- ReadGujarati.com - http://www.readgujarati.com -

ચાલો, ચોરીને સમજીએ ! – દિનકર જોષી

[ ‘અખંડ આનંદ’માંથી સાભાર.]

[dc]ચો[/dc]રી અને છેતરપિંડી આ બે એવા શબ્દો છે કે જે કાને પડતાવેંત દરેકના ચિત્તમાં એક અણગમતી ચચરાટી થાય છે. ઈયળ, વંદો કે કાનખજૂરો શરીર ઉપર ક્યાંક ચડી ગયો હોય અને માણસ જે રીતે એને ખંખેરી નાખવા તત્કાલ મથામણ કરે છે એ જ રીતે ચોરી અને છેતરપિંડી જેવા આ બે શબ્દો પોતાને ક્યાંક ભૂલથી પણ વળગે નહિ એ માટે માણસ સભાન અને સતર્ક રહેતો હોય છે. અને આમ છતાં દુનિયાનો એકેય માણસ એવો નથી જેણે આ બે શબ્દો સાથે સ્થળ કાળના સંદર્ભમાં સામે ચાલીને એનું વળગણ ન કર્યું હોય. સામાન્ય રીતે ચોરી શબ્દનો આપણે એવો અર્થ કરીએ છીએ કે કોઈક પદાર્થ એના મૂળ માલિક પાસેથી એની ગેરહાજરી કે બેધ્યાન અવસ્થામાં બીજું કોઈ સિફતથી સેરવી લે. આમાં ક્યારેક આ સેરવનાર માણસ એનો મૂળ માલિક કોણ છે એ જાણતો ન હોય એવું પણ બને. જેમ કે એક માણસને કોઈક સભાગૃહમાંથી ભોંય પર પડેલું એક પાકીટ મળે. જો આ પાકીટ મળતી વખતે બીજા કોઈએ ન જોયું હોય તો આ માણસ એને ઝડપભેર ખિસ્સામાં મૂકી દે. આ એક પ્રકારની ચોરી જ થઈ. આ પાકીટ બીજાઓની નજરે પડ્યું હશે તો આ માણસ એને ઊંચકશે અને કહેશે –‘અહીં કોઈનું પાકીટ પડ્યું છે. આપણે મંચ ઉપરથી એની જાહેરાત કરાવીને આ પાકીટ એના મૂળ માલિકને પાછું અપાવી દઈએ.’

આ બીજા પ્રકારમાં ચોરી ન કહેવાય પણ એને પ્રામણિક્તા પણ ન જ કહેવાય. આનું કારણ એ છે કે જો આ પાકીટ બીજા કોઈનીય નજરે પડ્યું ન હોત અને છતાં જે માણસે ઉપાડ્યું એણે પોતાની પાસે રાખવાને બદલે એના મૂળ માલિકને શોધીને એને સોંપી દીધું હોત તો એ પ્રામાણિક્તા કહેવાત. આથી ઊલટું, જ્યારે પહેલી વાર એની નજર ભોંય ઉપર પડેલા પાકીટ પર પડી ત્યારે આંખના પલકારામાં એણે જોઈ લીધું હોય કે બીજા કોઈની નજર આ તરફ છે કે નહિ અને આવી નજર હોય ત્યારે પ્રામાણિક બને અને કોઈ જોતું નથી એની ખાતરી થાય ત્યારે પેલી પ્રામાણિક્તાની વાતનો છેદ ઊડી જાય. આ બંને છેડા માણસના વ્યક્તિત્વને નક્કી કરે છે.

