ભોજપ્રબંધ (સંસ્કૃતસત્ર : 12) – હર્ષદેવ માધવ

[ સંસ્કૃતસત્ર-12 ખાતે યોજાયેલા મનનીય વક્તવ્યોમાંથી કેટલાક વક્તવ્યો આપણે ‘સંસ્કૃતસત્ર : 12 ભાગ-1’માં માણ્યા હતાં. એ પછી સમય અભાવે તેનો બીજો ભાગ પ્રકાશિત કરી શકાયો નહોતો. તેથી હવે પછી બાકી રહેલા કેટલાક વક્તવ્યો અલગ લેખ સ્વરૂપે આપવામાં આવે છે, જે અંતર્ગત આજે ડૉ. હર્ષદેવ માધવનું ‘સંસ્કૃતસત્ર : 12 – લઘુકાવ્ય’ વિષય હેઠળ ‘ભોજપ્રબંધ’ વિશેનું વક્તવ્ય અત્રે પ્રસ્તુત છે. ડૉ. હર્ષદેવભાઈ (અમદાવાદ)નું આધુનિક સંસ્કૃત સાહિત્યમાં જે પ્રદાન છે તેનાથી આપણે પરિચિત છીએ. આપણે તેમનો આ પરિચય લેખ પણ અગાઉ માણ્યો હતો. – તંત્રી.]

આપણી બધાની શ્રદ્ધાના કેન્દ્ર એવા પૂજ્ય બાપુ અને તેમનામાં રહેલ મા સરસ્વતીને વંદન કરીને મારી વાત શરૂ કરું છું…. માણસને જો કોઈ સમયાતીત બનાવી શકતો હોય તો તે માત્ર શબ્દ છે. વાણીમાંથી વિશ્વ ઉદ્દભવે છે અને વાણીમાં જ લય પામે છે. આદિલ સાહેબનો એક શેર છે :

‘સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને આદિલ
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.’

કવિ શબ્દ બોલે છે, તે પછી એ શબ્દ તનમાત્રા બની જાય છે. પછી એ કવિનો શબ્દ પૃથ્વીમાં ગંધ બને છે અને તેમાંથી કમળ ઊગે છે. પછી એ શબ્દ પાણીમાં ફેરવાય છે અને પૃથ્વીનો રસ બને છે. તેમાંથી ફળોના રસ બને છે. પછી એ તેજ બને છે અને સૂર્ય તથા ચંદ્ર થઈને પ્રકાશે છે. વાયુ બનીને મૃદુ સ્પર્શ આપે છે. આકાશ બનીને એની ઉદારતા આપે છે. તેથી જ કવિના શબ્દને સમય સાંભળે છે. ધૂમકેતુએ એક સરસ વાક્ય લખ્યું છે કે : ‘માણસ બદલાય છે, હવા બદલાતી નથી.’ હવાને બાંધનારો જે છે તે શબ્દ છે. પછી તે શબ્દ રામકથાનો શબ્દ હોય કે કોઈની કવિતાનો શબ્દ હોય. જેમ કે સભા હોય તો માત્ર બે જ હોય. એક રાજા ભોજની અને બીજી મોરારિબાપુની કે જ્યાં કવિને કવિતા વાંચ્યાનો સંતોષ થાય. આવી સભામાં ઉચ્ચારાયેલા શબ્દો હવા બાંધે છે.

DSC06386ભોજપ્રબંધમાં એક વાત વારંવાર આવે છે કે ભોજરાજા એટલા બધા ઉદાર હતા કે એક અક્ષર વાંચીને લાખ રૂપિયા આપી દેતા. કવિઓ ઉપર તે એટલા બધા વારી જતા હતા. મહાન અને ઉદાર એવા ધારાનગરીના અધિપતિ ભોજરાજા છે. અનેક ગ્રંથો મહારાજ ભોજને વારંવાર યાદ કરે છે. ધારાનગરી એટલે કવિઓની નગરી. પ્લેટોએ એમ કહ્યું હતું કે મારા આદર્શનગરમાં એક પણ કવિ ન જોઈએ જ્યારે ભોજ એમ કહે છે કે મારા આદર્શનગરમાં કવિ સિવાય અન્ય કોઈ ન જોઈએ. એટલ જ ભોજ ટકી ગયા ! ભોજ કવિતાના શબ્દને ઓળખતા હતા. એમણે સોમનાથના મંદિરના બચાવ માટે પણ મદદ કરી હતી. એમના દરબારમાં એક-એકથી ચઢિયાતા એવા કવિઓ બેસતા. શિલ્પકારો અને કલાકારો પણ બેસતા. એમાંના એક મંથર નામના કલાકારની કૃતિ તો હજુ લંડનના મ્યુઝિયમમાં છે. દુઃખની વાત એ છે કે આપણી સરકારે તે પરત મેળવવાની કાર્યવાહી પણ કરી નથી.

