ગીત ગાવું તો પ્રીતનું ગાવું – સં. રમેશ સંઘવી, સત્યમુનિ

[ લગ્નજીવન વિશેના સુંદર વિચારો, ગીતો, કાવ્યોના સમન્વયરૂપ પુસ્તક ‘ગીત ગાવું તો પ્રીતનું ગાવું’માંથી કેટલાક અંશો અત્રે સાભાર પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

geet[1] નવવિવાહિતને પત્ર – શ્રી માતાજી

તમારા દૈહિક જીવનમાં, ભૌતિક હેતુઓમાં એક બનવું, જીવનની સમસ્યાઓ, સફળતાઓ, પરાજય અને વિજયમાં સાથે મળીને ઝૂઝવું તે લગ્નનો પાયો છે એ તમે જાણો છો; પરંતુ એ પૂરતું નથી. સંવેદનાઓમાં એક બનવું, એક જ પ્રકારનો સૌંદર્યબોધ અને રસ હોય, સમાન બાબતોથી અભિભૂત થવું, એકબીજા દ્વારા અને એકબીજા માટે સંવેદના હોવી તે સારું છે; જરૂરી પણ છે, પરંતુ એ પૂરતું નથી.

તમારી ઊંડી લાગણીઓમાં એક બનવું, પારસ્પરિક સ્નેહ અને કોમળતા હોય જે જીવનના સૌ પ્રહરોમાં બદલે નહીં અને કંટાળો, ગુસ્સો અને નિરાશામાં પણ અકબંધ રહે, અને હંમેશાં દરેક પ્રસંગે ખુશ રહેવું, સાથે રહેવું અને પરસ્પરમાં સર્વ સંજોગોમાં શાંતિ, સમતા અને આનંદ મેળવવો તે સારું છે, ખૂબ જ સારું છે, અનિવાર્ય પણ છે; પરંતુ તે પણ પૂરતું નથી.

મનમાં એક રહેવું, તમારા વિચારોમાં સંવાદિતા હોય અને તે એકબીજાના પૂરક હોય. તમારા બૌદ્ધિક રસો અને શોધોમાં પરસ્પર ભાગ લેવો; ટૂંકમાં મનની પ્રવૃત્તિનો વિસ્તાર સાધીને બન્ને દ્વારા તેને વિશાળ અને સમૃદ્ધ બનાવવી એ સારું છે, તે સંપૂર્ણતઃ જરૂરી છે, પરંતુ એ પૂરતું નથી. આ બધાથી પર, ઊંડાણમાં, કેન્દ્રમાં અસ્તિત્વના શિખર પર પરમ સત્ય, સનાતન પ્રકાશ છે, જે જન્મ, દેશ, પર્યાવરણ, શિક્ષણ બધાંથી સ્વતંત્ર છે: તે જ આપણી નિયતિને ઘડે છે, તેની ચેતનામાં જ તમારે ઐક્ય સાધવાનું છે. આ અભીપ્સા અને ઊર્ધ્વગમનમાં એક રહેવું, આધ્યાત્મિક રાહ પર સમાન રીતે ડગ માંડવા તે જે સનાતન ઐક્યનું રહસ્ય છે.
.

