સંચાર – વીનેશ અંતાણી

[ ‘અહીં કોઈ રહેતું નથી’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

IMG_0609ચાવી ફરકવાનો ખટાક જેવો અવાજ આવ્યો અને માયા ચમકી ગઈ, જાણે અચાનક ભાન થયું કે એ ઘર સુધી પહોંચી આવી છે. વચ્ચેનું કશું જ યાદ આવતું નથી. થોડી વાર પહેલાં એ સુપરસ્ટોરમાં હતી. ટ્રોલીને ધકેલતી રેક્સની વચ્ચે ફરતી રહી હતી. શું ખરીદવાનું છે તે યાદ આવતું ન હોય તેમ દરેક રેકની સામે ઊભી રહેતી હતી. કોઈ વસ્તુ લેવાની ઇચ્છા થાય, હાથ લંબાવે અને તરત પાછો ખેંચી લેતી હતી. એને થતું હતું – આ લેવાની જરૂર છે ? કોણ વાપરશે ?

પહેલાં તો શોપિંગ લિસ્ટ લાંબુ ને લાંબુ થતું જાતું. મમ્મી, શેમ્પૂ. મમ્મી, મારા માતે નહાવાનો સાબુ. તન્વી સાબુ વાપરતી અને આનિયા હમેશાં બાથક્રીમ વાપરતી. બંન્નેની ચોકલેટ્સ પણ જુદી….હવે શું લેવાનું હતું ? કોકનાં ટીન્સ, જ્યુસનાં બોક્સ, બોડી સ્પ્રે, કશાની જરૂર પડશે નહીં. બ્રેડ પણ ઘરમાં પડી છે. એ શાકભાજી લેવા માટે વળી ત્યારે પણ એવું જ થયું હતું. તન્વીને આ શાક ભાવશે અને આનિયા માટે તો આ શાક લેવું જ પડશે એવું હવે કઈં જ રહ્યું નહોતું. પોતે તો ગમે તે શાક ખાઈ લેશે. એની તો જાણે કોઈ પસંદગી જ રહી નહોતી. ભૂખ પણ ક્યા લાગે છે? આ દિવસોમાં એણે નિરાંતે વ્યવસ્થિત રીતે કોઈ વાનગી બનાવી હોય એવું પણ યાદ આવતું નહોતું.

માયા લગભગ ખાલી ટ્રોલીને ધકેલતી રહી હતી. આસપાસ ફરતાં બીજા લોકો દોડી દોડીને ફટાફટ જરૂરી ચીજો ઉપાડતાં જતાં હતાં. એમની ટ્રોલીમાં ઢગલો થતો જતો હતો. માયા એ લોકોને આશ્ચર્યથી જોઈ રહી હતી. આટલી બધી ચીજોનું શું કરશે? પછી યાદ આવ્યુ હતું – હજી થોડા દિવસ પહેલાં એ પોતે પણ ભરેલી ટ્રોલીને ધક્કો મારતી આવી રીતે જ ફટાફટ વસ્તુઓની ખરીદી કરતી હતી. હવે –

માયા સુપરસ્ટોરમાંથી બહાર આવી ગઈ હતી. પાર્કિંગમાંથી કાર બહાર કાઢીને એ નીકળી અને ઘર સુધી પહોંચી તે આખો રસ્તો સાવ બેધ્યાનપણે જ પસાર કર્યો હતો. બધું જ યંત્રવત થતું રહ્યું હતું. ઘર પાસેની ગલીમાં કાર પાર્ક કરી ત્યારે પણ એનુ ધ્યાન નહોતું. પર્સમાંથી ચાવી બહાર કાઢીને કીહૉલમાં ખોસી ત્યારે પણ એ ગેરહાજર જ હતી. હવે તાળું ઊઘડી ગયું છે. એ બહાર ઊભી રહી છે. ઘરમાં દાખલ થવાની ઇચ્છા ન થઈ. થયું, ક્યાંક પાછી ચાલી જાય. કોઈ એવી જગ્યાએ, જ્યાં લોકોની ભીડ હોય. એ લોકો હસતા હોય, અવાજ કરતાં હોય, બતકને બ્રેડનાં ટુકડા ખવરાવતા હોય. એ જાણે લોકોમાં ખોવાઈ જવા માંગતી હતી. એવું થઈ શકે તેમ નહોતું. દિવસ પુરો થઈ ગયો હતો અને સાંજનું અજવાળું પણ ઓસરવા લાગ્યું હતું. ઓફિસમાં પણ સમય થઈ ગયો હોવા છતાં એ જરા વધારે બેઠી હતી. કંઈ કામ નહોતું છતાં બેસી રહી હતી. આખો હોલ ખાલી થઈ ગયો હતો, બધાં જ ક્યુબિકલ્સ ખાલી હતાં. લોકો ચાલ્યા ગયા હતા એમનાં ઘર તરફ. એ બધાનાં ઘર ખાલી નહીં હોય. ત્યાં ઘરનાં લોકો એમની રાહ જોતાં હતાં. માત્ર માયાની હવે કોઈ રાહ જોતું નહોતું. એ ઘેર મોડી આવે કે પાછી જ ન ફરે – કશો જ ફરક પડવાનો નહોતો.

