શિક્ષકને ત્યાં ચોરી ! – નરેન્દ્ર ગોસ્વામી

[ સત્યઘટના, ‘અખંડ આનંદ’ સામાયિક માર્ચ-2013માંથી સાભાર.]

દિવાળીના દિવસો હતા, વૅકેશન હતું. ઘર બંધ કરીને અમે વતનમાં ‘બા’ની પાસે ગયાં હતાં. પિતાજીના અવસાન પછી, અમે મોટે ભાગે તમામ તહેવારો, બા પાસે જ પસાર કરતાં ! બા જીવનમૂલ્યોનો ખજાનો હતાં. આશ્રમ જેવું ઘર, મોટું ફળિયું, ફરતાં ઘેઘુર છાયા દેતાં વૃક્ષો ! વૃક્ષોની ડાળે ટીંગાતી પાણી ભરેલી ઠીબો, બાજુમાં નાનો ચબૂતરો, ચણ ચણતાં ને કલરવ કરતાં પંખીઓ- બાની આ નિરાળી સૃષ્ટિમાં રહેવાની ઓર મજા પડતી ! હજી તો વતનમાં આવ્યાને થોડા જ દિવસો થયા હતા, ત્યાં એક દિવસે સાંજે હું જ્યાં શિક્ષક તરીકે નોકરી કરતો, ત્યાંથી પડોશીનો વાયા વાયા લૅન્ડ લાઈન પર એક સંબંધીને ત્યાં ફોન આવ્યો ! એ વખતે મોબાઈલ હજુ બજારમાં આવ્યા નહોતા !

‘તમારા ઘરના બારણાનાં તાળાં તૂટ્યાં છે ! બધું જ વેરવિખેર કરી દીધું છે કબાટો પણ ખુલ્લાં છે ! ચોરી થયેલી માલૂમ પડે છે…’ – શબ્દો સાંભળતાં હું અવાચક જેવો, કંઈક ન સમજાય તેવું દુઃખ અનુભવી રહ્યો. હું કશુંય બોલી શક્યો નહીં. પત્ની પાસે જ ઊભી હતી. પ્રેમ, ભક્તિ ને શ્રદ્ધાના ત્રિવેણી સંગમથી છલોછલ ને દઢ મનોબળ ધરાવતી શિક્ષિકા- પત્નીએ મને મોળો પડતાં જોઈને કહ્યું : ‘એમાં આટલા દુઃખી કેમ થઈ જાઓ છો ? લઈ લઈને શું લઈ જશે ? થોડા રૂપિયા ને થોડાં ઘરેણાંઓ ! ઈશ્વર સાચી કમાણી ને સાચી નીતિને કસોટીએ પણ ચઢાવતો હોય છે ! એવું જ કાંઈક હશે !’ પત્ની મને હૈયાદિલાસો આપતી હતી.

અમે બીજે દિવસે વતનથી નીકળી, ગીરની નાઘેર ભૂમિમાં- ઊના મારા આવાસે- ‘નિસર્ગે’- પહોંચ્યા ! સંબંધીઓ, મિત્રો, વિદ્યાર્થીઓ અને અધ્યાપકો બધાં એકસામટાં ભેગાં થઈ ગયાં. અમે ઘરમાં પ્રવેશ્યાં. બારણાના નકુચા તોડેલા હતા. તાળાંઓ તુલસીક્યારામાં પડ્યાં હતાં. આંગણું આખું છાયાથી ઢાંકતો ગુલમહોર ખામોશ ઊભો હતો. ઓરડા ખોલ્યા, ખુલ્લાં કબાટોમાં જોયું. બધું જ વેરવિખેર હતું ! દીકરીઓની શિક્ષણ ફી ભરવા માટે રાખેલા થોડાક- ત્રીસેક હજાર રૂપિયાની નોટો, થોડાં ચાંદી સોનાનાં ઘરેણાંઓ નદારદ હતાં !

કામવાળાં માને ખબર પડતાં, બિચારાં ટિફિન લઈને આવી ગયાં હતાં. મારા બાળપણના મિત્રો, જિગરજાન મિત્રો, તેમને ખબર પડતાં જે મળ્યું તે વાહનમાં બેસી થેલીઓમાં નોટો ભરીને પહોંચી ગયા હતા. વીસ વર્ષથી એક ધારું કામ કરતાં દિવાળીમા સાચે જ દેવવંશી હતાં. જોકે ભોઈકૂળનાં હતાં, એંસીની ઉંમર ધરાવતાં માને મારી દીકરીઓ સાથે અદ્દભુત લગાવ હતો. પછી તો કામે પણ આવી શકતાં નહીં. નિરાધાર માને દીકરીઓ અચૂકપણે યાદ કરી, પેન્શન રૂપે દર મહિને ત્રણસો રૂપિયા આપી આવતી- એ માએ પત્નીને માથે હાથ મૂકી કહ્યું : ‘બેન, હૈયે ધરપત રાખો, બધું જ પાછું આવી જશે. મારી પાસે સોનાની એક માળા છે, તે આ દીકરીઓને જ આપવાની છે.’ – ઋણાનુબંધનો પ્રભાવ સૌને સ્પર્શી ગયો ! અમે અશ્રુસભર નયને માને નમન કરી રહ્યાં….!!

