ઘરથી ઘર તરફ…. – આશા વીરેન્દ્ર

[‘ભૂમિપુત્ર’ સામાયિક માર્ચ-2013માંથી સાભાર.]

રીના સાથે લગ્ન કરવાના મારા નિર્ણયથી ભાઈ બે કારણસર નારાજ હતા. (પિતાજીને અમે ભાઈ કહી સંબોધતા). એક તો રીનાની અને અમારી ન્યાત જુદી હતી અને બીજું, રીનાના પિતાજી અમારા કરતાં ઘણા વધુ શ્રીમંત હતા. ભાઈની એવી દઢ માન્યતા હતી કે લગ્નસંબંધ બરોબરીવાળા વચ્ચે જ થવો જોઈએ. મેં ભાઈને સમજાવવાના ઘણા પ્રયત્નો કરી જોયા.

‘ભાઈ, રીનાને મેં સમજી-વિચારીને પસંદ કરી છે. એને પૈસાનું જરાય અભિમાન નથી. તમે તમારાં સંતાનો પર જે ભરોસો હંમેશા મૂક્યો છે એને હું ખોટો નહીં પડવા દઉં. મારામાં વિશ્વાસ રાખો.’
ફિક્કું હસતાં તેઓ બોલ્યા : ‘હવે વિશ્વાસ રાખવા જેવું શું બચ્યું છે ? બધું તો તેં નક્કી કરી જ લીધું છે. ખેર ! જે થયું તે, પણ હવે એક કામ કર. એક જુદું ઘર શોધી લે એટલે તમે બંને અને અમે બધા શાંતિથી રહી શકીએ.’

ભાઈના મોઢામાંથી એક વાક્ય નીકળ્યું કે એ અફર થઈ જતું. એમાં કોઈ ફેરફાર કરવાની સત્તા કોઈને નહોતી. આ વાત સારી રીતે જાણતી મા દીવાલને અઢેલીને ઊભી હતી ત્યાં જ ઢગલો થઈને બેસી પડી. બેન દુપટ્ટાથી આંખો લૂછવા માંડી. ભાઈએ પોતાના ઓરડામાં જઈ ધડામ કરતાંકને દરવાજો બંધ કરી દીધો. અને હું ? હું તો એવો ડઘાઈ ગયો હતો કે શું કરવું એ મને સમજાતું જ નહોતું. ભલે ભાઈના કહેવાથી ભાડાના ઘરમાં રહેવા આવ્યાને મને અને રીનાને દોઢેક વર્ષ થઈ ગયું પણ આટલા વખતમાં મારી એક ક્ષણ પણ ભાઈને નારાજ કર્યાના અને પરિવારથી વિખૂટા પડી ગયાના અપરાધભાવ વિનાની નહોતી જતી. નાનપણથી ભાઈ જ મારે માટે જીવનનો આદર્શ રહ્યા હતા. શરૂઆતથી જ મને એમની આભામાં જીવવાની આદત પડી ગઈ હતી. મારી ભલભલી નિષ્ફળતા ભાઈના એક આછેરા સ્મિતથી જ્વલંત સફળતામાં ફેરવાઈ જતી અને ગમે તેવી આનંદની પળોમાં મારો ખભો થાબડતો ભાઈનો હાથ ન હોય તો મને અધૂરપ લાગતી. તેથી જ હવે ભાઈને ક્યારે અને કેવી રીતે મનાવી લઉં એ વિચાર સતત મારા મન પર સવાર રહેતો.

હજી ગઈકાલે જ મને કંપનીમાં પ્રમોશન મળ્યું અને સાથે કાર પણ. કારની ચાવીનો સ્પર્શ કરતાં મને એક અજબ પ્રકારનો રોમાંચ થઈ આવ્યો. સાથેસાથે ભાઈનો પ્રભાવશાળી અને કરડો ચહેરો પણ નજર સામે તરવરવા લાગ્યો. આજે સવારમાં તૈયાર થઈને ઑફિસ જવાના બદલે હું રીનાના પપ્પા પાસે પહોંચ્યો. અમારાં લગ્ન વખતે એમણે આપેલા મોટી રકમના ચેકનું કવર મેં અકબંધ જ રાખેલું એ એમના હાથમાં મૂકી દીધું.
‘આ શું છે ? જાણે વીંછીં ડંખ્યો હોય એમ એ ચમકી ઊઠ્યા, ‘આ રકમ મેં કંઈ પાછી લેવા માટે નહોતી આપી.’
‘માફ કરજો, પણ મારો અને રીનાનો સંયુક્ત નિર્ણય છે કે, અમે સ્વનિર્ભર રહીને જીવશું.’ ઘણી આનાકાની અને ખેંચતાણ પછી બહુ મુશ્કેલીથી એમને સમજાવીને કારમાં બેઠો ત્યારે મન પરથી એક બહુ મોટો બોજો ઊતરી ગયો હતો. મારી આ આત્મસન્માનની વાત સાંભળીને અને દીકરાની કમાણીની કાર જોઈને ભાઈ ચોક્કસ રાજી થઈ જવાના. હાઈ-વે પર પહોંચીને ગામ તરફ જતો રસ્તો પકડ્યો ત્યારે મારી નજર સામે મને અતિ પ્રિય એવો નાનપણનો સાથીદાર મારો ઓરડો, એમાં અસ્તવ્યસ્ત પડેલાં પુસ્તકો, પલંગ પર ચોળાઈને ડુચ્ચા જેવી થઈ ગયેલી ચાદર – આ સઘળું તરવરવા લાગ્યું. હું પહોંચ્યો ત્યારે ઘરમાં બહેન સિવાય કોઈ દેખાતું નહોતું. મને જોઈને ખુશ થવાને બદલે જાણે એ કંઈક ડરી ગઈ હોય એવું લાગ્યું. મને ગુંગળામણ થઈ આવી.

