સહજીવન અમારું – દર્શના સુરેશ જોષી

[ તંત્રીનોંધ : સહજીવનનો પાયો છે સમજણ. આજે લગ્નજીવનમાં જ્યારે પરસ્પર સમજણનો અભાવ વર્તાતો જાય છે ત્યારે તાજેતરમાં પ્રકાશિત થયેલું પુસ્તક ‘દુલારું દામ્પત્ય’ સૌ કોઈએ વાંચવું રહ્યું. વિવિધ ક્ષેત્રના પ્રસિદ્ધ મહાનુભાવોએ તેમાં પોતાના સહજીવનની વાતો વાગોળી છે. એમાં રીસામણાં-મનામણાં, ઝઘડાં વગેરે બધું જ છે પરંતુ તે સાથે છે પરસ્પરનો આદર અને પ્રેમ. એકમેકને પરખવાની નહીં પરંતુ એકમેકને સમજવાની વિશાળ દ્રષ્ટિ છે. કોઈનું લગ્નજીવન એવું નહીં હોય કે જેમાં બે વાસણ ખખડ્યાં ન હોય ! સવાલ છે સમજદારીથી એકબીજાને સાચવી લેવાનો. આ પુસ્તકના લેખો ગૃહસ્થજીવનને વધારે મજબૂત કરે એવા છે. નાનામોટા મતભેદોને દૂર કરીને યોગ્ય સમજ આપે તેવા છે. પુસ્તક વસાવવાલાયક જ નહિ, વાંચવા અને જીવનમાં ઉતારવાલાયક છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘મીડિયા પબ્લિકેશન’ (જૂનાગઢ)નો ખૂબ ખૂબ આભાર. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

RANGYATRA125 ડિસેમ્બર, 1980થી શરૂ થયેલું અમારું સહજીવન (સગપણ), બે દાયકાથી પણ વધારે તેને માણી શક્યા છીએ સાથે-સાથે તેને નાણી કે પ્રમાણી પણ શક્યા છીએ. સહજીવનના ઉતાર-ચઢાવમાં સંગ તેવા રંગની અસરો બંનેને એકબીજાની જરૂર થઈ છે. જીવનના વિવિધ રસનો સ્વાદ માણ્યો છે. એમાં ઝઘડાઓ પણ ખરાં અને પ્રેમ પણ. આજે જ્યારે પાછું ફરીને જોવાનો સવાલ સામે આવ્યો ત્યારે પહેલા તો મનમાં એમ પણ થયું કે આ સહજીવનમાં એવું તો ખાસ શું છે કે એ વિશે લખવું પડે ?

આમ તો અમારું મળવું એ અમારા બંનેના પરિવારની સહમતી અને મરજીથી જ બન્યું હતું. એક કલાકાર. પોતાના પરિવારનો સૌથી નાનો સભ્ય અને વળી સગાઈ પછી તરત જ ઊનાથી સરકારી નોકરી છોડી મુંબઈમાં પોતાની સંગીતની કારકિર્દી બનાવવા નીકળેલા સુરેશ સાથે સગપણ : મારા મનમાં અનેક સવાલોની ભરમાર લઈને આવેલ. જ્યાં જઈ અને વસવાનું છે તે મુંબઈ શહેર નવું, મોટું અને ત્યારે તો જરા ડરાવનું પણ લાગતું હતું અને વ્યક્તિ (સુરેશ) પણ એકદમ નવી. જરા કાઠું પડશે એવું તો ધારી જ લીધેલું.