[2] લગ્નસંબંધ દ્વારા ગૃહસ્થાશ્રમ સ્વીકારીને બંનેએ એકબીજાની ઉન્નતિમાં મદદ કરતાં રહીને, સાથે મળીને સમાજનાં કર્તવ્યો પાર પાડીને શ્રેય સાધવાનું છે. પેઢી દર પેઢી ચાલતા આવેલા અને વધતાં વધતાં આપણા સુધી આવી પહોંચેલા માનવતાના વારસાને વધારે પવિત્ર, વ્યાપક, ઉદાત્ત અને વૃદ્ધિગત કરી તેને આપણાં સંતાનમાં ઉતારી આપણી ભાવિ પેઢીને માનવતાના માર્ગમાં જન્મથી જ વધારે લાયક બનાવવા માટે તે છે. – કેદારનાથજી
.
[3] લગ્નભાવના માત્ર એકલા ભોગવિલાસ માટે નથી. એ તો તપશ્ચર્યા માટે છે. સમાજનું, દેશનું, પિતૃઓનું ઋણ અદા કરવા માટેનું એ ઉત્તમ સાધન છે. હૃદયથી શુદ્ધ સાત્વિક ભાવના કેળવીને આત્માના સ્વરૂપમાં એકબીજાને ઓળખીને જે જગતને ચરણે એકાદ બુદ્ધ ભગવાન, એકાદ ઈશુ ભગવાન, એકાદ શંકરાચાર્ય કે એકાદ જ્ઞાનદેવની ભેટ ધરશે, તેણે જગતની મોટી સેવા કરી લેખાશે. – પૂ. મોટા
.
[4] દરેક વ્યક્તિમાં સ્ત્રી-પુરુષનો અંશ હોવો જોઈએ; પણ તેથી પુરુષે કંઈ નકલી સ્ત્રી બનવાનું નથી, તેમ સ્ત્રીએ પુરુષની કાર્બનકૉપી બનવાની જરૂર નથી. સ્ત્રીમાં જ્યારે સ્ત્રીના ગુણોનો વિકાસ થાય છે, ત્યારે પુરુષના ગુણોના સંયોગથી એનું વ્યક્તિત્વ સંપન્ન થાય છે. એ જ રીતે પુરુષમાં જ્યારે પુરુષના ગુણોનો વિકાસ થાય છે, ત્યારે સ્ત્રીના ગુણોના સંયોગથી એનું વ્યક્તિત્વ સંપન્ન થાય છે. આવી સંયુક્ત વિભૂતિ એ ન તો અર્ધનારીશ્વર છે કે ન તો અર્ધનરેશ્વર છે; પણ તે સંપૂર્ણ નારીનરેશ્વર છે અને સ્ત્રી-પુરુષ સમાનતાનું પ્રતીક છે. – દાદા ધર્માધિકારી
.
[5] દાંપત્ય-સંહિતા – સત્યમુનિ

(ક) સંબંધના મૂળમાં એ વાત પણ સમાયેલી છે કે : પુરુષ એકલો અધૂરો છે, તેમ સ્ત્રી પણ એકલી અધૂરી છે. પ્રકૃતિએ એકબીજાની પૂર્તિ માટે જ એકબીજાને ઘડ્યાં છે.

(ખ) એકબીજાનાં કાર્યો કે વ્યવહાર વિશે કહેવાપણું જણાય ત્યારે ટીકારૂપે કહેવા કરતાં, નિવેદનરૂપે જ કહેવું.

(ગ) ગમા-અણગમા અને રસ-રુચિ ભિન્ન હોવાનાં, પ્રેમયોગને આંચ ન આવે તેમ તેને મઠારવાનું કામ કરતા જ રહેવાનું છે.

(ઘ) બુદ્ધિને બોલતી બંધ કરીએ અને હૃદયની વાણીને વહેતી કરી તેમાં જો વહીએ તો કેટલીય સમસ્યાઓ પેદા જ ન થાય.

(ચ) જીવન પ્રત્યેનો વિધાયક દષ્ટિકોણ અને વ્યવહારોમાં ખુલ્લાપણું કદી ન છોડવાં.

(છ) તમારી આંખોમાંથી એકબીજા પ્રત્યે સદા અમી વરસજો અને વાણીમાં સ્નેહ નીતરજો.

(જ) સાદગીના સૌંદર્ય અને નિર્ભારપણાને જાણજો અને માણજો.
.

[6] ગૃહસ્થાશ્રમ = સત્ય + સેવા + સંયમ – વિનોબા ભાવે

હિંદુધર્મને હું જાણું છું તે મુજબ તેમાં કામવાસનાને ઘૃણિત માની નથી, નથી તેને દબાવવામાં આવી; પણ વાત તેનાથી ઊલટી છે. ‘ધર્માર્થકામાઃ સમમેવ સેવ્યાઃ’ ધર્મ, અર્થ, કામ એ ત્રણે પુરુષાર્થોનું સમાન સેવન કરવું જોઈએ. ધાર્મિક બનવા માટે પત્નીને સાથે રાખી વ્યવહાર કરવાનો હોય છે. અર્થ-પ્રાપ્તિમાંયે સમાન વ્યવહાર કરવાનો છે. એટલે કે જે ઉદ્યોગમાં તમે પડ્યા હો તેની તાલીમ પત્નીને પણ આપવી જોઈએ. તે જ પ્રમાણે કામમાં પણ સમાન વ્યવહારની વાત કહી છે.

