ખોબામાં તારા – કાન્તિ ભટ્ટ

[ તાજેતરમાં પ્રકાશિત થયેલા ‘ખોબામાં તારા’ પુસ્તકમાંથી પ્રસ્તુત વિચારપ્રેરક લેખો સાભાર લેવામાં આવ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ‘અરુણોદય પ્રકાશન’ (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[અ] પડકાર વગરની જિંદગી નકામી

taraસ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે પડકારમાં પ્રાણ ઉજ્જ્વળ બને છે. પી. કૉર્નેલી નામના ફ્રેન્ચ નાટ્યકારે બુજદિલ લોકોને પાનો ચડાવે એવાં નાટકો લખેલાં. તેણે ટોણો મારેલો કે માનવીને સંઘર્ષ કરવો નથી, ખોળામાં આવી પડેલી સિદ્ધિ માણવી છે. ગુરુ બનવું છે, પણ શિષ્ય તો ગુણિયલ જ જોઈએ. કૉર્નેલીએ કહ્યું હતું કે, ‘આપણે હજી તલવાર સજીએ ત્યાં કોઈ તાબે થઈ જાય એમાં શું મજા છે ? ઉપરાંત સુંવાળે રસ્તે જીત મળે એ જીતની બહુ કિંમત હોતી નથી.’

કવિ ઈલિયટે પણ કહ્યું હતું કે, ‘ફૉર અસ ધેર ઈઝ ઓન્લી ટ્રાઈંગ.’ આપણે બસ, સંઘર્ષ કરવાનો છે. સંઘર્ષમાં મજા છે. 21મી સદીમાં જૂની વાતો યાદ કરતા નથી. વળી, આજે અસહિષ્ણુતા વધી છે. આપણે જલદી કોઈને માફ નથી કરતા. તમે જેને પ્રેમ કરતા હો એમાં કંઈક ખામી હોય તો એ પણ સહન કરી શકતા નથી. પી. કૉર્નેલીએ 274 વર્ષ પહેલાં ‘લે સીડ’ નામનું નાટક લખેલું. એમાં રૉડ્રિગ નામનો પ્રેમી તેની પ્રેમિકાના પિતાનું ખૂન કરે છે બોલો ! પિતાનું ખૂન કરનારાને પ્રેમિકાએ માફ કરવો કે પ્રેમને જ મહાન સમજવો ? રોડ્રિગની પ્રેમિકા સામે આ પ્રશ્ન આવે છે. રોડ્રિગની પ્રેમિકા બહુ જ સમજદાર હતી. તેણે કહ્યું હતું કે, ‘પ્રેમ મહાન છે, પણ પિતા પ્રત્યેના પ્રેમમાં તો ઑનર રહેલું છે. કુટુંબની શાન છે. પ્રેમની પણ શાન છે.’ રૉડ્રિગ આ વાત સમજીને પ્રેમિકાના જ હાથમાં ન્યાય સોંપે છે. તે કહે છે, ‘તારા કુટુંબની શાન અને મારા પ્રેમની શાનને ધ્યાનમાં લઈ મને સજા કરજે.’

પ્રેમિકાએ કહ્યું હતું કે : ‘એક જ ન્યાય છે. ચાલ, જિંદગીભર ઝૂરીએ. અલગ રહીને જ પ્રેમને નિભાવીએ. આનું નામ પ્રેમ અને આનું નામ શાન.’ હવે આ પ્રકારના મનને હચમચાવે એવાં નાટકો શું અંગ્રેજી કે હિન્દી કે ગુજરાતીમાં ઓછાં લખાય છે ? પી. કૉર્નેલીની માફક રૉબર્ટ પરસિંગ પણ તમને હચમચાવે એવાં નાટકો લખતાં. તેમણે ‘લીલા’ જેવી ભારતીય નામની નવલકથા લખેલી. લીલા એટલે જીવનલીલા. રૉબર્ટ પરસિંગ આત્મચેતના જગાડવા મોટરસાઈકલ ઉપર તેના પુત્રને લઈ જગતયાત્રાએ નીકળીને બનારસ યુનિવર્સિટીમાં આવે છે. તે હિન્દુ ફિલસૂફી શીખી ગયો. મોક્ષ અને ત્યાગ તેમ જ ગીતાના કથન મુજબ ફળની આશા ન રાખવી એ બધી વાતોથી પણ તેને સંતોષ ન થયો. તેણે ઝેન બુદ્ધિઝમનો અભ્યાસ કર્યો. એ પછી તેણે ‘લીલા’ નામની નવલકથામાં ફેદરૂસ નામનું વાર્તાનું પાત્ર ઘડ્યું. તે ફેદરૂસ એક સફળ લેખક હતો. તેને એશિયાની દરિયાઈ સફર એકલપંડે કરવી છે. તે એક દારૂના બારમાં રસ્તે રોકાય છે. તેણે ત્યાં એક અલ્લડ છોકરી જોઈને તેને લાગ્યું કે આ તોફાની છોકરીને સંગાથે લઈને પડકાર ઝીલવો. તે છોકરી વાસનાથી ભરેલી હતી. તેને પ્રવાસ કે તેની ફિલસૂફી વગેરેમાં રસ નહોતો, પણ ખાવાની તે રસિયણ હોય છે. એ રીતે વાસનાથી ભરેલી હોઈ તેને વાસના ભોગવવી છે.

