સાત વિચારયાત્રા – સં. મહેન્દ્ર મેઘાણી

[ અગ્રગણ્ય ગુજરાતી સાહિત્યકારો, વિચારકો અને ચિંતકોના ચૂંટેલા વિચારબિંદુઓનું સંપાદન કરીને આદરણીય શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ તાજેતરમાં એક સુંદર નાની પુસ્તિકા પ્રકાશિત કરી છે, જેનું નામ છે ‘સાત વિચારયાત્રા’ આ સાતેય મહાનુભાવોની વિચારયાત્રામાંથી બે-બે વિચારબિંદુઓ અહીં પ્રકાશિત કરવામાં આવ્યા છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

કાકા કાલેલકરની વિચારયાત્રા

saat[1]
મારા વિદ્યાર્થી મિત્રોને કહું છું, ધ્યાનમાં રાખજો કે તમે ગરીબોને માટે છો. દુનિયાનો બોજો ઉપાડનાર ગરીબો છે. સરકાર ચાલે છે તે કોને આધારે ? ગરીબ ખેડૂતના આપેલા પાઈપૈસા પર સરકાર નભે છે. ગરીબોની દાઝ તમારા મનમાં રહે, એ મુખ્ય વસ્તુ છે. ગરીબોની દાઝ ભૂલીને આપણે નિષ્ઠુર બન્યા છીએ. ગરીબોનો બેલી આજે કોઈ નથી. એવી દશામાં વિદ્યાર્થીઓ આગળ હું કઈ ‘કેરિયર’ મૂકું ? જેમને ગરીબોની દાઝ છે, એવાઓને માટે એક જ કેરિયર છે – ગરીબ થઈને આપણે ગરીબોની સેવા કરીએ. પેલા બિચારા લાચારીથી ગરીબ થાય છે, આપણે સ્વેચ્છાપૂર્વક ગરીબાઈ સ્વીકારીએ. આપણે ગરીબાઈનાં કષ્ટો વેઠીને ગરીબોની દાઝ પ્રદર્શિત કરીએ. એ નવી કેરિયર વિદ્યાર્થીઓ આગળ રહે, તો આ દેશનો ઉધ્ધાર થવાનો છે. વિદ્યાર્થીઓને કહું છું કે કોઈ જબરો ઊઠીને જ્યારે ગરીબને કનડે ત્યારે ગરીબનું ઉપરાણું લેવા જાઓ. ગરીબોમાં, આ દીનદુઃખિયાંનો બેલી છે એવી નામના મેળવો. ગરીબોની સેવા કરો…. ગરીબોની સેવા કરો… એ વિના બીજું કશું મારે કહેવાનું નથી.

[2]
પ્રથમ શરીરરક્ષા ખાતર, પાછળથી શારીરિક દોષો ઢાંકવા માટે અને હવે તો વિકારોને ઉત્તેજન આપવા માટે કપડાંનો વિકાસ થતો જાય છે. જૂના વખતમાં હું કેરળ ગયો ત્યારે સામાન્ય રિવાજ તરીકે મેં જોયું કે ત્યાંની સ્ત્રીઓ (ભરજુવાનીમાં ખીલતી યુવતીઓ પણ) પુરુષોની પેઠે ધોતિયું પહેરતી. કમરથી ઉપરનો આખો ભાગ તદ્દન ખુલ્લો. અને એવી સ્ત્રીઓ બજારમાં વસ્તુ ખરીદવા જાય, લોકો સાથે વાતો કરે. એમનામાં શરીરની અસ્મિતા જરાયે દેખાય નહીં. લોકોની આંખોમાં પણ વિકૃતિ જેવું કશું નહીં હોય. કોઈ યુવતી રૂપાળી હોય તો જરા ધ્યાનપૂર્વક જુએ. સૌંદર્ય સહેજસાજ માણે. પણ સામાન્ય વહેવારમાં ઉત્તેજના જેવું દેખાતું ન હતું. તે દિવસે મને થયું કે જે આદર્શ ઉત્તમ સંસ્કારિતા તરીકે મનમાં હું સેવું છું તે આ લોકોને માટે બિલકુલ સ્વાભાવિક છે. સૌંદર્ય જોઈને રાજી થાય છે. કળાત્મક આનંદ માણે છે, પણ મન વિકારી થતું દેખાતું નથી.
.