લઘુકાવ્યો વરસાદના ફોરાં જેવાં છે. ક્યારેક ભીંજવે, રોમાંચિત કરે, ક્યારેક પલાળે. તે આહલાદક હોય છે. તેમાં આખો કવિ ઠલવાઈ જાય છે. લખનારો ક્યારેક અજ્ઞાત રહીને અમર બને છે. લઘુકાવ્ય માણસનું હૃદય પરિવર્તન કરી નાખે. ભોજપ્રબંધ ત્યાંથી શરૂ થાય છે. ધારાનગરીના સિંધુલ રાજા વૃદ્ધ થયા. મુંજ બળવાન હતો. સિંધુલને થયું કે હું ગાદી દીકરાને આપીશ તો મુંજ કાવાદાવા કરીને મારા દીકરા ભોજને મારી નાખશે. એટલે ગાદી ભોજને આપવાને બદલે તેમણે મુંજને આપી. મુંજના ખોળામાં ભોજને બેસાડ્યો. સિંધુલ દિવંગત થયા. એ પછી શરૂઆતમાં તો મુંજે ભોજ પર થોડું વહાલ વરસાવ્યું પણ પછી એક વખત જ્યોતિષીને બોલાવીને પૂછ્યું કે આ બાળકનું ભવિષ્ય કેવું છે ? જ્યોતિષી કુંડળી જોઈને ચકિત થઈ ગયા. તેમણે કહ્યું કે આ બાળક રાજા બનીને પૂરા 55 વર્ષ આ પૃથ્વી પર રાજ્ય કરે એવા તેના ગ્રહો છે. મુંજે પોતાના બુદ્ધિસાગર મંત્રીને આદેશ આપ્યો કે આ કાંટાને ગમે તે રીતે દૂર કરો. મુંજને માટે ગાદી છોડવી અસહ્ય હતું. તેઓ મહત્વાકાંક્ષી અને પ્રતાપી હતા પરંતુ ઈર્ષા એવી ચીજ છે કે માણસની મહાનતાને ઘટાડી દે છે. તેમના અંગત સામંત વત્સરાજને તેમણે આ કામ સોંપ્યું. સામંતે રાજાને સમજાવવાની કોશિશ કરી પરંતુ મુંજ સમજ્યા નહીં. મને-કમને વત્સરાજે વાત સ્વીકારી. તેમણે ભોજના જેવું જ એક મોઢું બનાવીને મુંજને બતાવ્યું અને કહ્યું કે ભોજને મેં મારી નાખ્યો છે. પરંતુ હકીકતે જ્યારે વત્સરાજ ભોજને મારવા ગયા ત્યારે ભોજે પોતાના સાથળમાંથી લોહી કાઢીને એક શ્લોક લખ્યો છે, જેનો અર્થ આ પ્રમાણે છે : ‘ન તો આ પૃથ્વી માંધાતાની થઈ, સેતુ રચનાર રામ સાથે પણ આ પૃથ્વી નથી ગઈ, યુધિષ્ઠિર જેવા સત્યવાદી સાથે પણ પૃથ્વીનો એક ટુકડો નથી ગયો તો પછી તને એમ લાગે છે કે આ પૃથ્વી તારી સાથે આવશે ?’ માત્ર આ એક શ્લોક સાંભળીને જ મુંજનું હૃદયપરિવર્તન થઈ ગયું. એટલે જ મેં કહ્યું ને કે લઘુકાવ્ય હૃદયપરિવર્તન કરાવી શકે છે. મુંજને થયું કે આ તો મારાથી ઘોર અપરાધ થઈ ગયો છે. તેમણે બ્રાહ્મણોને બોલાવ્યા અને પ્રાયશ્ચિત માટે પૂછ્યું. પંડિતોએ કહ્યું કે બાળહત્યાનું કોઈ પ્રાયશ્ચિત ન હોઈ શકે, તમે અગ્નિની ચિતા ખડકીને તેમાં પ્રવેશો તો જ પ્રાયશ્ચિત થાય. મુંજ ચિતામાં પ્રવેશવા તૈયાર થઈ ગયા. બુદ્ધિશાળી મંત્રીએ જણાવ્યું કે જે થઈ ગયું એ થઈ ગયું. અમે ભોજને ગમે તે રીતે જીવતો કરીએ છીએ. તમે ચિતામાં પ્રવેશ ન કરશો. પછી તો કપાલિકોને બોલાવવામાં આવ્યા અને પછી અંતે જીવતા ભોજને રજૂ કરવામાં આવ્યો. આમ પાંચ વર્ષના બાળકે લઘુકાવ્ય દ્વારા હૃદયપરિવર્તન કરી નાખ્યું.