છતાં ફેદરૂસ (વાર્તાનો હીરો) માટે આ છોકરી બરાબર હતી. ફેદરૂસે એક સાચા લેખક તરીકે પોતાના જીવનને ચારેપાસથી જોયું છે. તેણે તમામ ફિલસૂફી વાંચી નાખી છે. ઝેન બુદ્ધિઝમ પ્રમાણે જ તે આ વાસનાવાળી છોકરીનું જીવન પરિવર્તન કરે છે. ઝેન બુદ્ધિઝમમાં દરેક કાર્યમાં ક્વૉલિટી શિસ્ત અને સૌંદર્યનું સ્થાન હોય છે, ખાસ તો આંતરિક સૌંદર્ય. છોકરીને તે પડકાર ફેંકે છે. તું બાહ્ય રીતે સુંદર છે, પણ તારા આંતરિક સૌંદર્યનું શું ? તારું શરીર સુંદર છે, પણ તારા મનની તંદુરસ્તી છેલ્લે પાટલે છે. છોકરીને જ્ઞાન જાગે છે અને એટલે તેની વાસના ઓગળી જાય છે. આજે માનવી માત્ર શરીર અને તંદુરસ્તીથી બાહ્ય ક્વૉલિટી જાળવે છે, પણ આત્માનું ઓવરહૉલિંગ કરતો નથી. તમારા આત્માને તમારી બહારની શાન ઊજળી હોય એમ તેની અંદરની શાન પણ ચમકદાર જોઈએ છે.
.
[બ] સંકટોને રડશો નહીં, સરળતાના આનંદને યાદ કરો

મને કોઈ પૂછે તમે ક્યા દેવમાં માનો છો ? હું કહું છું કે વાચકો મારા દેવ છે, મારા અન્નદેવતા છે. વાચકો થકી જ હું જીવું છું. પણ આજે ખાસ યુવાવાચકોની હું સહિષ્ણુતા, સદભાવ અને પ્રેમની ભિક્ષા અને વડીલોના આશીર્વાદ માગું છું. હજી 90ની ઉંમર સુધી કલમમાં બળ મળે એ માટે તમારી શુભેચ્છા માટે ભિક્ષાપાત્ર રજૂ કરું છું. મારી સમજણ પેદા થઈ અને વાંચતો થયા પછી મેં સ્વામી વિવેકાનંદ અને પશ્ચિમના સૉક્રેટિસના ઉદ્દગારોમાંથી ખૂબ-ખૂબ પ્રેરણા મેળવી છે.

[1] તમે ગમે એટલા મૉડર્ન થાઓ તો પણ તમારા દેશની રાષ્ટ્રીય પ્રણાલિકા અને તમારા કુટુંબની ફરજ ચૂકશો નહીં. જે-જે પુરાણા નિયમો ભારતના વેદાંતીઓ અને ઋષિઓ કે જ્ઞાનીઓ મૂકી ગયા છે એ આહાર, વિહાર અને વિચારના નિયમો પાળજો. ઓછુ બોલજો, ઓછું ખાજો, સાત્વિક ખાજો. દર સપ્તાહે નહીં તો મહિને ઉપવાસ કરજો.

[2] સૉક્રેટિસ કહેતા કે, ‘યુ હેવ ટુ ક્વેશ્ચન એવરીથિંગ.’ તમને જે કંઈ વિચારો પીરસાય એને ચકાસજો. તમારી વિવેકબુદ્ધિ સ્વીકારે એ જ વિચારને અપનાવજો. વિજ્ઞાનીની જેમ તમામ વસ્તુ ચકાસજો. બાબાઓ કે ગુરુઓની વાત આંધળુકિયાં કરીને નહીં સ્વીકારતાં.