ઉમાશંકર જોશીની વિચારયાત્રા

[1]
પહેલાં કરતાં કવિતાને માટે પ્રચારનાં સાધનો ખૂબ વધ્યાં છે. પહેલાંના ઉત્તમ કવિઓની કવિતા પણ આટલી સહેલાઈથી બહોળા વર્ગ સુધી પહોંચી શકે તેમ હતું નહીં. તો શું ખરેખર કવિતા લોકોના જીવનમાં એક મહત્વના અંશરૂપ બની છે ? મને તો એમ લાગે છે કે અત્યારના સમયમાં એક પ્રજા તરીકે આપણે ઓછામાં ઓછી કવિતાથી ચલાવીએ છીએ. આપણાં જૂનાં માણસોનું જીવન તપાસીશું તો દેખાશે કે તેમના જીવનમાં કવિતા ઠીક ઠીક મહત્વનો ભાગ ભજવતી. પ્રેમાનંદનાં ‘હૂંડી’, ‘મામેરું’, ‘સુદામાચરિત’ જેવાં આખ્યાનો અનેક વાર એમણે માણ્યાં હોય. અનેક ગરબા, ભજનો, વ્રતકથાઓ, કહેવતો આપણાં અભણ ગણાતાં આ ભાંડુઓને કંઠે હોય. જ્યારે એમના પ્રમાણમાં ભણેલા માણસો એક બાજુ જૂના શિષ્ટ સાહિત્યથી અને લોકસાહિત્યથી દૂર પડી ગયાં છે, તો બીજી બાજુ પોતાના જમાનાની સાચી કવિતા કરતાંય વધુ તો કવિતાનો લેબાસ ધારણ કરેલી કૃતિઓનો એમને જ્યાં ને ત્યાં ભેટો થતો હોય છે.

[2]
સવારે ઊઠ્યા અને રાતે સૂતા, તે વચ્ચે દિવસભરમાં એક વાર પણ જેણે આખા દેશનો વિચાર કર્યો હોય, એવી વ્યક્તિઓ કેટલી હશે ? સ્વતંત્રતા માટે લડતા હતા ત્યારે ગામડામાં બેઠેલો નાનો અમથો સેવક રેંટિયો કાંતતાં વાઈસરોયને ગાંધીજીએ લખેલા પત્રનો ખુમારીપૂર્વક વિચાર કરતો અને પોતાના હૃદયના તાર રાષ્ટ્રીય ધ્યેય સાથે સાંધતો. આજે એવું સંધાન જવલ્લે જ જોવા મળે છે. જાણે દરેક જૂથ પોતાનું ભરી લેવા માંગે છે – પછી આખા દેશનું ગમે તે થાઓ. આપણે સૌએ સચેત થઈને વિચારવા જેવો મોટો પ્રશ્ન હોય તો તે એ છે કે ભારતની લોકશાહીને થયું છે શું ? કેમ કશું થતું નથી ? કેમ આપણે આપણી જાતને ગરીબીમાંથી ઊંચે ઉઠાવી શકતા નથી ? કેમ વધુ ને વધુ લોકો ગરીબીની રેખાની નીચે હડસેલાતા જાય છે ? દેશમાં લોકશાહીનો બહારનો આકાર માત્ર રહેવા પામ્યો છે, અને તેનો આત્મા ઓસવાતો રહ્યો છે.
.

મનુભાઈ પંચોળીની વિચારયાત્રા

[1] સમાજદ્રોહ શીખવતી કેળવણી

આજની ભૂંડી કેળવણીથી માણસ નર્યા સ્વાર્થ સિવાય કશું શીખતો નથી. હરામનાં હાડકાં કરવા અને સમાજદ્રોહ કરવા સિવાય બીજી કોઈ વૃત્તિ તેનાથી પોષાતી નથી. આપણે કહીએ છીએ કે કામ કરનારા નથી મળતા. પણ શેના મળે ? આ શિક્ષણથી તો કામ ન કરે તેવાની જ સંખ્યા વધશે. આજની કેળવણી સામે આપણે બંડ ઉઠાવવું જોઈએ. આ ની આ કેળવણી ચાલુ રહી, તો નવી પેઢી સમૂળગી પાંગળી અને સ્વાર્થી, સમાજદ્રોહી અને દેશદ્રોહી બની જશે.

