ક્ષણે ક્ષણે ચિંતન – નીલેશ મહેતા

[જિંદગીના મોતીચારા સમાન પ્રેરક પ્રસંગોના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘ક્ષણે ક્ષણે ચિંતન’માંથી કેટલાક પ્રેરક પ્રસંગો અહીં સાભાર લેવામાં આવ્યા છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

chintan[1] જે છોડે તે સુખી

એક સંત પુરુષ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજરે એક દ્રશ્ય પડ્યું અને થંભી ગયા. એક કૂતરું મોંમાં હાડકું લઈ ઝડપથી દોડી રહ્યું હતું અને પાછળ છ-સાત કૂતરાંઓ તેનો પીછો કરતા હતા. એના જ ભાઈઓ. થોડે જ દૂર બધાંય કૂતરાએ પેલા કૂતરાને ઘેરી લીધું. કોઇએ બચકું ભર્યું, કોઇએ પગ પકડ્યો, કોઇએ એને ધૂળ ચાટતું કર્યું. તે રીતે થોડી વારમાં કૂતરાના હાલ બેહાલ કરી મૂક્યા. અંતે તે કૂતરું થાક્યું. પોતાનો જીવ બચાવવા તેણે એ હાડકાને પડતું મૂક્યું. તે જ સમયે બધાં કૂતરાઓએ એને છોડી દીધું. હવે બીજા કોઇ કૂતરાએ હાડકું ઊંચકી લીધું.

સંતપુરુષ આશ્ચર્ય નજરે આ દ્રશ્ય જોઈ જ રહ્યા. હવે બાકીનાં બધાં કૂતરાં એમના જ સાથી પર ત્રાટકી પડ્યાં અને પહેલા કૂતરાની જેમ એના પણ હાલ-બેહાલ કરી નાખ્યા. આ બીજા કૂતરાએ પણ પહેલાની જેમ પોતાનો જીવ બચાવવા હાડકું છોડી દીધું. હાડકું ત્રીજા કૂતરાએ પકડ્યું અને ત્રીજાની પણ એ જ દશા થઈ. પહેલા બે કૂતરા એક ખૂણામાં ઊભા ઊભા ભસી રહ્યા હતા. હવે એમને ભય ન હતો. કારણ કે લડાયક કૂતરાઓની નજર હાડકા ઉપર જ હતી અને જેની પાસે તે હાડકું હોય તેના પર જ હુમલા કરતા અને તેમને હાલ-બેહાલ કરી મૂકતા.

સંતપુરુષ મનમાં વિચારે છે કે : જે પકડે છે તે દુ:ખી થાય છે, જે છોડે છે તે સુખી થાય છે. આ રસહીન અને શુષ્ક હાડકું પકડનારને પણ આટલું લોહી આપવુ પડે છે તો રસભર વસ્તુઓમાં આસક્ત રહેનારને કેટલું લોહી આપવું પડે ? કેટલા માર-દુ:ખ સહન કરવાં પડે. જેણે છોડ્યું તેને કોઇ છેડતું નથી. જે પકડે છે તેની પાછળ સૌ પડે છે માટે જ રાગનો ત્યાગ અને ત્યાગનો રાગ સમજવો જરૂરી છે.

[2] આઠ પાપનો જન્મ

મહાન કવિ કાલિદાસ જેમણે રઘુવંશ, કુમારસંભવ જેવાં વિશ્વ વિખ્યાત મહાકાવ્યો તેમજ શાકુંતલ, વિક્રમોર્વશીય જેવાં ખ્યાતનામ નાટકોનું સર્જન કર્યું, તેમનો એક નાનકડો પ્રસંગ એક જગ્યાએ કહ્યો છે. કવિ કાલિદાસ એક વાર બજારમાં ફરવા નીકળ્યા હતા ત્યાં એમણે એક સ્ત્રીને એક ઘડો અને કેટલાંક છાલિયાં લઈને બજારમાં બેઠેલી જોઈ. એ શું વેચતી હશે એની કવિ કાલિદાસને નવાઈ લાગી. એટલે તેઓએ નજીક જઈને પૂછ્યું :
‘બેનજી, તમે શું વેચો છો?’
ત્યારે એ બેને કહ્યું, ‘હું પાપ વેચું છું. એક નહિ આઠ આઠ જાતનાં પાપ વેચું છું. હું પોતે જ લોકોને કહું છું કે મારી પાસે પાપ મળશે. છતા કેટલાક મૂરખ લોકો હોંશે હોંશે એ પાપ લઈ જાય છે!’

