ઐસા ભી હોતા હૈ ! – મૃગેશ શાહ

[dc]આ[/dc]પણા મનની ગજબ જેવી વાત એ છે કે સુખદ સ્મૃતિઓ આપણે બહુ જલ્દી ભૂલી જતા હોઈએ છીએ અને દુઃખ ઘટનાઓ આપણો ક્યારેય પીછો નથી છોડતી ! આ સુખ અને દુઃખના તડકા-છાંયડાની રમત વચ્ચે ક્યારે હાસ્યનો વરસાદ વરસી પડે એવા રમૂજી પ્રસંગો આપણા જીવનમાં બનતાં હોય છે. મૂળ તકલીફ એ વાતની છે કે આવા પ્રસંગો લાંબા સમય સુધી આપણી સ્મૃતિમાં ટકતા નથી. એને નોંધી લેવા પડે છે. રમૂજી ટુચકાઓનું પણ એવું જ છે. અચાનક રસ્તામાં કોઈ આપણને મળે અને એકાદ જોક સંભળાવવાનું કહે તો એક ટૂચકો પણ યાદ કરવો મુશ્કેલ થઈ પડે છે. હાસ્ય દુર્લભ ચીજ છે. પ્રસન્ન રહેવું એ સૌથી મોટી માનસિક કસરત છે !

હમણાં એવા જ કેટલાક રમૂજી પ્રસંગોમાંથી પસાર થવાનું થયું, તેથી મેં જલ્દીથી તેને નોંધી લીધા. હવે આ પ્રસંગોનો પ્રસાદ તમારી સાથે હળવાશથી વહેંચવા આ કી-બોર્ડ હાથમાં લીધું છે. ઓછે-વત્તે અંશે આ પ્રકારના અનુભવો દરેકના જીવનમાં બનતા જ હોય છે, ફક્ત આપણે એને જરા અલગ દષ્ટિકોણથી જોઈએ તો આપણને તંદુરસ્ત રાખે એવું નિર્દોષ હાસ્ય એમાંથી નિષ્પન્ન થતું હોય છે.

થોડા દિવસો પહેલાં એક આધુનિક ગુજરાતી ફિલ્મ આવી હતી. નામ એનું ‘સપ્તપદી’. એક અર્બન ગુજરાતી ફિલ્મ હતી એટલે મનમાં થયું કે આ ફિલ્મ તો જોવી જ રહી. ફિલ્મ જોવા માટે હું ચાલુ દિવસ વધારે પસંદ કરું છું જેથી ઓછી ભીડમાં શાંતિથી ફિલ્મ માણી શકાય. પિતાજી સાથે બપોરના શૉમાં હું જઈ પહોંચ્યો ત્યારે માંડ 35-40 લોકો થિયેટરમાં હતાં. ફિલ્મ શરૂ થવાને હજુ વાર હતી. એટલામાં એક મહાશય એમની પત્નીને ધમકાવતાં થિયેટરમાં પ્રવેશ્યા. જુવાન યુગલ હતું. પરંતુ વાત કરવાની પદ્ધતિ અને અવાજ એવો મોટો હતો કે સૌકોઈનું ધ્યાન એ તરફ ખેંચાયું. એટલામાં તો પતિદેવ બોલ્યા : ‘હવે ચૂપચાપ છાનીમાની બેસી રહેજે… તારી જીભ ચલાવ્યા ન કરીશ….. અહીં ફિલ્મ જોવા આવ્યો છું… તારી ટકટક સાંભળવા નથી આવ્યો…. આખો દિવસ માથું ખાઈ ગઈ… મગજનું દહીં કરી નાખ્યું…..’ મને થયું કે આ લોકો જ્યાં બેસશે એની આજુબાજુવાળાના તો ભોગ લાગ્યા ! નસીબજોગે થયું એવું કે એમની સીટ અમારી પાછળ જ હતી ! ક્ષણેક તો એમ જ લાગ્યું કે ટિકિટના પૈસા માથે પડશે કે શું ?!