ઠંડી હવા ફૂંકાઈ. માયાએ પાછળ જોયું. થોડા પાંદડાં ઊડ્યાં હતાં. કદાચ થોડાં પાંદડાં તે વખતે જ ખર્યાં હતાં. સડક અને એના ઘરની પગદંડી વચ્ચે ઘાસનો લાંબો ટુકડો પથરાયેલો પડ્યો હતો. તન્વી અને આનિયા ત્યાં સાઈકલ ફેરવતાં અને માયાની છાતીમાં સતત ધ્રાસ્કો રહેતો – ક્યાંક એકાદ કાર સડક છોડીને ઘાસ પર આવી જશે તો? હવે એવો ધ્રાસ્કો રહ્યો નહોતો. તન્વી અને આનિયા આ ઘર સામેનાં ઘાસનાં ટુકડાને છોડીને લાંબાં મેદાનોવાળી જગ્યામાં ચાલી ગઈ હતી. ત્યાં પણ સાંજ પડી ગઈ હશે. ખુલ્લી જગ્યામાં હજી તડકો પડતો હશે અને યુનિવર્સિટીની બિલ્ડિંગ અથવા હોસ્ટેલનાં મકાનનો પડછાયો ત્યાં પડતો હશે. માયાનાં મનમાં લાંબાં લાંબાં પડછાયા દોરાઈ ગયા. એ પોતે પડછાયાનાં ઠંડા અંધકારમાં ઊભી હતી અને એની બન્ને દીકરીઓ તડકાવાળા ઘાસનાં મેદાન પર ચાલતી હશે, છાતી સાથે પુસ્તકો દબાવીને અથવા લાઈબ્રેરીનાં પગથિયાં ઊતરતી હશે અને સામે ફૂટબોલ રમતાં છોકરાઓને જોવા માટે ઊભી રહી ગઈ હશે.

માયાનાં ઘર સામેના ઘાસના લાંબાં ટુકડા પર એક વૃક્ષ ઊગ્યું હતું. એ વૃક્ષને માયાએ વર્ષોથી જોયું છે. ઓળખવા હવે લાગી છે. એ વૃક્ષ પણ એકલું ઊભું છે. એનાં પાંદડાંનો રંગ કથાઈ થઈ ગયો છે. થોડા દિવસો પહેલાં અહીંની વસંત ઋતુમાં આખું વૃક્ષ લીલું હતું. હવે એનાં પાંદડાં અંદરથી જ સુકાવા લાગ્યા છે. રંગ બદલી ગયો છે. અંદરની રૂક્ષતા બહાર આવી ગઈ છે. આખો દિવસ પાંદડાં ખરતાં રહે છે અને ઘાસ પર પથરાઈ જાય છે. હવે બપોરનો તડકો પણ મ્લાન થઈ ગયો હતો અને હવામાં અણીદાર ઠંડક પ્રવેશી ગઈ હતી. પ્રખર શિયાળાની લાંબી લાંબી રાતો…માયા ધ્રુજી ઊઠી. એની અંદરની ભુરાશ પણ જાણે બહાર આવી ગઈ છે. અંધારું બહુ વહેલું ઊતરી આવશે. બપોર જેવું કશું જ રહેશે નહીં. રાતે બારીઓના કાચ પર ભેજ જામી જશે અને ધીરેધીરે પાણી સરકતું રહેશે. માયાને પહેલી વાર શિયાળાનો ડર લાગ્યો. પહેલાં તો એ શિયાળા વિશે સભાન પણ રહેતી નહોતી. એને શરૂઆતથી જ શિયાળો વધારે ગમતો. એ બધા ફાયરપ્લેસમાં આગ સળગાવવાના દિવસો હતા. હવે ફાયરપ્લેસનો ઉપયોગ રહ્યો નહોતો. હીટર આવી ગયું હતું. પણ માયા ફાયરપ્લેસના સમયની ગરમ ગરમ આંચભરી સાંજોને ભૂલી નથી.