કવિ કાલિદાસ આ જવાબ સાંભળીને મૂંઝાયા. એમણે પૂછ્યું :
‘બેનજી, ઘડામાં તે કોઇ પાપ હોતું હશે?’
પેલા બેને કહ્યું, ‘હોય જરૂર હોય. જુઓ, મારા આ ઘડામાં આઠ પાપ ભર્યા છે. બુધ્ધિનાશ, ગાંડપણ, ઝઘડાખોરી, બેહોશી, વિવેકનો નાશ, સદગુણનો નાશ, સુખનો ખાત્મો અને નરક તરફ દોરી જતાં દુષ્ટ કૃત્યો.’
કવિ કાલિદાસ કહે, ‘અરે બેનજી, જરા ચોખવટથી તો બોલો. આ ઘડામાં એવી કઈ ચીજ છે, જે આટ આટલા પાપને જન્માવે છે?’ ત્યારે તે બેન બોલી, ‘દારૂ ! આ ઘડામાં દારૂ ભર્યો છે, અને તે પેલાં આઠ પાપને જન્મ આપે છે.’
કવિ કાલિદાસ તો તે બેનની ચતુરાઈ ઉપર ખુશ થઈ ગયા.

[3] સંકલ્પ બળ

સંકલ્પનું બળ અમાપ હોય છે. સંકલ્પનું પ્રાબલ્ય માણસને કેવી મોટી સિદ્ધિ સંપડાવે છે એનુ એક જ્વલંત ઉદાહરણ ઈટાલીના સરમુખત્યાર મુસોલિનીના જીવનમાંથી મળી શકે છે. મુસોલિની એક ગરીબ ઘરમાં જન્મ્યા હતા. પિતા સુથાર હતા. સુથાર કામ કરતા હતા. મુસોલિની પણ પોતાના પિતાની સાથે કામે જતો અને પિતાની મદદમાં રહીને થોડું સુથારી કામ કરતો. એકવાર એમને રાજાના મહેલનું સુથારીકામ મળ્યું. મુસોલિનીના પિતાએ મુસોલિનીને કહ્યું : ‘મારી સાથે તું રાજમહેલમાં ચાલ ! તને રાજાનો મહેલ પણ જોવા મળશે.’ મુસોલિનીને પિતાની વાત ગમી ગઈ. તેણે માત્ર રાજમહેલ જોયો એમ નહિ, પિતાના કામમાં પણ તે મદદ કરતો રહ્યો.

એક દિવસ તેના પિતા રાજમહેલમાં સુથારી કામ કરવામાં ધ્યાનમગ્ન હતા. એવામાં નાનો મુસોલિની ત્યાંના એક ખંડમાં પડેલા રાજાના સિંહાસન પાસે પહોંચી ગયો અને એ કીમતી લાકડાના સિંહાસન પર રંધો ફેરવવા માંડ્યો. તે આમ રંધો ફેરવતો હતો ત્યારે તેના પિતા કશાક કામવશાત ત્યાં આવી પહોચ્યાં. તેઓ ખંડમાં પ્રવેશ્યા અને તેમણે જોયું કે પોતાનો પુત્ર સિંહાસન પર રંધો ફેરવી રહ્યો હતો. આ જોતા જ તેઓ મુસોલિની પાસે દોડી ગયા અને તેના હાથ પકડી લઈને કહેવા લાગ્યા :
‘અરે, તું આ શું કરી રહ્યો છે ?’
પુત્રે સહજતાથી જવાબ આપ્યો : ‘આ સિંહાસન પર રંધો ફેરવું છું !’
પિતાએ કહ્યું : ‘આવી નકામી મહેનત શા માટે કરે છે ?’
‘નકામી મહેનત કેમ? તમને ખબર નહીં કે આ સિંહાસન પર હું એક દિવસ બેસવાનો છું તેથી એ સમયે મને આ ખૂંચે નહિ તે માટે મારે રંધો ફેરવવો જ રહ્યો ! આ સિંહાસન પર બેસવાનો મેં મનમાં દ્રઢ સંકલ્પ કરી લીધો છે !’

પિતાને તે સમયે મુસોલિનીના આ શબ્દો બાલિશ લાગ્યા ! કેમ કે તેમને ક્યાં ખબર હતી કે, મુસોલિનીનો આ દ્રઢ સંકલ્પ ભવિષ્યમાં સાકાર બનીને રહેવાનો છે.

[4] ઓછું બોલવું

માઉ ત્સુ ચીનના મહાન ફિલોસોફર હતા. તેઓ ગંભીર વાતો પણ એવાં દૃષ્ટાંતો અને ઉપમાઓથી લોકોને સમજાવે કે લોકોને તેમની વાત સરળતાથી સમજાઈ જાય. એક દિવસ ત્સુ ચી નામનો એક માણસ માઉ ત્સુ ને ત્યાં આવ્યો. કહે, મારે તમને પ્રશ્ન પૂછવો છે. જો આપ રજા આપો તો પ્રશ્ન પૂછું.