વ્યક્તિત્વ વિકાસના આજકાલ બહુ મોટા સેમિનારો થાય છે, વ્યાખ્યાનો યોજાય છે અને શિબિરો પણ ગોઠવાય છે. આ વ્યક્તિત્વ વિકાસને અંગ્રેજીમાં ‘પર્સનાલિટી ડેવલપમેન્ટ’ કહે છે અને મોટા ભાગે આપણે આ બે અંગ્રેજી શબ્દોને બોલચાલની ભાષામાં સ્વીકારી લીધા છે. ‘પર્સનાલિટી’ એટલે આપણે એવો રૂઢ અર્થ કરીએ છીએ કે માણસનો બાંધો સુદ્રઢ હોય, સુઘડ હોય, સુઘડ પહેરવેશ હોય, ઘણા બધા વિષયો પર વાક્ચાતુર્યથી ફટાફટ બોલતો હોય. વ્યાખાતાઓ અને શિબિર ચલાવનારાઓ આ પર્સનાલિટી વિશે જાતજાતની અને ભાતભાતની વાતો કરે છે પણ આ પર્સનાલિટી શબ્દને જો એક વાક્યમાં સમજવો હોય તો એટલું જ કહી શકાય – પોતાને કોઈ જોતું નથી એવી સંપૂર્ણ સુરક્ષિત એકલતામાં માણસ જે રીતે વર્તન કરે છે અથવા પ્રતિકૂળ સંજોગોમાં માણસ જે વ્યવહાર કરે છે એને એનું સાચું વ્યક્તિત્વ અથવા પર્સનાલિટી કહી શકાય. આ વાત સમજવા માટે આપણે આજકાલ જેને ‘બીહેવિયરલ સાયન્સ’ કહીએ છીએ એ શાખાના વૈજ્ઞાનિકોએ એક અત્યંત રસપ્રદ પ્રયોગ કર્યો હતો. (આ ‘બીહેવિયરલ સાયન્સ’ માટે આપણે ત્યાં ગુજરાતીમાં હજુ કોઈ સર્વ સામાન્ય શબ્દ પ્રચલિત થયો નથી. આવો કોઈ શબ્દ જો પ્રચલિત કરવો હોય તો એને આચરણ સંહિતા કહી શકાય.) શહેરના ચહલપહલવાળા રાજમાર્ગોને અડીને આવેલો પણ ખાસ અવરજવર વિનાનો એક લગભગ અવાવરુ કહેવાય એવો રસ્તો એમણે પસંદ કર્યો. આ રસ્તામાં એક વળાંક પાસે ખૂણામાં એક મોંઘીદાટ ગાડીને એના બંને દરવાજા ઊઘાડા હોય એ રીતે પાર્ક કરવામાં આવી. એના ટાયરમાં પંક્ચર કરીને એવો દેખાવ કરવામાં આવ્યો કે એનો માલિક ગાડી પંક્ચર થઈ હોવાથી અહીં છોડીને ગયો છે. આ ગાડીમાં મહિલાઓને ઉપયોગી પ્રસાધનો, કેમેરા, ટેપરેકોર્ડર આવી બધી જાતજાતની અને ભાતભાતની ચીજો એવી રીતે મૂકવામાં આવી કે જોનારને પહેલી નજરે જોંતાવેંત એવું લાગે કે નજીકમાં ક્યાંકથી ખરીદી કરીને આ કારમાં કોઈ જઈ રહ્યું હોય.

કારના દરવાજા પાસેના પ્રત્યેક હલનચલનને નોંધી લેવામાં આવે એવો એક શક્તિશાળી કેમેરો થોડે દૂર વૃક્ષની એક ડાળી સાથે ગોઠવવામાં આવ્યો હતો. સવારથી સાંજ સુધીમાં અહીથી પસાર થયેલા કેટલાય એકલદોકલ માણસોએ આ ઊઘાડી કાર જોઈને આસપાસ નજર ફેરવીને થોડીવાર રાહ જોયા પછી, ક્યારેક તો બૂમ પણ પાડ્યા પછી સાવધાનીથી ગાડીની સીટ પર પડેલી ચીજોમાંથી એક બે ઉપાડીને પોતાના કોટના ખિસ્સામાં અથવા સાથેની હેંડબેગમાં સરકાવીને ઝડપથી ચાલવા માંડ્યું. સાંજે આ ગાડીમાં કશું જ બચ્યું નહોતું. આ પછી પેલા કેમેરાની આંખે આ વૈજ્ઞાનિકોએ બધું જોયું હતું. આ રીતે ચોરી કરનારાઓમાં પુરુષો હતા અને સ્ત્રીઓ પણ હતી. શિક્ષિત લાગતા માણસો પણ હતા તો સાવ મુફલિસ જેવા દેખાતા માણસો પણ હતા. તરુણ વયના હતા તો વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલા પણ હતા. સહુથી વિસ્મયકારક વાત તો એ હતી કે આમાં આ શહેરના કેટલાક જાણીતા ચહેરાઓ પણ હતા.

