પાંદડે પાંદડે સ્મિત – સં. મહેશ દવે

[ ‘પાંદડે પાંદડે’ શ્રેણીના વધુ એક પુસ્તક ‘પાંદડે પાંદડે સ્મિત’માંથી પ્રસ્તુત લેખો સાભાર લેવામાં આવ્યા છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સબ કુછ ખો કે સબ કુછ પાયા

panddeએક યુવાનને સત્ય અને અંતરની શાંતિ શોધવાનું મન થયું. ઘર છોડીને એ ચાલી નીકળ્યો. સિદ્ધ પુરુષો ધ્યાન ધરવા વનમાં જાય છે એવું એણે સાંભળેલું. તેથી એ જંગલમાં પહોંચ્યો. ધ્યાન ધરવા કોઈ મંત્ર જોઈએ, પણ યુવાનને કોઈ મંત્ર આવડતો નહોતો. યુવાને મન મનાવ્યું, ‘મંત્ર તો સાધન છે, ‘રામ રામ’ ચાલે અને ‘મરા મરા’ પણ ચાલે. બૂમને મંત્ર તરીકે અપનાવી યુવાને બૂમો પાડવા માંડી. ત્યાં એને એક બૌદ્ધ સાધુ મળ્યા. સાધુએ પૂછ્યું, ‘ભાઈ, આ શું કરે છે ?’ યુવાને કહ્યું, ‘મારે જીવનનો અર્થ જાણવો છે, સત્ય શોધવું છે, આધ્યાત્મિક શાંતિ મેળવવી છે; એટલે બૂમોના મંત્રથી જાપ જપું છું ને ધ્યાન ધરું છું.’

સાધુએ કહ્યું, ‘હું તને સહેલો રસ્તો બતાવું. તારે ગામે પાછો ફર. ગામમાં દાખલ થતાં એક પછી એક જે પહેલા ત્રણ માણસ મળે તેમને પૂછજે કે તેઓ શું કરે છે, તેમનો વ્યવસાય શો છે. યુવાન પોતાને ગામ પાછો ફર્યો. સામે પહેલા માણસ મળ્યો તેને સવાલ પૂછ્યો. પહેલા માણસે કહ્યું : ‘હું સુથાર છું. ફર્નિચર અને લાકડાંનાં સાધનો બનાવું છું.’ યુવાન આગળ ચાલ્યો. બીજો માણસ મળ્યો. તેને એ જ સવાલ પૂછ્યો. માણસે જવાબ આપ્યો, ‘હું ધાતુઓમાંથી ‘મૅટલશીટ’ બનાવું છું. એ બનાવવાનું મારું કારખાનું છે.’ આગળ જતાં યુવાનને ત્રીજો માણસ મળ્યો. યુવાને એને પણ એ જ પ્રશ્ન કર્યો. ત્રીજા માણસે કહ્યું : ‘હું ‘મૅટલશીટ’માંથી મૅટલના જાડા-પાતળા તાર બનાવું છું. એ તાર જુદાં જુદાં સાધનો, સંગીતનાં સાજ-વાજિંત્રો વગેરેમાં વપરાય છે.’ ત્રણે માણસના ઉત્તરોથી યુવાનને ન તો જીવન વિશે કે ન તો સત્ય વિશે કશું જાણવા મળ્યું, ન તો અંતરની શાંતિ મળી. એને લાગ્યું કે બુદ્ધ સાધુ છેતરી ગયા. નિરાશ થઈ એ નદીના કિનારે જઈ બેઠો. નદીનો પ્રવાહ જોતો હતો ત્યાં તેણે વાયોલિનમાંથી રેલાતા સંગીતના સૂર સાંભળ્યા. યુવાન એ સંગીતમાં લીન થઈ ગયો. સૂરની મધુરતામાં એ ખોવાઈ ગયો. એને થયું કે આ ખોવાઈ જવું એ જ જીવન છે. જીવનનું સત્ય અઘરું નથી, સહેલું છે, સરળ છે. જીવન દુઃખદાયક નથી, રસપ્રદ છે. તેને અપાર શાંતિ થઈ. શાંતિ આધ્યાત્મિક એકલપણામાં નથી, દુન્યવી ઘોંઘાટમાં પણ નથી, જીવનના સંગીતમાં છે.

યુવાનને સમજાયું કે સત્ય, જીવન કે શાંતિ દુનિયાથી ભાગીને જંગલમાં ચાલ્યા જવાથી, યાંત્રિક જપ-જાપથી, દેહને કષ્ટ આપવાથી નથી મળતાં. સુથારે ઘડેલા વાજિંત્ર, ઉદ્યોગપતિએ બનાવેલા ‘મૅટલ’ અને કારીગરે સર્જેલા તાર, એ બધાં એકત્રિત થાય ત્યારે કંઈક સુરીલું બને. જાતને ખોઈ દેવાથી શાંતિ પ્રાપ્ત થાય. બધાં કાર્યોનું ગૌરવ કરવા, તેમનું સુગ્રથિત સંકલન કરવા અને પોતાને ખોઈ નાખવા યુવાન સંસારમાં પાછો ચાલ્યો ગયો.

બુદ્ધને કોઈકે પૂછ્યું : ‘બોધિતત્વ પામવાથી તમે શું મેળવ્યું ?’ બુદ્ધે જવાબ આપ્યો, ‘મેં કશું મેળવ્યું નથી. બધુ ગુમાવ્યું છે – મારું અજ્ઞાન, સપનાં, જડ વિચારો, અભિગ્રહો, પૂર્વગ્રહો, મહત્વાકાંક્ષાઓ, બધું ગુમાવ્યું.’
.