પડદા પર વીકો ટૂથપેસ્ટની જાહેરાત શરૂ થઈ ચૂકી હતી (મને હંમેશા એમ પ્રશ્ન થયા કરે  છે કે આ વીકો કંપનીએ શું ભારતભરના થિયેટરોને આજીવન કોન્ટ્ર્રાક્ટ આપ્યો છે કે શું ?!) અને અમારી પાછળ ભીષણ યુદ્ધના બ્યુગલો ફૂંકાઈ રહ્યા હતા.
‘વધારે પડતું બોલતી જ નહિ, આ જે કંઈ બધું થયું છે એ તારા ભાઈના લીધે જ થયું છે….’
‘તમને એક વાર ચોખ્ખું તો કહી દીધું કે મારા ભાઈનું નામ આમાં ઢસેડતા જ નહીં….’ એ બેનનો અવાજ પણ સહેજ ઊંચો થયો. ફિલ્મ શરૂ થાય એ પહેલાં જ જાણે સ્ટોરી રસપ્રદ બની રહી હતી.
‘તો પછી તું ગઈ જ શું કામ ત્યાં…. કોને પૂછીને ગઈ’તી ? હવે આખો દિવસ મારું માથું ખાય છે ?…..’ ફિલ્મ શરૂ થાય એ પહેલા તો આવા કેટલાય ડાયલોગ બોલાઈ ચૂક્યા હતા. બધા જ પ્રેક્ષકો ચૂપચાપ સાંભળતા હતા. કોઈની અંગત વાતમાં કોણ માથું મારે ?

સદભાગ્યે ફિલ્મ શરૂ થતાં બંને શાંત પડ્યા. સિનેજગત આ અર્થમાં લોકોની બહુ સેવા કરે છે ! ચાલુ ફિલ્મમાં કોઈ બૂમાબૂમ ન થઈ પરંતુ મજાની વાત એ થઈ કે ફિલ્મમાં પણ પાત્રરૂપે રહેલા પતિ-પત્ની ઝઘડી પડે છે. આ તો જાણે બળતામાં ઘી હોમાયું ! મને થયું કે ફરી પાછી પાછળ આગ લાગશે. એક ઘરને ઘર બનાવવા માટે સ્ત્રી કેટલો ભોગ આપે છે તેની વાતો એ અભિનેત્રી પોતાની દીકરીને કરી રહી હોય છે ત્યારે પાછળ બેઠેલા મહાશય ઉંહકારા ભરીને ‘નોનસેન્સ…. બધું જ બકવાસ છે….’ એમ બોલી પડે છે ! વળી, પાછો ઈન્ટરવલ આવ્યો કે એ બંને જણની ફિલ્મ આગળ વધી.

ફિલ્મ પૂરી થવા આવી ત્યારે ઊભા થતાં રમૂજમાં મેં મારા પિતાજીને કહ્યું કે આજે તો આપણે એક જ ટિકિટમાં બે ફિલ્મો જોઈ…. આગળ ‘સપ્તપદી’ અને પાછળ ‘છૂટાછેડા’ ! પતિ-પત્નીમાં વિચારભેદ અને મતભેદ હોય એ સ્વાભાવિક છે પરંતુ આમ જ્યારે જાહેરમાં તેનું પ્રદર્શન થાય છે ત્યારે તે સૌ કોઈને માટે રમૂજનું વાતાવરણ સર્જે છે. ઘરની વાત ઘરમાં જ શોભે.