કવિઓ માણસના અસ્તિત્વને હચમચાવી નાખતાં હોય છે. લઘુકાવ્ય માણસને ઝગઝોડી દે છે. કવિઓને કોઈનો ડર હોતો નથી. એનો શબ્દ એ જ સત્ય હોય છે. એ સત્યને માટે એમણે દેશવટો પણ વેઠ્યો છે પરંતુ સત્યનિષ્ઠા છોડી નથી. એ સત્યનિષ્ઠામાંથી લઘુકાવ્ય જન્મે છે. આ બાબતને અનુરૂપ એક પ્રસંગ છે. રાજા ભોજ એકવાર ઉદ્યાનવિહાર કરવા માટે ગયા. સામે બ્રાહ્મણ મળ્યા. ભોજને જોઈને બ્રાહ્મણે આંખો બંધ કરી દીધી. ભોજને નવાઈ લાગી. તેમણે ભૂદેવને કારણ પૂછ્યું. ભૂદેવે જવાબ આપ્યો કે તમે કૃપણ, કંજૂસ છો. જેવી રીતે મર્દાનગી વગરના પુરુષને કોઈ સ્ત્રીઓ ઈચ્છે નહીં તેમ જે રાજી થાય તો કશું આપે નહીં અને ગુસ્સે થાય તો કંઈ કરે નહીં એવા રાજાનો શું અર્થ ? ભોજને વાત સમજાઈ. એમણે કહ્યું કે આપ કહો છો તેવો હું બનીશ. રાજા ભોજે એ જ વખતે ઉદારતા દાખવવાના સોગંદ લીધા. એ સોગંદ એમણે આખી જિંદગી પાળ્યા.

મહાકાવ્યો વિદ્વત્તાના ભારથી દબાયેલા હોય છે માટે ક્યારેક તણાઈ પણ જાય છે. લઘુકાવ્યમાં એવું નથી થતું. રાજા ભોજની સભામાં એકવાર બધા વિદ્યા પંડિતો ભેગા થયાં અને તેમણે નક્કી કર્યું કે રાજા ભોજ જો કવિઓને આટલો પુરસ્કાર આપે છે તો આપણને કેમ ન આપે ? તેમને થયું કે આપણે પણ કવિતા લખીએ. દસ-બાર પંડિતોએ ભેગા થઈને માંડ માંડ બે પંક્તિ બનાવી. એનો ભાવાર્થ એ હતો કે ‘હે રાજન, અમને ભોજન આપો, જેમાં ઘી હોય, દાળ ભાત હોય…..’ એવું કંઈક એમણે લખ્યું. આ બે પંક્તિઓ લખીને તેઓ રાજા પાસે જતાં હતાં ત્યાં માર્ગમાં કાલિદાસ મળી ગયા. તેમણે કાલિદાસને કહ્યું કે બીજી બે પંક્તિઓ તમે પૂરી કરી આપો. કાલિદાસે તરત જ બીજી બે પંક્તિઓ લખી, ‘અમને શરદઋતુની ચાંદની જેવું દહીં સાથે આપો….’ રાજા ભોજ તો કવિતાના મર્મજ્ઞ હતા. તેમણે તરત કહી દીધું કે પહેલી બે પંક્તિઓ માટે તો તમને કંઈ મળે એમ નથી. પરંતુ પાછળની બે પંક્તિઓમાં ઉપમા અલંકાર છે, એના હું તમને પૈસા આપી શકું પણ સાથે આપને એ પણ કહી દઉં કે એ પાછળની બે પંક્તિઓ તમારી નથી. પંડિતોએ ભૂલ સ્વીકારી. એ વખતે રાજા ભોજ એક સુંદર શ્લોક બોલે છે કે હું જ્યારે આખા જગતને યાદ કરું છું ત્યારે ત્રણ જ પદાર્થ મારા હૃદયમાં વસે છે… એક તો સાકરની મીઠાશ, કવિઓની વાણી અને સુંદરીઓના કટાક્ષો.