[2] મનુષ્યને સમજવાની ચાવીઓ

દરેક મનુષ્યને હૃદય મળેલું છે. આ સાહિત્ય છે તે એ હૃદયની વાત કહે છે. હૃદયનાં ઊંડાણની, હૃદયનાં તોફાનોની, હૃદયની મલિનતાની, હૃદયની શુદ્ધતાની, હૃદયમાંથી પ્રગટ થતા ભગવાનની, હૃદયમાં પ્રગટ થતા શેતાનની, અને એ શેતાન ને ભગવાનના ઝઘડાની, ને એ ઝઘડામાંથી ધીમે ધીમે શેતાન કેમ ભગવાનમય થતો જાય છે એની વાર્તા. આ સાહિત્યપદાર્થમાં મનુષ્યને સમજવાની, મનુષ્ય પ્રત્યે અપાર સહાનુભૂતિ કેળવવાની શક્તિ હોય છે. જે બધા મોટા સાહિત્યકારો થયા છે તેમણે સંસ્કૃતિની મોટામાં મોટી સેવા કરી હોય, તો તે એ કે મનુષ્યને સમજવાની ચાવીઓ એમણે આપી છે.
.

ગિજુભાઈ બધેકાની વિચારયાત્રા

[1] સાચી પ્રગતિ

મનુષ્ય જરા સ્વચ્છ રહેતાં શીખે છે, ત્યાં તે બીજા બધાંને અસ્વચ્છ ગણી તેમના પ્રત્યે તિરસ્કારથી જુએ છે. મનુષ્ય જરા સંયમી બને છે, ત્યાં તો તેને જગત બધું અસંયમી લાગે છે. પોતે ભણે તો પોતાને અભણથી ચડેલો માને; પોતે કાંઈ કરે, તો ન કરી શકે તેમની સામે જોઈને મોઢું મરડે. આનું નામ અવગતિ. પોતાની શ્રેષ્ઠતાનું ભાન, ને તેથી બીજાને હલકાં ધારવાની વૃત્તિ, એ પ્રગતિના માર્ગની રોધક છે. સાચી પ્રગતિનાં લક્ષણ આ છે : જાત પ્રત્યે અસંતોષ કે ‘ક્યાં પૂરતું ચડી શકીએ છીએ ?’ જેઓ ચડ્યા છે તેમના પ્રત્યે સન્માન કે, ‘તેઓ કેટલું બધું ચડ્યા છે !’ અને નથી ચડ્યા તેમના પ્રત્યે તીવ્ર લાગણી કે, ‘એ બધા ક્યારે ચડશે ?’

[2] આપણને તરત જ સમજી જાય છે

તમે આખી દુનિયાને ઠગી શકશો, પણ તમારા બાળકને ઠગી શકશો નહીં. તમે આખી દુનિયાને આંજી શકશો, પણ તમારા બાળકને આંજી શકશો નહીં. તમે તમારું ચારિત્ર્ય ઈશ્વરથીયે છૂપું રાખી શકશો, પણ તમારા બાળકથી છૂપું રાખી શકશો નહીં. કુદરતે એમને કોણ જાણે કેવીયે શક્તિ આપી છે કે તેઓ તમને જાણી જ જવાનાં. તેઓ તરત સમજી જાય છે કે – આપણી આંખમાં અમૃત છે કે ઝેર છે, આપણી વાણીમાં કડવાશ છે કે મીઠાશ છે, આપણા સ્પર્શમાં કોમળતા છે કે કર્કશતા છે. તેઓ આપણને તરત જ સમજી જાય છે.
.

ફાધર વાલેસની વિચારયાત્રા

[1] આજનો દિવસ

કેટલાક લોકો એવી પ્રતિજ્ઞા લે છે કે રોજ કોઈ એક સુકૃત્ય કરવું, જેથી એક શુભ કાર્યના પુણ્યથી આખો દિવસ સારો ગયો એમ કહી શકાય. એ ભાવના સુંદર છે. સુકૃત્યો તો જરૂર કરીએ. પણ એકાદ સુકૃત્યથી નમાલા દિવસ ઉપર ઓપ ચડાવવાનો સવાલ નથી. આખો યે દિવસ પવિત્ર છે. એ કેવી રીતે ? મંદિરના પથ્થરો પવિત્ર છે, એ રીતે. એ તો પથ્થર જ છે – પણ પોતાને સ્થાને છે, પોતાનું કામ કરી રહ્યા છે, પોતાનો પથ્થર-ધર્મ પાળે છે, એટલે પવિત્ર છે. અને દિવસ પણ પવિત્ર છે. એનાં બધાં કૃત્યો- ઊઠવાનું ને બેસવાનું, ઊંઘવાનું ને જાગવાનું, ઑફિસનું કામ ને મિત્રોની મુલાકાતો- બધાંનું સ્થાન છે, બધાંનું કામ છે, બધાંનો ધર્મ છે, અને તેથી એ બધાંનો બનેલો આખો દિવસ પવિત્ર છે. કોઈ વિશિષ્ટ કૃત્યની જરૂર નથી. દરેક કાર્ય જેવું હોવું જોઈએ તેવું હોય. એટલું જ જરૂરી છે. ખાવાનું તો ખાવાનું, વાતચીત તો વાતચીત અને પ્રાર્થના તો પ્રાર્થના. દરેક પોતાના સમયે થાય, પોતાની રીતે થાય. એ રીતે સારો દિવસ થાય. આજનો દિવસ એવો જીવીએ !