[7] સ્ત્રી-પુરુષની બાબતમાં હૃદયનો વિનિમય એ બહુ જ સામાન્ય ઘટના છે- રોજ રોજ બને છે. છતાં એ દાન અને એનો સ્વીકાર કોઈ એક વ્યક્તિના જીવનમાં કેટકેટલા વિચિત્ર અને વિસ્મયજનક રંગોથી ઝળહળી ઊઠે છે ! યુગોયુગોથી એ મનુષ્યોનાં મનને ભીંજવે છે, અને છતાંયે એનો મહિમા ભુલાતો નથી કે ભૂંસાતોય નથી. એ અક્ષય સંપત્તિ આજે પણ માણસને મહાન બનાવે છે, બળવાન બનાવે છે, અકલ્પ્ય કલ્યાણની અવનવી સૃષ્ટિ સરજાવે છે. – શરદબાબુ

[8] હે પ્રભુ ! નાદાન પતિદેવોને પત્નીઓની ઝંખના જાળવવાની સદબુદ્ધિ આપજે અને રસોડાબદ્ધ પત્નીઓને પતિઓનાં અરમાનોને સમજવાની સન્મતિ આપજે અને હે પ્રભુ ! અમારી પછીની પેઢીને અમે વેઠ્યા તેવા વાસી અને બંધિયાર અત્યાચારોથી ઝટપટ મુક્ત કરજે. – ગુણવંત શાહ

[9] એક નિઃસહાય એકલવાયા વૃદ્ધનું સહેજ મલકીને અભિવાદન કરવું તે પ્રેમ છે, ખીલેલા મોગરા પાસે ક્ષણવાર ઊભા રહી બંધ આંખે તેની મહેક ઝીલવી તે પ્રેમ છે, પથ્થરની તપ્ત ભૂમિ પર તરફડતા અળસિયાને હળવેથી ઊંચકી શીળી માટીમાં મૂકવું તે પ્રેમ છે, વૈશાખી પૂનમની રાતે બુદ્ધની નિર્વ્યાજ કરુણાનું સ્મરણ કરવું તે પ્રેમ છે. ‘હું’ને જ્યારે વિસારે પાડવામાં આવે ત્યારે એ નીરવતામાં પ્રેમનું દિવ્ય વાદ્ય વાગી ઊઠે છે. – કુન્દનિકા કાપડિયા

[10] આપણો પુરુષજાતિનો ધર્મ એ રહ્યો છે કે સેવાભાવે લગ્ન કરીએ, વિલાસભાવે નહીં. પત્નીને ‘શ્રેયસી’ માનીએ ને બનાવીએ, ‘પ્રેયસી’ નહીં. બંને મળીને ગૃહસેવા કરીએ, કુટુંબસેવા કરીએ, સમાજસેવા કરીએ, સંસારસેવા કરીએ, સુપ્રજાને જન્મ આપીએ ને તે સમાજને ચરણે ધરીએ, પ્રજાને વાત્સલ્યભાવે ઉછેરીએ ને કેળવીએ, બ્રહ્મચર્ય પાળી સંયમિત જીવન જીવીએ અને ત્યાગવૃત્તિ, ભ્રાતૃભાવ, સમાનભાવ વગેરે કલ્યાણસાધક ભાવનાઓ પોતાનામાં અને પ્રજામાં કેળવીએ. – નરસિંહભાઈ ઈ. પટેલ

[કુલ પાન : 108. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “ગીત ગાવું તો પ્રીતનું ગાવું – સં. રમેશ સંઘવી, સત્યમુનિ”

Copy Protected by Chetan's WP-Copyprotect.