- ReadGujarati.com - http://www.readgujarati.com -

ઝાકળભીનાં પારિજાત – ગુણવંત શાહ

[ તાજેતરમાં જેનું પુનર્મુદ્રણ થયું છે તથા જેની છ આવૃત્તિઓ થઈ છે એવા પુસ્તક ‘ઝાકળભીનાં પારિજાત’માંથી પ્રસ્તુત નિબંધો સાભાર લેવામાં આવ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ આદરણીય ગુણવંતભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] ટેઈપ રેકૉર્ડર પર ઝિલાયેલું મૌન

કોરા આકાશનું પ્રતિબિંબ અરીસો નથી ઝીલી શકતો. શૂન્યનું વજન કરી શકે એવું ત્રાજવું લાવવું પણ ક્યાંથી ! મૌનને અંકિત કરે એવું ટેઈપ રેકૉર્ડર હોઈ શકે ખરું ? અને છતાંય આકાશ ‘છે’; શૂન્ય ‘છે’ અને મૌન પણ ‘છે’. આપણો ‘છે’ પણ આપણી મર્યાદાઓથી મુક્ત નથી. આપણો ‘નથી’ એટલો તો રોકડો હોય કે પછી જે કાંઈ રોકડું ન હોય તે જાણે આપોઆપ ઉધાર બની જાય છે. અસ્તિત્વ રંગવિહીન, વજનરહિત કે શબ્દાતીત હોઈ શકે એ જલદી મનમાં જ નથી બેસતું. આપણો દેહ જે પંચમહાભૂતોનો બનેલો છે તેમાં આકાશ (અવકાશ)નો સમાવેશ થાય છે એ બહુ મોટી વાત છે. અવકાશ તે વળી ‘હોઈ’ શકે ખરું ?

અમેરિકાના મિશિગન રાજ્યમાં એન આર્બર નામનું એક વિદ્યાનગર છે. આ એક એવું નગર છે જેમાંથી યુનિવર્સિટી કાઢી લો તો ભાગ્યે કોઈ વસતી ત્યાં રહે. આ નગરમાં ખાસ્સું રહેવાનું થયેલું. એ નગરમાં એન આર્બર બૅંક આગળ એક થાંભલો અને થાંભલા પર બૅંકની જાહેરાતનું પાટિયું ચોવીસે કલાક સતત ફરતું જ રહે. એ પાટિયાની બીજી બાજુએ ઉષ્ણતામાન અને સમય મોટા આંકડામાં બતાવવામાં આવે. આવતાંજતાં સૌ કોઈ એ પાટિયું જોઈને ઋતુ કેવી છે એનો અંદાજ મેળવે. શિયાળાના દિવસોમાં એ પાટિયું શૂન્યથી નીચે દસ અને ક્યારેક વીસ અંશ નીચું ઉષ્ણતામાન છે એવી જાહેરાત પણ કરતું રહે. શૂન્ય અંશ ઉષ્ણતામાન તો ઘણી વાર જોવા મળતું. જ્યારે શૂન્ય ઉષ્ણતામાન હોય ત્યારે મને એક વિચાર હમેશાં આવતો. જે ઉષ્ણતામાને હું રસ્તા પર થથરી રહ્યો હોઉં તે ઉષ્ણતામાન એસ્કિમો માટે એકંદરે સારી ઋતુનું સૂચક નહીં હોય ?

જરા જુદી રીતે જોઈએ તો અરીસો આકાશનેય ઝીલે છે. શૂન્યનું વજન શૂન્ય હોય તો ત્રાજવું શૂન્ય જ બતાવે ને ! ત્રાજવું શૂન્યનું બિલકુલ સાચું વજન નથી બતાવતું શું ? ટેઈપ રેકૉર્ડર મૌનને આબાદ ઝીલી લે છે. પછી એને ચાલુ કરવામાં આવે ત્યારે ઝિલાયેલું મૌન જ ટેઈપ રેકૉર્ડર દ્વારા વ્યક્ત થાય છે. મૌન ઝિલાયું અને મૌન વ્યક્ત થયું. અંતરને કોઈ છાને ખૂણે ફૂટેલી કવિતાને કાગળના માધ્યમ દ્વારા વ્યક્ત કરવી એ પણ એક ગુસ્તાખી છે. એ એક એવી ગુસ્તાખી છે જે ક્ષમ્ય છે અને આવકાર્ય પણ છે. કોઈ રોકડી બાબત કવિતાનો વિષય નથી બની શકતી. કવિતાનો સ્વભાવ મૌનના, અવકાશના અને શૂન્યના આછા અણસારા ઝીલતા રહેવાનો હોય છે. રોકડ પ્રત્યે અનહદ પ્રેમ રાખનારા સમાજમાં કવિ જુદો પડી આવે છે તે આ જ કારણે. તાબાહની ગઝલની પંક્તિઓ યાદ આવે છે.

