[‘ભૂમિપુત્ર’ સામાયિક માર્ચ-2013માંથી સાભાર.]
ગંધાતાં ગંદાં પાણીની નીકો, ગટરો અને બીજી અનેક ગંદકીઓથી ઊભરાતી હોવા છતાં આખી વસાહતમાં થોડા દિવસથી આનંદ-ઉત્સાહનું વાતાવરણ જામેલું હતું. આખી વસ્તીના લોકો આવનારી વીસ તારીખ પર મીટ માંડીને બેઠા હતા.
‘મનહરિયા, ટેસણે જાવાના રસ્તે ઓલી મો…..ટ્ટી નિહાર નથી આવતી, જેમાં ઈંગરેજી ભણાવે છે ! ઈ નિહારમાં સફાઈ કામદારની ભરતી કરવાના છે. ને પગાર કેટલો, ખબર છે ? છ હજાર રૂપિયા…..’ જાણે અત્યારે જ મોઢામાં લાડવો આવી ગયો હોય એમ હરખાતાં હરખાતાં મીનાએ કહ્યું.
‘તે એને માટે તો ફારમ-બારમ ભરવાં પડતાં હશે, કાં કે નંઈ ? મારે હારુ ય એક ફારમ લઈ આલજે.’ લાંબા પગ કરીને બેઠેલા મનહરે મોઢામાં માવો ઠોસતાં કહ્યું.
‘ફારમ તો હું જ ભરવાની છું. તમે બે ય બાપા ને દીકરા તો હાડકાના હરામ. કંઈ કામકાજ આવડે નંઈ ને શીખવાની દાનતે ય નંઈ. ઈન્ટર, ઈન્ટર…. ઓલું હું કે ? હા, ઈન્ટરવ્યૂ- એમાં કંઈ એમનેમ પાસ નો થઈ જવાય. કામની આવડત હોવી જોઈએ સમજ્યો ?’ મીના ભલે વાત પોતાના દીકરા સાથે કરતી હતી પણ જાણે એક તીરથી બે પક્ષી મારવાં હોય એમ મનહરના બાપ દીનુ તરફ પણ તિરસ્કારભરી નજરે જોઈ લેતી હતી. વળી એ બાપ-દીકરા બેઉને સંભળાવે એમાં કંઈ ખોટું પણ નહોતું. સવારે ઊઠે ત્યારથી સાડલાનો કાછડો મારીને પાંચ પાંચ ઘરનાં કામ કરીને એ જાત તોડતી, જ્યારે દીનુ ને મનહર નવરા બેઠા નખ્ખોદ જ વાળતા. દીનુ રાત કે દિવસ જોયા વિના દેશી દારૂ ઢીંચ્યે રાખતો તો મનહર વીસ વરસનો ઢગો થયો તો યે ઘરમાં ટેકારૂપ થવાનું એને સૂઝતું નહોતું.
પોતાનાં ભલેને કંઈ ઠેકાણાં ન હોય પણ ઘરમાં બે-બે મરદ બેઠા હોય ને બૈરું ફારમ ભરે એ કંઈ ચાલે ? દારૂ પીવાથી લથડી રહેલા અવાજે એણે કહ્યું, ‘ટાંટિયો ભાંગી નાખીસ, જો ફારમ ભયરું છે તો ! ફારમ તો હું જ ભરવાનો.’ એ બંને ભલે બોલતા રહ્યા પણ મીનાએ તો ફોર્મ ભર્યું જ. એના એક જ ઘરમાંથી ત્રણ ફોર્મ ભરાયાં. આમ તો ખબર આવ્યા હતા કે, આખી વસ્તીમાંથી દોઢસો ફોર્મ ભરાયાં હતાં. ભરતી દસ જણની કરવાની હતી ને દોઢસો ફોર્મ ભરાયાં. એ તો વળી સારું થયું કે, વિગત બરાબર ભરેલી નહીં કે શી ખબર કેમ, પણ પચાસ જણનાં નામ કેન્સલ થઈ ગયાં. હવે એક જગ્યા માટે દસ ઉમેદવાર, એમ સો જણ વીસ તારીખની રાહ જોઈ રહ્યા હતા. અંતે એ સવાલ ઊગી. મીનાની કોઈ શેઠાણીએ પોતાના વરનો જૂનો સફારી સૂટ આપેલો. ભલે જૂનો પણ હતો ધોળો બાસ્તા જેવો. દીનુએ એ સૂટ ચઢાવ્યો. વટ પડવો જોઈએ ! મીનાએ એના લગ્ન વખતની લાલ સાડી જીવની જેમ સાચવી રાખેલી. એને થયું કે, આજે નહીં તો ક્યારે પહેરીશ ? કેટલાં વર્ષો પછી આજે એણે એ સાડી પહેરી ને મનહરિયાને તો હીરો જેવા દેખાવાનું બહાનું જ જોઈતું હોય, પાનની દુકાનવાળા દોસ્તનું પીળું ટી-શર્ટ અને એની નીચે ટાઈટ જીન્સ. કંઈ જેવી તેવી વાત છે ? છ હજારની નોકરીનો સવાલ છે ! ઝૂંપડપટ્ટીવાળા બધા ય એક ટેમ્પામાં ખડકાઈને ‘મોટી નિહારે’ પહોંચ્યા.