‘થાકી ગયો છું. પહેલાં નાહીને ફ્રેશ થઈ આવું. મારો ટુવાલ તો હશે ને રૂમમાં ?’
‘હા, પણ…. એમાં એવું છે કે, તારો રૂમ રીનોવેટ થાય છે. હવે ત્યાં ગેસ્ટ રૂમ બનાવવાનો છે ને….’ જાણે કોઈ મોટી શિલા ગબડતી ગબડતી મારા માથા પર પડી હોય એવું લાગ્યું.
‘આવું બધું કરતાં પહેલાં મા અને ભાઈએ એક વખત મને પૂછવું તો જોઈએ !’
પાછળથી ભાઈનો ઘેરો, સત્તાવાહી અવાજ આવ્યો, ‘તને શું પૂછવાનું ? તું તો આખો ને આખો વેચાઈ ગયો છે – તારા શ્રીમંત સસરાને હાથે. બાય ધ વે, આજે આમ અચાનક આવવાનું કંઈ ખાસ કારણ ?’ કોઈ ત્રાહિત વ્યક્તિ સાથે વાત કરતા હોય એવી ભાઈની બોલવાની રીતથી હું અંદર ને અંદર ઘવાતો જતો હતો. માંડમાંડ મેં બોલવા માટે મોઢું ખોલ્યું.
‘ભાઈ, કારણ તો……’ મને અધવચ્ચે અટકાવતાં એમણે કહ્યું, ‘હા, હા સમજ્યો. સસરાજીના પૈસાથી ખરીદેલી કાર બતાવવા આવ્યો હોઈશ, ખરું ? તને કંઈ લાજ-શરમ જેવું છે કે નહીં ?’

મારી આંખમાંથી આંસુ સરી પડ્યાં, એ દુઃખનાં છે કે આક્રોશનાં એ મને સમજાયું નહીં. મને લાગ્યું કે, હવે કંઈ પણ બોલવાનો અર્થ નથી. જિંદગીમાં પહેલી વાર મેં કંઈક નિરાશાભરી નજરે ભાઈ તરફ જોઈને ખિન્ન મનથી દરવાજા તરફ ચાલવા માંડ્યું. બેન પાછળ દોડી, ‘જરાક રોકાઈ જા. માને ય ક્યાં મળ્યો છે ? મા હમણાં મંદિરેથી આવી જશે.’
‘બસ, હવે જરાય રોકાવાની ઈચ્છા નથી. માને મારા પ્રણામ કહેજે. લાગે છે, આ ઘર સાથેનાં મારાં લેણ-દેણ પૂરાં થયાં. એક છેલ્લી વાત. આ કાર મને ગઈ કાલે જ કંપનીએ આપી અને આજ હરખમાં ને હરખમાં તમને સૌને બતાવવા દોડી આવ્યો.’ મારો અવાજ રુંધાઈ ગયો.

કારના એન્જિનની ઘરઘરાટીમાં બેનનો જોરજોરથી રડવાનો અવાજ દબાઈ ગયો. સૂમસામ રસ્તા પર મારી નવી નક્કોર કાર સડસડાટ ભાગી રહી હતી. હજી ત્રણ-ચાર કલાક પહેલાં હું આ જ રસ્તેથી ઘર ભણી જઈ રહ્યો હતો ત્યારે બહાર કે ભીતર આટલું અંધારું ક્યાં હતું ? ત્યારે તો મારું હૈયું આનંદ, ઉલ્લાસ અને ખુશીથી સભર હતું. ક્યારે ઘેર પહોંચું અને ક્યારે મા-ભાઈ અને મારી લાડલી નાની બહેનને આશ્ચર્યચકિત કરી દઉં એ વિચારથી હું થનગનતો હતો. ને અત્યારે ? અત્યારે મારું મન સવાલ કરતું હતું કે, સાંભળ્યું તો એવું છે કે, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય.’ તો પછી આજે આમ કેમ થયું ? મારી કાર ભાગી રહી હતી…. બાળપણ જ્યાં વિતાવ્યું હતું એ ઘરથી દૂર, હવે પછીનું જીવન જ્યાં ગાળવાનું છે એ ઘર તરફ….

(સૈકત બક્સીની અંગ્રેજી વાર્તાને આધારે)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “ઘરથી ઘર તરફ…. – આશા વીરેન્દ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.