ભડલીવાક્યો – સં. જેઠાલાલ ત્રિવેદી

[પુનઃપ્રકાશિત, સૌ વાચકમિત્રોને હોળીના પર્વની શુભકામનાઓ. -તંત્રી.]

[‘ભડલીવાક્યો’ નામનું પુસ્તક 1964માં સસ્તુ સાહિત્યદ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું જે હાલમાં અપ્રાપ્ય છે પરંતુ એક સંસ્કૃતિ તરીકે આ પ્રકારના પ્રાકૃતિક વર્તારાઓનો પરિચય આપણને મળી રહે તે માટે પુસ્તકનો કેટલોક અંશ અહીં પ્રકાશિત કરવામાં આવે છે. – તંત્રી.]

ભારતના લોકસાહિત્યમાં ભડલીનાં વાક્ય બહુ જાણીતાં છે. લોકકવિ તથા જનતાના જ્યોતિષી તરીકે માત્ર ગુજરાતમાં જ નહિ, પણ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબ પર્યંત તેનું નામ જાણીતું છે. ભારત ખેતીપ્રધાન દેશ છે અને ખેડૂત જનતાને વરસાદ સાથે પરાપૂર્વનો સંબંધ છે. ભડલી આ ખેડૂત જનતાનો માનીતો જોષી છે. તેની વરસાદની આગાહીઓ ખેડૂતોનું પુરાણ બની ગઈ છે.

તેથી કહેવતો ખેડૂતોને કંઠે ચઢી અમર બની છે. વાદળ, વીજળી, વાયુ, તાપ, મેઘગર્જના કે મેઘધનુષ વગેરે ચિન્હો જોઈને ચાર-છ માસ અગાઉથી વરસાદ ક્યારે અને કેવો પડશે તેની આગાહી ભડલીવાક્યોમાં જોવા મળે છે. એ આગાહીમાં ખેડૂતો ખૂબ શ્રદ્ધા ધરાવે છે. ભડલીવાક્યોને આધારે વર્ષમાં ક્યો પાક થશે કે નહિ થાય તેની વિચારણા ખેડૂતો અગાઉથી કરે છે.

ભડલી કોણ હતા ? વાયુચક્રશાસ્ત્રના આવા મહાન પંડિત ભડલી (ભડ્ડરી) કોણ હતા તે વિષે ચોક્કસ-વિશ્વસ્ત માહિતી મળતી નથી. તે ક્યારે અને ક્યા પ્રદેશમાં થઈ ગયા તે વિષે પણ ચોક્કસ પ્રમાણ મળતાં નથી. છતાં આજ સુધીમાં ભડલી વિષે જે હકીકત-દંતકથાઓ વગેરે ઉપલબ્ધ થયેલ છે, તેનો અહીં સંક્ષેપમાં ઉલ્લેખ કર્યો છે. ગુજરાતમાં મારવાડના જોશી ઉધડ(હુદડ)નું નામ ખૂબ લોકજીભે ચઢેલું છે. આ ઉધડ જોશીએ ગુર્જરેશ્વર સિદ્ધરાજને સિદ્ધપુર (શ્રીસ્થળ)માં તેણે બંધાવેલા રુદ્રમહાલય (રુદ્રમાળ)નું ખાતમુહૂર્ત કાઢી આપ્યું હતું તેવી દંતકથા પ્રચલિત છે. શેષનાગના માથા ઉપર ખીંટી વાગે તેવું મુહૂર્ત ઉધડ જોશીએ રાજાને આપેલું હતું. પણ બીજા ઈર્ષાળુ બ્રાહ્મણોની શીખવણીથી રાજાએ ખાતમુહૂર્તની ખીંટી શેષનાગના માથે વાગી છે કે નહિ તેની ખાતરી કરી આપવા ઉધડજોશીને આગ્રહ કર્યો. રાજાનો અતિ આગ્રહ જોઈ ઉધડ જોશીએ ખાતમુહૂર્તની ધરતીમાં ખોડેલી ખીંટી ખેંચવાનું રાજાને કહ્યું. ખીંટી ખેંચતા જ ધરતીમાંથી લોહીની ધારા ફૂટી.