ફિલ્મોની વાત નીકળી છે ત્યારે મને એક બીજો એવો રમૂજી પ્રસંગ યાદ આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે ફિલ્મોમાં વાસ્તવિકતા હોતી નથી. પરંતુ તે છતાં ક્ષણેક માટે આપણને એમ લાગે છે કે આ બધું સાચું જ છે. તેમાંય જો નાનપણમાં ફિલ્મો જોઈ હોય તો આપણે તેની બધી બાબતો સાચી માની લઈએ છીએ. નાનપણથી મને ફિલ્મમાં એક દશ્ય વખતે ખૂબ હસવું આવતું. એ દશ્ય તમે અનેક ફિલમમાં જોયું હશે જેમાં હીરો-હિરોઈનના લગ્ન નક્કી થાય એ પછી હીરો હીરોઈનના ઘરે જાય અને હીરોઈન પાણીના ગ્લાસ ભરીને ટ્રે લઈને બહાર આવે. ત્યારે એ બંને જણની મુલાકાત થાય. આપણને ખબર છે કે વાસ્તવિકતા આ નથી. ખાસ કરીને આજે મોટેભાગે છોકરીવાળાઓ છોકરાની ઘરે સામે ચાલીને જવાનો આગ્રહ રાખતા હોય છે જેથી વર અને ઘર બંને એક સાથે જોવાઈ જાય. હા, પછી જેવી જેની અનુકૂળતા હોય એ પ્રમાણે બધું થતું હોય છે. પરંતુ આ દશ્ય જ્યારે ફિલ્મમાં આવે ત્યારે મને થતું કે ક્યારેક આનું ઊલટું જોવાનું આવે તો મજા પડી જાય ! એમાં કાગનું બેસવું અને ડાળનું પડતું એવી ઘટના બની ગઈ અને એવું દ્રશ્ય ભજવવાનું વાસ્તવિક જીવનમાં મારે ભાગે આવ્યું ત્યારે જાણે હસવામાંથી ખસવું થઈ ગયું. હવે ઘરમાં અમે બે જ જણ. સ્વાભાવિક છે કે કોઈ પણ છોકરીવાળા આવે તો પિતાજીને વડીલો સાથે બેસવું પડે અને પાણીની ટ્રે લઈને આવવાનું થાય મારે ! ઘરના કામમાં તો સ્વાભાવિક રીતે કોઈ શરમ સંકોચ હોવા જ ન જોઈએ પરંતુ આ લઈને આવતી વખતે પેલી ફિલ્મના દશ્યો સ્મૃતિપટ પર એ રીતે ઉપસી આવે છે કે જો હસવા પર કાબૂ ન રહે તો શું નું શું થઈ જાય ! આ રીતે ક્યારેક વિચારેલી રમૂજી અટકળો પણ વાસ્તવિકતાનું સ્વરૂપ ધરીને આપણી સામે ઊભી થઈ જતી હોય છે. આ તો ખાડો ખોદે તે પડે – એના જેવી વાત છે !
***
થોડા દિવસો પહેલા મારે ક્રોસવર્ડ બુકશોપમાં જવાનું થયેલું. મારી સ્વાભાવિક એવી ટેવ છે કે કોઈ સારી નાની પુસ્તિકા મળે તો એની પંદર-વીસ નકલો ખરીદીને હું મારા સગાવહાલાઓમાં વહેંચતો હોઉં છું. કેટલાક મહિનાઓ અગાઉ એક ઘરગથ્થુ ઉપચારોનું સુંદર પુસ્તક મારા હાથમાં આવેલું એટલે મેં એની થોડી પ્રત પરિચિતોમાં વહેંચી હતી. એમાં અમારા એક સ્નેહીને એ પુસ્તક ખૂબ ગમી ગયું એટલે તેમને એ પુસ્તક પોતાના જમાઈને અમેરિકા મોકલવું હતું પરંતુ એમના જમાઈને ગુજરાતી નહોતું આવડતું. પરિણામે એ ભાઈએ મને એ કામ સોંપ્યું કે આ ઘરગથ્થુ ઉપચાર જેવી પુસ્તિકા અંગ્રેજીમાં મળી શકે ખરી ? મારે તો ભૂતનું ઘર પીપળો એમ અવારનવાર ક્રોસવર્ડ જવાનું થતું જ રહે છે એટલે ક્રોસવર્ડ પહોંચીને મેં એની અંગ્રેજી પ્રત માટે ત્યાંના સેલ્સમેનને પૂછ્યું કે ‘આયુર્વેદમાં જે રીતે ઘરગથ્થુ ઉપચારના ગુજરાતી પુસ્તકો છે એવા કોઈ અંગ્રેજીમાં તમારી પાસે છે ખરા ?’ એમણે મને ‘હોમ રેમિડિઝ’નો એક વિભાગ બતાવ્યો. હું બધા ટાઈટલ જોઈ રહ્યો હતો ત્યાં મારી પાસે એક યુવતી આવીને ઊભી રહી. દેખાવ પરથી તો ઉંમર નાની હતી પરંતુ કદાચ નવપરણિત હોઈ શકે.
‘એક્સક્યુઝ મી….’
‘યસ….’ મેં કહ્યું.
‘તમે આયુર્વેદ…..’
‘હા જી….’ ટૂંકો જવાબ આપીને હું મનોમન વિચારમાં પડ્યો કે આ બેનને આયુર્વેદિક બાબતોનો કોઈક ચોક્કસ અભ્યાસ લાગે છે અને એ મને અંગ્રેજી પુસ્તક શોધવામાં મદદ કરવા ચાહે છે. એમ થઈ જાય તો મારું કામ સરળ થઈ જાય. આમ પણ એટલા બધા ટાઈટલ હતા કે શોધવું જરા મુશ્કેલ હતું. સેલ્સમેનને પણ કોઈ વિશેષ ખ્યાલ નહોતો. હજી હું વિચારીને કંઈક આગળ બોલું એ પહેલાં એમણે એમની વાત આગળ ચલાવી….
‘મારા હસબન્ડ સોફટવેર એન્જિનિયર છે. થોડા મહિનાઓ અગાઉ અમારા લગ્ન થયાં છે. અમે બંને જણ આયુર્વેદમાં ખૂબ માનીએ છીએ એટલે અમે થોડા દિવસો અગાઉ પંચકર્મ ચિકિત્સા કરાવી છે… હવે અમે બાળક માટે વિચારી રહ્યા છીએ. તો મારે આપને એ પૂછવું છે કે પંચકર્મ ચિકિત્સા કરાવ્યા બાદ કેટલા સમય પછી પ્રેગ્નન્સી માટે વિચારી શકાય ?’