આચરણ સંહિતાનો આ પાઠ આપણને શું શીખવે છે? એમાંથી જે સંદેશો પ્રાપ્ત થાય છે એ આપણને ચોંકાવી મૂકે એવો છે. એટલું જ નહિ પણ આત્મનિરીક્ષણ કરવા પ્રેરે એવો પણ છે. કહેવાનું તાત્પર્ય એવું નથી કે બધા લોકો ચોર જ હોય છે. પણ આ ચૌર્યવૃત્તિ વધતા ઓછા અંશે માણસ માત્રમાં રહેલી હોય છે પણ કોઈક ને કોઈક નબળી પળે એ પેટાળ ફાડીને અસવાર થઈ જતી હોય છે. બીજી રીતે કહેવું હોય તો એમ પણ કહી શકાય એમ છે કે જે રીતે આહાર, નિદ્રા, ભય અને મૈથુન માણસ માત્રની મૂળભૂત વૃત્તિ છે એ જ રીતે આ ચૌર્યવૃત્તિ પણ ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક સ્વરૂપે ધરબાયેલી હોય છે.

આપણા વહેવારિક જીવનનું એક બીજું ઉદાહરણ જોઈએ. માસિક સરમાયો 500/-રૂ.નો હોય, 5,000/-નો હોય કે 50,000/-નો હોય, નોકરી કરતા પ્રત્યેક કર્મચારીના કામના કલાકો ઘણું ખરું નિશ્ચિત હોય છે. સામાન્ય રીતે આ કલાકો સાત કે આઠ કલાકના હોય છે. આ કામના કલાકો છે અને એનો અર્થ એવો થાય છે કે એને મળતા માસિક પગારના બદલામાં પેઢીનું કે કંપનીનું એણે આટલા કલાકો કામ કરવાનું છે. ઘણી ખરી સરકારી કચેરીઓમાં આપણે જોઈએ છીએ કે મોટાભાગના કર્મચારીઓ દશ વીશ મિનિટ મોડા આવતા હોય છે. આવતાં વેંત પાંચ દશ મિનિટ ફ્રેશ થવા માટે બાથરૂમમાં જતા હોય છે. લંચ અવર શરૂ થતા પહેલાં દશ પંદર મિનિટે એની છાયા લાગી જતી હોય છે, લંચ અવર પૂરો થયા પછી દશ પંદર મિનિટે આ કર્મચારી ટેબલ પર પાછો ફરે છે અને આવી દશ વીસ મિનિટોને એ માનવસહજ ગણીને પોતાનો અધિકાર માનતો હોય છે. સાંજે કામના મુકરર કલાકો પૂરા થાય એ પહેલાં અર્ધા કલાકે એ બધું સંકેલવા માંડે છે અને ફરીવાર ફ્રેશ થવાના નામે બાથરૂમ યાત્રા શરૂ કરે છે. આ ગાળામાં એ કોઈ નવું કામ હાથ પર લેતો નથી. માનસિક રીતે એ કામથી નિવૃત્ત જ થઈ ગયો હોય છે. આ ઉપરાંત દર બે કે ત્રણ કલાકે અર્ધી અર્ધી ચાનો નાનકડો ટી-બ્રેક અને વચ્ચે વચ્ચે થતા કે આવતા અંગત ટેલિફોનનો સમય આમાં ઉમેરીએ તો લગભગ પચાસ ટકા જેટલો પગાર એ કામ કર્યા વિના જ મેળવે છે.

આ તો માસિક પગાર મેળવતા કર્મચારીઓની વાત થઈ પણ જેઓ વ્યાવસાયિકો છે તેઓ પણ આ કામચોરીના ઉદાહરણથી મુક્ત નથી. પોતાના કામના બદલામાં વળતર માંગવું એ દરેક માણસનો અધિકાર છે. આવું વળતર ચૂકવવું એ પણ માણસની ફરજ છે પણ માલની અછત જોઈને એક વ્યાવસાયિક કાળા બજાર આચરે કે એક ડોક્ટર રજાના દિવસે પોતાને વ્યાવસાયિક ફી બેવડી કરી નાખે અથવા વાહન વ્યવહાર ખોરવાઈ જાય ત્યારે ટેક્સી કે રિક્ષાવાળો મીટરની ઐસી તૈસી કરી નાખે ત્યારે આ બધાં ચૌર્યવૃત્તિનાં જ ઉદાહરણો છે. મજાની વાત તો એ છે કે આ પ્રકારના આ બધા જ ચોરો પોતાની ચોરીને વાજબી ઠરાવવા માટે બીજાઓની ચોરીએ વખોડી કાઢે છે અને એની નિંદા કરે છે. એવું કહેવાય છે કે આપણા પ્રાચીન શાસ્ત્રોમાં ‘ચૌર્યશાસ્ત્ર’ નામનો એક ગ્રંથ કાર્તિક સ્વામીએ લખ્યો છે. આ કાર્તિક સ્વામી એટલે આપણે જેમને ભગવાન શંકરના જ્યેષ્ઠ પુત્ર કહીએ છીએ એ જ હશે કે બીજા કોઈ એ ખાતરીપૂર્વક કહી શકાય એવું નથી. આ ચૌર્યશાસ્ત્રનો મૂળ ગ્રંથ અત્યારે ક્યાંય ઉપલબ્ધ નથી પણ આ ગ્રંથમાંથી એના નામોલ્લેખ સાથે અનુવર્તી અન્ય ગ્રંથોમાં જે લેખકોએ અવતરણો ટાંક્યાં છે એ આપણને હાથવગા થાય છે. મહાભારતમાં પણ ચોરીને સહુથી નિંદ્ય કૃત્ય ગણાવ્યા પછી પણ એવું કહેવાયું છે કે ભૂખે પ્રાણ જતા હોય ત્યારે દેહ ટકાવી રાખવા માટે ચોરેલું અન્ન અને ચિકિત્સાના અભાવે પ્રાણ નીકળી જશે એવું લાગે ત્યારે ચોરી કરેલી ઔષધી આ બંને વ્યાપક અર્થમાં ચોરી હોવા છતાં વાસ્તવમાં એને ચોરી કહેવાય નહિ.