આ ચમત્કાર જોઈ રાજા તથા બીજા બ્રાહ્મણો ચકિત થઈ ગયા. નારાજ થયેલા ઉધડે રાજાને ખીંટી ફરી ધરતીમાં દાબી દેવાનું કહ્યું. રાજાએ તે પ્રમાણે ખીંટી પુન: દબાવી દીધી પણ શેષનાગ આગળ સરકી જવાથી તે ખીંટી શેષનાગના માથાને બદલે પૂંછડી પર બેઠી. આ રીતે રાજાની હઠથી જોશીએ આપેલું શ્રેષ્ઠ મુહૂર્ત હાથથી ગયું અને તેથી રુદ્રમાળનો વિધર્મીઓને હાથે નાશ થયો.

આ ઉધડ (હુદડ) જોશીની એકની એક પુત્રીનું નામ ભડલી હતું એવી લોકમાન્યતા છે. ભડલી અને ઉધડ બેઉ ઘેટાં-બકરાં ચરાવતાં અને વનમાં રખડતાં. તે બેઉને આકાશના રંગ, વાદળ, વાયુ, મેઘધનુષ, વૃષ્ટિ, વીજળી વગેરે પ્રકૃતિની લીલાના ફેરફારોનું અવલોકન-અભ્યાસ કરવામાં ખૂબ રસ પડતો. એ અભ્યાસને પરિણામે પિતા-પુત્રીવર્ષાની આગાહીઓના દોહરા-ચોપાઈ રચી લલકારવા લાગ્યાં અને તે જનતામાં પ્રચાર પામ્યાં.

ઉત્તરપ્રદેશની દંતકથા : ઉત્તર પ્રદેશની જનતામાં પ્રચલિત દંતકથા પ્રમાણે ભડલીના પિતા કાશીના પંડિત (જોશી) અને માતા આહીરાણી હતી. કાશીમાં રહેલા એક જોશીને એક વખતે એવું સરસ મુહૂર્ત જડી આવ્યું કે તે મુહૂર્તમાં ગર્ભાધાન થાય તો ત્રિકાલજ્ઞાની પુત્ર પેદા થાય. આથી જોશી આ મુહૂર્તનો લાભ ઉઠાવવા માટે કાશીથી પોતાને ગામ પોતાની પત્ની પાસે જવા નીકળ્યા. પણ એમનું ગામ દૂર હતું. મુહૂર્ત વીતી જતા પહેલાં પોતે ઘેર નહિ પહોંચી શકે એમ જોશીને લાગ્યું. તે નિરાશ થઈને સાંજ પડતાં એક ગામમાં થાક ખાવા માટે બેઠા. નજીકમાં એક આહિરનું ઘર હતું. તેની યુવાન કન્યાએ તેમની ખાવાપીવાની વ્યવસ્થા કરી. બ્રાહ્મણનું મન ખૂબ ઉદાસ જોઈ આહીરાણીએ તેનું કારણ પૂછ્યું. બ્રાહ્મણે તેને પોતાના મનની મૂંઝવણ જણાવી. તે સાંભળી આહીરાણીએ પોતે જ તે મુહૂર્તનો લાભ ઉઠાવવા ઈચ્છા બતાવી. પરિણામે ગર્ભાધાન થયું અને આહીરાણીને યોગ્ય સમયે પુત્રનો પ્રસવ થયો. તે જ પુત્ર ભડલી નામે ઓળખાયો.

ભડલીની મા કોઈ રાજાના રાણીવાસમાં નોકરી કરતી હતી. ત્યાં પાંચેક વર્ષનો થયો. તે બહુ બુદ્ધિશાળી અને ચકોર હતો. તે રાજાની રાણીને પુત્રનો જન્મ થતાં વિદ્વાન જ્યોતિષીઓને બોલાવી રાજાએ જન્માક્ષર મંડાવ્યા. ગ્રહબળ જોઈ જોશીઓને કહ્યું : ‘બાળક દુરાચારી થશે અને તેને લીધે તેનાં માતાપિતા ઉપર બહુ આફત આવશે.’ બહુ વિચારણા પછી રાજાએ બાળકનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. તે બાળકને નગર બહાર ફેંકી દેવડાવ્યો અને ત્યાં તે આપોઆપ મરી જશે એમ સૌએ માન્યું. પછી દાસીઓ સુવાવડવાળા ઓરડાની સફાઈ કરવા લાગી. તે વખતે ભીંત ઉપર કાંઈક લખેલું જણાયું. એક ભણેલી દાસીએ વાચ્યું. તેમાં આ પ્રમાણે લખ્યું હતું : ‘આ બાળક બહુ ભાગ્યશાળી થશે. સંસારમાં કોઈ જ તેનો વાળ વાંકો કરી શકશે નહિ.’

