શેરીની સંસ્કૃતિ – ભરત દવે

[ આદરણીય સુપ્રસિદ્ધ નાટ્યકાર શ્રી ભરતભાઈ દવેની આત્મકથાત્મક નાટ્યયાત્રાનું આ સુંદર પુસ્તક છે. આ પુસ્તકમાંના પ્રથમ પ્રકરણનો કેટલોક અંશ અત્રે સાભાર પ્રસ્તુત છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

RANGYATRAઆજે આપણે જેને નાટક કહીએ છીએ એ આકસ્મિક રીતે બની ગયેલ ભજવણીનું કોઈ સ્વરૂપ નથી. કોઈ પણ નાટકને ઊંડાણથી વાંચવા, લખવા, ભજવવા, સમજવા કે માણવા માટે કદાચ કોઈ નાટ્યશાસ્ત્ર ન વાંચ્યાં હોય તો પણ આપણી આસપાસના જગતને જોવા માટે કોઈ વિધિસરની તાલીમની જરૂર નથી. નાટક બનવા માટેનો કાચો માલ- રૉ મટીરિયલ- કોઈ શાસ્ત્રમાં શોધવાને બદલે જીવનના જુદા જુદા તબક્કાનું નિરીક્ષણ કરવા જેવું છે. આ નિરીક્ષણ આમ તો જાણ્યેઅજાણ્યે થતું જ રહેતું હોય છે. આપણે જન્મ્યા ત્યારથી આપણને મળેલું વાતાવરણ અને અનુભવો આપણાં જ્ઞાત-અજ્ઞાત મન પર નિશ્ચિત અસરો પાડતાં જ રહે છે.

આપણે જે મહોલ્લામાં, જે સોસાયટીમાં, જે શેરીમાં બાળપણ વિતાવ્યું ત્યાં જ આપણને જીવનના પહેલાવહેલા, નવાનક્કોર પાઠ શીખવા મળે છે. ત્યાં જ આપણે પહેલાવહેલા, કોઈ જ પ્રકારના પૂર્વગ્રહરહિત, સાવ સાચુકલા અનુભવોમાંથી પસાર થઈએ છીએ. આપણા સમગ્ર વ્યક્તિત્વ પર જબરો પ્રભાવ પાથરનાર આ અનુભવોને કદાચ ‘શેરીના સંસ્કાર’ કહી શકાય. હું તો ત્યાં સુધી કહીશ કે એક નાનકડી શેરીમાં વીતતું દસેક વર્ષનું બાળજીવન સ્થાનિક સ્તરની એક અનોખી સંસ્કૃતિનું સહજપણે રસપાન કરી લે છે. તેની સરખામણીએ આજનું વિશ્વ બદલાઈ ગયું છે. શેરીને સ્થાને મલ્ટીસ્ટોરી ટાવર્સ અને એપાર્ટમેન્ટ્સ આવી ગયાં છે. શેરીમાં આવતા ફેરિયાઓને સ્થાને ટેલિ-શોપિંગ અને મૉલ્સ આવી ગયા છે. દોસ્તોનું સ્થાન ટેલિવિઝન, મોબાઈલ અને ઈન્ટરનેટે લઈ લીધું છે. શેરીનું બાળપણ હવે કોચિંગ કલાસમાં, હોબી કે પર્સનાલિટી વર્કશોપ્સમાં, સાઈબર કાફેમાં કે કૉફી-હાઉસમાં વીતી રહ્યું છે. ઈલેક્ટ્રૉનિક ટેકનૉલોજીએ નક્કર વાસ્તવિકતાને virtual reality માં પલટી કાઢી છે.

