વિમલ-વચનામૃત – સં. કાર્તિકેય ભટ્ટ

[ ‘વિમલ-વચનામૃત’ પુસ્તકમાંથી પૂ. વિમલાતાઈના (વિમલા ઠકાર) કેટલાક ચૂંટેલા સુવાક્યો અત્રે સાભાર પ્રસ્તુત છે.]

[1] પદાર્થવિજ્ઞાન અને આત્મવિજ્ઞાન એક જ વસ્તુને જોવાના બે રસ્તા છે. આત્મવિજ્ઞાન સમગ્રતાને લઈને ચાલે છે અને પદાર્થવિજ્ઞાન અણુમાં અણુ જોવાની કોશિશ કરે છે.

[2] ન આત્મા પ્રાપ્ત કરવાનો છે ન પરમાત્મા પ્રાપ્ત કરવાનો છે. એ તો સિદ્ધ છે જ, સ્વયંભૂ છે, એ ભીતર છે, બહાર છે. સકલ નિરંતર છે. સમગ્ર રીતે આપણા હોવાપણાનું શુદ્ધીકરણ જરૂરી છે.

[3] જીવનનું સત્વ તો પારસ્પરિક સંબંધોમાં છે. અને તે વળી એવા સંબંધો હોય કે પ્રત્યેક સંબંધમાં બિનશરતી સ્વતંત્રતાની ખુશ્બૂ મહેકતી હોય.

[4] જીવનનું જે હોવાપણું છે ‘The isness of life’ એને કૃપા કહે છે, અનુગ્રહ કહે છે. દિવ્યતાની કૃપાનો આશય તે જીવનનું હોવાપણું છે.

[5] વિશ્રાંત અવસ્થામાં આપણે બેસીએ તો ઘણીવાર એ શાંતિમાં અંતઃકરણની ઊર્જા આપણને માર્ગ બતાવે છે : કોઈ એને ‘અંતઃજ્ઞાન દર્શન’ તો કોઈ એને ‘સહજાભૂત દર્શન’ કહે છે.

[6] પ્રારબ્ધ એક તથ્ય છે. એની સાથે ઝઘડો કે ઈન્કાર કરી શકાતો નથી. તમે કદી કહી શકો નહીં કે ‘મારે એ નથી જોઈતું’. એની સાથે સુમેળ સાધો, પ્રારબ્ધને ઓળખીને પુરુષાર્થનો પ્રારંભ કરો.

[7] સંયમ સમજની સાથે જાય છે અને એમાં કલેશ થતો નથી. દમનમાં કલેશ છે કારણ કે અંદરથી એ જોઈએ છે અને બહારથી તમે એને રોકી રહ્યા છો.

[8] અધ્યાત્મથી માણસ પથ્થર બનતો નથી, બલ્કે એની સંવેદનશીલતા વધારે તીવ્ર, તરલ, તત્પર બને છે. અનુકૂળ પ્રતિકૂળ સંવેદન થાય છે, પરંતુ એમાંથી પ્રિયતા કે અપ્રિયતા ઊભી કરતો નથી.

[9] જીવનની સમગ્રતામાં તો મનુષ્ય પણ એક મામૂલી પ્રાણી માત્ર છે. એવી જ રીતે આ નાનકડો ગ્રહ અને તેજસ્વી સૂર્યમંડળ પણ એની આગળ સાવ નગણ્ય છે. એની સમગ્રતાના આપણે અંશ છીએ. એ જાણ્યા પછી ભય ન રહેવો જોઈએ.

[10] ધ્યાન માટે સાધના આવશ્યક નથી. આપણા શરીર, મન, પ્રાણ, બુદ્ધિ વગેરેની શુદ્ધિ માટે સાધના આવશ્યક છે. એ બધામાં એક વ્યવસ્થા, એ બધાંનો પરસ્પર સંવાદ પૂર્ણ સુંદર સંબંધ પેદા કરવો, એની ગતિઓમાં લય પેદા કરવો- એના માટે જે વૈજ્ઞાનિક કર્મ કરાય છે એને સાધના કહે છે.

[11] નાની ઉંમરમાં તમે તમારાં બાળકોના કોમળ મગજ પર મહાપુરુષોના લખાણ લાદશો નહીં. જો એ એમને બરાબર રીતે પકડી શકશે નહીં તો ઊલટો અર્થ કરીને કેટલીક વિકૃતિઓ પેદા કરશે.

[12] સૂર્યના કિરણોમાં જેટલી શક્તિ છે એટલી જ અથવા તેનાથી વધારે શક્તિ શુદ્ધ શબ્દમાં, શુદ્ધ નાદમાં અને શુદ્ધ સ્વરમાં છે.

[13] વિચારોનું, વૃત્તિઓનું ઊઠવાનું જ્યારે શાંત થઈ જાય છે, ત્યારે તમે મૌનગૃહના આંગણામાં પ્રવેશ કરો છો.

[14] જ્યારે આનંદની તરફ તમારી યાત્રા થશે ત્યારે સુખ અને દુઃખ દેનારાં વિષય-સાધન અથવા માધ્યમનું આકર્ષણ શાંત થઈ જશે.

[15] તન અને મનને શુદ્ધ વાતાવરણ અને શુદ્ધ આહાર-વિહાર આપવા માંડશો, એને નિરામય-નિરોગી બનાવશો તો અશુદ્ધિ તરફનું એનું આકર્ષણ આપોઆપ હટી જશે.