હું તો ટગર ટગર જોઈ રહ્યો કે આ બેન કહેવા શું માગે છે ? ક્ષણભર તો જાણે સૂધ-બૂધ ખોઈ બેઠો. આયુર્વેદિક પુસ્તકની વાતમાંથી આ પંચકર્મ ને પ્રેગ્નન્સી – આ બધું શું આવ્યું ? પછી મને સમજાયું કે તેઓ મને આયુર્વેદિક ડૉક્ટર માની બેઠા હતા. મેં સેલ્સમેન જોડે વાત કરી એમાં એમને ફક્ત ‘આયુર્વેદ’ એવો શબ્દ સંભળાયો હતો તેથી એમને એમ હતું કે જો કોઈ આયુર્વેદિક ડૉક્ટર અહીં જ મળી જાય તો હોસ્પિટલનો ફેરો બચી જાય ! હસવું તો ખૂબ આવતું હતું પરંતુ મેં ગંભીર મુખમુદ્રા ધારણ કરીને જેમ એક ડૉક્ટર બીજા ડૉક્ટરને કનસલ્ટ કરવાની સલાહ આપે એમ મેં નજીકની આયુર્વેદિક હોસ્પિટલનું સરનામું એમને સૂચવ્યું. પોતાની ભૂલ સમજાતાં એ બહેન પણ થોડું હસી પડ્યા. પેલા લોકગીત જેવી આ વાત થઈ :

મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ,
મેં ભોળીએ એમ જાણ્યું કે સોડમાં દીવો મેલ.
***

યંત્રોનો ઉપયોગ જીવનમાં કોઈને કોઈ રીતે તો યાંત્રિકતા લાવી જ દે છે. વાહનનો ઉપયોગ કરનારને થોડું ચાલવાનો પણ કંટાળો આવે છે. કેલ્ક્યુલેટર વાપરનારને નાની-મોટી ગણતરી મોઢે ગણવાનું ગમતું નથી. કોમ્પ્યુટર સામે કામ કરનારની તો વાત જ શી કરવી ? હાથના આંગળાઓ સિવાય શરીરના કોઈ અંગને કસરત એમાં મળતી નથી. આવા આ યંત્રોના ઉપયોગમાંથી આપણે છૂટી શકતા તો નથી પરંતુ થોડા દૂર રહી શકીએ છીએ અથવા તો કસરત કરીને સ્વાસ્થ પાછું મેળવી શકીએ છીએ.