[3] ખાસ તો સૉક્રેટિસે કહેલું કે, ‘લાઈફ ઈઝ વર્થલેસ વિધાઉટ હૅપીનેસ.’ જિંદગીમાં ખૂબ મોજ અને જલસાથી રહેજો. વિપત્તિ કે કષ્ટ કે તકલીફોમાં પણ હસતાં રહેજો. સૉક્રેટિસ એ સમયના રાજાને કહેતા, ‘હે રાજા ! જો તારી પ્રજા સુખી ન હોય તો આ શસ્ત્રો અને આ સૈનિકો વગેરે શું કામનાં ?’ તમે તમારી પ્રજા છો. જો તમે સુખી ન થાઓ કે સુખ ન માણો તો જિંદગીનો શું અર્થ છે ?

[4] પરંતુ કદી જ કોઈ સુખ માટે કે ઉપલબ્ધિ માટે શૉર્ટકટ લેશો નહીં. ‘ઈટ ઈઝ બેટર ટુ સફર ધૅન ટુ ડૂ રૉન્ગ.’ કંઈ ખોટું કરવા કરતાં ખરાબ હાલતને સ્વીકારવી સારી.

[5] સૉક્રેટિસ દઢ રીતે માનતા કે મિત્રો અને તમને ઊંચા લાવવા માટેની સમાજની મદદને કદી ભૂલશો નહીં. તમે અનેક જણની મદદથી, ઘણાની મહેનતથી, સહકારથી, સહાનુભૂતિથી અને ઘણી વખત પૈસાની મદદથી ઊંચા આવ્યા છો. એટલે કદી પણ નગૂરા કે નગુણા થશો નહીં. ઉપકારનો બદલો જરૂર વાળજો. બદલો પૈસાથી જ વળતો નથી, બીજાને હસાવવાથી કે સુખ આપવાથી પણ એ કામ થઈ શકે.

[6] આ યુગમાં જ એક ભૌતિકતાનો જમાનો આવશે એવી સૉક્રેટિસની આગાહી હતી. એને તેમણે ‘માઈન્ડલેસ મટીરિયલિઝમ’ કહેલું. આ માઈન્ડલેસ મટીરિયલિઝમ આવી પૂગ્યું છે. યુરોપ-અમેરિકાને બરબાદ કરી હિન્દુસ્તાનને કાંઠે આવ્યું છે.

[7] આ બહુ જૂની શિખામણો હતી, પણ 2011ની મોકાણ સાંભળો. 27-6-2011ના અમેરિકાના ‘ટાઈમ’ મૅગેઝિને લખ્યું છે, જર્નલ ઑફ મેડિકલ એસોસિયેશનમાં હાર્વર્ડ મેડિકલ કૉલેજના પ્રોફેસરોએ કહ્યું કે ચાર-પાંચ કલાક ટીવી સામે બેસવાથી ડાયાબિટીઝનો રોગ 20 ટકા વધે છે. ઉપરાંત ભય છે કે બાળકો ટીવી સામે બેસીને જે-જે સ્વાસ્થ્યને હાનિકારક પીણાંની જાહેરાતો જુએ છે કે ચૉકલેટની જાહેરખબર જુએ છે એવી ચીજો ખાવાની તરત માગણી કરે છે. વાત એટલી વંઠી છે કે બીજિંગ (ચીન)માં 17 વર્ષના ઝેંગ નામના કિશોરે સતત આઈપેડ-ટૂની જાહેરાત જોઈને 60,000 રૂપિયાનું આઈપેડ-ટૂ ખરીદવા તેની કિડની વેચી દીધી !

હું પોતે તમામ જંક ફૂડથી દૂર છું. મોબાઈલ રાખતો નથી. ટીવી માત્ર દસ મિનિટ જોઉં છું. હું ઘણી વખત કહી ગયો છું કે 80ની ઉંમરે મારું દવાનું બિલ ઝીરો છે. આવતા 20 વર્ષ ઝીરો રહેશે. તમારી અને ઈશ્વરકૃપાથી 15 જુલાઈએ મારું 81મું બેઠું છે.

[ કુલ પાન : 88. કિંમત રૂ. 75. પ્રાપ્તિસ્થાન : અરુણોદય પ્રકાશન. 202, હર્ષ કોમ્પ્લેક્સ, ખત્રીપોળ, પાડાપોળ સામે, ગાંધી રોડ. અમદાવાદ-380001. ફોન નં : +91 79 22114108. ઈ-મેઈલ : arunodayprakashan@yahoo.co.in ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “ખોબામાં તારા – કાન્તિ ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.