?’
‘હાં, મેરે ગ્રાંડ ફાધર કા. આપકે હાથમેં કૈસે આયા ?’
‘મેડમ મુઝે તો રાસ્તેમેં પડા હુઆ મિલા….’ આરતી ઉચાટભરી બાજુમાં ઊભી હતી, અરૂ કોણ વાત કરે છે ? પપ્પાનો ફોન કઈ રીતે મળ્યો ? એ ક્યાં છે ?
‘ફોન શોધતાં હશે, એક તો ફોન ખોઈ નાંખ્યો ને…’
સામે છેડેથી અધીરાઈથી અવાજ આવ્યો, ‘હલ્લો… હલ્લો…. મેડમ….’
‘હાં, હાં સોરી ભાઈસાબ ક્યા હૈ કી મેરે ગ્રાન્ડફાધર વોક પર ગયે હૈ, ઉસકા ફોન ગિર ગયા હોગા, મૈં લેનેકો….’
અવાજ તરડાયો : ‘મેરી બાત સુનેગી કી બકબક કરતી રહેગી ! આપ કે ગ્રાન્ડફાધર જો ભી હૈ, ઉસકા એક્સિડન્ટ હો ગયા હૈ. આપ બોલને હી નહીં દેતી ! મૈં પુલિસ કો ફોન દેતા હૂં સમજી ! ઓબીરોય હોટલ કે પાસ આ જાઓ, જલદી…..’ ફોન સ્વીચઑફ થઈ ગયો. ફોન પછાડતી આરાધના આરતીનો હાથ પકડી બારણાં તરફ દોડી, મમ્મી ભાગ જલ્દી…. દાદુને એક્સિડન્ટ….

બન્નેએ દૂરથી ટોળું જોયું અને દોડતી આરાધના ઊભી રહી ગઈ, આંસુ નીતરતા અવાજે કહેવા લાગી, પ્લીઝ મમ્મી ! તું જા…. હું…. મારાથી નહીં જોવાય.
‘કાળજું કઠણ કર અરૂ. પછી રડવાનો બહુ સમય મળશે. હવે જે કરવાનું થશે તે આપણે જ તો કરવાનું છે.. ચાલ….’ પગમાં બેડી હોય એમ માંડ પગ ઉપાડતી આરતી, આરાધનાનો હાથ પકડી ત્યાં પહોંચી. ટોળામાંથી રસ્તો કરી કુંડાળાની વચ્ચે પહોંચતા જ લોહી નીતરતો, છૂંદાયેલો દેહ જે એકવાર એનાં વહાલા દાદુ હતા. આરાધનાના કંઠમાંથી તીણી ચીસ હવાને આરપાર વીંધતી નીકળી ગઈ. એ મૃતદેહ પર તૂટી પડે એ પહેલાં ટોળામાંથી કલબમાંથી આવી ગયેલા વિશ્વંભરનાં મિત્રોએ તેને પકડી લીધી. આરતીને ચક્કર આવતાં હતાં. આસપાસનાં ઊંચા બિલ્ડિંગો જાણે એક સાથે તૂટી રહ્યા હતા. કાટમાળ નીચે દટાઈ ગઈ હોય એમ એ હાંફવા લાગી. પૂછવાની જરૂર ન લાગી. થોડે દૂર બીજી બે કાર સાથે અથડાઈને એક ગાડી ભાંગીને ભૂક્કો થઈ ગઈ હતી. થરથર ધ્રૂજતા યુવાન પર ઈન્સ્પેક્ટર વરસી પડ્યો હતો.