અમારા લગ્ન જૂન-1991માં થયા. એ સમયે આજ જેવી ફોન કે ઈન્ટરનેટની સુવિધાઓ તો શું, અમારા ઘરમાં ફોન પણ ન હતો. જોકે એ વાતનો આજે આનંદ છે કે વચ્ચેનો એ સમયગાળાનો અમારો પત્રવ્યવહાર અમને વધારે નજીક લાવવામાં કે ઓળખવામાં કારણ બન્યો. મુંબઈ જેવા દરિયા જેવડાં શહેરમાં સુરેશ સપનાઓ લઈ આવ્યો અને હું ઘણી બધી મૂંઝવણો. મુંબઈમાં પરિવારના કોઈ જ લોકો નહીં, પણ જળમાં કંકર નાખીએ અને જેમ વમળો રચાય તેમ સમયની સાથે-સાથે મિત્રોના વર્તુળો રચાતા ગયા જે આજે અમારાં પરિવારની ગરજ સારે છે. અમારા બેઉ જણના પારિવારિક વાતાવરણમાં ઘણી સમસ્યા હતી, શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા બંનેના પરિવારમાં લોકોની આવનજાવનથી વાતાવરણ સતત ધબકતું રહેતું. કોઈ મળવા આવે, તો કોઈ ભણવા આવે, તો કોઈ પુસ્તકો લેવા આવે, તો વળી કોઈ ભણતર કે નોકરીની ભલામણની ચિઠ્ઠી માટે, તો કોઈ એમ જ સુવાણે મળવા આવે. આ અમારા ઉછેરની સૌથી સમાન બાબત હતી. પરિવારોએ અમને લોકોની સાથે હળતાભળતા અને સંવાદ કલામાં માહેર કરવાનો જે સહજ પ્રયત્ન કરેલો, જે અમારા સમાજજીવન અને સહજીવન માટેનું ઉપકારક પરિબળ બની રહ્યું છે.

સુરેશ એકદમ સંવેદનશીલ અને ઋજુ સ્વભાવનો, જ્યારે હું સાવ એકદમ લાગણીશૂન્ય તો ન કહેવાઉ પણ થોડી વ્યવહારુ ખરી. જે-તે પરિસ્થિતિમાંથી બહાર આવી જવાની આવડત. સુરેશનો પહેલો પ્રેમ એટલે સંગીત : ગાવું, નવી-નવી રચનાઓનું સ્વરાંકન કરવું. ઘરમાં હોય ત્યારે પણ સતત આ પ્રવૃત્તિમાં જ રત હોય અને વળી અભ્યાસ તો સિવિલ એન્જિનિયરનો કરેલો તે નોકરી પણ ખરી જ. આથી શરૂઆતના દિવસોમાં તો મેં સુરેશને અનેક વાર કહ્યું હશે, ‘તમારા જેવા કલાકારોએ તો લગ્ન જ ન કરવા જોઈએ.’ પોતાનામાં જ રચ્યાપચ્યા રહેનારે આમ તો મને આ વિશે પહેલેથી જ કહી દીધેલું, પણ અનુભવ વગર તો…..

ભલે મને મનમાં થાય કે સુરેશ પોતાના કામમાં ખૂબ વ્યસ્ત અને મસ્ત રહે છે, પણ અમારું મુંબઈ આવવા માટેનું એકમાત્ર કારણ તો સંગીત જ હતું. લગ્ન પહેલાથી જ સુરેશ, ઉદય મઝુમદાર સાથે સંગીતને નાતે જોડાયો હતો એટલે બનતું એવું કે દિવસની નોકરી પૂરી કરી સાંજે ઑફિસથી સીધા જ ઉદયભાઈને ત્યાં સંગીતના કામ માટે જવાનો તેનો નિત્યક્રમ હતો. એ દિવસોમાં ઘરે આવવાનો સમય રાત કે મોડીરાતનો હતો. આ મારો રાહ જોયા કરવાના સમયની જાણ તો સુરેશને હતી જ આથી એક દિવસ એક પ્રસ્તાવ મૂક્યો કે હવે પછીના અમારા એક સંગીતના પ્રોજેક્ટમાં હું કામ નહીં કરું કારણ મને આપણા માટે સમય રહેતો નથી. વાત સાંભળતાં જરા હસી દેવાયું કે જે હેતુથી અહીં આટલે દૂર આ સ્વપ્ન નગરીમાં પડાવ નાખ્યાં છે તો આમ કામ છોડવાથી નહીં ચાલે. મેં તેને હું કોઈ કામમાં વ્યસ્ત રહેવા માંડીશ તેવી બાંહેધરી આપી. એટલે અમારું ગાડું પાછું ચાલવા માંડ્યું. મુંબઈમાં એક મિત્રના પરિવાર સાથે દસેક મહિના રહ્યાં પછી ભાડાંના મકાનમાં રહેવા ગયાં. આમ તો ત્યારથી જ અમારો ઘરસંસાર ખરા અર્થમાં શરૂ થયો કહી શકાય. ભાડે જ રહેવું તો કામ-નોકરીની જગાથી નજીકના વિસ્તારમાં રહેવું, ભલે ઘર નાનું હોય, એવું બંનેએ નક્કી કર્યું. ખરેખર અમારું એ પહેલું ઘર કુલ 165 ચો. ફૂટ. આજે પણ અમારું ઘર પ્રમાણમાં તો નાનું જ છે, પણ સમયની સાથે અમે વિસ્તરી ગયાં છીએ.