એ લગ્ન પછીનાં શરૂઆતનાં વર્ષો હતાં. દીપેશ જલદી ઘેર પાછો આવી જતો. માયા સાંજનું કામ આટોપતી હોય અને દીપેશ સતત ઉતાવળ કર્યાં કરતો. એ માયાને રસોડામાંથી જલદી બહાર ખેંચી આવતો. ખૂંપી જવાય તેવા સોફા પર બેસીને બંને જણ ફાયરપ્લેસમાંથી ઊઠતી આગની લપટો અને તણખા જોય કરતાં. દીપેશ લાઈટ મંદ કરી નાખતો. આખો ડ્રોઈંગરૂમ તાપણાની જ્વાળામાં થરકતો રહેતો. દીપેશ માયાના વાળ ખોલી નાખતો. લાંબાં અને સુવાળા વાળ માયાના ખભા પર પથરાઈ જતા. દીપેશ માયાને વાળ કાપવા આપતો નહીં. માયાના વાળ દીપેશની છાતી પર ફેલાએ જતાં.

એ દિવસોમાં જ ડોક્ટરે સારા સમાચાર આપ્યા હતા. ફાયરપ્લેસની ઉષ્મા માયાના વિકસતા જતા પેટમાં ફેલાઈ ગઈ હતી. દીપેશ ત્યાં હથેળી દાબીને સેકતો રહેતો. અંદર થરકાટ વધવા લાગ્યો હતો. માયાએ નોકરી છોડી દીધી હતી અને ઘરમાં જ ફરવા લાગી હતી. દીપેશ ઘરમાં ન હોય ત્યારે પણ એ દિવસોમાં માયા એકલી પડી જતી નહીં. એની અંદર જાણે ભીડ જામી હતી. એક આખો ભરચક સંસાર એના ઉદરમાં ઘૂમરાતો રહેતો હતો. એ વતો કરતી રહેતી – આવનારા દિવસો વિશે અંદરના શિશુ સાથે. એ દિવસોમાં બહારની કોઈ જ ઋતુનું કોઈ જ મહત્વ રહ્યું નહોતું. એની અંદર ઊજળા તડકાવાળા દિવસો ઊગ્યા હતા. ત્યાં ક્યારેય રાત પડતી નહોતી. ત્યાં ક્યારેય ઠંડી લાગવી જોઈએ નહીં. માયા સ્વેટર ગૂંથ્યા કરતી હતી. એ ઊનની ગરમ ગંધભર્યા દિવસો હતા.
એક સાંજે અચાનક હોસ્પિટલ જવું પડ્યું હતું. દીપેશ ગભરાઈ ગયો હતો. એનું મોઢું જોઈને પીડાની વચ્ચે પણ માયાને હસવું આવી ગયું હતું. મોડી રાતે તન્વી જન્મી હતી. અસહ્ય પીડામાંથી છૂટકારાની વચ્ચે જ માયાને લાગ્યું હતું કે એ હજી ખાલી થઈ નથી. થોડી વાર પછી આનિયા જન્મી હતી. દીપેશ જોરજોરથી હસ્યો હતો. મારી શક્તિ વિશે મને જ ખબર નહોતી, એણે કહ્યું હતું. ઘરમાં એક સ્ત્રી ઓછી હતી તે હવે ત્રણત્રણ ! હું કેવી રીતે સાચવીશ? ઘેર આવી ગયા પછી પણ બાજુબાજુમાં સૂતેલી બે દીકરીઓને અલગ કરીને જોઈ શકાતી નહોતી. માયાએ દીપેશને કહ્યું હતું – હું તો એકની સાથે જ વાતો કરતી રહી. મને શું ખબર, બીજી પણ મારી વાત સાંભળતી હશે !

એ દિવસોમાં પણ શિયાળો અખરતો નહોતો – તન્વી અને આનિયા બાર વર્ષની થઈ ત્યાં સુધી બહાર જોવાનો વખત જ ક્યાં મળતો હતો ! બે બોટલ, ડબલ પ્રામ, બબ્બે નાઈટડ્રેસ, પેમ્પર્સની બે જોડ, બે હાલરડાં, બે ઉજાગરા. એ ચિલ્ડ્રનર્સ પાર્કમાં બે હીંચકા ઝુલાવતી અને ત્યારે એક દિવસ એને ખબર પડી હતી કે આ બધાની વચ્ચે દીપેશ પાર્કની બહાર જ ઊભો રહ્યો છે. એ દીપેશને બોલાવતી, પણ એ પાસે આવતો નહીં. ફરતો ફરતો બાજુમાં આવેલી ટેકરી પર એકલો ચાલ્યો જતો અથવા તો જરા દૂર આવેલા ઓકના ઝાડ નીચે ઊભો ઊભો સિગારેટ ફૂંક્યા કરતો દેખાતો.