મહાકાવ્યો તો સમૃદ્ધ માણસે લખ્યા હોય કારણ કે એમને રાજાનો આશ્રય હોય. લઘુકાવ્ય તો કોઈ ગરીબ માણસ પણ લખી શકે. ક્યારેક એક નાના લઘુકાવ્યમાં આખી જિંદગીની દિશાનું પ્રતિબિંબ પડતું હોય એમ જણાય છે. કેવી કમનસીબી છે ગરીબની જ્યારે એ એની વ્યથા રાજાને રજૂ કરે છે. ભોજપ્રબંધમાં એ પ્રકારનો એક શ્લોક છે. એ ગરીબના ઘર પાસેથી પૌંઆ વેચનારો લારી લઈને નીકળે છે. ગૃહિણીએ આ સાંભળ્યું અને તેને થયું કે હમણાં છોકરાંઓ હઠ કરશે. ઘરમાં ધન નથી. કેવી રીતે અપાવવા ? ગૃહિણી એકદમ દોડીને જઈને બાળકના કાન બંધ કરી દે છે. એ પેલા પૌંઆવાળાની બૂમ સાંભળી ન લે તે માટે. ગરીબ ગૃહસ્થ વિચારે છે કે આનો તો હું કોઈ ઉપાય કરી શકું તેમ નહોતો. આંખમાંથી આંસુ નીકળ્યા. આ હૃદયનું શૂળ છે. ગરીબાઈનું શૂળ છે. તે રાજાને કહે છે કે આ શૂળ તમે કાઢો તો ઠીક છે નહીં તો આમ ને આમ હું મરી જઈશ.

લઘુકાવ્યની એક વિશેષતા એ છે કે તેમાં ક્યારેક શબ્દની ચમત્કૃતિ હોય તો ક્યારેક અર્થની ચમત્કૃતિ પણ હોય. વ્યાકરણ એમાં રસાયણ બની જતું હોય છે. ભોજપ્રબંધમાં શબ્દકોશ દ્વારા ગરીબીની દશાનું વર્ણન કરવામાં આવ્યું છે. કવિ ગરીબને પૂછે છે કે ગઈકાલે રાત્રે બહુ ઠંડી હતી તો તેં રાત કેવી રીતે પૂરી કરી ? ગરીબ જવાબ આપે છે કે બે ગોઠણ વચ્ચે માથું નાંખીને રાત પૂરી થઈ. દિવસે સૂર્યપ્રકાશમાં બેઠો રહ્યો અને દિવસ પૂરો થયો. જ્યારે દિવસ કે રાત નહોતી એટલે કે સંધ્યા હતી ત્યારે અગ્નિ સળગાવ્યો. આ રીતે ઠંડીની ઋતુ પૂરી કરી. ‘જાનુ, ભાનુ, કૃષાનુ’ એવા ત્રણ જ શબ્દ વાપરીને કવિએ આખી શિયાળાની ઋતુ વર્ણવી દીધી છે. ગરીબીની લાચારીનું પ્રતિબિંબ કેવા ત્રણ સરસ શબ્દો દ્વારા ઉપસાવવામાં આવ્યું છે !

