મનોમંથનની વાટે – નવનીત શાહ

[ ચિંતનાત્મક નિબંધોના પુસ્તક ‘મનોમંથનની વાટે’માંથી પ્રસ્તુત લેખો સાભાર લેવામાં આવ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી નવનીતભાઈનો (પાટણ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26467180 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] આપણા ઘડવૈયા આપણે

geet1માણસ ઘડાય છે, ઘણાંથી, પણ સાચી રીતે તો તે પોતે જ પોતાની જાતને ઘડે છે. તેના જીવન ઘડતરમાં આસપાસના વાતાવરણની ચોક્કસ અસર પડે છે. પણ જો તે પોતાની જાતને ઘડવા માટે તત્પર કે તૈયાર ન હોય તો તે બધું જ વ્યર્થ છે. મહાપુરુષોનાં જીવનનું આપણે જો બારીકાઈથી નિરીક્ષણ કરીશું તો જણાશે કે, તેઓએ પ્રતિકૂળ સંજોગોમાં જ પોતાની જાતને પોતાની મેળે જ ઘડી છે. તેઓએ પ્રતિકૂળ સંજોગોનો સામનો કરી પોતાની ઈચ્છા મુજબ પોતાને ઘડી છે. બે બાળકોને એક સરખી સુવિધાઓ અને એક સરખાં સાધનો આપીશું, તો આપણે જોઈશું કે, આગળ જતાં એક બાળક પોતાની જાતને ઉન્નત કરે છે, જ્યારે બીજું બાળક અવનતિની ખીણમાં ગબડી પડે છે. આમ કેમ ? આ છે આપણા ઘડવૈયા બાંધવ આપણે, માણસ પોતે જેટલો પોતાની જાતને ઘડે છે, તેટલું તેને કોઈ ઘડી શકતું નથી.

જીવન ઘડતરમાં આસપાસના વાતાવરણની અને જમાનાની અસર અચૂક પડે છે. પણ માણસે જો ઘડાવું હોય, તો તે પોતે જ પોતાની જાતને મદદ ન કરી શકે, તો બીજાની મદદ નકામી. ‘આપ સમાન બળ નહિ.’ એ જે કહેવાયું છે તે તદ્દન સાચું જ છે. ‘કૂવામાં હોય, તો હવાડામાં આવે.’ એ ન્યાયે માણસ પોતે પોતાની જાતને ઘડે છે. એમાં એનો જાત-અનુભવ ઘણો જ ખપમાં લાગે છે. મહાપુરુષોનાં જીવનચરિત્રો વાંચીશું તો જણાશે કે, તેઓ સામાન્ય કક્ષાના હોવા છતાં ક્રમે ક્રમે પોતાની જાતને ઘડીને આગળ ગયા છે.’ પૂ. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે : ‘સામાન્ય માણસ પણ અસામાન્ય માણસ બની શકે છે.’ આમાં ઘણું તથ્ય રહેલું છે.

અંગ્રેજીમાં કહ્યું છે કે, ‘A carpenter fights wilt his tools.’ સુથાર પાસે જોઈતી બધી જ સાધન સામગ્રી હોય, પણ જો તેનામાં કાર્ય કુશળતા ન હોય, તો એ સાધન સામગ્રીનો કશો જ અર્થ નથી. એ તો પોતાનો વાંક જોશે જ નહિ, પણ સાધન સામગ્રીની જ ખોડખાંપણ કાઢશે. અંતરથી અને સમજથી જે મહેનત કરીને કાર્યમાં જોડાય છે, તે કાર્યમાં સિધ્ધિ મેળવે છે. માણસે જાતે જ નિશ્ચિત વસ્તુઓ શીખી લેવી જોઈએ અને પછી બધી વસ્તુઓ જાતે જ કરવી જોઈએ. આમાં ભૂલો થાય તો કશો જ વાંધો નહિ. પણ તેણે ભૂલથી શીખવું જોઈએ અને પુનઃ ભૂલ ન થાય તેની તકેદારી રાખવી જોઈએ. માણસે પરાવલંબી જીવન જીવવું ન જોઈએ. બીજા પર સતત આધાર રાખવાથી જીવનમાં કશી જ પ્રગતિ થતી નથી. તેનાથી માણસ જ્યાં હોય ત્યાં જ રહે છે. પ્રયત્ન કરવામાં પોતાનું જે બળ હોય છે, તે વધારે ખપમાં લાગે છે. એક જ ધૂન પર જીવનાર માણસ એકાગ્રતા સાધી શકે છે અને ત્યારે જ તે આગળ ધપી શકે છે. આવો માણસ પોતાને ઘડી શકે છે. મહેનત વગર મેળવેલું નાનું મોટું ફળ આગળ જતાં એળે જાય છે. આજે લાગવગથી તેમજ ભ્રષ્ટાચારથી માણસ ઊંચી પાયરીએ ચડી જાય છે, પણ તેને જાતથી સંતોષ થતો નથી. લોકો પણ તેની સામે આંગળી ચીંધી તેની ટીકા કરે છે. એના કરતાં Slowly and steadily wins the game ન્યારે માણસે ધીમે ધીમે સ્વબળથી આગળ વધવું જોઈએ. પોતાની જાતથી જે પોતાને ઘડીને આગળ વધે છે, તેને તેની સફળતાનું ગૌરવ રહે છે. સ્વબળ એ મોટું બળ છે, પરબળ એ ખરેખર બળ જ નથી.