અમે નાના હતા ત્યારે શેરીમાં કઠપૂતળીનો ખેલ દેખાડનારા આવતા. મોટા બિલોરી કાચવાળા ડબ્બાના બાકોરામાં મોં નાખી ભારે ઉત્સુકતાથી ‘આગ્રા કા તાજમહલ’ અને ‘દિલ્હી કા કુતાબ મિનાર’ જોતા; મદારીનું બીનુ વાગતું કે બધું છોડીને બહાર શેરીમાં દોડી જતા; ગંદા ગાભાચીંથરામાં લપેટાયેલો નાગ ટોપલામાંથી ફૂંફાડો મારી બેઠો થઈ જતો જોવાનો જબરો રોમાંચ હતો. નાગદેવતાનાં દર્શનની સાથે સાથે આ મદારી લોકો નાનામોટા જાદુ ને હાથચાલાકીના ખેલ પણ કરી બતાવતા. ચાલતા માણસો આ જોવા રોકાઈ જાય એવી જબ્બર પકડ હતી તેમની રજૂઆતમાં. એવી જ રીતે ડુગડુગી વાગતી કે તરત માંકડાનો ખેલ જોવા નીકળી પડતા. નાનકડું માંકડું પ્રેક્ષકોને સલામ ભરે, નાનકડી ગાડી ચલાવે, ભરવાડ બની, બંને હાથે ખભે ડાંગ મૂકી ઘેટાં ચરાવવાનો અભિનય કરે, નાનકડી લાલ ઓઢણી ઓઢેલી વહુ બની સાસરિયામાં પાણી ભરે, પ્રેક્ષકોમાંથી કોઈક વડીલના પગ દબાવી આપે. લોકો ખુશ થઈ તાલીઓનો ગડગડાટ કરતા રહે. બદલામાં તમે પાઈ-પૈસો આપો, રોટલો કે લોટ આપો કે પછી ખેલ પૂરો થતાં ખાલી હાથે ચાલતી પણ પકડો, કોઈ બળજબરી નહોતી.

ક્યારેક અંગકસરતના ખેલ કરનારા બજાણિયા પણ આવે. પુરુષ ઢોલ વગાડે ને સ્ત્રી બે વાંસ વચ્ચે બાંધેલ ઊંચા દોરડા પર સમતુલા જાળવતી ચાલે. નાનકડા ધાવતા બાળકને વાંસની ટોચ પર બાંધે અને એ વાંસને પોતાની છાતી કે ખભા પર ટેકવી સમતુલા જાળવી બતાવે. સ્ત્રી કે બાળક પ્રત્યે કરુણાથી ઊભરાઈ જઈ પ્રેક્ષકો સિક્કા નાખવા લાગે. કોઈક વળી આગાહી કરનારો, ભવિષ્યકથન કરનારો કે પ્રેક્ષકોમાંથી કોઈના વ્યવસાયને ઓળખી બતાવનારો ચમત્કારિક બળદ લઈને શેરીએ શેરીએ ફરતો દેખાય ! બેચાર મહિને કોઈ રામલીલા કે નાટકમંડળી પણ આવી ચડે. થોડાક પડદા કે પેટ્રોમેક્સથી કામ ચલાવી લે. કહેવાય રામલીલા પણ તેમાં ટુચકા, ગીતો, નૃત્યો, કૉમિક સંવાદો, મિમિક્રી બધુંય આવે. કૅવેન્ડર્સ સિગરેટ કે સાબુની જાહેરખબર કરનારા પણ ઊંચા ઊંચા વાંસની ઘોડી પર ચાલતા આવે અને મેગાફૉનની મદદથી જાહેરખબર કરે. બંને બાજુ સિનેમાનાં પોસ્ટર્સ ટીંગાડેલી હાથગાડી કે ઘોડાગાડી પણ નીકળે. તેની આગળ બૅગપાઈપ અને બૅન્ડવાજાં વગાડનારા ચાલતા હોય, ગાડીમાં ગ્રામોફોન પરથી ફિલ્મનાં ગીતો વાગતાં હોય અને હૅન્ડબિલ્સ પણ વહેંચાતાં હોય. આવા રંગરંગનાં ચોપાનિયાં લેવા અમે ઘોડાગાડીની પાછળ પાછળ બે-ત્રણ શેરીઓ સુધી દોડી જતા !