સાહેબ લોકોએ ઈન્ટરવ્યૂ લેવાના શરૂ કર્યાં, ‘શું શું કામ કરતાં આવડે છે ?’, ‘ચોરી-ચપાટી કરશો એ બિલકુલ નહીં ચાલે.’, ‘સ્કૂલમાં કોઈ દારૂ ઢીંચીને આવશે તો તગેડી મૂકીશું.’ આ ઈન્ટરવ્યૂ પતે પછી દરેકે ‘પ્રેક્ટિકલ ઈન્ટરવ્યૂ’ આપવાનો હતો. દીનુને ભાગે ગટરની અંદર ઊતરીને સફાઈ કરવાનું આવ્યું ત્યારે એના મોતિયા મરી ગયા.
‘સાહેબ, આ સિવાય બીજું કંઈ પણ કામ હોય તો…. આ સફેદ કપડાં પહેરેલાં છે તે…..’
‘તારે કપડાં જ સાચવવાં હોય તો ઘરે જઈ શકે છે. અમારે કંઈ જરૂર નથી.’ કડક જવાબ સાંભળીને દીનુ કચવાતે મને ગટરમાં ઊતર્યો. મીનાને ભાગે રૂમ નં. 1 થી 10નાં જાળાં પાડવાનાં આવ્યાં. મનહરને એસિડ નાખીને જાજરૂ સાફ કરવાનું કહ્યું તો એણે તો ચાલતી જ પકડી. કોઈએ કંપાઉન્ડમાંથી સૂકાં પાંદડાં ભેગાં કરીને બાળવાનાં તો કોઈએ ફિનાઈલ નાખીને આખા પેસેજમાં પોતાં મારવાનાં. બધાને જુદાં જુદાં કામ સોંપાઈ ગયાં હતાં ને દરેકના મનમાં સારામાં સારું કામ કરી બતાવીને નોકરી મેળવી લેવાનાં સપનાં હતાં. પોતપોતાને સોંપાયેલાં કામ પતાવીને બધા ચારેક કલાક પછી પરવાર્યાં ત્યારે દીનુના કપડાં કીચડથી લથબથ હતાં. મીનાની સાડી આખી ધૂળથી એવી ઢંકાઈ ગઈ હતી કે એનો મૂળ રંગ ખબર નહોતો પડતો. મંજુના વાળ વેરવિખેર થઈ ગયેલા તો ચંપાના પંજાબી ડ્રેસનો દુપટ્ટો ફાટી ગયેલો. સૌ ભૂખ-તરસ ભૂલીને, આશાભર્યા, અદ્ધર જીવે ઊભા રહી ગયા.
