સામ્યસૂત્ર – વિનોબા

[‘સામ્યસૂત્ર’ પુસ્તકમાંથી કેટલોક અંશ સાભાર.]

[1] ગાંધીજી અને રામાનુજાચાર્ય

આજે ભક્તિમાર્ગ પર કંઈક કહેવાનો પ્રસંગ જે દિવસે ને જે સ્થળે મળ્યો છે તે દિવસ ને તે સ્થળ બંને તે માટે ખૂબ જ અનુકૂળ છે. આજે બાપુનો જન્મદિવસ છે અને આ ગામ રામાનુજાચાર્યનું સ્થાનક છે. ગાંધીબાપુએ વારંવાર કહ્યું છે કે જેને નામસ્મરણમનું રસાયણ હાથ લાગી ગયું તેને બીજા-ત્રીજા ઓસડિયાંની કશી જરૂર નથી રહેતી. રામદાસ સ્વામીનું વાક્ય છે : ‘જયસિ શ્રી રામનામ, ઔષધાચે કાય કામ ?’ જેને હોઠે રામનામ, ઔષધનું શું રે કામ ?’ ખેર, આટલી શ્રદ્ધા છતાં પણ બાપુ દવા લેતા રહ્યા, ને મેં પણ લીધી. પરંતુ તેઓની શ્રદ્ધા તો એ જ હતી કે નામથી મોટું બીજું કોઈ ઓસડ નથી. છેલ્લા દિવસોમાં તેઓને ઉધરસ થઈ હતી અને મનમાં કંઈક ક્ષોભ પણ થતો હતો, ત્યારે તેઓ એમ જ બોલતા કે ‘આ મારા નામસ્મરણની કચાશ છે.’ એમના જન્મદિવસ જેવા અવસરે મને આ નામસ્મરણનો મહિમા ગાવાનો મોકો મળ્યો તેને હું મારું બહુ મોટું ભાગ્ય સમજું છું.

આજનું સ્થાન પણ આ વિષયના વિવેચનને માટે અતિશય અનુકૂળ છે. ફકત હિંદુસ્તાનના જ નહીં પણ આખી દુનિયાના ઈતિહાસમાં મહાન પુરુષોનાં જે થોડાંક નામ માનવીને ખૂબ કામનાં થઈ પડ્યાં છે, તેમાં રામાનુજનું નામ ગણવું પડે. આજે પણ જે કાર્ય કરવાની હિંમત ઘણા નથી બતાવી શકતા તે કામ એક હજાર વરસ પર રામાનુજે કરી બતાવ્યું. એમના ગુરુએ એમને એક મંત્ર શીખવ્યો ને કહ્યું કે ‘આ મંત્ર તું સાધારણ લોકો સામે જાહેર રીતે ના બોલીશ. આ ગુપ્ત મંત્ર છે.’ પણ રામાનુજ તો ભરી સભામાં એ મંત્ર બોલ્યા અને ઉપરથી જાહેર કર્યું કે ‘જે કોઈ માણસને આ મંત્રનો જાપ શીખવો હોય તે મારી પાસે આવે.’ ગુરુ પર પરમ શ્રદ્ધા રાખીને તેઓએ એ મંત્ર તેમની પાસેથી લીધો હતો અને તોયે ગુરુની આજ્ઞાની વિરુદ્ધ જઈને એમણે તો એને જાહેર કરી દીધો !