માયા હવે સમજી શકે છે – એ દિવસોમાં જ પાંદડાંનો રંગ બદલવા લાગ્યો હતો અને તેની અંદર સંતાયેલો કથાઈ રંગ માયાને દેખાવા લાગ્યો હતો. દીપેશની આંખોમાં પણ જાણે પાનખર ભરાવા લાગી હતી. ફાયરપ્લેસની આગ બુઝાઈ ગઈ હતી અને ઘરમાં ધુમાડો ઊથવા લાગ્યો હતો. એ સાંજે મોડો આવવા લાગ્યો હતો. ઘેર આવે ત્યારે દીકરીઓ ઊંઘી ગઈ હોય. દીપેશમાંથી પબની એકલતાની ગંધ ઊઠવા લાગી હતી. માયાને લાગતું હતું કે કોઈ અનિષ્ટ ઝડપથી ધસમસતું આવી રહ્યું છે. દીપેશે ઘર છોડી દીધું ત્યારે પહેલી વાર માયાને ઈંગ્લેન્ડના શિયાળાની ઠંડી રાતો લાંબી લાગવા માંડી હતી. હવેની વાત જુદી છે. હવે એ બંને પણ ઘરમાં નહીં હોય. બારીના કાચ પરથી ભેજના રેલા નીચે ઊતરતા રહેશે અને માયાને ઊંઘ નહીં આવે.

એ એકાએક સભાન થઈ ઊઠી. એ હજી પણ ઘરની બહાર જ ઊભી હતી. ઘરનો દરવાજો આપમેળે જરા ઊઘડી ગયો હતો. માયા નક્કી કરી શકી નહીં – જરા ઊઘડેલો દરવાજો ઉઘાડવાનો હતો કે બંધ કરવાનો હતો ? માયાએ નાછૂટકે ઘરમાં પગ મૂક્યો. આખું ઘર ખાવા ધસ્યું. એ જાણે ઘરમાં નહીં, કોઈ પોલાણમાં પ્રવેશી છે. કાન પર સૂનકાર અથડાયો, આંખો પર અંધારું. આખો દિવસ બંધ અને ખાલી રહેલા ઘરમાં થડકાવી દે તેવી ઠંડક હતી. બારીઓ પર પરદા ઢાંકેલા હતા. માયાએ લાઈટ કરી. આખા દિવસ દરમિયાન ઘરમાં કશું જ બન્યું નહીં હોય. બધી જ ચીજવસ્તુઓ જ્યાં હતી ત્યાં જ પડી હતી – એમ ને એમ. ત્યાં કોઈનો સ્પર્શ થયો નહોતો. કોઈ હલનચલન નહીં, કશો જ અવાજ નહીં. કોઈનો ફોન આવ્યો હશે તો ખાલી ઘરમાં ઘંટડીનો રણકાર ભૂલા પડેલા બાળકની જેમ ભટકતો રહ્યો હશે. પછી રડીરડીને ઊંઘી ગયો હશે. માયાને લાગ્યું, એના પદરવથી જંપી ગયેલો એ અવાજ કોઈ પણ ક્ષણે ઝબકીને જાગી જશે અને ફરીથી રડવા લાગશે.