એક બીજો શ્લોક કવિએ રાજાની પાસે આવીને કીધો છે. એણે રાજાભોજને એમ કહ્યું કે અમારે એક તકલીફ છે કે અમે ઘરમાં કોઈ ગુસ્સે નથી થઈ શકતા. મારી મા નથી મારા પર ગુસ્સે થતી, નથી મારી પુત્રવધૂ પર ગુસ્સે થતી. મારી પત્ની નથી મારી તરફ ગુસ્સે થતી કે નથી મારી સાસુ તરફ ગુસ્સે થતી. મારે પણ કોઈ પર ગુસ્સે થવાનું કોઈ કારણ નથી. અમે ગુસ્સે થઈએ એવું કશું ઘરમાં છે જ નહિ. તો હે રાજા, બતાવ કે આમાં દોષ કોનો છે ? રાજા તો પારખું છે. એ તરત પારખીને દોષ દૂર કરે છે.

કવિતા અકાવ્યને કવિતા બનાવે છે. વ્યાકરણ શુષ્ક વસ્તુ છે પણ કવિનો હાથ અડે અને વ્યાકરણ જીવતું થઈ જાય છે. એક વાર રાજા ભોજે એક સુંદર મહેલ બંધાવ્યો. એ ત્યાં રહેવા જાય તે પહેલાં એક બ્રહ્મરાક્ષસ તેમાં ઘૂસી ગયો. આ રાક્ષસ વારંવાર આવીને અમૂક સૂત્રો બોલતો. જે નોકર ચાકર એનો જવાબ ન આપે તેને ખાઈ જતો. રાજા ભોજે આ વાત કાલિદાસને કરી. કાલિદાસે કહ્યું કે વિદ્વાન હશે તો હું પહોંચી વળીશ માટે આપ ચિંતા ન કરશો. હું આજે રાત્રે ત્યાં જઈને રોકાઈશ. એ રાક્ષસ રાત્રિના પહેલા પ્રહરે આવીને પાણિનીનું સૂત્ર બોલ્યો એટલે કાલિદાસે એમાંથી કવિતાની પંક્તિ બનાવી દીધી. રાક્ષસ સૂત્ર બોલ્યો કે ‘બધાને બે હોય છે.’ કાલિદાસે રચના કરી કે ‘બધાને બે હોય છે – સુમતિ અને કુમતિ. સુમતિ હોય ત્યાં સમૃદ્ધિ હોય છે અને કુમતિ હોય ત્યાં સંકટો ઊભા થાય છે.’ પહેલા પ્રહરે તો કાલિદાસ બચી ગયો. બીજા પ્રહરે રાક્ષસ ફરી આવ્યો અને કહ્યું ‘એક ગોત્ર હોય છે….’ કાલિદાસે પંક્તિ બનાવી કે ‘આખા કુટુંબનું પાલનપોષણ કરે તે એક ગોત્રમાં સૌથી મોટો કહેવાય.’ ત્રીજા પ્રહરે રાક્ષસે આવીને અન્ય સૂત્ર કહ્યું એટલે કાલિદાસે એની પંક્તિ બનાવીને કહ્યું કે ‘વૃદ્ધોને છોડીને કામિનીઓ યુવાન વ્યક્તિ તરફ જતી રહેતી હોય છે…’ છેલ્લા પ્રહરે બ્રહ્મરાક્ષસે ચોથું સૂત્ર ઉચ્ચાર્યું : ‘સ્ત્રી પું વં ચં.’ કાલિદાસે પંક્તિ પૂરી કરી કે ‘સ્ત્રીઓ જ્યારે પુરુષો જેવા અધિકારો ભોગવવા માંડે ત્યારે એ ઘરને નાશ પામેલું માનવું.’ કાલિદાસે પતિ-પત્નીના ઈગો કેવા ટકરાતા હોય છે એનો સચોટ જવાબ આપ્યો છે. બ્રહ્મરાક્ષસે સવારે કીધું કે હું તમારા પ્રશ્નોના જવાબોથી સંતુષ્ટ થયો છું. તમે માંગો. કાલિદાસે કહ્યું કે આપ ખુશ થયા હોવ તો આ મહેલ છોડી દો જેથી તમારી સદગતિ થાય. કવિતા દૂરિતનું નિવારણ આ રીતે કરતી હોય છે.

