- ReadGujarati.com - http://www.readgujarati.com -

એટલો વિશ્વાસ – ધ્રુવ ભટ્ટ

[ ‘ગાય તેનાં ગીત’ પુસ્તકમાંથી સાભાર.]

એટલો વિશ્વાસ તારે રાખવાનો
હું બધા ધર્મો તજીને આવવાનો

દીર્ઘતમ અંધારને નિરખી લીધો છે
આંખને અંબાર શાને ભાળવાનો

આ અભણ આદિ અગમ અંતો વિશે
વ્યક્તમધ્યે જ્ઞાન કોને આપવાનો

નભ હવા જળ સૂર્યજવાળા ને ધરા
સાથમાં હું આપને પણ માંગવાનો

આપણામાં આપણે રહેતા હશું
એ અવસ્થાએ સ્થળે જઈ જાગવાનો

છો હજી સંમુખ થયા ના હોઈએ
હું નથી તમને અજાણ્યો લાગવાનો