ગુરુને જ્યારે એ વાતની જાણ થઈ ત્યારે એમણે પોતાના શિષ્યને કહ્યું : ‘રામાનુજ ! આવુ કર્યું એટલે તું તો નરકમાં જવાનો !’ રામાનુજ કહે, ‘જી, હું તો નરકે જવાનો એ ખરું. પણ મેં જેમને એ મંત્ર શીખવ્યો તે લોકો પણ શું નરકે જશે કે ?’ ગુરુ કહે, ‘ના, એ લોકો નરકે નહીં જાય.’ એ સાંભળીને રામાનુજે કહ્યું : ‘બસ તો તો એ લોકોનો ઉદ્ધાર થતો હોય તો હું પોતે નરકે જવા તૈયાર છું.’ એમનો આ જવાબ સાંભળીને ગુરુ પ્રસન્ન થઈ ગયા. રામાનુજના જીવનનો આ સર્વશ્રેષ્ઠ કિસ્સો છે. રામાનુજે ભક્તિનો મહિમા વિસ્તાર્યો. એમણે હરિજન-પરિજનના, ઊંચ-નીચના ભેદ ગણકાર્યા નહીં ને પોતાના શિષ્ય મંડળમાં બધી વરણને સ્વીકારી. અને આ બધુંય એમણે તે જૂના જમાનામાં કર્યું ! રામાનંદ, તુલસી, કબીર વગેરે બધા ઓછેવત્તે અંશે રામાનુજના સંપ્રદાયના જ હતા. ‘ઓછેવત્તે અંશે’ કહેવાનું કારણ એ કે કબીર રામાનુજ કરતાં થોડી જુદી વાત પણ કરતા અને તુલસીદાસ પણ થોડો જુદો સૂર કાઢતા. શિષ્યો જો આ રીતે થોડો થોડો જુદો સૂર કાઢે તો તે ગુરુને માટે સારું જ છે. એનાથી ગુરુએ કરેલી વાત વધુ વિશાળ થાય છે, સત્યની સમૃદ્ધિ પ્રકટ થાય છે. આ રીતે રામાનુજે આખા હિંદુસ્તાનમાં એક ભક્તિમાર્ગ રચ્યો.

રામાનુજના બે-ત્રણ સિદ્ધાંતો ભારે મહત્વના છે. તે પૈકી એક સિદ્ધાંત એવો છે કે દુનિયામાં જેટલા શબ્દો છે તે તમામ ઈશ્વરવાચક છે, એટલે કે બધાનો અર્થ ઈશ્વર થાય છે. દાખલા તરીકે ‘ઘડિયાળ’ શબ્દ લો. એનો સ્થૂળ અર્થ તો સમય બતાવનારું યંત્ર એ જ છે. પરંતુ સૂક્ષ્મ અર્થ છે, ઘડિયાળની અંદર જે શક્તિ રહેલી છે તે અને સૂક્ષ્મતમ અર્થ છે, પરમેશ્વર. સામે ઘોડો ઊભો છે એનો સ્થૂળ અર્થ તો છે, નજરે દેખાય છે તે ઘોડાનું શરીર. એનો સૂક્ષ્મ અર્થ છે ઘોડાની અંદર અધિષ્ઠાતા જીવ અને ‘ઘોડો’ કહેતા એ શબ્દનો પરમ અર્થ થાય છે ઈશ્વર. ‘સૂર્ય’ શબ્દનો સ્થૂળ અર્થ છે, બળબળતો ધાતુઓનો ગોળો, એનો સૂક્ષ્મ અર્થ છે, સૂર્યની અંદર જે અધિષ્ઠાતા છે, અભિમાની છે તે. અને સૂર્ય શબ્દનો પરમ અર્થ છે, અંતર્યામી, બધાને ચાલના આપનારો. આ રીતે શરીરવાચક સ્થૂળ અર્થ, અભિમાની સૂક્ષ્મ અર્થ અને અંતર્યામી રૂપનો અર્થ, એવા ત્રણ અર્થ દરેક શબ્દના છે. બધા વેદો એક જ પરમેશ્વરનું આમનન કરે છે, એમ કહેવાયેલું. વેદનો આ મહિમા રામાનુજે પ્રત્યેક શબ્દને આપી દીધો.

