આ વિષય અઘરો છે ! – યજ્ઞા આનંદ ઓઝા

[ માર્ચ મહિનો એટલે પરીક્ષાની મોસમ. આ સમયમાં પ્રસ્તુત છે ‘તથાગત’ સામાયિકની ‘બાળકોની કલમે’માંથી સાભાર આ લેખ….]

[dc]વિ[/dc]દ્યાર્થી જગતમાં સૌથી વધારે ચર્ચાતો અને સૌથી અલગ અલગ નામે ઓળખાતો આ વિષય જ્યારથી માનવજાતે કુદરતનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું ત્યારથી તેની સાથે રહ્યો છે. આ વિષય માટે ‘Boring Subject’, ‘ટપ્પા પડતા નથી’, ‘આ આપણી લાઈન નથી’ વગેરે જેવી ટિપ્પણીઓ વિદ્યાર્થી જગતમાં સંભળાતી રહે છે. આમ જોઈએ તો સ્કૂલ અથવા કૉલેજમાં ભારતીય શિક્ષણપદ્ધતિ પ્રમાણે એકસાથે પાંચ અથવા સાત વિષયો વિદ્યાર્થીએ ભણવાના રહેતા હોય છે અને આ બધા જ વિષયો એકબીજાથી તદ્દન અલગ પ્રકારના હોય છે. હવે બધા વિદ્યાર્થીઓની અભિરુચિ કે સમજણશક્તિ એક સરખી તો હોતી નથી ! એક અભ્યાસ મુજબ એકસાથે વધુમાં વધુ ત્રણ વિષયો ગમતા હોઈ શકે છે અને બાકીના વિષયોને તે ‘વેંઢારતો’ હોય છે. આ બાકીના વિષયો એટલે અઘરા વિષયો.

આમ જોવા જઈએ તો સહેલું અને અઘરું એ તો આપણે આપેલી વ્યાખ્યાઓ છે. હકીકતે તો જ્ઞાન કે માહિતીની ઉપલબ્ધતા કે અભાવ એ જ આ બાબતનાં મૂળમાં રહેલા હોય છે. તમે કહેશો કે વિદ્યાર્થીને વિષયમાં રસ જ ન હોય તો ગમે તેટલું જ્ઞાન ઉપલબ્ધ હોવા છતાં તેને તે વિષય અઘરો જ લાગશે. ઉપરછલ્લી રીતે આ વાત સાચી લાગે, પરંતુ ખરેખર એવું હોતું નથી. કોઈ પણ નવા વિષય માટે વિદ્યાર્થી કોરી પાટી જેવો હોય છે અને વિષય તરફ તેનો ગમો કે અણગમો એ તે વિષય સાથે તેનો પરિચય કરાવનાર કે તેને શીખવનાર શિક્ષક તેને કેવી રીતે રજૂ કરે છે તેને આધારિત હોય છે. માનવ માત્ર જિજ્ઞાસુ છે અને કુદરતે બધાં ને જન્મજાત એક સરખી જિજ્ઞાસા આપેલી હોય છે, પરંતુ અલગ અલગ માહોલમાં ઊછરતી વ્યક્તિ અલગ અલગ વિષયને અલગ અલગ દષ્ટિથી જોતી થઈ જાય છે અને આમાંથી વિષય પ્રત્યે પ્રાથમિક ગમો કે અણગમો પેદા થાય છે.