નયાજે ઈશ્કમેં હમસે કોઈ કમી ન હુઈ
યહ ઔર હૈ અપના ઉન્હેં બના ન સકે.

કહે છે કે સમર્પણયુક્ત પ્રેમમાં મારી કોઈ કમી રહી નથી ગઈ; એમને પોતાનાં ન કરી શક્યો એ વાત જુદી છે. રોકડું વ્યાજમુદ્દલ ગણનારો વ્યાપારી આ પંક્તિઓ શી રીતે માણી શકશે ? શાહુકાર અંદરખાનેથી કવિને પાગલ ગણતો હોય છે. કવિનો ‘છે’ ભાગ્યે રોકડો હોય છે. એક વાર ટ્રેઈનમાં બે જણ સામસામે બેઠા હતા; એક વાણિયો અને બીજો કવિ. વાતવાતમાં વાણિયાએ કવિને પૂછ્યું : ‘ભાઈ, તમે આ કવિતા લખો તેમાં મળતર શું ?’ કવિ અકળાયા. તેને જવાબ સૂઝ્યો નહીં એટલે ટૂંકમાં જવાબ આપ્યો : ‘કશું નહીં’.
‘તો પછી આ માથાકૂટથી ફાયદો શું ?’ વાણિયાએ પોતાની પ્રામાણિક વેદના ઠાલવી.
કવિએ આખરે વાણિયાને કહ્યું : ‘મહાશય ! મને એક વાત સમજાવશો, ફાયદાથી શું ફાયદો ?’ ટ્રેઈનનો અવાજ વાણિયાના મૌનને ગળી ગયો.
.

[2] અપરિચય

રેલવે લાઈન પર કામ ચાલતું હોય ત્યારે બે સ્ટેશનો વચ્ચેના ઉજ્જડ એકાંતમાં થોડાંક તગારાં અને તીકમ શાંતિના ગઢમાં ગાબડું પાડતાં રહે છે. ભીડને લીધે સડસડાટ વહી જતી ગાડી ધીમી પડે છે અને પછી સલૂકાઈથી રવાના થઈ જાય છે. કામ કરતા મજૂરો એ ગાડી દેખાય ત્યાં સુધી એક પ્રકારની વસ્તીનો અનુભવ કરે છે. ગાડી દેખાતી બંધ થાય એટલે તીકમ-પાવડા અને તગારાંનો સંસાર શરૂ થાય છે.

જીવનની ગાડીનો માર્ગ આવો નિશ્ચિત નથી હોતો. ઉડ્ડયન કદી પાટે પાટે નથી થતું. પુસ્તકિયું જ્ઞાન ટ્રેઈનની મુસાફરી જેવું છે. બે સ્ટેશનો વચ્ચે પાસ કઢાવીને રોજ અપ-ડાઉન કરનારો વર્ષો સુધી એમ કરે તોય ઝાઝું જોવા નથી પામતો. પાટાની આસપાસની મર્યાદિત સૃષ્ટિ જ એ જાણવા પામે છે. એનાં એ જ મકાનો, એ જ ખોલીઓ, એ જ થાંભલાઓ અને એ જ વૃક્ષો. પુસ્તકની લીટીઓ ગાડીના પાટાઓ જેવી સમાંતર હોય છે. એ પુસ્તકને હજાર વાર વાંચનારો પણ એની એ જ લીટીઓ પરથી પસાર થતો રહે છે.

આપણે કાયમ શબ્દો પર તરતા રહીએ છીએ. ક્યારેક નિઃશબ્દતામાં ડૂબકી મારવાનું થાય ત્યારે અકળામણ પણ થાય છે. માણસ માટે દુનિયા પર ક્યાંય કોઈ અભ્યારણ્ય બન્યું સાંભળ્યું નથી. સર્વ દિશાઓમાંથી સતત ભયનાં મોજાં છૂટતાં જ રહે છે, મૃત્યુનો ભય, શત્રુનો ભય, પ્રતિષ્ઠાનો ભય અને સ્વતંત્રતાનો ભય (fear of freedom). ભયમાંથી બંધન જન્મે છે. મૃત્યુના ભયમાંથી જીવનનું બંધન જન્મે છે. શત્રુના ભયમાંથી મિત્રત્વનું બંધન જન્મે છે. પ્રતિષ્ઠાના ભયમાંથી દંભ અને દર્પનાં અનેક બંધનો ફણગાતાં રહે છે. સ્વતંત્રતાના ભયમાંથી ગુલામીનું બંધન પેદા થાય છે અને ધીમે ધીમે જીવન જેટલું જ વહાલું લાગવા માંડે છે. નિશાળોમાં ગણવેશ ફરજિયાત હોય છે. સાધુઓને અનેક ભગવાં બંધનો હોય છે. સ્ત્રીઓને અમુક જ પોશાક શોભે અને પુરુષોને અમુક જ શોભે. વળી અમુક ઉંમરે જે પોશાક શોભે તે બીજી ઉંમરે ન પણ શોભે. ડિનરપાર્ટીમાં અમુક પોશાક જોઈએ અને બેસણામાં જવાનું હોય ત્યારે જીવનના તમામ રંગોને ઓહિયાં કરી જનારો સફેદ રંગ પસંદગી પામે. બંધનો આપણને સીમિત બનાવી મૂકે છે. નિઃસીમના પરિચયમાં આવવાની પ્રત્યેક તક આ રીતે જતી રહે છે. સુરતનું ફરસાણ, વડોદરાનો ચેવડો, ખંભાતનું હલવાસન, ભરૂચની સૂતરફેણી, ભાવનગરનાં ગાંઠિયાં, મથુરાના પેંડા, આગ્રાના પેઠા અને મુંબઈનો આઈસ હલવો વખણાય છે. આ સાચું હોવા છતાં જે તે સ્ટેશનથી આ વાનગીઓ લઈએ ત્યારે એમાં ઝાઝો દમ નથી હોતો. આ વાનગીઓની મઝા માણવા માટે તે શહેરની જૂની અને જાણીતી દુકાન ખોળવી પડે. પુસ્તકિયું જ્ઞાન પ્લૅટફૉર્મ પરથી ખરીદેલી વાનગી જેવું બીજી કે ત્રીજી કક્ષાનું હોય છે.

