ગુરુદક્ષિણા – હર્ષદ પંડ્યા

[ શિક્ષક-વિદ્યાર્થીની નિષ્ઠાના શુભપ્રસંગો પર આધારિત તાજેતરમાં પ્રકાશિત થયેલા ‘હથેળીઓનો સંવાદ’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

shikshak4‘અંકલ’, ડોક્ટર સુજલ મહેતાએ જનરલ વોર્ડમાંથી બહાર નીકળી ભગવતભાઈને કહ્યું, ‘બહેનને મારી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દઈએ, જો તમને વાંધો ન હોય તો.’ ‘અરે ભાઈ મને શું વાંધો હોય?’ ભગવતભાઈએ સાશંક પૂછ્યું, ‘કેમ? અહીં સારવારમાં કંઈ ખામી છે?’ ‘એવુ નથી સર’, ડોક્ટર સુજલે કહ્યું, ‘બહેનને મારી હોસ્પિટલમાં રાખ્યાં હશે તો તમને પણ થોડો આરામ મળશે અને સારવાર કરવામાં કોઈ કચાશ પણ નહીં રહે.’

ભગવતભાઈને ચૂપ ઊભેલા જોઇ ડોક્ટર સુજલે કહ્યું, ‘મારો કહેવાનો અર્થ એવો નથી કે આ હોસ્પિટલમાં સારવાર અંગે કોઈ કચાશ રહે છે, પરંતુ મારી બહેન હોસ્પિટલમાં હશે તો મને સેવા કરવાની તક મળશે. આઠમા ધોરણથી અગિયારમા ધોરણ સુધી એમણે મને ભણાવ્યો છે. એમણે જ મને સાહિત્યમાં રસ લેતો કર્યો છે. આજે ધીકતી પ્રેક્ટિસની વચ્ચે પણ હું ગઝલો અને વાર્તાઓ લખું છું, એ સરસ્વતીબહેનની કેળવણીને કારણે જ…મને શબ્દ સાથે પહેલી ઓળખાણ એમણે જ કરાવી ! પ્લીઝ સર, ઈફ યુ ડોન્ટ માઈન્ડ….મને એક તક આપો, મારાં ટીચરની સેવા કરવાની…’
બીજા જ દિવસે સરસ્વતીબહેનને પાલિકા સંચાલિત હોસ્પિટલમાંથી ડોક્ટર સુજલ મહેતાની પ્રાઈવેટ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દીધાં. એક દિવસ ભગવતભાઈ ડોક્ટર મહેતાની હોસ્પિટલની સ્પેશિયલ રૂમમાં સોફા પર બેઠાં બેઠાં વિચારતા’તા કે હુ એક નેશનલાઈઝ બેન્કનો જનરલ મેનેજર….અને સરસ્વતી એક નાનકડી માધ્યમિક શાળાની સામાન્ય શિક્ષિકા…સમાજમાં કોનું સ્થાન ક્યાં છે…! વેપારી પ્રજાના શહેર તરીકે ઓળખાતું આ શહેર પોતાના હ્રદયમાં ડોક્ટર સુજલ જેવા લાગણીશીલ માણસોને પણ સંઘરીને બેઠું હશે એની કેટલાંને ખબર?!
‘ગુડ મોર્નિંગ અંકલ !’ ડોક્ટર સુજલે સ્પેશિયલ રૂમમાં પ્રવેશતાંની સાથે જ ભગવતભાઈ સાથે હાથ મિલાવ્યા. ‘બહેન આજે તબિયત કેવી છે?’ સરસ્વતીબહેનને મોઢાનો લકવો થઈ ગયો હતો એટલે એ કશું બોલી શક્તાં નહોતાં. આખું અંગ લક્વાગ્રસ્ત થઈ ગયેલું. ચહેરાની ડાબી બાજુની રેખા સહેજ હાલતી દેખાઈ એટલે ભગવતભાઈએ ડોક્ટરને કહ્યું, ‘એ એમ કહેવા માગે છે કે પહેલાં કરતાં સારું છે.’
‘આજે એક બીજા ફિઝિયોથેરાપિસ્ટની ગોઠવણ કરી છે…બહેનને કસરત કરાવશે અને ખાસ તો એમને સાઈકો ટ્રીટમેન્ટ અપાવવી છે. ઘણી વાર પેશન્ટને રોગ કરતાં રોગના નામની અસર વધારે થતી હોય છે…’ડોક્ટર સુજલે ભગવતભાઈના હાથમાં એક પુસ્તક મૂકતાં કહ્યું, ‘અંકલ, આ પુસ્તકમાં એવા લોકોના ઈન્ટરવ્યુઝ છે જેઓ પેરેલિસિસનો ભોગ બન્યા પછી પણ યોગ્ય અને સમયસરની સારવાર પછી સાજા થઈ સામાન્ય માણસ જેવું જીવન જીવતા થઈ ગયા છે…તમે એ વાંચજો અને બહેનને પણ વાંચી સંભળાવજો…’ ‘ડોક્ટરસાહેબ’, ભગવતભાઈએ પુસ્તક લેતાં કહ્યું, ‘તમે આજે મારા મન પરથી મોટો બોજ દૂર કરી નાખ્યો…ભગવાનને પ્રાર્થના કરું છું કે આ પુસ્તકમાં જે જે દર્દીઓના કિસ્સાઓ નોંધાયા છે એમાં એક ઓર દર્દીનો કિસ્સો પણ ઉમેરાય….’