ચોરી શબ્દના સ્થૂળ અર્થને ધ્યાનમાં રાખીને આપણે ચોર કોને કહેવાય એની વ્યાખ્યા બાંધીએ છીએ. શ્રીકૃષ્ણે ભગવદ ગીતામાં ચોર શબ્દનો જે સૂક્ષ્માતિસૂક્ષ્મ અર્થ આપ્યો છે એ વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોવા જેવો છે. 3જા અધ્યાયના 12મા શ્લોકમાં એમણે એવું કહ્યું છે કે આપણને જે કઈં ભોગો પ્રાપ્ત થાય છે એ ઈશ્વરની કૃપાથી અને સમાજ પાસેથી પ્રાપ્ત થાય છે. હવે આ બધું જેમણે આપણને આપ્યું છે એમને પાછું અર્પણ નહિ કરતાં જો એકલા જ એનો ભોગવટો કરીએ તો એ પણ ચોરી જ છે. આ અર્થમાં જો ચોરીની મુલવણી કરીએ તો એમાં સ્થૂળ પદાર્થો જ નહિ પણ સૂક્ષ્મ ભાવો સુધ્ધાં સમાવિષ્ટ થઈ જાય છે.

વિશ્વસાહિત્યમાં વિક્ટર હ્યુગોની વિખ્યાત નવલકથા ‘લા મિઝરેબલ’નો નાયક જીન વાલજીન આનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રાણ બચાવવા માટે જીન વાલજીને એક દુકાનમાંથી બ્રેડની ચોરી કરી. અને પછી એને એક ચોર તરીકે આજીવન જે સહન કરવું પડ્યું એની આ હ્રદયપૂર્વક કથા છે. ભગવાન તથાગત બુદ્ધના જીવન કથાનકોમાં પણ એક ચોર સાથેનો સંવાદ ખૂબ જાણીતો છે. એક ચોરે ભગવાન બુદ્ધને વંદન કરીને પ્રાર્થના કરી – ‘હે તથાગત, મને કંઈક ઉપદેશ આપો.’
ભગવાન બુદ્ધે એને કહ્યું – ‘વત્સ, તું જે કંઈ કામ કરે એ પૂરી જાગરૂકતાથી કરજે.’
‘ભગવંત.’ ચોર સમજ્યો નહિ એટલે એણે વળતો પ્રશ્ન કર્યો. ‘આ જાગરૂકતા એટલે શું એ મને સમજાવશો.’
‘સાવ સહેલી વાત છે.’ બુદ્ધે કહ્યું, ‘તું જ્યારે જે કામ કરે ત્યારે તે કામ સાચું છે કે ખોટું એ વિચારી જોજે અને એ કાર્ય નિષ્ઠાપૂર્વક કરજે.’ પેલો માણસ સડક થઈ ગયો. બોલ્યો – ‘એ શી રીતે બને ભગવંત ? હું તો ચોર છું. મારું કામ તો ચોરી કરવાનું છે.’
‘ભલે હોય. તું નિષ્ઠાપૂર્વક ચોરી કરજે અને જ્યારે ચોરી કરી રહ્યો ત્યારે જાગરૂકતા કેળવજે.’ આટલું કહ્યા પછી પેલા ગૂંચવાયેલા ચોરના મસ્તક પર હાથ મૂકીને તથાગતે કહ્યું, ‘વત્સ, તારું વર્તમાન કર્મ તારા પૂર્વજન્મના કર્મો પર આધારિત છે. હવે પછી ચોરી કરતી વેળાએ તારે એ લક્ષમાં રાખવું કે તું શું કરી રહ્યો છે. ધર્મ અને સમાજની દ્રષ્ટિએ તારું કામ સારું છે કે બૂરું એનો તને ખ્યાલ હોવો જોઈએ. જે માલમત્તા તું ચોરી રહ્યો છે એ માલમત્તા તારી નથી અને જેની છે એણે એને મેળવવા કેટલો બધો પરિશ્રમ કર્યો હશે એ પણ તારે વિચારવું જોઈએ. તું જે કામ કરી રહ્યો છે એવું જ કામ બીજાઓ તારી સાથે કરે તો તને કેવું લાગે એ પણ વિચારજે. આ બધા વિચારોને જાગરૂકતા કહેવાય.’