આ વાત રાજા સુધી પહોંચી. રાજાએ જાતે આવી ભીંત ઉપરનું આ લખાણ વાંચ્યું. તેને બહુ નવાઈ લાગી. બહુ તપાસ કરતાં ખબર પડી કે, બાળક ભડલીએ આ લખ્યુ હતું. રાજાએ તેને બોલાવી પૂછતાં તેણે તે લખ્યાનું કબૂલ કર્યું.
રાજાએ કહ્યું : ‘બાળક, તું નાદાન છે. તારી લખેલ વાત ખોટી છે. એ બાળક તો મરી ગયો.’
ભડલીએ કહ્યું : ‘ખોટી વાત છે. એ બાળકને બ્રહ્મા પણ મારી શકે તેમ નથી.’
રાજાએ કહ્યું : ‘એ બાળક મરી ગયો હોય તો તને મારે શી સજા કરવી ?’
ભડલીએ હિંમતથી કહ્યું : ‘આપને જે કઠોરમાં કઠોર સજા કરવી હોય તે કરજો.’

પછી બાળકની તપાસ કરવામાં આવી. રાજાના સેવકોએ જઈ જોયું તો બાળકને જે ખાડામાં ફેંક્યો હતો ત્યાં જ હાથપગ હલાવી રમતો હતો. એક નાગ તેની ચોતરફ કૂંડાળું વાળી ચોકી કરતો હતો. નાગ પોતાની ફણાથી તેને છાયા પણ કરી રહ્યો હતો. આ વાત જાણી રાજા જાતે ત્યાં દોડતો આવ્યો અને રાજાની પ્રાર્થનાથી પેલો નાગ ત્યાંથી જતો રહ્યો. રાજા તથા સેવકો બાળકને લઈને મહેલમાં આવ્યા.

તે દિવસથી બાળ ભડલીનું રાજા ખૂબ સન્માન કરવા લાગ્યો. રાજા જ્યોતિષીઓને ખોટું ભવિષ્યકથન કરવા માટે શિક્ષા કરવા તૈયાર થયો ત્યારે ભડલીએ કહ્યું : ‘જ્યોતિષીઓનો કાંઈ વાંક નથી. બાળકના જન્મનો જે સમય તેમને બતાવવામાં આવ્યો હતો તે ખોટો હતો, તેથી જ ખોટું ભવિષ્ય કહેવાયું હતું.’ આ રીતે ભડલીએ જ્યોતિષીઓને બચાવી લીધા. આ પ્રકારની જુદી જુદી દંતકથાઓ ઈતિહાસમાં મળે છે. પ્રસ્તુત છે કેટલાક ભડલી વાક્યો

(સાખી)
નામ ગણાવે ગરભનું, જોયે એમ સહદેવ;
ગરભ કહે તે જાણજો, માસમાસમાં એવ.
(ચોપાઈ)
વાદળ વાયુ વીજ વરસંત, કડકે ગાજે ઉપલ પડંત;
ધનુષ અને પરિવેશે ભાણ, હિમ પડે દશ ગરભ પ્રમાણ.

[અર્થ]
કારતક-માગશરથી વરસાદનો ગર્ભ બંધાવવા લાગે છે. એ ગર્ભનાં લક્ષણો જોઈને 135 દિવસ બાદ ક્યારે કેટલો વરસાદ ચોમાસામાં થશે કે નહિ થાય તે કહી શકાય છે. વાદળ, વાયુ, વીજળી, વરસાદ, આકાશના કાડાકા, ગર્જના, ઝાકળ પડવું, મેઘધનુષ, સૂર્ય પર મંડળ થવું અને હિમ પડવું એ દશ લક્ષણ વરસાદના ગર્ભનાં છે.

(ચોપાઈ)
કાર્તક સુદ બારસે દેખ, માગશર સુદ દશમી તું પેખ,
પોષ સુદ પાંચમ વિચાર, માઘ સુદિ સાતમ નિરધાર;
તે દિન જો મેઘો ગાજંત, માસ ચાર અંબર વરસંત.
ફાગણી પાંચમ ચૈત્રી ત્રીજ, વૈશાખી પડવો ગણી લીજ;
એહ દિન જો ગાજે મેહ, લાભ સવાયો નહિ સંદેહ.