[2] શ્રેષ્ઠતા

શ્રેષ્ઠની ઉપાસના એ કલામાં ને વિજ્ઞાનમાં, ધર્મમાં ને જીવનમાં વિજય અપાવનાર મંત્ર છે. લોકો મારું કામ જુએ કે ન જુએ, તેની કદર કરે કે ન કરે, તોય હું સંપૂર્ણ નિષ્ઠાથી મારું કામ કરતો રહીશ. પરીક્ષા હોય કે ન હોય, તો યે હું સરખી રીતે વાંચીશ. ક્રિકેટ-મેચ ટ્રોફી માટેની હોય કે ખાલી ‘મૈત્રી-રમત’ હોય, તો યે હું સરખા ઉત્સાહથી રમીશ. સ્થૂળ વળતરની આશા નહીં, પણ મારા લાયક કામ કર્યાનો આત્મસંતોષ એ મારું પ્રેરક બળ હશે. પૂજામાં દેવમૂર્તિને ચોખા ચડાવે છે. એ ચોખાના દાણા અખંડ, અક્ષત હોવા ઘટે. સો સારા દાણા ભેગો એક તૂટેલો હોય તો ‘ચાલશે’ એમ માને તે સાચો પૂજારી નથી. આપણું જીવન એક યજ્ઞ છે. દિવસે દિવસે, દાણે દાણે, હૃદયમંદિરમાં બિરાજતા અંતર્યામીના ચરણની આગળ આપણું એક એક કાર્ય આપણે અર્પણ કરતા જઈએ છીએ. એવું એકએક કાર્ય વિશુદ્ધ, અક્ષત રાખવાનો જેને દિલથી આગ્રહ હોય, તે સાચો જીવનપૂજારી છે.
.

વિનોબા ભાવેની વિચારયાત્રા

[1] અ-પરિચય

આપણે અમુક લોકો સાથે નિરંતર રહેવું પડે છે. તો એ લોકોને વિશે અમુક અભિપ્રાય બંધાય છે. પણ આ રીતે કોઈ વ્યક્તિને માપવી ન જોઈએ. દરેક વ્યક્તિ પ્રત્યે આપણું આદરયુક્ત અળગાપણું હોવું જોઈએ; એક જાતનો અ-પરિચય હોવો જોઈએ. આસમાનમાં ચમકતી તારિકાઓ એટલી બધી પ્રજ્વલિત છે કે સૂર્ય તો એમની આગળ એક નાનકડા બિંદુ સમાન છે. છતાં આપણી આંખો ઉપર એ તારિકાઓની સૌમ્ય અસર થાય છે. આનું કારણ એ છે કે તે તારિકાઓ આપણાથી અત્યંત દૂર છે. એ જ રીતે પરસ્પરનો પ્રેમ જાળવી રાખવા માટે, નિકટ રહેવા છતાં એક જાતનું અળગાપણું કાયમ રાખવું જોઈએ.

[2] સંસારમાં કેમ રહેવું ?

શ્રીરામકૃષ્ણ પરમહંસને એકવાર ભક્તજને પૂછ્યું : ‘ઠાકુર, સંસારમાં અમારે કેવી રીતે રહેવું ?’
ઠાકુર બોલ્યા : ‘બધાં કામ કરવાં, પણ મન ઈશ્વરમાં રાખવું. સ્ત્રી, પુત્ર, મા, બાપ એ બધાંની સાથે રહેવું અને સેવા કરવી – જાણે કે એ પોતાનાં જ માણસ હોય. પણ મનથી સમજવું કે એમાંથી કોઈ આપણું નથી. મોટા માણસના ઘરની કામવાળી બધું કામ કરે, પણ એનું મન પરોવાયું હોય પોતાને ઘેર. શેઠનાં છોકરાંને પોતાનાં છોકરાંની માફક મોટાં કરે, બોલે કે ‘મારો રામ’, ‘મારો હરિ’; પણ મનમાં સારી રીતે સમજે કે, એમાંથી આપણું કોઈ નથી. સંસારનું બધું કામ કરવું, પણ મન ઈશ્વરમાં પરોવી રાખવું.
.