માયાએ પર્સ અને કેરીબેગ્સ ડાઈનિંગ ટેબલ પર મૂક્યાં. ડ્રોઈંગરૂમમાં આવી સોફા પર ફસડાઈ હોય તેમ બેઠી. થાક લાગ્યો હતો. શરીર શિથિલ થઈ ગયું હતું. એવું કેમ થયું? આજે ઓફિસમાં પણ બહુ કામ કર્યું નહોતું, ઘરમાં તો કશું કરવાનું પણ નહોતું તેમ છતાં આટલો બધો થાક? એની તાજગી અને સ્ફૂર્તિ જાણે ઓગળી ગયાં હતાં. આટલાં બધાં વર્ષોની દોડધામનો થાક તો નહીં લાગતો હોય ને? આ પહેલાં તો એવું થતું નહોતું.માયા આંખો બંધ કરીને પડી રહી. કાનમાં પડઘા ઊઠતા હતા અને આંખોની અંદર પડછાયા સળવળતા હતા. આખા ઘરમાં સોપો પડી ગયો હતો. માયાએ બંધ આંખે વીતેલા દિવસો તરફ નજર ફેરવી. એ વહેલી સવારે ઊઠી જતી અને તે સાથે જ એની દોડાદોડી શરૂ થઈ જતી. છોકરીઓ સ્કૂલ જવા લાગી ત્યાર પછી એણે ફરીથી નોકરી શરૂ કરી હતી. સવારનો નાસ્તો, બંને દીકરીઓને તૈયાર કરીને સ્કૂલ મૂકવાની, લંચ તૈયાર કરવાનું, પોતે તૈયાર થવાનું… એ દરરોજ દોડતી દોડતી ઓફિસ જવા માટે નીકળતી. ઘણી વાર એવું પણ બનતું કે એ ચાલતી કારમાં જ સેંડવિચ ગળામાં ઉતારતી જતી. દીપેશ હતો ત્યાં સુધી એની તૈયારીમાં પણ સમય આપવો પડતો. એ મોટાભાગે તો ગુસ્સો જ કરતો હોય. એના વિશેની દરેક અગવડ માટે એ માયાને દોષ આપ્યા કરતો.

સાંજે ઘેર આવે ત્યારે દીકરીઓ એને કપડાં પણ બદલવા દેતી નહીં. આખો દિવસ બંને વચ્ચે ચાલેલા ઝગડાઓનું સમાધાન કરે ન કરે ત્યાં જ નવી ફરિયાદો શરૂ થઈ જતી. આખું ઘર વેરવિખેર પડ્યું હોય. કેટલીય ચીજો આડીઅવળી પડી હોય. છોકરીઓનાં બૂટ-ચંપલ પગમાં અથડાય. સ્કૂલબેગ અને કપડાં પલંગ પર ફેંકેલા દેખાય. સોફા પર પણ કેટલીય ચીજો પડી હોય. ડાઈનિંગ ટેબલ પર એંઠી પ્લેટ્સ પડી હોય. છોકરીઓની વયની સાથે કામ પણ વધતું ગયું. એક હોત તોય કામ ઓછું રહેત પણ આ તો બબ્બે. થોડી મિનિટોના અંતરે જ જન્મેલી. બંનેને બધું જ એકસાથે કરવું હોય. ભૂખ પણ સાથે લાગે. ઊંઘ પણ સાથે જ આવે. એકને એક કેસેટ સાંભળવી હોય અને બીજીને બીજી. ખેંચાખેંચી ચાલે. માગણીઓ પણ બમણી અને જુદી જુદી. નાનીમોટી કોઈ જ વાતનો નિર્ણય લઈ શકાતો નહીં. એક તો નારાજ રહે જ. માયા જાણે અલગ અલગ દિશામાં ખેંચાતી રહી હતી. એનો એક હાથ તન્વી ખેંચતી હોય અને બીજો હાથ આનિયા ખેંચી રહી હોય. એ બધાંની વચ્ચે દીપેશ એની તંગ મુદ્રામાં સતત ફરિયાદ કરતો ઊભો હોય. માયા લાચાર નજરે દીપેશને દૂર ને દૂર સરકતો જોઈ રહી હતી. એ કહું જ કરી શકી નહોતી. એ દીપેશને સમજાવી પણ શકી નહોતી. દીપેશે સતત પોતાની અવહેલના થતી હોય તેવું જ અનુભવ્યું હશે. સતત તાણમાં જીવતી માયા ક્યારેક જીવ પર આવી જતી અને એને બધું જ છોડીને ક્યાંક નાસી જવાની ઈચ્છા થઈ આવતી. એ ક્યાંય જઈ શકી નહીં. માત્ર દીપેશ ચાલ્યો ગયો. બધું જ માયા પર ફેંકીને. માયા બોજ નીચે કચડાતી રહી. એની પાસે જાણે વેદના અને એકલતા અનુભવવાનો પણ સમય નહોતો.