આ ઉપરાંત અઠવાડિયે- પંદર દિવસે એકાદ વાર કોઈને ત્યાં કથા બેસતી અથવા ભજનકીર્તન થતાં. કોઈને માતાજી આવે તો વાળ છુટ્ટા મૂકી ધૂણવા લાગે કે ભક્તિમાં લીન થઈ જઈ કરતાલ કે મંજીરા લઈ નાચવા માંડે. આ ઉપરાંત કોઈને ઘરે લગ્ન હોય તો પંદરેક દિવસ જબરી ધમાલ ચાલે. અઠવાડિયા-દસ દિવસ પહેલાં માંડવો બંધાઈ જાય, લગ્નગીતો ગવાવાં લાગે, ધામધૂમથી વરઘોડો નીકળે, આસપાસ માથા પર ગૅસની બત્તીઓ મૂકીને ગરીબ મજૂરો ચાલતા હોય, શણગારેલા ઘોડા પર સાફો ને માથે કલગી ખોસેલો વરરાજા બેઠો હોય. કેડે તલવાર લટકતી હોય. મોંમાં ગલોફે પાન ખોસ્યું હોય, સૌને મોખરે ઢોલ ને શરણાઈવાળા, કોઈક સુખી કુટુંબ હોય તો બૅન્ડવાજાંવાળા, તેના પછી વડીલો ઠાવકાં મોં રાખી ધીરે ધીરે ચાલતા હોય, રંગબેરંગી વસ્ત્રો ને ઘરેણાંથી લદાઈને લગ્નગીતો ગાતી સ્ત્રીઓ આનંદ-ઉલ્લાસથી છલકાતી હોય- શેરીમાં વસતા લોકો આ બધો ઠાઠમાઠ અને ઝાકમઝોળ જોવા ઘરનાં બધાં કામ છોડીને અત્યંત આતુરતાથી પોતપોતાનાં ઘરની ડેલીએ કે ઓટલે ચડી, શેરીની બે ય બાજુ ગોઠવાઈ ગયા હોય.

આ ઉપરાંત મૃત્યુ વખતની રોકકળ, છાતી કૂટવી, મરસિયા ગાવા, પોક મૂકી મૂકીને રડવું વગેરે બીજા છેડાની અભિવ્યક્તિ હતી. આખીય શેરીમાં વસતા લોકો આવી ઘટનાની સંપૂર્ણ આમન્યા જાળવતા. તેવી જ રીતે કોઈને ઘરે સીમંતની વિધિ, નામકરણ વખતનું ‘ઓળીઝોળી પીપળપાન’, મકરસંક્રાંતિ, હોળી, ધૂળેટી, બળેવ ને રક્ષાબંધન વગેરે ઉત્સવોમાં આનંદમસ્તીની સાથે ધાર્મિક ક્રિયાકાંડ અને દાનધરમનો મોટો મહિમા જોવા મળતો. મોળાક્ત અને જયાપાર્વતીનાં વ્રતો, દિવાસાનું જાગરણ, નવરાત્રિના ગરબા, ઘરે ઘરે માતાજીની સ્થાપના, દીવાથી ઝગમગતા ગરબા, નવ દિવસ ઘરે ગરબા ગાવા આવતી કન્યાઓ, દિવાળી સમયે ઘેર ઘેર બનતી મીઠાઈ ને ફરસાણ, આંગણામાં કરાતી રંગોળીઓ, દીવાનાં પ્રગટાવાતાં કોડિયાં, ફટાકડા વગેરે ઉજવણીઓ આ શેરીઓમાં રહેતા સાદા સીધા અભાવગ્રસ્ત માનવજીવનને આનંદઉત્સાહથી ભરી દેતાં. ધાર્મિક શ્રદ્ધા, ભક્તિ, તહેવાર, ક્રિયાકાંડ કે મનોરંજનના પ્રયોજન સાથે થતી આ ભજવણીઓ ઉપરાંત શેરીમાં અનેક પ્રકારના ફેરિયાઓ પણ નીકળતા. જેમ કે શાકભાજી વેચનારા, દહીંદૂધ વેચનારા, બરફના ગોળા ને કુલ્ફી વેચનારા, ચનાજોરગરમવાળા, વાસણકપડાંવાળા, પસ્તી-ભંગાર લેનારા, તલસાંકળી કે મગફળીની ચીકી વેચનારા, પિત્તળના ભંગારના બદલામાં ગુબીચ વેચનારા, બુઢ્ઢીના બાલ તરીકે ઓળખાતા રૂના લાડવા વેચનારા, ખભે લાલ કપડાં ઢાંકેલી કાવડ લઈ લોટ-અનાજના બદલામાં બાળકોને સાકરિયા કે પીપર વહેંચનારા, માથે જટા અને કમરે રંગબેરંગી ગાભાચીંથરાં ને બેચાર ટોકરીઓ લટકાવી ઘરે ઘરે ભીખ માંગતા ‘ટોકરિયા’ બાવાઓ વગેરે તે કાળે બાળસ્મૃતિમાં જડાયેલા રહેલા.