હવે સાહેબ લોકો આખી શાળાનું ચક્કર મારીને નક્કી કરશે કે ક્યા દસ જણને નોકરીમાં લેવા. એમના હાથમાં બધાનાં નામ અને કોણે શું કર્યું એની યાદી હતી. એમાં એ લોકો માર્કસ મૂકતા જશે અને જે દસ જણને સૌથી વધુ માર્કસ મળ્યા હશે એને નોકરી મળશે. ચક્કર મારતાં મારતાં એ સૌ ચાની ચુસ્કીઓ લેતા જતા હતા અને સાથે બિસ્કીટનો નાસ્તો પણ કરતા જતા હતા. આટલી મોટી ‘નિહાર’નું ચક્કર મારતાં બાપડા થાકી તો જાય જ ને ! ચક્કર મરાઈ ગયું. સાહેબોની કેબીનનો દરવાજો બંધ થઈ ગયો. બંધ દરવાજાની બીજી તરફ મિ. તેલપાની પોતાની યુક્તિ પર પોતે જ વારી ગયા હતા.
‘જોયું ને, મેં કેવો આઈડિયા કર્યો ! આખી સ્કૂલ ચકચકાટ થઈ ગઈ. હવે દોઢ મહિનાનું વેકેશન પડશે ને ત્યાં સુધીમાં તો હમણાં દસ દિવસથી હડતાળ પર ઊતરેલા આપણા જૂના સ્ટાફને થોડોઘણો પગારવધારો કરીને પાછા કામ પર રાખી લઈશું એટલે નવા કોઈને રાખવાની જરૂર નથી.’ બાકીના સૌએ કબૂલ કર્યું કે, તેલપાનીનો આઈડિયા બ્રિલિયન્ટ હતો. આ આઈડિયાએ સ્કૂલના કેટલા પૈસા બચાવ્યા ! બધાએ મનોમન તેલપાનીને એકાદ કિંમતી ભેટથી નવાજવાનું પણ વિચારી લીધું. એક મોટા પેપર પર એમણે ભગુભાઈ કલાર્ક પાસે લખાવ્યું : ‘કોઈનું પણ કામ સંતોષજનક ન લાગવાથી હાલ તુરત એક પણ ભરતી કરવામાં આવશે નહીં – જેની નોંધ લેવી.’ શાળાનો પ્યૂન જ્યારે આ કાગળ નોટિસબોર્ડ પર લગાવવા ગયો ત્યારે બધા ધક્કા-મુક્કી કરવા લાગ્યા.
દરેકને એમ લાગ્યું કે, એમાં પોતાનું નામ તો હશે જ !
(તરાના પરવીનની હિંદી વાર્તાને આધારે)
10 thoughts on “ઈન્ટરવ્યૂ – આશા વીરેન્દ્ર”
આશાબેન,
મિ. તેલપાનીનો ચાલાક આઈડીયા વાળો ‘ ઈન્ટરવ્યૂ ‘ ગમ્યો પરંતુ … ગરીબ શોષિત સમાજનું શોષણ … ? તે પણ કામ આપવાની લાલચમાં ! અને તે પણ મા સરસ્વતીના પ્રાંગણમાં ! બીજું કોઈ ઉદાહરણ ન મળ્યું ?
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
મૃગેશભાઈ, … પાંચમા ફકરામાં — સવાર ઊગી .. સુધારી લેવા વિનંતી.
Kyarek to koi mate sari comment kro kalidas bhai..tme ek story lkho…bhulo ame kadhi btavsu hahaha
અમુક લોકો ખોડિયાર હોય છે. કાભાઈ એમના સરદાર છે.
દિશાબેન ની વાત સાથે સમ્મત છુ.
દિશાબેન,
આપે મારો અભિપ્રાય ધ્યાનથી વાચ્યો લાગતો નથી. મેં પ્રથમ લીટીમાં જ લેખને બિરદાવ્યો છે.
વળી, આપને વિદિત કરવાનું કે … મેં પણ રીડ ગુજરાતીમાં સાહિત્યિક વિભાગમાં એક લેખ — ” જ્યોત સે જ્યોત જલે ” લખ્યો છે. જે વાંચીને ભૂલો કાઢવાનું આપને આમંત્રણ આપું છું !
આપ પૂર્વગ્રહથી મુક્ત થાઓ એવું ઈચ્છુ છું.
કાલિદાસ વ.પટેલ {વાગોસણા}
Very well story, like watching
Very interesting story
hats off to you !!!
i coundnt get what genure this story fits in. made me thinking about these people.
IF INTERVIEW FORMALITY IS NOT THERE, WHAT WOULD HAPPEN ?