હવે?
કશું જ નહોતું. ઘર ચૂપ અને નિ:સ્તબ્ધ હતું. અત્યારે પણ માયાનો શ્વાસ જોરજોરથી ઊછળતો હતો. એકાએક એને લાગ્યું કે બંને દીકરીઓ અહીં જ છે. ક્યાંક સંતાઈને બેઠી છે. કોઈ પણ ક્ષણે ઊછળીને બહાર આવશે અને માયાને પોતાની તરફ ખેંચવા લાગશે. ઘર જાતજાતનાં અવાજોથી ઊભરાઈ જશે. ટીવીનો અવાજ….તન્વી આનિયાને ઝાપટ મારતી હશે અને આનિય રડવા લાગશે. એકાએક કૂકરની સીટી સંભળાઈ હોય તેમ માયા બેઠી થઈ ગઈ. ચારે તરફ જોવા લાગી. કશું જ બન્યું નહોતું. બધું જ ચૂપ અને ખામોશ હતું. કોઈ ધબધબ અવાજ કરતું દાદરનાં પગથિયાં પરથી ઊતરતું નથી. ટીવી બંધ પડ્યું છે. પગમાં કશું જ અથડાતું નથી. મ્યુઝિક સિસ્ટમનાં સ્પીકર્સ ચુપચાપ બધું જોયા કરે છે. માયા ઊભી થઈ ગઈ. આટલી બધી ખામોશી સહન કરી શકય તેમ નથી. એના કાનમાં જાણે કશુંક ખૂંચે છે. આટલા વર્ષો જે ઘોંઘાટ જેવું લાગતું હતું તે બધાને હવે તે ઝંખવા લાગી છે. આ તો હજી શરૂઆત છે. એની દીકરીઓ પહેલી વાર બીજા શહેરની યુનિવર્સિટીમાં ભણવા માટે ગઈ છે. અઢાર વર્ષની દીકરીઓ થોડાં વર્ષો પછી તો પરણી જશે અને કાયમને માટે એમના પતિ સાથે રહેવા માટે ચાલી જશે. અત્યારે તો હજી પણ વીકએન્ડમાં કે વેકેશનમાં થોડાં દિવસો માટે ઘેર આવશે, પણ લગ્ન પછી તો –
‘ડોન્ટ વરી, માયા….આદત પડી જશે.’ ઓફિસમાં એની સાથી કર્મચારી એરીકાએ કહ્યું હતું. આજે બપોરે માયા એરીકા સાથે લંચ લેતી હતી અને વાતવાતમાં જરા રડી પડી હતી. એરીકાએ કહ્યું હતું :
‘મારી સાથે પણ એવું જ થયું હતું. મારો દીકરો પહેલી વાર યુનિવર્સિટીમાં ભણવા ગયો ત્યારે હું અને મારો પતિ માર્ટિન એને મૂકવા માટે ગયાં હતાં. અમે પાછાં વળતાં હતાં ત્યારે માર્ટિન કાર ચલાવતો હતો અને મારાથી રહી શકાયું નહોતું. માર્ટિન પણ હોઠ દબાવીને બેઠો હતો. એણે એકાએક એક ગલી તરફ કાર વાળી હતી અને અમે બંનેએ એકબીજાને જકડીને જોરજોરથી રડી લીધું હતું.’
માયા એરીકાની સામે જોઈ રહી હતી.
‘તું લકી કહેવાય, એરીકા..’
‘કેમ?’
‘એ વખતે તારી સાથે માર્ટિન હતો.’
‘ઓહ યા…’ એરીકાએ સમજપૂર્વક માથું હલાવ્યું હતું. ‘ આઈ અંડરસ્ટેન્ડ, માયા, આઈ અંડરસ્ટેન્ડ.’