એ દિવસોની સુરેશની વ્યસ્તતાનો એક દાખલો. અમારે ઘર બદલવાનું હતું. સામાન તો મેં બાંધી તૈયારી કરી લીધેલી. તે સવાર એક મિત્ર અને બીજા અમારા એક વડીલ સ્નેહી મદદ માટે પણ આવી ગયેલા અને સુરેશ કહે મારે તો સ્ટુડિયોમાં રેકોર્ડિંગ માટે જવું પડશે….. હવે ? મને ખૂબ ગુસ્સો આવ્યો કે, ‘આ તે કેવી રીતે ?’ પણ એ તો ગયા. અમે સામાન ફેરવ્યો, બધું બરાબર પાર પડ્યું અને સાંજે આ બાબતે ઘરમાં ભારે બોલવાનું થયું. જોકે ચર્ચા સ્વરૂપે જ, પણ ત્યારથી અમારા વચ્ચે એક એવી સમજણનો સ્વીકાર થઈ ગયો કે ક્યારેય તમે કોઈ કામને હાથ પર લીધું હોય કે તે માટે સમય આપી દીધો હોય તો તેને જ પ્રાધાન્ય આપવાનું અને તે આજ સુધી અમે બંનેએ અમારા વ્યવસાયમાં ટકાવ્યું છે.

લગ્ન એટલે એક રીતે જોઈએ તો એકબીજા સાથેનું અનુકૂલન. બંનેના પરિવાર સાથેના સંબંધો પણ ખરાં જ. અમારાં બંનેના પરિવારો ખૂબ જ મોટા. આથી અહીં થોડા સમય ખૂબ એકલતા કે સાંજ પડે ઘરમાં મૂંઝારો પણ થતો. એની સામે ટકી રહેવા માટે મને વાંચનનો સધિયારો ખૂબ જ રહ્યો. મને મુંબઈ શહેર અને તેની લોકલ રેલવેની ખૂબ બીક હતી આથી એ શરૂના ચાર-પાંચ વરસોમાં મેં એવાં જ કામો કર્યા જે હું ઘરમાં રહીને જ કરી શકતી. એમ્બ્રોડરી, સિલાઈ, આસપાસના બાળકોને ભણાવવા, સાથેસાથે ખુદ પણ ખાસ કરીને મરાઠી ભાષા શીખવી વગેરે. સૌરાષ્ટ્રના મૂળિયા જે અમે અમારી માટી સાથે અહીં લાવ્યાં હતાં તે અહીં હવે ધીમેધીમે પ્રસરવા માંડ્યા. જે વર્તુળો બનાવવાનો નિર્ધાર કરેલો તે સાકાર કરવામાં અમે લાગી ગયા. મિત્રો અને ઓળખાણો વધવા-વધારવાની પ્રક્રિયાએ જોર પકડ્યું. સંગીતના, સાહિત્યના, અમારા ગામ ઉના-અમરેલીના વગેરે વગેરે અનેક સંપર્કો અને અમારા મૂળ ઘર જેવો માહોલ અહીં મુંબઈમાં પણ બનવા લાગ્યો. વળી અમારાં સહજીવનનો એક નવો વળાંક આવ્યો. સંતાનપ્રાપ્તિ માટેની ડૉક્ટરી દોડધામ, જેમાં ઘણાં વરસો ગયાં. એ સમય દરમિયાન માનસિક, શારીરિક, આર્થિક અને વ્યાવસાયિક સંકડામણોમાં બંનેને એકબીજાનો એવો સધિયારો રહ્યો છે જેનું શબ્દોમાં આલેખન કેમ કરી શકાય ? અંતે તેમાં સફળતા ન મળતા અમારા એક અંગત ડૉક્ટરના મત મુજબ કુદરતને હવાલે આ બધી બાબતો છોડીને આગળ વધવાના નિર્ણયને માથે ચડાવી અમે કામે લાગ્યા. જોકે આજ હું જે કાર્ય સાથે જોડાઈને કામ કરી રહી છું તેની શરૂઆત લગભગ આ સમયગાળામાં જ થઈ.