ઘણા લોકો ઈંગ્લૅન્ડ જઈ આવે છે. એમને મન તો ઈંગ્લૅન્ડ એટલે જાણે લંડન. એક મિત્ર ત્રણ વખત ફ્રાન્સ જઈ આવ્યો પરંતુ એણે કદી પેરિસની બહાર પગ નથી મૂક્યો. ઈટલી એટલે બસ રોમ ! કોઈ દિલ્હી કે મુંબઈ જ જોઈને ભારત વિષે અનુમાનો કરવા માંડે તે કેટલું વિચિત્ર છે ! સુરતનો પોંક ખાધા વગર, મથુરાના પંડાઓની હેરાનગતિ માણ્યા વગર, ઋષિકેશ આગળ ખળખળ વહેતી ગંગામાં જીવન ઝબોળ્યા વગર, કેરાલાનો વૃક્ષવૈભવ નીરખ્યા વગર, ઉત્તર પ્રદેશ (કે પ્રશ્નપ્રદેશ ?)ની અરાજકતા, બિહારની ક્રૂર અવ્યવસ્થા તથા અમદાવાદનો સાબરમતી આશ્રમ જોયા વગર ‘ભારત જોયું’ એમ કહેવું એ પાકશાસ્ત્ર વાંચીને ઓડકાર ખાવા બરાબર છે. પુસ્તક વાંચીને ઘણા યોગ શીખે છે. પુસ્તક વાંચીને કેટલાક હોમિયોપેથી, રેડિયો-રિપેરિંગ, વક્તૃત્વકળા, મિત્રો બનાવવાની કળા, સુખી થવાની કળા અને જ્યોતિષવિદ્યા શીખે છે. કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તો કાગળ પર પણ ચાસ પાડે છે. કાગળ પર જ વાવણી ને કાગળ પર જ કાપણી. પુસ્તક પરથી બધું જ શીખી શકાય એવી શ્રદ્ધા લગભગ વહેમની કક્ષાએ પહોંચી છે. આઈનસ્ટાઈન કાગળ પરથી મળતી માહિતીને ‘સિન્થેટિક’ જ્ઞાન કહેતા. ‘તસવીર તેરી દિલ મેરા બહેલા ન સકેગી’ – જેવી પંક્તિઓ તલત મહેમૂદને કંઠે સાંભળ્યા પછી પણ આપણી શ્રદ્ધા તો એલચીને બદલે એલચીના એસેન્સ પર અને ગુલાબને બદલે ગુલાબજળ પર જ હોય છે.

તીકમ, પાવડા અને તગારાંનો સંસાર ચાલતો જ રહે છે. આપણો અને નદીનો પરિચય હવે પુલ પરથી જ થતો રહે છે. નદીમાં રેલ આવે તોય પુલ પરના રસ્તાથી એ થોડી નીચે જ રહી જાય છે. આમ નદી અને આપણી વચ્ચેનું અંતર તો કાયમ જ રહે છે. લંડનમાં વેસ્ટમિન્સ્ટર આગળ થેમ્સ નદીની નીચેથી ભૂગર્ભ રેલવેમાં પસાર થતો મુસાફર પણ થેમ્સથી તો અતડો ને અતડો જ રહે છે ! ઘણાંખરાં શહેરોને આપણે માત્ર પ્લૅટફૉર્મ પરથી જ ઓળખતાં રહીએ છીએ.

[ કુલ પાન : 152. કિંમત રૂ. 110. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573. ઈ-મેઈલ : sales@rrsheth.com ]