થોડી વાર પછી એરીકા દીપેશ વિશે પૂછવા લાગી હતી.
‘એ ક્યાં છે?’
‘લંડનમાં રહે છે. વેમ્બલી.’
‘એકલો?’
‘હા’
‘તમારા ડાયવોર્સ થઈ ગયા છે?’
‘ના, અમે પ્રયત્ન જ કર્યો નથી’
‘કેમ?’
‘અમારા માટે એ બધું બહુ અઘરું હોય છે, એરીકા.’ એરીકા માયાની સામે આશ્ચર્યથી જોઈ રહી હતી.
‘તમે સાથે રહી શકો એમ નથી છતાં પણ?’
‘હા…અમારા ઘરમાંથી ચાલ્યા જવાનો નિર્ણય દીપેશનો હતો. એણે પણ ડાયવોર્સ માટે પ્રયત્ન કર્યો નથી.’
‘એ શા માટે ચાલ્યો ગયો?’
‘ખબર નહીં, કદાચ એને એવું લાગ્યું હશે કે હું એના તરફ પૂરતુ ધ્યાન આપતી નથી. હું મારી દીકરીઓની પાછળ એટલી બધી જોડાઈ ગઈ હતી કે…’ માયા શૂન્યમાં તાકતી જોઈ રહી હતી. હી મસ્ટ હેવ ફેલ્ટ નિગલેક્ટેડ.’
‘હા. એવું બને છે. ઘણી વાર એવી ગેરસમજ ઊભી થાય છે. યુ કાન્ટ હેલ્પ.’
‘તારી સાથે પણ એવુ થયું એરીકા?’
માયાને ખબર છે કે એરીકા હવે માર્ટિન સાથે રહેતી નથી.
‘ના, એનાથી જુદું, એ એક બીજી સ્ત્રી સાથે ઈન્વોલ્વ થયો હતો. પછી ખેંચ્યા કરવાનો અર્થ નહોતો. અમે અલગ થઈ ગયાં. મારા જીવનમાં બીજો પુરુષ આવી ગયો છે. આઈ એમ હેપી. માર્ટિન પણ સુખી છે.’
‘પણ તમારો દીકરો?’
‘ઓહ હીમ? એ ક્યાં આખી જિંદગી અમારી સાથે જોડાઈને રહેવાનો હતો? એણે એની ગર્લફ્રેન્ડ શોધી લીધી છે.’
માયા માટે આ બધી વાતો નવી નહોતી, છતાં એવાં સત્યોની સાથે પોતાને જોડી શકે તેમ નહોતી. એ દીપેશ વિશે વિચારવા લાગી હતી. છ વર્ષ થઈ ગયાં છે. બે ત્રણ વાર ઘેર પણ આવી ગયો છે. તન્વી અને આનિયા સાથે વાતો કરવા ફોન પણ કરી લે છે. એ એકલો જ રહે છે. કદાચ એ પોતાની રીતે પોતાનું સુખ શોધવાનો પ્રયત્ન કરે છે. એના વિશે માયાની પીડા ઓછી થઈ નથી, છતાં એના પર ગુસ્સો આવતો નથી. એ દીપેશનાં નિર્ણય સાથે સંમત થઈ શકી નથી. એ ચાલ્યો ગયો ત્યારે બંને દીકરીઓ સમજુ થઈ ગઈ હતી, છતાં એમની સાથે માયા દીપેશનાં નિર્ણય અંગે ક્યારેય ખૂલીને ચર્ચા કરી શકી નહોતી. દીપેશ જાણે એની નિષ્ફળતા હતો. શરૂઆતના સંબંધોને એ એટલી બધી સરળતાથી અને જલદી ભૂલી શક્યો હશે? એ એટલો બધો તો રૂક્ષ નહોતો. લગ્ન પછીના આરંભનાં વર્ષોમાં તો એવો લાગતો નહોતો છતાં?
એરીકાએ કહ્યું હતું :
‘માયા હજી તો તારે ઘણાં વર્ષો કાઢવાનાં છે. તારી જિંદગી પૂરી થઈ નથી. કદાચ હવે જ તારી જિંદગી ફરીથી શરૂ થાય છે. આટલાં વર્ષો તેં તારી દીકરીઓને આપ્યાં. હવે એમની સ્વતંત્ર જિંદગી શરૂ થાય છે. એ બંને પોતાની રીતે એમની લાઈફ એન્જોય કરશે, તું પણ હવે સ્વતંત્ર થઈ છે. તારે પણ તારી જિંદગી વિશે વિચારવું જોઈએ.’ માયાએ આંખો બંધ કરી. ઘરના સન્નાટામાં એ પોતાની નવી જિંદગીનો આરંભ થતો હોય તેવો કોઈ સંચાર સંભળાય તો સાંભળવાનો પ્રયત્ન કરવા લાગી. પણ કંઈ સંભળાતું નહોતું. એરીકાની વાત સાચી હતી. જિંદગી જો લાંબી સડક હોય તો દીપેશ વચ્ચેથી જ ક્યાંક જુદી સડક પર ચાલ્યો ગયો હતો. તન્વી અને આનિયા એમના વળાંક તરફ વળી ગઈ હતી. માયાની સડક હજી પણ ખૂબ દૂર સુધી આગળ જવાની હતી.
એ પોતાને જોઈ રહી. પહાડોની વચ્ચેથી આગળ વધતી સડક. એ સડક ઊંચે ચડતી હતી કે નીચે ખીણમાં જવાની હતી? માયાને કલ્પના આવી – એ કોઈ પહાડ પર આવેલાં એકલવાયાં ઘરમાં રહે છે. આસપાસ ગાઢ જંગલ છે. એ જંગલમાંથી બહાર નીકળવાનો કોઈ જ રસ્તો એને દેખાતો નહોતો. કદાચ બધી જ કેડીઓ એકબીજામાં ગૂંચવાઈ ગઈ હતી.