મેં મુંબઈમાં આવેલી ‘વાચા’ નામની એક મહિલા સંસ્થામાં કામ કરવાની શરૂઆત કરી. આપણા દેશના ખ્યાતનામ નારીવાદી વિચારધારાના પ્રતિનિધિ એવાં શ્રી સોનલ શુક્લ જે વાચા સંસ્થાના સંસ્થાપક-સંચાલક છે તેમની સાથે કામ કરવાની મને તક મળી. શ્રી સોનલબહેન શુક્લ એ મુ. શ્રી નીનુ મઝુમદારના દીકરી અને ઉદયભાઈનાં મોટાબહેન થાય. આમ અહીં ફરી મઝુમદાર પરિવાર અમારા વર્તુળને વિસ્તારવામાં કારણરૂપ બન્યો. વાચામાં શરૂમાં કિશોરીઓને ભણાવવાની મારી જવાબદારી હતી. આગળ જતાં તે વિષયને લગતા સંશોધનના કામમાં અને તેને સંલગ્ન બીજા અનેક કાર્યોમાં રસરુચિ પ્રમાણે જોડાતી ગઈ. મારી અનેક આવડતને પણ ખૂલવાનો મોકો મળ્યો. સંસ્થાના વિકાસની સાથેસાથે મારી વિકાસયાત્રા, જેની મેં મુંબઈમાં આવી ત્યારે કલ્પના પણ કરી ન હતી તે પૂરપાટ દોડવા માંડી. ‘વાચા’નો એ મુંબઈ સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કિશોરીઓ સાથેના કામનો એ શરૂનો તબક્કો હતો. ‘વાચા’ અને સોનલબહેન સાથેના દસ વર્ષના સમયગાળાએ અનેક અનુભવો, અનેક મિત્ર, અનેક લોકસંપર્કો, અનેક પ્રદેશો અને ભાષાનું ભાથું બાંધી આપ્યું.