વળી શેરીમાં આવતા આ બધા આગંતુકો અને ફેરિયાઓ ચોક્ક્સ પ્રકારના અવાજ, રાગ, સંગીત, ધ્વનિ ને લહેકાથી પોતાના આગમનની જાણ કરતા. દરેકની લઢણ અને વાકછટા, ઘંટ કે નાની ઘંટડીઓનો રણકાર એકમેકથી સાવ અલગ અને મૌલિક હતાં. મોટાઓને મન ફેરિયાઓના આ વિવિધ અવાજોનો હેતુ પોતાના આવ્યાની જાણ અથવા રોજીરોટીનો હતો પણ અમને બાળકોને મન તો આ જુદી જુદી શૈલીમાં કરાતી જાહેરાતો ભરપૂર ગમ્મત ને મનોરંજન પૂરી પાડતી. અમુક ફેરિયા નીકળે એટલે તરત અમે ઘરની બહાર નીકળતા અને ફેરિયાઓના અવાજની કે ઍક્શનની નકલ ઉતારતા. કોઈ ઢીલો હોય તો તેની ટીખળ ને મશ્કરી પણ કરતા. કોઈક વાર ફેરિયો ચિડાઈને મારવા દોડે તો ઝડપથી દોડીને કોઈકના ઘરમાં ભરાઈ જતા ! આ બધા ઉપરાંત શેરીમાં હંમેશાં પ્રેમથી સાથે રહેતા અડોશીપડોશી ક્યારેક આપસમાં ઝઘડી પણ પડતા, બાળકોનાં ઉપરાણાં લઈને બૈરાંઓ સામસામે આવી જતાં, સ્ત્રીઓના ઝઘડા, બાળકોને મારઝૂડ, શેરીના નાકે કે ઓટલે બેસીને આવતાજતાઓને જિજ્ઞાસાથી જોતા રહેતા ઘરડેરાઓ, ડેલીના પાટિયે બેસી ગપસપ કે પંચાત કરતાં બૈરાંઓ, ભીખ માગતા ભિખારીઓ, સાધુબાવાઓ, ફાળો ઉઘરાવતા આશ્રમ-સંચાલકો, પાંજરાપોળવાળાઓ, ગૌભક્તો, યુવક કે સેવાદળના કાર્યકરો, સ્મશાને જતા કે નાહીને શેરીના નાકેથી પોક મૂકીને પાછા ફરતા ડાઘુઓ- આ બધાં પાત્રો, ઘટનાઓ, સારામાઠા પ્રસંગો, ક્રિયાકાંડો, ખેલતમાશા, ભજન-કીર્તન, કથાવાર્તા, રામલીલા ને બહુરૂપિયાઓ- આ બધું બાળચિત્ત પર ભજવણી રૂપે અંકાતું આવ્યું છે.