[અર્થ]
કારતક સુદિ બારસ, માગશર સુદિ દશમ, પોષ સુદિ પાંચમ અને મહા સુદિ સાતમે જો મેઘ ગાજે તો ચોમાસામાં ચારે માસ વરસાદ થાય. તેવી જ રીતે ફાગણની પાંચમ, ચૈત્રની ત્રીજ અને વૈશાખના પડવાને દિને મેઘ-ગર્જના થાય તો વરસાદનો ગર્ભ બંધાયો એમ સમજવું. આ તિથિઓ મારવાડી મહિના પ્રમાણે કૃષ્ણપક્ષની સમજવી. જેવી રીતે વરસાદનો ગર્ભ બંધાય છે, તેવી જ રીતે અમુક કારણો પેદા થતાં તે ગળી પણ જાય છે. તે વિષેની વિગતો માસવાર ભડલીનાં વાક્યોમાં આપી છે.

[ચાલુ પોષ માસ માટે ભડલી વાક્યો ]

પોષ સુદિની સપ્તમી ને આઠમે ગાજ.
ગર્ભ હોય તે જાણજો, સરશે સઘળાં કાજ.

[અર્થ]
પોષ સુદિ સાતમ અને આઠમે મેઘ ગાજે તો ગર્ભ બંધાયો સમજવો અને તેનાથી સઘળાં કાર્ય સિદ્ધ થશે – ચોમાસામાં સારો વરસાદ થશે. પોષ વદિ સાતમે વાદળ હોય પણ વરસાદ ન થાય તો શ્રાવણી પૂનમે ચોક્કસ વરસાદ થાય. પોષ વદિ દશમે વાદળ અને વીજળી થાય અને પોષ વદિ તેરસે ચારે તરફ વાદળ થાય તો શ્રાવણની પૂનમ તથા અમાસે સારો વરસાદ થાય. પોષની અમાસે મૂળ નક્ષત્ર હોય અને ચારે તરફથી વાયુ વાય તો જરૂરથી છાપરાં બાંધી લેવાં; કારણ કે ખૂબ વરસાદ પડશે.

પોષની અમાસે શનિ, રવિ કે મંગળ આવે તો અનાજ બમણું, ત્રમણું અને ચારગણું મોંઘું થાય. સોમ, શુક્ર અને ગુરુ હોય તો લોકો સુખી થાય. ધનનો સૂરજ હોય ત્યારે મૂળ વગેરે નવ નક્ષત્રોમાં વાદળ થાય તો ચોમાસે વરસાદ સારો થાય એમ સમજવું. પોષ માસમાં વીજળીઓ થાય, મેઘ ગાજે અને વરસે તો વરસાદનો ગર્ભ બંધાયો તેમ જાણવું. પોષની પૂનમે મેઘ ગાજે અને આકાશમાં વીજળીઓ ઝબૂકે તો ભડલી કહે છે કે, માત્ર બીજનો જ સંઘરો કરો. અર્થાત વરસ સારું પાકશે.

[નક્ષત્રવિચાર]
(ચોપાઈ)

અશ્વિની ગળતાં અન્નનો નાશ,
રેવતી ગળતાં નવ જળ આશ;
ભરતી નાશ તૃણનો સહી,
વરસે જો કદી કૃતિકા નહીં.

[અર્થ]
અશ્વિનીમાં વરસાદ પડે તો અન્નનો નાશ થાય અને રેવતીમાં પડે તો પાણીની આશા ન રાખવી. ભરણીમાં વરસાદ પડે તો ઘાસનો નાશ થાય. પણ કૃત્તિકા નક્ષત્ર ન વરસે તો જ આ ખરાબ ફળ મળે છે. જો કૃતિકામાં વરસાદ પડે તો અગાઉનાં ત્રણે નક્ષત્રોના દોષ મટી જાય છે. કૃતિકામાં છાંટા થાય તો કલ્યાણકારી ગણાય છે. ભરણીમાં વરસાદ પડે તો તે બહુ ખરાબ ગણાય છે. કહેવત છે કે : ‘જો વરસે ભરણી તો નાર મેલે પરણી’ ભરણી વરસે તો એવો ભયંકર દૂકાળ પડે કે ખુદ સ્વામી સ્ત્રીને ત્યજીને જતો રહે. કૃત્તિકા નક્ષત્રમાં માત્ર વીજળીનો એક ઝબકારો થાય તો પણ આગલાં ત્રણ નક્ષત્રના દોષ મટી જાય છે, એવી પણ રાજસ્થાનમાં કહેવત છે.