અમે બીજા ઓરડામાં જોયું ! બેઠકના પરિસરમાં ખૂલતા બારણાની ઉપરની દીવાલ કે જ્યાં મારી મોટી તસવીર (એક કલા વિદ્યાર્થીએ માત્ર પેન્સિલથી જ તે બનાવી, મને ભેટ આપી ગયો હતો.) ટીંગાય છે, ત્યાં નીચેના ભાગે એક પોટલી બાંધેલી હાલતમાં પડી હતી. નાની દીકરીને તે ધ્યાનમાં આવ્યું. તેણે બધાંને ત્યાં બોલાવ્યાં ! એકઠાં થયેલા સૌ સ્વજનોની હાજરીમાં પોટલી છોડી. જે જે ચોરાયાની સંભાવનાઓ હતી તે તે બધું જ તેમાં અકબંધ હતું !! આશ્ચર્ય, વિસ્મય અને અચરજના ભાવથી સૌ ઘટનાને આત્મસાતી રહ્યાં ! ‘જુઓ, સાચી કમાણી, એટલે કશુંય ગયું નથી. નીતિ, પ્રામાણિકતા ને નિષ્ઠાનું જ આ પરિણામ છે !’ એમ સૌ કહી રહ્યાં ! પછી તો આ ઘટના બન્યાને મહિનાઓ વીતી ગયા. મારે ત્યાં, એક શિક્ષકને ત્યાં ચોરી થઈ હતી એ પણ હવે તો ભુલાઈ ગયું હતું !

…ને એક દિવસે ‘નિસર્ગ’ના આંગણામાં હું જ્યાં રોજ ઝૂલતો તે ગુલમહોરના વૃક્ષતળેની ખાટ પર એક કવર પડ્યું હતું ! મેં કવર હાથમાં લીધું, ખોલ્યું, તેમાં મને ઉદ્દેશી એક ચિઠ્ઠી હતી. ગડબડિયા ગડબડિયા અક્ષરોમાં લખ્યું હતું ! ‘પૂજ્ય ગુરુજી, તમે મને માફ કરજો, તમે માફ કરશો તો ભગવાન મને માફ કરશે. તમારે ત્યાં ચોરી મેં કરી હતી પણ મને ખબર નહોતી કે તે તમારું ઘર હતું ! બંધ મકાન હતું એટલે ફાવટ આવી ગઈ ! રોકડ, ઘરેણાં જે હાથ લાગ્યું તે બધું જ લઈ, પોટલીવાળી, હું ને મારો સાથીદાર બહાર નીકળતા હતા ત્યાં- સાથીદારે ટૉર્ચથી દીવાલે રહેલી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તે જોવા પ્રકાશ ફેંક્યો ! ઘડિયાળની બાજુમાં જ તમારી મોટી તસવીર જોઈ. સાહેબ, હાથમાંથી પોટલી નીચે પડી ગઈ. અરે, આ તો એ મારા સાહેબ, જેમણે મને ભણાવવા આર્થિક મદદ કરી હતી ! સાહેબ, ખૂબ મોટો પસ્તાવો થયો ! મનોમન તમારી માફી માગી લીધી ને પોટલી જેમની તેમ રાખી નીકળી ગયા. ભણ્યા પછી નોકરી ન મળતાં, એક નાની બહેન ને એક વિધવા માના ગુજરાન માટે પ્રામાણિકપણે ખૂબ ફાંફાં માર્યાં ! પણ સાહેબ, મા બીમાર ! પૈસા લાવવા ક્યાંથી ? ને સાહેબ, હું ચોરીના રવાડે ચઢી ગયો, તમને દુઃખ જરૂર થયું હશે ! તમે તમારા એક વિદ્યાર્થીની આવી કલ્પના ક્યારેય નહીં કરી હોય ! લાચારી ને મજબૂરી ! હા, લાચારી-મજબૂરી સાહેબ ? કદાચ તમો મને ઓળખી જશો ! રૂબરૂમાં આવી તમારી માફી માગવાની હિંમત નથી એટલે…. મને…. સાહેબ માફ કરજો !’

….ને એક દિવસ મને ખબર પડી કે મંગળની મા ગુજરી ગયાં છે ! સ્લમ એરિયામાં દશ હજારિયા મકાનમાં મંગળ રહે છે ! મકાનની બહાર સૌ બેઠાં હતાં. મંગળ અને મંગળની નાની બહેન પણ તેમાં બેઠાં હતાં. મને જોતાં જ મંગળ મારા પગ પકડી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો ! મેં તેના માથે હાથ મૂકી આશ્વાસન આપ્યું. બારેબાર દિવસ સવાર-સાંજ હું તેની પાસે જતો. તે મારી બાજુમાં બેસી અશ્રુધારાઓ સાથે મૂંગો મૂંગો મને જોઈ રહેતો…. ‘મા’ના ‘બારમા’માં ખર્ચના પૈસાની ચિંતામાંથી મેં તેને મુક્ત કરી દીધો હતો.

પછી શું થયું તે ખબર નથી. મંગળ અને તેની નાની બહેન ગામ છોડી, પેટિયું રળવા માટે ક્યાંક ચાલ્યાં ગયાં હતાં…..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “શિક્ષકને ત્યાં ચોરી ! – નરેન્દ્ર ગોસ્વામી”

Copy Protected by Chetan's WP-Copyprotect.