કોઈકે મને કહ્યું કે તમે કોમ્પ્યુટરનો આટલો બધો ઉપયોગ કરો છો એટલે તમારે સ્વાસ્થ જાળવવા માટે જીમનેશિયમ (ટૂંકમાં હવે બધા એને ‘જીમ’ કહે છે) જવું જોઈએ. મેં તો ખાલી ‘જીમ’ શબ્દ સાંભળ્યો હતો. એને અંદરથી કદી જોયું નહોતું. બધા ત્યાં જઈને શું કરતા હશે એનો પણ કંઈ અંદાજ નહોતો. એથી જોવાનું કૂતુહલ તો હતું જ. એથી વિચાર્યું કે ચાલો ઘરની પાસે એક જીમ છે એની મુલાકાત તો લઈ જોઉં ! જે જ્ઞાનવર્ધન થયું એ સાચું ! એક દિવસ સવારે હું નીકળી પડ્યો. બિઝનેસ કોમ્પ્લેક્ષના ચોથામાળે આ જીમ આવેલું હતું. મેં જોયું કે કસરત કરવા આવનાર લોકો પણ લિફટનો ઉપયોગ કરીને જ ચોથેમાળે જતા હતાં ! ચિન્મય મિશનના સ્વામીની વિમલાનંદજી ઘણી વાર રમૂજમાં કહે છે કે સવારે બગીચામાં મોર્નિંગ વૉક કરવા આવનાર લોકો બગીચાના દરવાજાની શક્ય એટલી પાસે કાર મૂકવાનો આગ્રહ રાખે છે, જેથી બહુ ચાલવું ન પડે ! માણસ આખરે ગજબ ચીજ છે !

ખેર, જીમના દરવાજા સુધી હું પહોંચ્યો અને એ પછી શરૂ થઈ એક નવી જ દુનિયાની રોમાંચક સફર. મેં જોયું કે ચારે તરફ પહેલવાન જેવા લોકોથી જીમ ઉભરાતું હતું. વજન કેવી રીતે ઉતારવું એનું ટેન્શન એમના મોં પર હતું ! મને જોઈને તો તેઓ મનોમન ચોક્કસ મને રોલમોડલ માની બેઠા હશે ! કાઉન્ટર પર બેઠેલા રિસેપ્સનિસ્ટ બહેને પૂછ્યું કે તમે કયા પ્રોગ્રામમાં જોડાવા માગો છો ? – જનરલ ફિટલેસ, વેઈટ લોસ, કેલેરી ઓપ્ટીમાઈઝર વગેરે વગેરે…. મને તો કંઈ સમજાયું નહીં. સામાન્ય નિયમ એવો છે કે જ્યારે કંઈ ન સમજાય ત્યારે જે પહેલું હોય એ કહી દેવું. આ નિયમ હોટલમાં ઑર્ડર આપતી વખતે પણ કામમાં આવે એવો છે !
‘જનરલ ફિટનેસ’ મેં કહ્યું.
‘તમે જીમની એક મુલાકાત લઈ લો પછી હું તમને વધારે માહિતી આપું….’

મેં જાણે બોડીગાર્ડ રાખ્યો હોય એવો પહેલવાન જેવો માણસ મને જીમની અંદર દોરી ગયો. અંદરનું દશ્ય મારી કલ્પનાથી સાવ વિપરીત હતું. આજ સુધી પ્રાણાયામ અને યોગા કરતા માણસોને મેં જોયા હતા પણ જીમમાં કેવી રીતે કસરત કરવામાં આવે છે એની સહેજેય માહિતી નહોતી. મારા મનમાં માત્ર એટલી કલ્પના હતી કે જુદા જુદા સાધનો પર બેસીને જુદી જુદી કસરત કરવાની હશે અને એ માટે શીખવનાર કોઈ શિક્ષક હશે. આ તો સાવ ડિસ્કોટેક જેવો માહોલ હતો ! જોરજોરથી અંદર ડી.જે. વાગતું હતું. બધા ધમ-ધમ કરતાં ટ્રેડમીલ પર દોડતાં હતાં. અને કેટલી કેલેરી ગઈ એના આંકડા જોયા કરતા હતાં. ભોંય પર સૂતેલા માણસો જાતજાતની ગુલાંટો ખાઈને કસરત કરતા હતા. કોઈક ત્રાજવાના કાટલાં ઊંચકતાં હોય એમ વજનિયાં ઊંચકતા હતા. મારો બોર્ડીગાર્ડ મને કેલેરીલોસ અને વેઈટલોસ વિશે કશુંક સમજાવતો હતો. જો કે એની એકેય વાત મારી સમજમાં આવતી નહોતી. હું તો હાથીના પગ જેવા જેમના હાથ છે એવા લોકોને જોવામાં વ્યસ્ત હતો. સ્ટીમબાથ, સ્પા અને કેટકેટલું. ખરેખર આ બધું પણ જીવનનો એક ભાગ હોઈ શકે ખરું ? કોઈક નશો ચઢ્યો હોય એમ જાણે બધા મસ્તીમાં ઝૂમી રહ્યા હતા. શરીરનો ભાર ઊતરે એ પહેલા ખિસ્સાનો ભાર ઊતારીને લોકો અહીં આવી ચઢ્યા હતા.