[હોળીના પવન વિશે]

ફાગણ સુદિ પૂનમે હોળીના સમયે હોળીની વચ્ચે ધજા રોપીને પવન જોવાનો રિવાજ પરાપૂર્વથી છે. તે પવન ઉપરથી સુકાળ કે દુકાળનું સૂચન ભડલી નીચે પ્રમાણે કરે છે.

(ચોપાઈ)
હોળી દિનનો કરો વિચાર, શુભ અને અશુભ ફળ સાર;
પશ્ચિમનો વાયુ જો વાય, સમય એ જ સારો કહેવાય.
વાયુ જો પૂરવનો વાય, કોરો ને કંઈ ભીનો જાય;
દક્ષિણ વાયુ ધનનો નાશ, એ સમય ન ઊપજે ઘાસ.
ઉત્તરનો વાયુ બહુ હોય, પૃથ્વી પર પાણી બહુ જોય;
જો વંટોળો ચારે વાય, પ્રજા દુ:ખમાં ઝૂરે રાય.
જો વાયુ આકાશે જાય, પૃથ્વી રણસંગ્રામ બતાય;
ફાગણની પૂનમને દિન, હોલી સમયે પારખ કીન.

[અર્થ]

હોળીના દિવસના પવન ઉપરથી શુભાશુભ ફળનો વિચાર કરવો. જો પશ્ચિમનો વાયુ વાતો હોય તો તે ઉત્તમ ફળ આપનારો જાણવો. જો પૂર્વનો વાયુ હોય તો વરસ કાંઈક સૂકું અને કાંઈક વરસાદવાળું નીવડે. દક્ષિણનો વાયુ હોય તો પશુધનનો નાશ થાય અને ઘાસ બરોબર ન થાય. ઉત્તરનો પવન હોય તો બહુ વરસાદ થશે એમ જાણવું. પવન ચારે તરફ ઝંકોરાય તો પ્રજા દુ:ખી થાય અને રાજા ઝૂર્યા કરે. જો પવન આકાશ તરફ જાય તો પૃથ્વી પર યુદ્ધ થાય.

[વૃષ્ટિનાં લક્ષણ]

(સાખી)
જળચર જળ ઉપર ભમે, ગો નભ ભણી જોવંત;
ભડલી તો એમ જ ભણે, જળધર જલ મેલંત.
પિત્તળ કાંસા લોહને, જે દિન કાળપ હોય;
ભડલી તો તું જાણજે, જળધર આવે સોય.
હોય પાણી કળશે ગરમ, ચલ્લીઓ દૂળે ન્હાય;
ઈંડાળી કીડી દીસે, તો વરષા બહુ થાય.
પવન થક્યો તેતર લવે, ગુડ રસી દે નેહ;
ભડલી તો એમ જ ભણે, તે દિન વરસે મેહ.
બોલે મોર મહાતુરો, હોયે ખાટી છાશ;
પડે મેઘ મહી ઉપરે, રાખો રૂડી આશ.

[અર્થ]
જળચર જળ ઉપર ભમવા માંડે અને ગાયો આકાશ ભણી તાકે ત્યારે, ભડલી કહે છે કે, તુરતમાં વરસાદ પડશે. પિત્તળ, કાંસા અને લોઢાને જ્યારે કાળાશ (કાટ) ચઢે ત્યારે જાણવું કે ઝટ વરસાદ થશે. લોટાનું પાણી ગરમ થઈ જાય, ચકલીઓ ધૂળમાં નહાય અને ઈંડાવાળી કીડીઓ દેખાય તો તે ભારે વરસાદનાં ચિહન જાણવાં. પવન પડી જાય, તેતર ચીસ પાડે અને ગોળ રસીને ચીકણો થાય તે દિવસે વરસાદ થાય. મોર વારંવાર બોલે અને છાશ ખાટી થાય તો વરસાદ થાય.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “ભડલીવાક્યો – સં. જેઠાલાલ ત્રિવેદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.