આપણી શિક્ષણપદ્ધતિ પ્રમાણે એકથી સાત ધોરણ સુધી વિદ્યાર્થીઓને મોટે ભાગે બંધ કલાસરૂમમાં પરીક્ષાલક્ષી અભ્યાસ કરાવાય છે. અને શિક્ષકો ભણાવવાના કાર્યને એક નોકરી તરીકે જોતા હોવાથી બાળકોને પોતાના વિષયમાં રસ લેતા કરતા નથી. દાખલા તરીકે ગણિત લગભગ સહુને ‘Boring’ વિષય લાગતો હોય છે, કારણ કે તેમાં અટપટા દાખલાઓને સતત મગજ કસીને ઉકેલવાના હોય છે. વળી, શિક્ષક પણ દાખલાઓ વાંચી કે લખી જતા હોવાથી વિદ્યાર્થીનો ગણિત સાથેનો સંબંધ યેન કેન પ્રકારેણ દાખલાનો જવાબ લાવવા પૂરતો જ રહે છે. શિક્ષકો ક્યારેય વિદ્યાર્થીને સ્પષ્ટ કરતા જ નથી કે ગણિતનું અમુક-તમુક પ્રકરણ તેઓ શા માટે ભણી રહ્યા છે અને પ્રકરણની શરૂઆત રસાળ શૈલીને બદલે સૂત્રો કે શુષ્ક આંકડાઓથી કરવામાં આવતી હોવાથી વિદ્યાર્થી તે નદીનાં વહેણ સાથે ઘસડાવા લાગે છે.

કોઈ પણ વિષયને પ્રેક્ટિકલ સાથે જોડી શકાય છે અથવા તો જે તે વિષયના વ્યાવહારિક પુરાવાઓ મેળવી શકાતા હોય છે, પરંતુ મોટા ભાગે ભણાવનાર કે ભણનાર તે વિષયના ટૂંકસારની સમજ મેળવી લઈ તેને ફક્ત પરીક્ષામાં યાદ રાખવા માટે જ તૈયાર કરે છે. આથી પરીક્ષા ગયા પછી મોટે ભાગે એ વિષય વિદ્યાર્થીને યાદ હોતો નથી અને ફરીથી એ વિષયમાં જ્યારે આગળ અભ્યાસ કરવાનો આવે ત્યારે પેલો આગલા વર્ષ સાથેનો તંતુ જોડાતો નથી. આમ વિદ્યાર્થી એક જ વિષયને કટકે કટકે અક્ષર અને આકૃતિ સ્વરૂપે ભણતો રહે છે, પણ ક્યારેય તેની સાથે તાદાત્મ્ય સાધી શકતો નથી. આ ઉપરાંત આજના વિદ્યાર્થીઓ પાસે કોઈ વિષયની છણાવટ માટે સમય જ ક્યાં છે ? વિદ્યાર્થીઓ પાસે ફાજલ પડતો સમય તેના મિત્રો, ટેલિવિઝન, મોબાઈલ અને ઈન્ટરનેટમાં જ ખર્ચાઈ જાય છે. આમાં તેને વિષય તો ક્યાંથી યાદ આવે ? એટલે વિદ્યાર્થી એકાદ-બે પોતાને ગમતા (અને યાદ રહેતા) વિષયો પર વધુ ધ્યાન આપે છે જ્યારે બાકીના વિષયોને ‘અઘરા’ ગણી ફક્ત પરીક્ષાલક્ષી તૈયાર કરે છે.

મિત્રો, આ રીતે તૈયાર થતા વિષયો કદાચ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી આપશે, પરંતુ આવતી કાલના ગ્લોબલ કૉમ્પિટિશનના મહાસાગરમાં શું તે તમને તારી શકશે ? તમે જ તમારી જાતને પૂછજો કે માર્ક્સ કદાચ નોકરી અપાવશે, પરંતુ ફકત જ્ઞાન તેને ટકાવશે. આથી કોઈ પણ વિષયને અઘરો ગણ્યા વગર તેમાં રસરુચિ લઈ તેનું જ્ઞાન પ્રાપ્ત કરો કારણ કે અંતે તો ‘વિદ્વાન સર્વત્ર પૂજ્યેત’. અસ્તુ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

19 thoughts on “આ વિષય અઘરો છે ! – યજ્ઞા આનંદ ઓઝા”

Copy Protected by Chetan's WP-Copyprotect.