જીમ કોઈ ખરાબ બાબત નથી. આપણી આધુનિક જીવનશૈલીને કારણે તે કદાચ આપણા જીવન માટે અનિવાર્ય બની ગયું હોય તે શક્ય છે. પરંતુ આ જીવનશૈલીને આપણે વગર ખર્ચે પણ બદલી શકીએ તેમ છીએ. જો કે એ કરવામાં આપણો અહમ આડે આવતો હોય છે. વૈભવી કુટુંબના માણસો જાતે ગાડી ધોઈ શકતા નથી. તેઓ કચરા-પોતું કે સાફસફાઈ તો કરી જ ન શકે. ચાના બે પ્યાલા એમના માટે બહુ મોટું કામ બની જતું હોય છે. થોડે દૂર રીક્ષા મળે ત્યાં તો ધૂંઆપૂંઆ થઈ જતાં હોય છે. ઘરનું દરેક કામ આપણને જુદી જુદી કસરત આપતું હોય છે પરંતુ આપણે એનાથી દૂર ભાગીને લોકો સાથે સંબંધ સાચવવા મોટી રાત સુધી હોટલની પાર્ટીઓમાં જોરદાર ઝપટ બોલાવીએ છીએ અને પછી બીજે દિવસે ફિટનેસના નામે સારા એવો ખર્ચ કરી નાંખીએ છીએ. આખો દિવસ ખુરશીમાં બેસી રહેવાની જીવનશૈલી રહેવાની ત્યાં સુધી વેઈટલોસના પ્રશ્નો ઊભા થવાના જ. સવાલ ઈનપુટનો છે. જેનો ખોરાક પર કાબૂ હોય છે એને જીમના દરવાજા સુધી જવું પડતું નથી.

ખેર, મારે કંઈ એમાં જોડાવાનું નહોતું પરંતુ જીમની આ મુલાકાતે મને જ્યોતિન્દ્ર દવેના અખાડાના પેલા પ્રસંગની યાદ અપાવી દીધી. એમને કોઈકે કહ્યું હતું કે શરીર બનાવવા માટે તમે અખાડામાં જોડાઓ. એમને અખાડામાં શું કરવાનું એ વિશે કંઈ જ્ઞાન નહોતું. પહેલા દિવસે તેઓ અખાડામાં ગયા ત્યારે એમણે જોયું કે દૂર માટીમાં બે પહેલવાનો કુસ્તીદાવ ખેલી રહ્યા છે. એમને એ સમજાયું નહીં કે તેઓ શા માટે લઢે છે ! અખાડાના માલિકે તેમનો ફિટનેસ ટેસ્ટ લેવા માટે એ કુસ્તીદાવ ખેલતા પહેલવાન પાસે જવાનું કહ્યું. પહેલવાનોએ દાવ રમવાનું બંધ કર્યું. એક પહેલવાન જ્યોતીન્દ્ર દવેની નજીક ગયા અને કહ્યું કે :
‘ધોતિયું કાઢી નાખો….’
‘હોતું હશે કંઈ…. ! તમારામાં લાજશરમ જેવું કંઈ છે કે નહિ. કેવી વાત કરો છો !’
‘અરે મારે તમારી સાથે કુસ્તી કરવાની છે.’
‘પણ શું કામ ?’
‘મારે તમને ચીત કરવાના છે….’
‘એ વળી શું છે ?’
‘ચીત એટલે મારે તમને ઊંચકીને ઊંધા પછાડવાના છે….’
‘પણ ભૈ’સાબ મેં તમારું શું બગાડ્યું છે. તમારે મને નીચે જ પાડવો છે ને ? તો લો, આ હું નીચે સૂઈ જાઉં છું…’ એમ કહીને જ્યોતીન્દ્ર દવે છત્તાપાટ્ટ સૂઈ ગયા…..

આવા કંઈ કેટલાય રમૂજી દ્રશ્યો આ જીમની મુલાકાતથી તાજા થઈ ગયા. જો કે એટલું સારું હતું કે ત્યાં કોઈને ચીત કરવાના નહોતા, પણ હા, ચિત્તભ્રમ થઈ જાય એવા ખેલ જરૂર હતા !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

14 thoughts on “ઐસા ભી હોતા હૈ ! – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.