‘આપણી દવા અને ઉપરવાળાની દુઆ’, ડોક્ટરે આકાશ તરફ હાથ કરીને કહ્યું, ‘આ બે ભેગા થાય એટલે જડને પણ ચેતન બનવું પડે.’ પછી સરસ્વતીબહેન તરફ નજર કરીને કહ્યું, ‘બહેનની બીમારી તો કશું જ નથી… આ પુસ્તકમાં એવી અસાધ્ય બીમારીઓના ભોગ બની ચૂકેલા દર્દીઓના અનુભવોની વાત છે. જેમણે સાજા થવાની આશા મૂકી જ દીધી’તી અને સાજા થઈ ગયા પછી એમણે જે નવજીવન મેળવ્યું એ માટે પોતાના પ્રતિભાવો પણ વાંચવા જેવા છે. બોલો અંકલ, મારે લાયક બીજું કંઈ કામ હોય તો જણાવો, રાત્રે પાછો આવું છું.’
‘થેન્ક્યુ’, ભગવતભાઈએ ડોક્ટર મહેતાનો હાથ પકડી અત્યંત ગળગળા થઈને કહ્યું, ‘ થેન્ક્યુ વેરી મચ’.
લગભગ ત્રણ મહિના સુધી અખંડ સાધનાની જેમ અવિરત સારવાર ચાલી. ભગવતભાઈએ બેન્કમાંથી રજા લીધી હતી. કેટલાક પરિવારજનો ભગવતભાઈને કહેતાં – ‘દીકરાને અમેરિકાથી બોલાવી લો તો તમને સહેજ ટેકો રહે અને હવે કોના માટે ભેગું કરવાનું છે? વી.આર.એસ. લઈ લોને…’ પણ ભગવતભાઈનો જીવ પ્રવૃત્તિશીલ. એમણે પોતાના મળતાવડા અને સાલસ સ્વભાવથી બેન્કના મેનેજમેન્ટ અને કર્મચારીઓમાં હરિયાળું આંબાવાડિયું ઊભું કર્યું તુ. એમની ગેરહાજરીની કોઈ નોંધ નહોતું લેતું, કે કોઈ ટીકા-ટિપ્પણી પણ નહોતું કરતું. ઊલટાનું કેટલાક અધિકારીઓ તો ફોન કરીને એમ પણ કહેતા : ‘ભગવતભાઈ, બેન્કની ચિંતા કરશો નહીં. જોઈએ તો રજાઓ લંબાવજો…પૈસાની પણ વ્યવસ્થા થઈ જશે…’