‘ભગવંત, આપ કહો છો એવું બધું જો હું વિચારું તો પછી મારાથી ચોરી થઈ જ શી રીતે શકે ?’ ચોર હાકાબાકા જેવો થઈ ગયો.
‘એ તારે નક્કી કરવાનું છે વત્સ !’ બુદ્ધે અત્યંત શાંતિપૂર્વક કહ્યું.
હું જે વર્તન બીજા સાથે કરું છું, એવું જ વર્તન જો બીજું કોઈ મારી સાથે કરે તો મને કેવું લાગે ? આ એક્માત્ર વિચાર જો માણસ નિષ્ઠાપૂર્વક કરતાં શીખી જાય તો દુનિયાના કદાચ અડધો અડધ પ્રશ્ન નષ્ટ થઈ જાય. ચોરી અને છેતરપિંડી એક જ સિક્કાની બે બાજુ જેવા શબ્દો છે. કદાચ ચોરી એ સિક્કાની જે બાજુએ મુદ્રા છે એ બાજુ છે અને છેતરપિંડી એ મુદ્રાની બીજી બાજુ છે. અંગ્રેજીમાં આપણે જેને King કે Square કહીએ છીએ અને ગુજરાતીમાં આપણે જેને છાપ કે કાંટો કહીએ છીએ, એવા જ આ બે શબ્દો ચોરી અને છેતરપિંડી છે. ઘણું ખરું ચોરીમાં છેતરપિંડી અભિપ્રેત નથી હોતી પણ છેતરપિંડીમાં તો ચોરી અવશ્ય અભિપ્રેત હોય છે. છેતરપિંડીનો અર્થ જ સામેવાળી વ્યક્તિને નુક્સાન જાય એટલે કે એના હિતને અવળી અસર પડે એવું કામ આપણે જાણીબૂજીને કરીએ છીએ. સો રૂપિયાની ફાટેલી કે બનાવટી ચલણી નોટ જો કોઈ આપણને છેતરીને આપી જાય તો આપણે એને છેતરપિંડી કહીએ છીએ. આમાં દેખીતી રીતે જ આપણા સો રૂપિયા ઓછા થઈ જાય છે એટલે આપણી પાસેથી એટલી રકમ ચોરાઈ ગઈ છે એમ જ કહી શકાય. આ છેતરપિંડીને જેવી આપણને જાણ થાય છે કે તરત જ આપણે આવી છેતરપિંડી કરનારને લુચ્ચો, હરામખોર, બદમાશ, ધૂર્ત, ઠગ આવા આવા સંખ્યાબંધ વિશેષણોથી નવાજી દઈએ છીએ. આ પછી તરત જ આપણે આ છેતરપિંડી જેવી આપણી સાથે થઈ એવી જ છેતરપિંડી બીજા સાથે કરવા માતે ઉદ્યત થઈ જઈએ છીએ. હવે આ સોની નોટ બીજાના ગળામાં શી રીતે પહેરાવી દેવી એનું આપણે હોશિયારીપૂર્વક આયોજન કરવા માંડીએ છીએ. આ આયોજન સફળ થાય અને જેવી આ નોટ આપણી પાસેથી વિદાય થાય કે તરજ આપણે આપણી જાતને જ હોશિયાર અને સ્માર્ટ કહીએ છીએ. જ્યારે આ નોટ આપણને કોઈએ પધરાવી ત્યારે એ વ્યક્તિ બદમાશ હતી, હરામખોર હતી, ઠગાબાજ હતી અને હવે જ્યારે આપણે એવો જ વ્યવહાર બીજા સાથે કર્યો છે ત્યારે આ એકેય શબ્દ આપણને સાંભરતો નથી અને હવે આ જ વ્યવહારને આપણે હોશિયારી, સ્માર્ટનેસ કે વહેવારિક્તા કહીએ છીએ.