ફોનની ઘંટડી વાગી. માયા ચમકી ગઈ. ખામોશ ઘરમાં ઘંટડીનો અવાજ પણ આગંતુક જેવો લાગે છે. એ ફોન પાસે ગઈ.
‘મમ્મા…!’ તન્વીનો અવાજ સંભળાયો.
‘તન્વી ! બેટા, કેમ છો?’
‘એન્જોયિંગ, મમ્મા…! તું? તું શું કરે છે?’ માયાએ ઘરનાં એકાંત પર નજર ફેરવી.
‘હમણાં જ ઓફિસેથી આવી. કપડાં બદલવા જતી હતી.’
‘મમ્મા ! આર યુ ઓ.કે.?’
‘હા…કેમ?’ માયાએ ગળું ખંખેર્યું.
‘તારો અવાજ…તું રડે છે, મમ્મા..’
‘ના…હું રડતી નથી. તમને બહુ જ મિસ કરું છું…ધેટ્સ ઓલ્…આનિયા ક્યાં છે?’
‘મારી બાજુમાં જ ઊભી છે…આપું…’
આનિયા ફોન પર આવી. વાતો થઈ. સારું લાગ્યું. ટેઈક કેર. ટેઈક કેર. માયાએ રિસીવર મૂક્યું. દૂર ગયા પછી છોકરીઓ સમજદાર થઈ ગઈ છે. કદાચ એ બંને આ વર્ષોમાં બધું જ સમજતી હશે. ક્યારેય પણ કશું કહ્યું નથી. હવે એ બંને પણ માયાને ઘરમાં એકલી ફરતી જોઈ શક્તી હશે. માયા કપડાં બદલવા લાગી. છોકરીઓનાં રૂમમાં જઈ આવી. બધું એવું ને એવું જ હતું. એમના પલંગ, વોર્ડરોબ, ટેબલ, અરીસો, દીવાલ પર ચોટાડેલા ચિત્રો. બધું જ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હતું. માયાને આ રૂમની વ્યવસ્થા જોવી ગમી નહીં. એ નીચે ઊતરી આવી.
ફાયરપ્લેસ તો વર્ષોથી બંધ છે, છતાં એના ધુમાડાની વાસ માયાના નાકમાંથી ખસતી નથી. ફાયરપ્લેસ ઉપરની પાળી પર એક ફ્રેમમાં એનો અને દીપેશનો ફોટો પડ્યો હતો. વર્ષોથી. માયાએ એ ફોટો ત્યાંથી ખસાવ્યો નહોતો. કશો જ ફરક પડતો નહોતો. ફોટો આડો આવતો નહોતો. તેમાં માયાનો એક સમય અકબંધ પડ્યો હતો અને માયા તેને સાચવી રાખવા માગતી હતી. એક જૂની માયા, એક જૂનો દીપેશ… એ સમયે ફાયરપ્લેસમાં આગ સળગતી હતી અને તેના ભૂખરા પડછાયા હજી પણ દીવાલો પરથી ખસ્યા નહોતાં. રસોડામાં ગઈ. કશુંક ખાવું તો પડશે જ. શું બનાવું? કેટલું બનાવું? દરરોજ વધી પડે છે. નવા માપ માટે હજી હાથ ઘડાયો નથી. દીકરીઓ, દીપેશ, અત્યારે બધાં સાથે જ હોય. એક જ છત નીચે. બહાર ખૂબ ઠંડી હોય. રાત પડી ગઈ હોય. તન્વી અને આનિયા સોફા પર ધમાચકડી કરતાં હોય. દીપેશ ફાયરપ્લેસમાં લાકડાં નાખીને આગ સળગાવતો હોય.

-માયા… શું કરે છે ત્યાં? જલદી આવ. અમે બધાં અહીં છીએ અને તું ત્યાં ક્યારની શું કરે છે એકલી એકલી ? માયાએ કશોક આછો અવાજ સાંભળ્યો. પાછળ વળીને જોયું. એની બિલાડી બહારથી ઘરમાં આવી ગઈ હતી અને માયાના પગ સાથે ઘસડાતી ઘસડાતી ગોળગોળ ફરવા લાગી હતી.

[ કુલ પાન : 216. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ. ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506573. ઈ-મેઈલ : sales@rrsheth.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

21 thoughts on “સંચાર – વીનેશ અંતાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.