ગુણવંત શાહની વિચારયાત્રા

[1] જીવવાનો વહેમ

જીવનમાં એક પછી એક, એમ વરસો ઉમેરાતાં જાય છે; વરસોમાં જીવન ઉમેરવાની કળા હજી આવડી નથી. જીવનમાં ઘણી આદતો પડી જાય છે, એમ જીવવાની પણ એક આદત પડી ગઈ છે. માણસ જન્મે, મોટો થાય, પરણે, સંતાનો થાય. નોકરી કરતો કરતો ઘરડો થાય અને રિટાયર થઈ મરે. આ બધું જાણે ટેવને આધારે જ થયા કરે છે. જીવનમાં પ્રત્યેક ક્ષણને ભરપેટ માણવાને બદલે આપણે વાયદા પાડતા રહીએ છીએ. જીવન માણવાની વાત આવે ત્યારે ‘ઘર બંધાઈ જાય પછી….. વાહન આવી જાય પછી….. બદલી થઈ જાય પછી…. દેવું પતી જાય પછી….’ આમ ‘પછી….પછી….’માં પુરાઈ મરતી વાક્યાવલિઓ જ આપણા મોંમાંથી નીકળતી રહે છે. જીવનને આપણે વાયદાના વેપાર જેવું બનાવી મૂક્યું છે. અહીં અને અત્યારે જેવું જિંદગીમાં કશું રહેવા દીધું નથી. દરરોજ સવારે છાપું આવે છે, દૂધ આવે છે, બપોરે ઑફિસે જઈએ છીએ, રાત્રે પિક્ચર જોવા જઈએ છીએ…. તેથી, આપણે જીવીએ છીએ એવો વહેમ રોજ પાકો થતો જાય છે.

[2] સાધુને કોણ બગાડે છે ?

આજકાલ સાધુઓનાં કૌભાંડો બહાર આવવા લાગ્યાં છે. લોકોને આંચકો લાગે છે. પણ વાસ્તવિકતા એ છે કે લોકો જ સાધુને બગાડે છે. વેપારીઓ સાધુને લોભદીક્ષા આપે છે. અંધશ્રદ્ધાળુ સ્ત્રીઓ મોહદીક્ષા આપે છે. મંડપની ભીડ એમને અહંકારદીક્ષા આપે છે. લોભ, મોહ અને અહંકારથી ઘેરાયેલા મહારાજશ્રી આત્મા-પરમાત્માની વાતો કરે છે ત્યારે શ્રોતાઓ ડોલી ઊઠે છે. મારા તાબામાં રહેલી સઘળી નિખાલસતા નિચોવીને મારે કહેવું છે : ‘હે હિન્દુઓ ! ઊઠો, જાગો અને સંતોને બગાડવાનું બંધ કરો. કોઈ પણ માણસને સંત કહેતાં પહેલાં એનું બૅન્ક-બેલેન્સ તપાસી લો. કહેવાતા સંતો બહારથી અલિપ્ત હોય છે પરંતુ અંદરથી સવાયા સંસારી થઈને પ્રજાને પૈસે લહેર કરતા રહે છે. વાતો ત્યાગની અને ખાનગીમાં ભોગની બોલબાલા. નવી સદી વાસી ધર્મનું નવસંસ્કરણ માગે છે. બોગસ યજ્ઞો બંધ કરવા પડશે. દેવદાસી પ્રથાના કલંકને દૂર કરવું પડશે. આશ્રમો અને મંદિરોનો ભૌતિક કચરો, માનસિક કચરો અને આર્થિક કચરો સાફ કરવો પડશે. ચરણસ્પર્શ અને ચરણ ધોઈને પાણી પીવામાં ધર્મ છે, એમ માનનારી નિર્માલ્ય પ્રજાને કેશવાનંદ ન મળે તો શું વિવેકાનંદ મળે ? માંજી માંજીને વાસણ ચકચકિત કરીએ, તેમ ધર્મને પણ સ્વચ્છ કરીને ચકચકતો કરવાનો છે.

[ કુલ પાન : 42. કિંમત રૂ. 10. પ્રાપ્તિસ્થાન : લોકમિલાપ, પોસ્ટ બોક્સ 23 (સરદારનગર), ભાવનગર 364001. ફોન : +91 278 2566402. ઈ-મેઈલ : lokmilap@gmail.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “સાત વિચારયાત્રા – સં. મહેન્દ્ર મેઘાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.