પછીના દિવસો ખૂબ ધૂંધળા વીત્યા. જાણે કંઈ પર્વતીય પ્રદેશ પર વહેલી સવારે ઊતરતું ગાઢ ધુમ્મસ. સમયનાં હણહણતા અશ્વની લગામ ખેંચી રાખી હતી કે પછી મોઢે ફીણ આવી જાય ત્યાં સુધી એ ભયાનક ગતિથી દોડતો હતો ! કશું સમજાતું નહોતું. ક્યારે ઊગતો હતો ? ક્યારે રક્તબિંબ બની ડૂબી જતો હતો ! પોસ્ટમોર્ટમ પછી લોહી ભરેલું પોટલું ને અગ્નિદાહ દેવાયો. પુત્ર, પૌત્રી જે ગણો તે દાદુની અરૂ. બધું કેમ બન્યું, કઈ રીતે પછી બરાબર સમજાયું. 17 વર્ષનો નિનાદ, પુખ્ત વય નહીં એટલે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ નહીં, પણ કાર ચલાવવાનો ચસકો. મા-બાપ દુબઈ ગયા હતા. મિત્રને જોડે લઈ નીકળી પડ્યા હતા. બન્ને ફાસ્ટ ડ્રાઈવિંગનો લ્હાવો લેવા તેજ ગતિથી ગલીમાં ધસી આવતી કાર જોઈ વિશ્વંભર ફૂટપાથ પર જ ઊભા રહ્યા હતા, પણ એણે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો…..

આરાધનાનું લોહી ઉકળતું હતું. કોઈએ રમત રમતમાં જીવ લીધો હતો, એનાં દાદુનો. એની નજર સામેથી લોહીનું પોટલું ખસતું નહોતું. એની દુનિયા દાદુ નામનાં એક મજબૂત સ્તંભ પર ટકી હતી અને આજે એ કડડભૂસ કરતી તૂટી પડી હતી. આરતી જાણતી હતી, એ હિંમત હારી જશે તો આરાધનાને સંભાળવી મુશ્કેલ બનશે. આજથી વીસ વર્ષ પહેલાં સુબંધુ વિદાયનો સંકેત પણ આપ્યા વિના ચાલી ગયો ત્યારે સસરાએ સંસારરથનું બીજું પૈડું બની સતત સમય સાથે તાલમાં ચાલતા રહ્યા હતા. આજે એ આવજો ય કહ્યા વિના અચાનક ચાલી ગયા ત્યારે આરાધનાનાં જીવનનો દોર એણે હાથમાં લેવાનો હતો.

‘મમ્મી, હું પ્રેસમાં જાઉં છું. આવે છે ?’
‘એટલે ?’
‘મારે મીડિયાને ઈન્ટરવ્યૂ આપવો છે. પેલા બિનજવાબદાર, બેશરમને પાઠ ભણાવવો છે. બસ, 15 હજાર રૂપિયાનાં જામીન પર છૂટી ગયો ? મારા દાદુની જીવની કિંમત માત્ર પંદર હજાર ? એને ઘરે પણ જવું છે, મા-બાપ સાથે લડવા. આવો એમનો પુત્રરત્ન ? હું તેને, નહીં છોડું. હું કેમ્પેઈન શરૂ કરવાની છું.’
આરતીએ ધીમેથી કહ્યું :
‘હું એમની પાસે કાલે ગઈ હતી અરૂ….’
‘વ્હોટ !’
‘હા, લડવુ તો તારી જેમ જ હતું એ માની સાથે પણ….’
‘પણ શું ?’
‘મેં એની માને જોઈ. એક જ સંતાન. યુવાનીને ઉંબરે ઊભેલો. તદ્દન નાદાન, બેજવાબદાર પુત્ર. પણ એનાં પંડનો પિંડ ! એની પર કેટકેટલી આશા અને મદાર બાંધ્યો હશે ? સર્વસ્વ લુંટાયાનું દુઃખ હું જાણું છું બેટા. એના મા-બાપ અત્યારે જ કેટલાં રિબાતા હશે ! એમાં ઈંધણ હોમાય એવા શબ્દોની કેવી અગનઝાળ લાગશે.’

બારણું ખોલવા જતી આરાધના અટકી ગઈ.
આરતી જાણે પોતાને કહેતી હતી – એ પણ મા જ છે ને બેટા !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

41 thoughts on “એ પણ મા છે ને ? – વર્ષા અડાલજા”

Copy Protected by Chetan's WP-Copyprotect.