માત્ર સ્ટાફ જ નહીં, ગ્રાહકો-ખાતેદારોને જેમ-જેમ જાણ થવા માંડી તેમ-તેમ એ સૌ પણ સરસ્વતીબહેનની ખબર પૂછવા આવવા લાગ્યા. લગ્ન પહેલાં આ જ ભગવતભાઈ એટલાં ઘમંડી, અભિમાની અને અતડાં હતા કે કોઈની સાથે એ પ્રેમથી બે વાત પણ નહોતા કરતા, પણ સરસ્વતીબહેને પોતાના સ્વભાવના રંગે ભગવતભાઈને એવા રંગી નાંખ્યા કે ભગવતભાઈનાં બા જીવ્યાં ત્યાં સુધી મજાકમાં કહેતાં – સરસ્વતીએ મારા ભગલાને ભગવત બનાવ્યો છે ! ગુજરાતી કવિતા ભણાવતાં ભણાવતાં જ એક દિવસ સરસ્વતીબહેનને ખૂબ પરસેવો વળવા માંડ્યો… શરીર ઠંડું પડી ગયું અને કોઈને કંઈ સમજાય એ પહેલાં તો એ સ્ટેજ પરથી ગબડી પડ્યાં. આખો વર્ગ સ્તબ્ધ બની ગયેલો. એક ક્ષણની ભયાનક શાંતિ પછી કોલાહલ મચી ગયો. સરસ્વતીબહેનને તાબડતોબ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં. નિદાન થયું કે લક્વાનો હળવો હુમલો છે.
ત્રણેક મહિનાની સારવાર પછી 30 ટકા જેટલો સુધારો લાગતાં ભગવતભાઈએ એક દિવસ ડોક્ટર મહેતાની ચેમ્બરમાં જઈને કહ્યું : ‘સાહેબ હવે ક્યારે રજા આપો છો ?’
‘ઉતાવળ છે કે કંટાળી ગયા ?’ ડોક્ટરે રમૂજ કરી.
‘એવુ નથી’. ભગવતભાઈએ કહ્યું, ‘પણ માત્ર કસરત જ કરાવવાની હોય તો એ તો ઘેર પણ થઈ શકે… અહીં દર્દીઓનો ઘસારો પણ છે અને માત્ર આરામ માટે અહીં રોકાવું એ ઠીક નહીં…’
‘ઓ.કે.’ ડોક્ટરે કહ્યું, ‘ક્યારે ઘેર જવું છે?’
‘તમે બિલ આપો એના બીજા જ દિવસે.’
એ જ સાંજે ડોક્ટરે પોતાના ક્લાર્ક પાસે બિલ મોકલાવ્યું. બિલ જોઈને ભગવતભાઈને આંચકો લાગ્યો. 90 હજાર રૂપિયા તો એ.સી. સ્પેશિયલ રૂમનું ભાડું જ હતું. દવા, સારવાર અને બહારથી બોલાવાયેલા ડોક્ટરની ફી વગેરે ગણીને એક લાખ ત્રીસ હજાર થતા હતા. ઘડીભર તો એ જડ બનીને બેસી રહ્યા. સહેજ કળ વળી એટલે એમણે મોબાઈલ પર કોકની સાથે વાત કરી.
બીજા દિવસે ભગવતભાઈ ડોક્ટરની ચેમ્બરમાં ગયા. ચેક આપતાં એમણે કહ્યું, ‘ડોક્ટરસાહેબ, આ ચેક બે દિવસ પછી જમા કરાવજો.’
‘ઓ.કે.’ ઊભા થતાં ડોક્ટરે કહ્યું, ‘બહેનને ઘેર તો લઈ જાઓ છો, પણ કસરત તમે કરાવશો? કસરત માટે મેં એક નર્સની વ્યવસ્થા કરી છે. જે આવતીકાલથી તમારે ત્યાં દિવસમાં સવાર-સાંજ એમ બે વાર આવીને કસરત કરાવી જશે. બહેનને એકસો દસ ટકા સારું થઈ જશે. ડોન્ટ વરી.’ ભગવતભાઈને થયું કે નર્સની શું જરૂર છે ? કસરત તો હું પણ કરાવી શકું. પતિ તરીકેની મારી એટલીય ફરજ નહીં? પણ એમણે મૂક સંમતિ આપી દીધી.