સારનો સાર એ છે કે, માણસ જાતે જ પોતાની જાતને ઘડે છે. આપણે જાણીએ છીએ કે, માણસના જીવન ઘડતરમાં બીજાં ઘણાં પ્રેરક બળો સાથ આપે છે. છતાંય પોતાની જાત જેવું પ્રેરક બળ એકેય નથી.
.

[2] પરિસ્થિતિ અને મનઃસ્થિતિ

કોઈ દુઃખદ પ્રસંગ બની ગયો હોય, તો તે પ્રસંગને, તે પરિસ્થિતિને આપણે સહેલાઈથી બદલી શકતા નથી, પણ એ પ્રસંગ કે પરિસ્થિતિ અંગે આપણી મનઃસ્થિતિ બદલવાનું આપણા હાથમાં જ છે. કોઈ દુઃખદ પ્રસંગ જીવનમાં બની ગયો હોય, ત્યારે કેટલાક માણસો મનથી ભાંગી જાય છે. જ્યારે આવી પરિસ્થિતિમાં કેટલાક માણસોનાં મન મજબૂત અને લીલાં રહે છે. તેઓ દુઃખને જીરવી લે છે. દા.ત. યુવાન પત્નીનું અવસાન થાય, બે નાનાં બાળકો હોય, ત્યારે મજબૂત મનની વ્યક્તિ વિચારે છે કે, આ વિષમ અને દુઃખદ પરિસ્થિતિ બદલી શકાય તેમ નથી. પણ તે અંગે વિચારવાની મનઃસ્થિતિ તો ખસૂસ બદલી શકાય છે. તેને આ વિષમ પરિસ્થિતિથી દુઃખ તો થાય જ છે, પણ તે સમજી શકે છે કે, જે થયું તે ન થનાર થશે નહિ. તો આ વિષમ પરિસ્થિતિનો સામનો કરવા માટે મનને શા માટે ન બદલવું જોઈએ ? આજના જમાનામાં શહેરમાં માણસ એવો દોડતો જ સતત રહે છે કે, એને સહેજ ઊભા રહીને પોતાના વ્યક્તિગત દુઃખનો અહેસાસ કરવાની પણ ફુરસદ મળતી નથી. લોકો જ્યારે એને આશ્વાસન આપવા માટે આવે છે, ત્યારે તેને પોતાનું દુઃખ યાદ આવે છે અને ઘડી ભરને માટે તે દુઃખી થઈ જાય છે. પણ પછી જીવનની ઘટમાળમાં એ એવો લપેટાઈ જાય છે કે, તેને પોતાને પણ આશ્ચર્ય થાય છે કે, તે પોતાનું વ્યક્તિગત દુઃખ આટલું જલદી કેવી રીતે ભૂલી ગયો ? દુઃખના શરૂઆતના દિવસો બહુ કપરા હોય છે. એ દિવસોમાં જેને માથે દુઃખ તૂટી પડ્યું હોય છે તે નિરાશ જ નહિ, અપિતુ હતાશ પણ થઈ જાય છે.