આ કામને એક નોકરી ન કહું તો પણ અઠવાડિયાના પાંચ દિવસ કામના રહેતા, આથી ઘર અને તેની જવાબદારી જે આજ સુધી મેં સુરેશને સોંપી ન હતી તે ક્યારેક બરાબર ન થવાને કારણે મનમાં ખેદ રહેતો કે મારાથી આટલું પણ ન સાચવી શકાય ? ક્યારેક તો રડવું પણ આવી જતું. સુરેશને પોતાના કામોની વ્યસ્તતામાંથી મારો ચિંતિત ચહેરો ધ્યાન પર આવ્યો. સંસ્થાનું કામ છોડવા કરતાં ઘરકામમાં કોઈ મદદ કરનાર રાખવું વધારે યોગ્ય લાગ્યું. આ દસ વર્ષના ગાળામાં સંસ્થાના કામ માટે કે કોઈ પ્રકારની તાલીમ માટે મારે વધારે બહારગામ જવાનું થવા માંડ્યું. એ બે દિવસથી લઈને દસ-બાર દિવસ સુધીનું પણ થતું હતું. આથી ફરી ઘરમાં રસોઈકામ કરનારા એક બહેનનું આગમન થયું. આ બધાની સાથે મિત્રો મહેમાનોની આવનજાવન તો યથાવત જ હતી. બંને પોતપોતાના કામના આગોતરા આયોજનથી તેની વ્યવસ્થા કરી લેતા હતાં. લોકોના અનેક સવાલો, મુખ્ય તો એ કે ‘સુરેશ આ બધું ચલાવી લે છે કે પછી તેને આ બધું કેમ ફાવે કે કોઈના હાથનું કેમ ભાવે ?’ વગેરે વગેરે વચ્ચે અમે સાથે રહી એકબીજાના અનુકૂલનને મહત્વ આપ્યું. આમ કામની વહેંચણી નહીં, પણ આમ જે ઘરમાં હાજર હોય તેની જવાબદારી, એ પદ્ધતિએ અમારો સંસાર ચાલ્યો છે. પહેલા જ્યાં ભાડે રહેતા હતા ત્યાં અને હવે પોતાના ઘરના ઘરમાં, સુરેશની ઑફિસ છેલ્લાં પંદરેક વરસથી અમારા બિલ્ડિંગમાં જ રહી છે. આથી મોટા ભાગે મહેમાનો કે ઘરની કેટલીક જવાબદારીઓ તેના ભાગમાં વધારે પણ આવી હોય.

અમારા આ બધા કાર્યક્ષેત્રોમાં સંગીત અને સાહિત્યની પ્રવૃત્તિમાં અમે લગભગ સાથે જ હોઈએ. બાકી અમારા પોતાના કામમાં અમે સ્વતંત્ર એ એક અમારો સામાન્ય નિયમ બની ગયો છે. આમ કામમાં અને વ્યક્તિગત રીતે પણ જરૂર પડે ત્યારે એકબીજાને પોતપોતાની મોકળાશ આપીએ છીએ. કોઈ સાથે છે તેનો ડર કે સતત ભારનો અનુભવ નથી કર્યો જેટલો સાથની નિરાંતનો અનુભવ કર્યો છે. આમ બધો જ સમયગાળો જેના માટે સામાન્ય રીતે આપણે સૌ સંઘર્ષ શબ્દ વાપરીએ છીએ તેને અમે એક પ્રક્રિયા તરીકે જોયો અને માણ્યો પણ ખરો. પ્રવૃત્તિની વિવિધતા અને સંગીત સાહિત્યની સમાન રસરુચિને કારણે અમારા વચ્ચે અનેક વિચારભેદો રહ્યા છે અને રહેશે, પણ આ વિચારભેદ કે મતભેદને અમે મનભેદ સુધી ક્યારેય પહોંચવા જ નથી દીધાં. દરેક વખતે ખુલ્લી કે લાંબી ચર્ચાથી તેને ભેદવામાં અમે આજ સુધી તો સફળ રહ્યાં છીએ. આમાં અબોલા, ખાવાપીવાનું છોડવાનું, કાઠિયાવાડીમાં કહું તો ‘તોબરો ચડાવવાનો’ નહીં પણ સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરવાનો. એક બીજી ખાસ વાતનો અહીં હું ઉલ્લેખ કરવા માગું છું તે એ કે આટલા વરસોમાં અમે એકબીજાને બદલવાનો ખાસ પ્રયત્ન કર્યો નથી. સમય સાથે જે થોડાઘણા ફેરફારો થયા તેની સાથે આજે મુંબઈ શહેરમાં સ્થિર છીએ તે જ ગનીમત.

આજે આ રીતે સહજીવનના સમયને વાગોળવો ગમ્યો.

[કુલ પાન : 230. (પાકું પૂઠું, મોટી સાઈઝ). કિંમત રૂ. 300. પ્રાપ્તિસ્થાન : મીડિયા પબ્લિકેશન. 103-4, મંગલમૂર્તિ, કાળવા ચોક, જૂનાગઢ. ફોન : +91 285 2650505. ઈ-મેઈલ : media.publications@gmail.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “સહજીવન અમારું – દર્શના સુરેશ જોષી”

Copy Protected by Chetan's WP-Copyprotect.