[2] ચમત્કાર, અકસ્માત કે ઋણાનુબંધ

હરકિશનને લગ્નવિષયક ‘મેટ્રિમૉનિયલ્સ’ જાહેરાતો વાંચવાનું બહુ ગમતું. પોતે તો પરણેલો હતો. લગ્નજીવન સુખી હતું, પણ કેવા કેવા લોકો કેવી કેવી પત્ની કે પતિને શોધતા હોય છે એ વાંચીને એને ભારે રમૂજ થતી. વળી ક્યારેક પોતાના કોઈ મિત્રસંબંધીને કામ લાગે એવી જાહેરાત જોવા મળે તો તે મિત્ર-સંબંધીનું ધ્યાન પણ ખેંચતો. કોઈક કિસ્સામાં એમાંથી સફળ પરિણામ પણ મળતું.

હરકિશન એક દિવસ લગ્નવિષયક જાહેરાત વાંચતો હતો ત્યારે એને અચંબો થયો. જાહેરાતમાં લખ્યું હતું : ‘હેતલ, તને યાદ છે આપણે બેંગલોરમાં સાથે કામ કરતાં હતાં. હૃદય મળી ગયાં હતાં, પણ નિયતિએ આપણા ભાગ્યમાં કંઈક બીજું લખ્યું હતું. ખેર, હજી હું તને ચાહું છું. આ ફોન નંબર પર સંપર્ક કરીશ ? – જગમોહન. નીચે ફોન નંબર આપ્યો હતો. આશ્ચર્ય એ વાતનું હતું કે જગમોહન હરકિશનનો મિત્ર હતો. નીચે આપેલો નંબર મિત્ર જગમોહનનો જ હતો. જોકે હમણાં થોડા વખતથી જગમોહનને મળાયું નહોતું. બીજે દિવસે હરકિશને જગમોહનને ફોન કર્યો ને પૂછ્યું : ‘શું મામલો છે ?’ જગમોહને કહ્યું : ‘કિશન આપણે મિત્રો બન્યા તે પહેલાંની વાત છે. એટલે તું જાણતો નથી, પણ તને કહેવાનો વાંધો નથી.’ જગમોહને પોતાની કથા માંડી. એ અને હેતલ એક જ કંપનીમાં કામ કરતાં હતાં. બંને એકબીજાનાં પ્રેમમાં પડ્યાં, પણ હેતલનાં માતા-પિતાનું કહેવું હતું કે સત્તર વર્ષની હેતલ લગ્ન માટે હજુ બહુ નાની હતી. પછી તો હેતલનું કુટુંબ મુંબઈ શિફ્ટ થયું. જગમોહન અમદાવાદ સેટલ થયો.

ચારપાંચ વર્ષ પછી હેતલના કુટુંબે તેનાં લગ્ન એક પરદેશ વસતા યુવાન સાથે કર્યાં. જગમોહનનું હૃદય ભાંગી ગયું. જોકે એણે પણ લગ્ન કરી લીધાં. હેતલ કે એનાં કુટુંબ સાથે કંઈ સંપર્ક રહ્યો નહીં. જગમોહનનું લગ્ન સુખી હતું, પણ જગમોહનને વસવસો હતો કે હેતલ સાથે લગ્ન થયું હોત તો વાત કંઈ જુદી જ બનત. ચાર-પાંચ વર્ષ પછી જગમોહનની પત્ની મૃત્યુ પામી. જગમોહન એકાકી થઈ ગયો, પણ હેતલ મળે તો વાત જુદી હતી, બાકી બીજું લગ્ન કરવાની એની તૈયારી નહોતી. જગમોહનને વિચારો આવતા, હેતલ ક્યાં હશે, ભારતમાં કે બીજે ક્યાંક, એ સુખી હશે ? વગેરે. મનના ઘોડાને કઈ લગામ હોય છે ખરી ? હકીકતમાં હેતલના છૂટાછેડા થયા હતા.

ફર્સ્ટ કલાસના કૂપેમાં આદત પ્રમાણે હરકિશન ‘મેટ્રિમૉનિયલ્સ’ જોતો હતો. બાજુમાં બેઠેલાં બહેને મજાકમાં પૂછ્યું : ‘પત્નીની શોધમાં છો ?’ હરકિશને હસીને કહ્યું, ‘પરણેલો છું ને સુખી છું.’ વધારામાં કહ્યું, ‘આ જાહેરાતો પાછળ માનવીય કથાઓ પડી હોય છે.’ એમ કહી એણે જગમોહનની કથા કહી. પેલાં બહેન દિગ્મૂઢ થઈ ગયાં, ‘તમારી પાસે જગમોહનનો નંબર હજી છે ?’ એ બહેન હેતલ જ હતાં.

આ સત્ય ઘટના છે. માત્ર નામ બદલ્યાં છે. જગમોહન અને હેતલે નવો સંસાર માંડ્યો. આને શું કહીશું ચમત્કાર, ઋણાનુબંધ કે ઈશ્વરકૃપા ?

[કુલ પાન : 44. કિંમત રૂ. 35. પ્રાપ્તિસ્થાન : સ્વમાન પ્રકાશન. આલ્ફા ભવન, 12, સુહાસનગર , સેલ્સ ઈન્ડિયાની પાછળ, ઑફ આશ્રમ રોડ, દિનેશ હૉલ રોડના છેડે, સંકલ્પ રેસ્ટોરાંની સામેની ગલીમાં, અમદાવાદ-380009. ઈ-મેઈલ : mdave.swaman@gmail.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “પાંદડે પાંદડે સ્મિત – સં. મહેશ દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.