છેતરપિંડી માટેની ઊડીને આંખે વળગે એવી સહુથી મોટી પૂર્વશરત એ છે કે અન્યને છેતરતાં પહેલાં માણસે સહુ પ્રથમ તો પોતાના આત્માને જ છેતરવો પડે છે. જાત જોડે છેતરપિંડી કર્યા સિવાય અન્ય જોડે છેતરપિંડી થઈ શક્તી નથી. છેતરપિંડી કરનારે, પોતે છેતરપિંડી કરી રહ્યો છે એની સભાનતા તો સહુ પ્રથમ કેળવવી પડે છે. આ સભાનતાને ક્રૂરતાપૂર્વક કચડીને અથવા લુચ્ચી લુચ્ચી દલીલોથી કચડી નાખીને પછી જ સામેવાળા સાથે છેતરપિંડી થાય છે. આમ છેતરાઈ જનારો તો એક જ છેતરપિંડીનો ભોગ બને છે પણ છેતરનારો તો છેતરપિંડીના બેવડા ભારણ હેઠળ કચડાઈ જાય છે. દુનિયાભરના કરોડો પ્રાણીઓમાં કોઈ પ્રાણીઓ આપસમાં આવી ચોરી કે છેતરપિંડી કરતા હોય એવું કહી શકાય એમ નથી. શિયાળને આપણે લુચ્ચું પ્રાણી કહીએ છીએ અને એની લુચ્ચાઈની ઘણી બધી વાર્તાઓ આપણા કથાનકમાં છે પણ આ લુચ્ચાઈ કે છેતરપિંડી ઉપર લખેલી મહાભારતમાં કહેવાયેલી ચોરી જેવી છે. ભક્ષણ અથવા પ્રાણની રક્ષા સિવાય આમાં ઝાઝો હેતુ હોતો નથી. કોયલ કાગડીના માળામાં ઈંડાં મૂકી જાય છે એને સભાન છેતરપિંડી ન કહેવાય પણ એનું પ્રાકૃતિક આયોજન જ કહેવાય. પોતાનો માળો ન હોવો અને રૂપે રંગે કાગડીનાં ઈંડાં પણ કોયલનાં ઈંડાં જેવાં જ હોવાને કારણે કોયલમાં કુદરતે આ એક વિશેષ પ્રકારનું સંવિધાન કરી આપ્યું છે. માણસ જે ચોરી કે છેતરપિંડી આચરે છે એવી આ છેતરપિંડી નથી.

કહેવાનો આશય એટલો જ છે કે માણસ પોતાની જાતને તમામ પ્રજાતિઓમાં આપમેળે જ ઉત્તમ માનતો અને મનાવતો આવ્યો છે. વાસ્તવમાં માણસ પાસે બૌદ્ધિક્તાનો ઊંચો આંક અવશ્ય છે. પ્રકૃતિએ પ્રાણી માત્રને જે બુદ્ધિ આપી છે એ બુદ્ધિ એમણે ત્યાં ત્યાં સ્થગિત કરી દીધી હોય એવું લાગે છે, માત્ર માણસે એનો વિકાસ કર્યો છે. બૌદ્ધિક વિકાસ ઉત્તમતાનો પર્યાય નથી એટલું આપણે સહુએ પ્રામાણિક્તાપૂર્વક સ્વીકારવું જોઈએ. બુધિનો વિકાસ એની ભલે પ્રગતિ કહેવાતી હોય તો પણ એ માણસને શોભે એવી ઉજ્જવળ આધ્યાત્મિક ઉન્નતિ તો નથી જ. માણસને અન્ય પ્રાણીસૃષ્ટિથી ઊંચા સ્થાને બેસાડતી ભેદરેખા બુદ્ધિ નથી – આધ્યાત્મિક્તા છે ! અન્ય પ્રાણીઓ પાસે અધ્યાત્મ ભાવ નથી. માણસને માણસ કહેવડાવવા માટે અધ્યાત્મભાવ અનિવાર્ય છે અન્યથા એ પણ પ્રાણીસૃષ્ટિની એક પ્રજાતિ જ બની રહે છે.