લગભગ બીજા દોઢેક મહિના પછી કસરતનો કોર્સ બંધ કરવામાં આવ્યો. કારણ કે સરસ્વતીબહેનની તબિયતમાં સારો એવો સુધારો દેખાતો’તો. બેસવા-ઊભા થવા માટે હજુ પણ ટેકાની જરૂર પડતી, તેમ છતાં તબિયત ઘણી જ સુધારા પર હતી. એક રવિવારે ડોક્ટર સુજલ મહેતાએ ભગવતભાઈના ઘેર આવી સરસ્વતીબહેનનો ચરણસ્પર્શ કરતાં કહ્યું, ‘બહેન, તબિયત કેમ છે હવે?’
‘ઘણું સારું છે દીકરા’, બંને હાથ સુજલના માથે મૂકતાં સરસ્વતીબહેને કહ્યું, ‘તેં મને બેઠી કરી દીધી…’ ભગવતભાઈના દિમાગમાં એક લાખ અને ત્રીસ હજારનું બિલ તો હજુ પડઘાતું’તું અને આજે ડોક્ટરને જોઈને નર્સનો ચાર્જ આપવો પડશે નો ચક્રવાત ઊમટ્યો’તો.
‘ડોક્ટરસાહેબ’, ભગવતભાઈએ સ્મિત કરીને કહ્યું, ‘તમારી આટલી કાળજી અને સારવાર ન મળી હોત તો સરસ્વતી સાજી ન થઈ હોત… મારે નર્સની કેટલી ફી આપવાની છે?’ ‘કંઈ જ નહીં’. ડોક્ટર સુજલે સરસ્વતીબહેન પાસે બેસતાં કહ્યું, ‘આજે તો હું મારા ટીચરની ગુરુદક્ષિણા આપવા આવ્યો છું’ આટલું કહીને ખિસ્સામાંથી એક લાખ ત્રીસ હજારનો ચેક સરસ્વતીબહેનના ખોળામાં મૂકતાં ડોક્ટરે કહ્યું, ‘મારા ટીચરની સેવા કરવાની તક મળી એ જ મારું સદભાગ્ય છે !’
ભગવતભાઈ અને સરસ્વતીબહેન ભીની આંખે સુજલને જોઈ રહ્યાં.

[ કુલ પાન : 88. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : WBG Publications , 2 સત્તાધાર ચૅમ્બર, ચંદ્રપ્રસાદ દેસાઈ હૉલની સામે, ટોલનાકા, બાપુનગર, અમદાવાદ. ફોન : +91 73404142. ઈ-મેઈલ : info@wbgpublications.com ]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous જુનારાજની મુલાકાતે – પ્રવીણ શાહ
સંચાર – વીનેશ અંતાણી Next »   

8 પ્રતિભાવો : ગુરુદક્ષિણા – હર્ષદ પંડ્યા

 1. સરસ ઘટના ! આવી ઘટનાઓ રોજ નથી ઘટતી.

 2. Kalidas V. patel { Vagosana } says:

  હર્ષદભાઈ,
  મજાની વાર્તા. ” પૈસો મારો પરમેશ્વર ને હું … ” વાળા આ કલયુગમાં ડો. સુજલ જેવા એકલવ્યો પણ પડ્યા છે જાણી આનંદ થયો. સાચે જ ” શિક્ષકનો ધંધો ” એ
  ઉત્તમ વ્યવસાય છે એ માનવું જ રહ્યું.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 3. Amee says:

  Really nice article for reading……

 4. ketan shah says:

  MARI Aakh Ma Pani Aavi Gaya.
  Very rare people left in this world. I salute dr. as well as teacher and her husband too.

 5. Chetan Patadiya says:

  LOVE IT.!!!!!!!!!!

 6. Kanaiyalal A Patel says:

  Good Job Dr Sujal

 7. durgesh oza says:

  ખુબ જ હ્રદયસ્પર્શી વાત. આવી દક્ષિણાની પ્રદક્ષિણા બધા કરે તો કેવું સારું ? આચરણમાં મુકવા જેવી ઉત્તમ દ્રષ્ટિ.’સુજલ’ નામમાં પહેલો શબ્દ આવે છે ‘ સ’ જે સારી વાત સૂચવે છે. આવું સારું એમણે કરી બતાવ્યું.રચનાત્મક સંદેશ, પ્રેમ અને સંબંધોની ગાઢ ઊંચાઈ.. એક સાથે અનેક સારી વાતો આ સત્યઘટનામાં જોવા મળી. શ્રી હર્ષદભાઈ, આપને ખુબ અભિનંદન તેમ જ શ્શ્રી મૃગેશભાઈને પણ. ને આ વાસ્તવિકતાના તમામ પાત્રોને સલામ.

 8. vishakha bhagat says:

  Khub જ saras..

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.