કવિતા વક્રોક્તિ અને અતિશયોક્તિ સિવાય બને જ નહીં પરંતુ અતિશયોક્તિ ક્યાં લઈ જાય એનું એક ઉદાહરણ છે. એક કવિ આવ્યા અને રાજા ભોજને કીધું કે મને એક ચિંતા થાય છે અને એ તમારા લીધે થાય છે. સાંભળો રાજન, આપની કીર્તિ એવી રીતે ફેલાય છે કે ત્રણે લોકોની તમામ વસ્તુઓ સફેદ રંગની થવા માંડી છે. (આપણે ત્યાં યશ-કીર્તિને સફેદ રંગથી ઓળખાવાય છે. એટલે જ એમ કહેવાય છે કે ધોળામાં ધૂળ પડી. ધોળું નો અર્થ અહીં કીર્તિ થાય છે.) તેથી રાજન, મને ચિંતા એ થાય છે કે તમારે લીધે મારી પ્રિયતમાના વાળ તો ધોળા નહીં થઈ જાય ને ! … આવો જ એક બીજો શ્લોક છે જેમાં રાજા ભોજની કીર્તિના વખાણ કરવામાં આવ્યા છે. એ શ્લોકની ચમત્કૃતિ જુઓ. એક બીજો કવિ કહે છે કે તમારા યશથી ચારે દિશાઓ સફેદ થવા માંડી ત્યારે મુશ્કેલી એ થઈ કે ભગવાન વિષ્ણુને રહેવાની જગ્યા મળતી નથી. એમનો ક્ષીરસાગર સફેદ રંગનો પરંતુ આ બધી સફેદ વસ્તુઓમાં એ ક્ષીરસાગરને શોધે ક્યાં ? આ તો બધા જ દરિયા સફેદ લાગવા માંડ્યા. શંકર ભગવાનનો કૈલાસ પણ સફેદ રંગનો એટલે એ પણ ખોવાઈ ગયો. ઈન્દ્રનો હાથી સફેદ રંગનો એટલે એ ઐરાવત પણ ખોવાઈ ગયો. રાહુ ચંદ્રને શોધે છે કે મારે એને ગળવો છે પણ આ તો બધું જ સફેદ છે એમાં ચંદ્રને ક્યાં શોધવો ? બ્રહ્મા પોતાના હંસને શોધી રહ્યા છે. વાહન મળે તો બેસે ને ? – રાજા ભોજની કીર્તિના પ્રભાવને વર્ણવતો અતિશયોક્તિ અલંકાર અહીં વપરાયો છે. ભોજની કીર્તિ વિશે એક અન્ય શ્લોક પણ છે જેમાં એમ કહેવાયું છે કે બ્રહ્માજી ક્ષીર અને નીર લઈને નીકળ્યા છે. જો કોઈ જુદુ પાડી દે તો ખબર પડે ને કે એ હંસ છે કારણ કે આ તો બધા પક્ષીઓ ધોળા થઈ ગયાં છે. ભગવાન વિષ્ણુ છાશ લઈને ફરે છે જેથી ક્યાંક એને નાખે અને જો દહીં થાય તો ખબર પડે ને કે અહીં ક્ષીર સમુદ્ર છે. ભગવાન શિવ તો રુદ્રાવતાર છે. એટલે તેઓ એકદમ ગુસ્સે થઈ ગયા. બધા ઉત્તુંગ શિખરોને બાળવા માંડ્યા કારણ કે એમાંથી જે ન બળે તે કૈલાસ હોય, કારણ કે કૈલાસ પર તો બરફ જામેલો રહે છે. તેથી હે રાજા, આ એક મારી મોટી ચિંતા છે કે તમારા યશને લીધે દેવતાઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કામધેનુની પરિસ્થિતિ તો આના કરતાં પણ ખરાબ છે. સ્વર્ગનો ગોવાળ મુશ્કેલીમાં છે. તે નારદમુનિને કહે છે કે કામધેનુ ગાયનો વાછરડો ભૂખ્યો થયો છે એની માટે ઘાસ લેવા પૃથ્વી પર જઉં છું. નારદ કહે છે કે વાછરડાને ગાયના આંચળથી પોષ. ગોવાળ કહે છે કે આંચળમાં દૂધ જ સૂકાઈ ગયું છે. એનું મુખ્ય કારણ એ છે કે કામધેનુ ગાય શરમાઈ ગઈ છે. રાજા ભોજ એટલું બધું દાન કરે છે કે કામધેનુ પાસે કોઈ કશું માગતું જ નથી. બધા રાજા ભોજ પાસે માંગે છે. નારદમુનિ કહે છે કે તું રહેવા દે. પૃથ્વી પર પણ ઘાસ નથી. ભોજરાજાના જે દુશ્મનો હતા એમને બીજું કંઈ ખાવા નહોતું મળતું તેથી તેઓ ઘાસ પણ ખાઈ ગયા છે. – શ્લોકોની આ ચમત્કૃતિ એ કવિતાનો એક અદ્દભુત નમૂનો છે.