એક પ્રસંગ યાદ આવે છે. એક માણસનો એકનો એક દીકરો ડૂબીને મરી ગયો. પિતા બહાર ગયા હતા. પિતા દીકરાને ખૂબ જ ચાહતા હતા. માને દીકરાના ડૂબી જવાના સમાચાર મળ્યા. તેને ખૂબ જ દુઃખ થયું. દીકરાનું શબ ઘેર લાવવામાં આવ્યું. માને થયું, પિતા તો દીકરાને મરેલો જાણી તદ્દન ભાંગી પડશે. તેણે એક વિચાર ઘડી કાઢ્યો. તે બહાર બેઠી અને પતિની રાહ જોવા લાગી. દૂરથી પતિને આવતો જોયો. તે મોટેથી રડવા લાગી. પતિ નજીક આવ્યો અને પૂછ્યું, ‘તું કેમ રડે છે ?’ પત્નીએ કહ્યું, ‘પડોશમાં રહેતી પેલી સ્ત્રીએ મને બે કડાં આપ્યાં હતાં. તે કડાં મને ખૂબ જ ગમતાં હતાં. આજે તેણે એ બે કડાં મારી પાસેથી માગી લીધાં. એટલે હું રડું છું.’ પતિને કહ્યું, ‘એ કડાં તારાં તો હતાં જ નહિ. જેનાં હતાં તે એ કડાં લઈ ગયું. એમાં રડવાનું શું ?’ પત્નીએ કહ્યું, ‘પણ એ કડાં મને ખૂબ જ ગમતાં હતાં.’ પારકાનાં હતાં અને હવે એ કડાં પારકાં થઈ ગયાં, જેનાં એ કડાં હતાં, એની પાસે એ કડાં ગયાં. એમાં ખોટું શું થયું ?’ પતિએ કહ્યું. પત્નીને સહેજ શાન્તિ વળી. તે પતિને ઘરમાં લઈ ગઈ. પ્રિય પુત્રનું શબ દેખાડીને પત્નીએ પતિને કહ્યું, ‘આ દીકરો ઈશ્વરે આપણને આપ્યો હતો. ઈશ્વર આજે એને લઈ ગયો છે. જેનો હતો એની પાસે આજે એ ગયો. એમાં ખોટું શું થયું ?’ તે પતિએ, એક પિતાએ, દુઃખ તરફથી પોતાનું મન વાળી દીધું. જે પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે, એ પરિસ્થિતિ લાખો ઉપાયો થકી પણ બદલાવવાની નથી. પણ મનને આપણે વાળી શકીશું યા બદલી શકીશું. માણસ જો સમજે કે થયું તે થનાર નથી થવાનું તો માણસ કદી નિરાશ કે હતાશ થશે નહિ. આપણે અનુભવીએ છીએ કે કેટલાં દુઃખો ભૂલી જવાં કપરાં છે. માણસ જ્યારે દુઃખથી ભાંગી પડે છે, ત્યારે તેણે સમજવું જોઈએ કે, આવી પડેલી પરિસ્થિતિ બદલાશે નહિ, પણ મનઃસ્થિતિ બદલી શકાય છે. બસ, આટલું સમજપૂર્વક જાણી લઈએ તો દુઃખ હળવું થઈ જાય. બીજાંઓને બતાવવા માટે જો દુઃખ પ્રકટ કરવાનું હોય, તો તેમાં નરી બનાવટ કરવા કરતાં દુઃખને ભૂલી જઈને હળવા ફૂલ જેવા થઈ જવું સારું.

આપણને ખ્યાલ છે કે, બધાં દુઃખો અંતઃકરણમાંથી પ્રકટ થતાં નથી. દુઃખ પ્રકટ કરવામાં પણ કેટલીક વાર ઔપચારિકતા આવી જાય છે. એના કરતાં તો મનઃસ્થિતિને બદલીને દુઃખને હળવું કરવાનો પ્રયત્ન કરવો રહ્યો.

[ કુલ પાન : 142. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : નવનીત શાહ. 9, નવપ્રભાત, કોલેજ ટીચર્સ સોસાયટી, રાજમહલ રોડ, પાટણ-384265.]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ગીત ગાવું તો પ્રીતનું ગાવું – સં. રમેશ સંઘવી, સત્યમુનિ
સૂરીલી સંગત – હરિશ્ચંદ્ર Next »   

2 પ્રતિભાવો : મનોમંથનની વાટે – નવનીત શાહ

 1. Kalidas V. Patel { Vagosana } says:

  નવનીતભાઈ,
  સચોટ ચિંતનો આપવા બદલ આભાર.
  મૃગેશભાઈ – { ૨ } માં નીચેથી પાંચમી લીટીમાં .. the game ના ન્યાયે સુધારી લેવા વિનંતી છે.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 2. sandip says:

  ખુબ સરસ્

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.