આજે વિચારું છું કે આ બધામાં performing artsના તમામ ઘટકો મોજૂદ હતા. જેમ કે આ બધા પ્રસંગો દરમ્યાન કરાતો ક્રિયાકાંડ, નાટકની ભાષામાં કહીએ તો action અથવા stage business, પ્રસંગને અનુરૂપ સાજસજાવટ એટલે કે તે ઘટના કે પ્રસંગને ઉપસાવતો સન્નિવેશ, એ દરમ્યાન પહેરાતાં નિશ્ચિત કપડાં એટલે કે વિશિષ્ટ વેશભૂષા, વારતહેવારે ગવાતાં ગીતો એટલે કે ચોક્ક્સ પ્રકારનું ગીત-સંગીત, નવરાત્રિ, દિવાળી, હોળી કે લગ્નપ્રસંગ વખતના દીવાબત્તી એટલે કે ખાસ પ્રકાશઆયોજન, સમગ્ર ઘટનાની તીવ્રતા દર્શાવતા રચાતું આનંદ, શોક કે ભક્તિનું વાતાવરણ, વગેરે વિગતો મારા જેવાનાં બાળચિત્ત પર એક વિશિષ્ટ ભજવણી- performance-ની જ અસર પાડતી. એક બાળમાનસ તો આ બધી ઘટનાઓને એક પ્રેક્ષકની તટસ્થતાથી જ નિહાળતું. આજે નાટકનું ભણ્યા બાદ, અનેક નાટકો ભજવ્યા બાદ, અનેક નાટકો જોયા બાદ લાગે છે કે નાટક જોવા, સમજવા, માણવા, લખવા ને ભજવવા માટેનું આ બધું raw material હતું. આ તમામ ઘટકોને યોગ્ય માત્રામાં ને ક્રમમાં કાપકૂપ કરીને કોઈક સળંગ વાર્તા, ઘટના કે પાત્રાલેખનના રૂપમાં સંયોજવામાં આવે તો તેમાંથી જ કદાચ કોઈક મનભાવન નાટ્યકૃતિ આકાર લેતી હશે ! અંતે ‘નાટક’ શું છે ? જીવનને જ સ્પર્શતી વિવિધ પળોનું ક્રમવાર ગોઠવાયેલું અર્થસભર સંયોજન જ ને ? જો કે આ પળો નીરખવી હવે એટલી સુલભ નથી રહી. છેલ્લાં પચાસ-સાઠ વર્ષોમાં શહેરો વિકસવાની સાથે સાથે માનવજીવન પણ ધરમૂળથી બદલાયું છે. આજે તો આપણી સામે સિનેમા, ટેલિવિઝન, રંગમંચ, ઈન્ટરનેટ વગેરે જેવાં અનેક જાહેરમાધ્યમો છે. ગામડે ગામડે ટીવી, મોબાઈલ, કાર અને કમ્પ્યૂટર પહોંચવા લાગ્યાં છે. જાહેરખબર, ખરીદવેચાણ, જનસંપર્ક અને મનોરંજન સંબંધી જાતજાતની ટેકનૉલૉજી આવી જવાને કારણે ઉપરોક્ત જણાવ્યા મુજબની ‘શેરીની સંસ્કૃતિ’ આજે લગભગ મૃતપ્રાય થઈ ગઈ છે. આજે થાય છે કે બચપણનાં એ સાત-આઠ વર્ષમાં મનુષ્યજીવનનાં કેટકેટલાં રૂપરંગ પ્રેક્ષકભાવે જોવા મળતાં ? તેમાંથી જીવનને તેની સમગ્રતામાં જોવાનું અને સ્વીકારવાનું શિક્ષણ પણ કેવું જાણ્યેઅજાણ્યે આપોઆપ મળી જતું ?

આજે એક ચિત્રપટ્ટીની જેમ આ બધાં સંસ્મરણો નજર સામે આવતાં મનમાં એક ઊંડી ઉદાસી અનુભવાય છે કે અડધી સદી પહેલાં જોયેલી મારી બચપણની એ શેરી દૂર ભૂતકાળમાં ક્યાંક વિલીન થઈ ગઈ છે.

[ કુલ પાન : 390. કિંમત રૂ. 350. પ્રાપ્તિસ્થાન : 35 MM 3-એ, ચંદ્ર કોલોની, સી.જી. રોડ, એલિસબ્રિજ, અમદાવાદ-380006. ફોન : +91 79 26761199. ઈ-મેઈલ : the35mm@gmail.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “શેરીની સંસ્કૃતિ – ભરત દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.