એમની બીજી એક વાત. ગીતાના ‘અદ્વેષ્ટા સર્વ ભૂતાનામ’ એ શ્લોકમાં ‘અદ્વેષ્ટા’ શબ્દ પર ભાષ્ય કરતાં રામાનુજે એક વિશેષ વાત કહી દીધી. જે આપણો દ્વેષ ન કરતો હોય, તેનો દ્વેષ તો ન જ કરવો જોઈએ, એ તો થઈ મામૂલી વાત. એટલી જ વાત કરવા માટે કંઈ ગીતાની જરૂર ન પડે. પરંતુ ગીતાએ તો કહ્યું છે કે જે આપણો દ્વેષ કરતા હોય તેમનો પણ દ્વેષ ન કરવો જોઈએ. હવે આના પર રામાનુજે કહ્યું કે મારો કંઈક અપરાધ છે તેથી જ એ બધા મારો દ્વેષ કરે છે અને બીજું તેમ કરવા તેઓ ઈશ્વર વડે પ્રેરાયેલાં છે. આનો અર્થ તો એવો થયો કે મારો દ્વેષ કરનારા પણ તે દ્વેષને માટે જવાબદાર નથી. જો કોઈ જવાબદાર હોય તો તે હું છું. ઈશ્વર જ દુશ્મનોમાં પ્રવેશીને મારા કોઈ દોષને ધોવા માટે એમને હાથે મારો વિરોધ કરાવે છે. આ રીતે આપણો દ્વેષ કરનારા દુશ્મન દોષમુક્ત થઈ જાય છે. એ ઈશ્વરપ્રેરિત છે તેથી તેઓ જવાબદારીથી મુક્ત થયા અને આપણો કશોક અપરાધ છે માટે આપણે જવાબદાર થયા ને આપણે જ કારણે તેઓ આપણો દ્વેષ કરે છે.
.

[2] ત્રણેય ગુણની સમતુલાથી સમ્યક જીવન

ચિત્તમાં સત્વ, રજ અને તમોગુણ હોય છે જ. મનુષ્ય રાત્રે સુએ છે ને સવારે ઊઠી જાય છે ત્યારે ચિત્ત ખૂબ પ્રસન્ન રહે છે. તે સમયે સ્મરણ-શક્તિ જાગ્રત હોય છે, ચિત્ત શાંત હોય છે. આગલી રાતે કોઈના પર ખૂબ ગુસ્સો આવેલો. રાતે સરસ ઊંઘ આવી ગઈ. સવારે ઊઠ્યા ત્યારે ગુસ્સાનું કશું ભાન પણ નથી હોતું ! એક રાત સબૂરી પકડીએ તો ચિત્ત પર તેનું ઘણું સારું પરિણામ આવે છે. ચિત્ત એકદમ શાંત થઈ જાય છે. આમ સવારે સહેજે સત્વગુણ પ્રકટ્યો. પછી થોડીવારે ભૂખ લાગી, તો તે જ ચિત્તમાં રજોગુણ દાખલ થાય છે. આ તે-ના-તે ચિત્તની વાત છે.

જુદાં જુદાં હોય તેની વાત નિરાળી. ભિન્ન ભિન્ન મનુષ્યોમાં ભિન્ન ભિન્ન ગુણો વત્તાઓછા પ્રમાણમાં હોય છે જ; ત્રણેય ગુણો હોય છે. કોઈમાં કોઈ ગુણ વત્તો તો કોઈ ગુણ ઓછો હોય છે. ચોવીસ કલાકમાં એનું પરિવર્તન થતું જ રહે છે. જેમ ગરમીનો પારો કોઈવાર ઊંચે ચડે છે તો કોઈવાર નીચે ઊતરે છે. તે જ રીતે ચિત્ત પર આ ત્રણેય ગુણોની અસર થતી રહે છે. અને ઉષ્ણતામાનની જેમ આ ગુણો પણ દિવસ દરમ્યાન ચડ-ઊતર થતા રહે છે. સવારે ચિત્ત શાંત હતું. થોડી વારે ભૂખ લાગી તો રજોગુણ આવ્યો. પછી કામનો વખત થયો એટલે કામ કર્યું. પાછી ભૂખ લાગી ને ખાઈ લીધું. હવે થોડો આરામ લેવાની ઈચ્છા થઈ કે તરત તમોગુણ શરૂ થઈ ગયો. આખો દિવસ ખૂબ કામ કર્યું, શરીર અને ચિત્ત બંને પૂરેપૂરાં થાકી ગયાં. એટલે રાતે તો તમોગુણ વિના બીજો ઉપાય જ નથી. એટલે ઘસઘસાટ ઊંઘી જઈએ છીએ. ઊંડી, શાંત, સ્વપ્ન વિનાની નિદ્રા ગણાય છે તો તમોગુણ પણ એ તમોગુણ તજવા લાયક નથી.