કેટલીકવાર ‘ઓન-ધ-સ્પોટ’ કવિતા લખવાની હોય છે. ભોજરાજાએ એકવાર સગડી જોઈ અને કાલિદાસને કીધું કે આ સગડી પર કંઈક કવિતા બનાઓ. કાલિદાસ તો પંડિત છે એટલે એ સગડીનું વિદ્વત્તાથી વર્ણન કરે છે. કવિ કહે છે કે આ સગડી છે તે કવિઓની બુદ્ધિ જેવી ‘બહુલોહા’ એટલે કે જેની અંદર ઘણુંબધું લોઢું છે તેવી છે. ‘બહુલોહા’નો એક અર્થ તર્ક-વિતર્કવાળી પણ થાય છે. સવારનું જેમ ચક્ર (schedule) ગોઠવાયેલું હોય છે તેવી આ સગડી છે. જાણે શિવની મૂર્તિ હોય તેવી અટ્ટહાસ્ય કરતી આ સગડી છે. ધૂમાડા વગરની, અગ્નિ સાથેની આ સગડી છે. ‘વિ+ ધૂમા + અનલ’ આ ત્રણ શબ્દો આ શ્લોકમાં વાપર્યા છે. એનો અર્થ એવો થાય છે કે શિવ સાથે ઉમા છે, કપાળમાં અગ્નિ (અનલ) છે અને ‘વિ’ એટલે વિધુ-ચંદ્ર છે. સગડી પરનો આનાથી ઉત્તમ શ્લોક ક્યાંય નહીં રચાયો હોય. લાજવાબ શ્લોક છે.

ભોજરાજા ઘણીવાર બહાર ફરવા નીકળે. કોઈ પંક્તિ સ્ફૂરે તો એને ગણગણતા રાજદરબારમાં આવે. ત્રણ-ચાર કવિઓ પછી ભેગા થઈને એ પંક્તિ પૂરી કરે અને કવિતા રચે, એવું ઘણીવાર બનતું. 105 ગ્રંથો તો ભોજે પોતે લખેલા છે. એવા તો એ વિદ્વાન કવિ છે. એકવાર રાજા ભોજે બહાર અસ્ત પામતો ચંદ્ર જોયો અને આવીને બોલ્યા કે ‘પેલી ચરમગિરિ પર ચંદ્રનું બિંબ આથમી રહ્યું છે.’ આ પંક્તિ સાંભળીને ભવભૂતિએ તરત બીજી પંક્તિ સાથે જોડી, ‘જ્યારે આકાશમાં અરુણના (સૂર્યના) સોનેરી કિરણો પથરાયા ત્યારે પેલું ચંદ્રનું બિંબ આથમ્યું.’ આ ત્રણે પંક્તિ સ્વભાવોક્તિ જેવી છે. આ ત્રણે પંક્તિઓ સુંદર છે પરંતુ કવિતા નથી બનાવતી. રસ નથી આપતી. છેલ્લી પંક્તિ કાલિદાસે પૂરી કરી અને કવિતા બની ! કાલિદાસ કહે છે : ‘જ્યારે યુવતિઓના હોઠ એના પ્રિયતમથી જુદા પડ્યા ત્યારે સવાર પડ્યું.’ આખો શ્લોક શ્રુંગાર રસમાં પલટાઈ જાય છે. કવિનો આ જાદુ છે. માત્ર થોડાક શબ્દોથી એ હવા બદલી કાઢે છે.