[16] અધ્યાત્મ તો જીવન જીવવાનું વિજ્ઞાન છે….. અધ્યાત્મ તો જીવનનું પરમતત્વ શું છે એ બતાવે છે…. અધ્યાત્મમાં તમે કાંઈ મેળવતા નથી. તમે અહંચેતના ગુમાવો છો. અહંચેતના એના મૂળ સ્ત્રોતમાં ભળી જાય છે…. અધ્યાત્મમાં કાંઈ મેળવવાનું નથી, અધ્યાત્મ પ્રતીતિનો વિષય છે…. અધ્યાત્મ તો સત્ય સમજવાનું વિજ્ઞાન છે.

[17] બધાં શાસ્ત્રોના શબ્દોમાં જેટલી ઊર્જા છે, સર્જકતા છે, એના કરતાં અનેકગણી વધારે ઊર્જા અને સર્જકતા મૌનમાં છે.

[18] જ્યારે તમે શરીરને યમ, નિયમ, આસન, પ્રાણાયામથી અથવા પરિશ્રમથી શુદ્ધ રાખો છો ત્યારે તેમાં એક પ્રકારની નિરામયતા આવે છે.

[19] જીવન અનાદિ અનંત છે…. આ અનાદિત્વ અને અનંતતાની વચ્ચે આપણને જન્મ અને મૃત્યુ એ બે બિંદુ વચ્ચેનો સમય મળ્યો છે. એમાં સમજપૂર્વક જીવીએ, અનાદિતા અને અનંતતાને તર્કનો વિષય ન બનાવીએ, અનાદિતા અને અનંતતાના રહસ્ય સાથે જીવીએ.

[20] મરણિયા થઈને પ્રયત્ન કરવો હોય તો રોજિંદા જીવનમાં, આપણા વ્યવહારમાં, આપણા ચિંતનમાં, આપણી વાતોમાં જ્યાં જ્યાં વિસંગતિ અને વિરોધ નજરે પડે ત્યાંથી વિસંગતિ અને આંતરવિરોધનું નિરાકરણ કરવાનો પ્રારંભ કરો.

[21] તમે જેટલા પ્રશ્નો હૈયાઉકેલથી અને કોઠાસૂઝથી ઉકેલી શકો છો એટલા બુદ્ધિ-તત્વથી અને સિદ્ધાંતથી ઉકેલી શકતા નથી. સમજણની શક્તિ પરમાત્માની વિભૂતિરૂપે તમારા અને મારા હૈયામાં છે.

[22] મને ખબર પડતી કે શો અવરોધ, કયો અંતરાય આવે છે કે મનુષ્ય સમજેલું જીવી શકતો નથી ? અમારા જીવનમાં તો અમને જે ક્ષણે સમજાયું તે જ ક્ષણે એ આચરણમાં ઊતર્યું.

[23] તમારી બાહ્ય ઈન્દ્રિયોને સ્પર્શ કરનારી, તમારી ઈન્દ્રિયોને આમંત્રિત કરનારી જે કુદરત છે તે અને તમે સગાં છો ! લોહીના સંબંધ કરતાં પણ વધારે ઊંડો અને ગહન સંબંધ આ કુદરત સાથે આપણો છે અને સ્વયંસિદ્ધ સ્વયંભૂ એવી જે કુદરત છે તે જ પરમાત્માનું રૂપ છે.

[24] મનુષ્ય કેવળ પશુ નથી અને જે કુદરત તમને દેખાય છે તે કેવળ જડસૃષ્ટિ નથી. એ તો ચિન્મયી ઊર્જાઓનો મહારાસ છે !

[25] હૃદયની શુદ્ધિ, શુચિતા કે મંગલતા ઉપર કંઈ ઝાંખપ નથી લાગતી એનું નામ શ્રદ્ધા છે અને શ્રદ્ધા હોય ત્યાં ચિંતા રહેતી નથી.

[26] મનુષ્યમાં આત્મભાન અને આત્મચેતનાની શક્તિ છે. એટલે મનુષ્યની મોટી જવાબદારી થઈ જાય છે કે એ સત્યને શોધે અને પ્રગટ કરે. જે સત્ય સમજાય તેને જીવનમાં જીવે.

[27] ચિંતામાંથી ભય અને ભયમાંથી અસંતુલન પેદા થાય છે. પળભરની બીક વ્યવહારને બદલી નાખે છે, બદલાવી જ નાખે છે.

[28] દુઃખ લાગવું એ પણ સ્વાભાવિક છે. દુઃખ લાગે અને દુઃખ નથી લાગ્યું એવું કહેવું એ નકરું પાખંડ છે. દુઃખ લાગ્યું હોય તો એ પણ જીવી લેવું. એને કારણે આત્મદયા કે અવસાદમાં જવું, એના માટે પ્રતિશોધનો ભાવ સેવવો એ દ્વેષ છે.

[29] સંયમાગ્નિમાંથી તમારા વાસનાવિકારોને બાળીને ભસ્મસાઅત કરો ત્યારે સમતા, સંતુલન પ્રગટ થાય છે. ત્યારે જીવન સંતુલિત બને છે. પછી કોઈ પણ પરિસ્થિતિમાં જીવનના કોઈ પણ ઉતાર ચઢાવમાં પલ્લું ઊતરતું ચઢતું નથી.

[30] આંસુ તો જીવનનો-હૃદયનો વૈભવ છે. એ વૈભવને તમે ગમે તેમ વેડફો એમાં તો શક્તિનો વ્યય થાય.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “વિમલ-વચનામૃત – સં. કાર્તિકેય ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.