રોજ 7-8 કલાક તો નિષ્ઠાપૂર્વક ઘસઘસાટ ઊંઘવું જ જોઈએ. સૃષ્ટિના જે ગુણ છે તેની ચિત્ત પર સ્વાભાવિક અસર થાય છે. રજોગુણ પણ તજવા લાયક નથી કે તમોગુણ પણ તજવા લાયક નથી. પુષ્ક્ળ ચિંતન થયું હોય તો ચિત્તને આરામ આપવા માટે અને શરીરના થાકનું શમન કરવા માટે તમોગુણનો આશ્રય લેવો પડે છે. આવો તમોગુણ સારો જ છે એમ માનવું જોઈએ. કેમ કે એ રજોગુણની અતિશયતાથી બચાવનારો છે. પણ બચાવવાને બદલે જો તમોગુણનો પોતાનો જ આપણા પર હુમલો થઈ ગયો તો એ પાછું સૃષ્ટિથી વિરુદ્ધ થઈ પડશે. સૃષ્ટિ વિશેનાં તમામ તત્વોમાંથી મનુષ્યને થોડું થોડું અપનાવવું પડે છે, તે પૈકી કેટલુંક તજવા લાયક હોય છે અને કેટલુંક લેવા જેવું હોય છે. સૃષ્ટિના ત્રણેય ગુણોની સમાજ પર જે પ્રતિક્રિયા થાય છે તે સ્વાભાવિક હોય છે. તેથી તેને માન્ય કરીને જ સમાજરચના કરવી પડશે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણને અવકાશ આપીને સમાજરચના કરવાની છે. સત્વગુણને જીવનમાં પુષ્કળ મોકો મળવો જોઈએ. તેમ છતાં રજોગુણ કે તમોગુણને પણ જીવનમાં સ્થાન છે અને તે રહેવું જ જોઈએ; કેમકે તેમની પણ જીવનમાં આવશ્યકતા છે. સૃષ્ટિગત ગુણોનું આપણા જીવનમાં જે સ્થાન છે તેને આપણે ટાળી શકતા નથી. આ દષ્ટિએ માનવને માટે જે કાંઈ કરવાનું હોય તેનો વિચાર આપણે કરવો જોઈએ.

મેં કહ્યું હતું કે સત્વ, રજ, તમ એ ત્રણેય ગુણોની જીવન પર અસર પડે છે. તેમ છતાં જીવનનો જે પાટો પડશે તે તો સત્વગુણનો જ હોવો જોઈએ. ને પછી એન્જિન રજોગુણનું હોય અને ડબ્બા તમોગુણના હોય તો ગાડી સારી રીતે ચાલશે. પણ જો પાટા રજોગુણના કે તમોગુણના નાખીશું ને સત્વગુણને એન્જિન બનાવીશું તો તે પણ ખોટું થશે; કેમ કે ગાડી ખોટે રસ્તે ચઢી જવાનો ડર રહેશે. એન્જિન ધારો કે તમોગુણનું હોય તો તે ગાડી આગળ જ નહીં વધે. ગતિને માટે રજોગુણ જોઈએ. તે વિના ગતિ આવશે જ નહીં, પણ સામે ભાંગેલો પુલ આવે છે અને બેવકૂફ એન્જિન જો રજોગુણનું માર્યું દોડ્યું જશે તો શી દશા થશે ? ભયંકર અકસ્માત થઈ પડશે. આજકાલ આવી જાતની ખબરો કેટલીયવાર છાપાઓમાં આવે છે. રજોગુણ જ્યારે માર્ગદર્શક બની બેસે છે, ત્યારે તેમાં ઘણું જોખમ રહેલું હોય છે તેથી માર્ગદર્શનને માટે સત્વગુણ, ગતિને માટે રજોગુણ અને શાંતિ, આરામ કે વ્યવસ્થાને માટે તમોગુણ જોઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “સામ્યસૂત્ર – વિનોબા”

Copy Protected by Chetan's WP-Copyprotect.