એક બીજો પ્રસંગ છે. ભોજ બહુ દાન કરતા હતા એથી નજીકના લોકોને દુઃખ થાય એ સ્વાભાવિક છે. એના કારભારીએ રાજા ભોજ વાંચે એમ એમના શયનખંડની દિવાલ પર એક પંક્તિ લખી. એને મન એમ હતું કે રાજા ભોજ સમજીને દાન આપતો અટકી જાય તો સારું. એ પંક્તિનો અર્થ એ હતો કે ‘મહારાજ તમે ક્યારેક મુશ્કેલીમાં મુકાઈ જશો. આ કવિઓ તો નવરા છે તમે પણ નવરા થઈ જશો. આક્રમણ થશે તો શું કરશો ? કવિઓની કવિતાથી દેશ નહીં જીતાય !…’ ભોજ પંક્તિનો મર્મ સમજી ગયા. એટલે એમણે તરત નીચે બીજી પંક્તિ લખી કે ‘શ્રીમાન માણસોને આપત્તિ ક્યાંથી આવે ?’ ફરી પાછી પેલાએ ત્રીજી પંક્તિ ચપળતાથી કરી કે તમે જે સંપદાની વાત કરો છો એ લક્ષ્મી જતી રહેશે તો ? રાજા ભોજે લખ્યું કે એ તો ભેગી થાય તોય જતી જ રહે છે. એવી બધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

એકવાર લક્ષ્મીધર નામના પંડિત આવ્યા અને કહ્યું કે મારે આપના નગરમાં રહેવું છે. ભોજે કહ્યું કે તપાસ કરો આપણા નગરમાં કોણ અકવિ છે ? એને કાઢી મૂકો. મારા નગરમાં વિદ્વાન હોય, કવિ હોય અને કલાનો જાણકાર હોય એ જ રહેવો જોઈએ. રાજાના સિપાહીઓ એક વણકરને પકડી લાવ્યા. એમને થયું કે આને તો કવિતા વિશે કશો ખ્યાલ નહીં હોય. રાજાને જઈને તેમણે કહ્યું કે આ એક છે જેને લાગે છે કે કવિતા વિશે કંઈ ખ્યાલ નહીં હોય. રાજાએ પૂછ્યું કે તને કવિતા સમજાય છે ? વણકર કહે છે કે તમે માનો છો એવું નથી. એમ કહીને એણે એક શ્લોક કહ્યો, ‘કવિતા જેવી તેવી લખાય છે પણ લખાય છે ખરી. તમે મને કાઢી ન મૂકો એટલું કૌવત તો મારામાં છે. પ્રયત્નપૂર્વક લખું તો સારી કવિતા પણ લખાય. એમાં કંઈ અઘરું નથી. હું કવિતા કરું છું, વણતો જઉં છું અને ભરણપોષણ પણ કરું છું….’ એમ કહીને એણે પ્રાસમાં આ શ્લોક કહ્યો. આ વણકરની મસ્તી છે !

એકવાર રાજા ભોજ કાલિદાસને કહે છે કે તમે મારા મૃત્યુ પર એક કવિતા લખો. કાલિદાસ રિસાઈને ચાલ્યા જાય છે કે હું આવું નહીં લખું. કાલિદાસના ગયા પછી ભોજ એની પાછળ વેશ બદલીને સંન્યાસી બનીને ગયા. જઈને સમાચાર આપ્યા કે ભોજરાજા મૃત્યુ પામ્યા છે. એ વખતે કાલિદાસે જે પંક્તિ લખી એ જાણે સંસ્કૃત ભાષાનું મરસિયું કહી શકાય ! આ અનુષ્ટુપ છંદનું મરસિયું સાંભળીને રાજા ભોજ એ જ સમયે ત્યાં બેભાન થઈ ને નીચે પડ્યા. કાલિદાસને ખબર પડી જાય છે કે આ તો ભોજે મને છેતર્યો છે. એ જ મરસિયાના શ્લોકના થોડા શ્લોકો બદલીને કાલિદાસ એ શ્લોક થોડો જુદી રીતે બોલે છે અને આખો શોકનો ભાવ આનંદના ભાવમાં બદલાઈ જાય છે.

અંતે, સૌને મારા પ્રણામ. પૂજ્ય બાપુને વંદન કરીને મારી વાણીને વિરામ આપું છું. આભાર.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “ભોજપ્રબંધ (સંસ્કૃતસત્ર : 12) – હર્ષદેવ માધવ”

Copy Protected by Chetan's WP-Copyprotect.