માઉ ત્સુ બોલ્યા : ‘ભાઈ અમારા લોકોનો તો ધર્મ છે કે લોકોના પ્રશ્નોનું સમાધાન કરવું. બોલ, તારો કયો પ્રશ્ન છે?’ પોતાનો પ્રશ્ન રજૂ કરતાં ત્સુ ચી બોલ્યો :
‘બહુ વાતોડિયા થવામાં કશો લાભ નથી, એવું લોકો કહે છે. આપ મને કોઈ ઉપમા દ્વારા એ વાત સાચી છે કે કેમ તે સમજાવો.’
માઉ ત્સુ બોલ્યો : ‘ભાઈ, સાંભળ ! આપણે જોઇએ છીએ કે તળાવમાં દેડકાંઓ આખો દિવસ ડ્રાઉં ડ્રાઉં બોલ્યા કરે છે. મચ્છરો પણ રાત-દિવસ ગણગણ્યા કરે છે અને માખીઓનો પણ ગણગણાટ સતત ચાલુ રહે છે. ગળું સુકાઈ જાય ત્યાં સુધી તેઓનો ડ્રાઉં ડ્રાઉં કે ગણગણાટ ચાલુ રહે છે, છતાં એમની કોઈ પરવા કરતું નથી. એમના અવાજને કોઈ ગણનામાં લેતું નથી. હવે કૂકડાનો દાખલો લઈએ. કૂકડો સવારે જે કૂકડે કૂક કરે છે અને આપણને એના અવાજ પરથી ખબર પડે છે કે સવાર થયું. આ એના એક જ વારના અને નિયમિત અવાજથી લોકો એના અવાજને મહત્વ આપે છે અને એના અવાજનું મૂલ્ય થતું રહે છે. એ જ રીતે બહુ બોલવામાં નહિ, પણ યોગ્ય સમયે અને જરૂર પૂરતું જ બોલવામાં માણસની કિંમત થાય છે.

[5] વિશ્વાસઘાત

એક આરબની પાસે સુંદર પાણીદાર ઘોડો હતો. એ ઘોડો લઈ લેવાની ઈચ્છા એક વ્યક્તિને થઈ. તેણે આરબને કહ્યું, હું તને ઘોડાને બદલે પાંચ ઊંટ આપું. મને આ ઘોડો આપ. આરબે ઘોડો આપવાની સ્પષ્ટ ના કહી. પેલાને થયું કે આમ તો ઘોડો મળવાનો છે જ નહિ. માટે કોઇ યુક્તિ જ કરું. અને એક રોગી ફકીર બનીને રસ્તામાં બેઠો.

એક દિવસ એ જ રસ્તેથી પેલો આરબ એના ઘોડા સાથે નીકળ્યો. ફકીરે બૂમો મારીને કહ્યું, કોઈ દયા કરો મારાથી ચલાતું નથી. મને કોઇ સામે ગામે પહોંચાડો… આ સાંભળીને આરબને દયા આવી. કહ્યું : ‘જો આ ઘોડા પર હું તમને સામે ગામ પહોંચાડું છું’, કહીને એને ઘોડા પર બેસાડ્યો, ત્યાં જ એણે ટટ્ટાર બની જઈને ઘોડાને તગડાવી મૂક્યો. તેની પાછળ પેલા આરબે બૂમો મારી. એને રોકીને કહ્યું :
‘જો તું ઘોડો લઈ જા, હવે તારો છે, તું એની સાર સંભાળ બરાબર સારી રીતે કરજે, પરંતુ આવી રીતે દગો કરીને, ધોખો દઈને, વિશ્વાસઘાત કરીને તેં ઘોડો પડાવી લીધો છે એ વાત કોઇને કરતો નહિ. નહિ તો લોકોને ગરીબ પરનો, દુ:ખીઓ પરનો વિશ્વાસ જ ઊઠી જશે અને જરૂરિયાતવાળાને પણ કોઇ મદદ કરવા નહિ જાય.’
આ સાંભળતાં જ પેલાનો આત્મા જાગ્યો અને ઘોડો પાછો આપીને આરબ પાસે માફી માંગી ચાલી ગયો.

[ કુલ પાન : 48. કિંમત રૂ. 45. પ્રાપ્તિસ્થાન : નવયુગ પુસ્તક ભંડાર. નવા નાકા રોડ, 1લે માળે, રાજકોટ-360001. ફોન : +91 281 2225596.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “ક્ષણે ક્ષણે ચિંતન – નીલેશ મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.