સૂરીલી સંગત – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.]

[dc]શ્રો[/dc]તાઓ મુગ્ધ થઈને ડોલતા હતા. પંડિત ગિરીજાશંકરનું ગાયન આજે ચોટીએ પહોંચ્યું હતું. તંબૂરા ને તબલાની સંગત પણ બેનમૂન હતી. તેની સાથે જ તાનપુરા પર ભાર્ગવ એમની સંગત કરી રહ્યો હતો. જાણકારો એના ગળાનેય દાદ આપતા હતા. જાણે અદ્દલોઅદ્દલ પંડિતજીનો જ અવાજ, પંડિતજીની જ લઢણ, પંડિતજીની જ સ્વર-લહરી. અને તેમાં પાછું તારુણ્યનું જોશ. ‘ગુરુ કરતાં શિષ્ય સવાયો થવાનો છે.’ – એમ હવે લોકોના મોઢે કહેવાવા લાગ્યું હતું.

પંડિતજી પણ ખુશ હતા. ક્યારેક એકાદ તાન અડધેથી જ છોડી દેતા અને ભાર્ગવ એને જે રીતે ઉપાડી લેતો, તે જોઈ પોતેય ડોલી ઊઠતા અને હરખ વ્યક્ત કરતા. તે દિવસનો કાર્યક્રમ માત્ર પંડિતજીનો જ ન રહેતાં બંનેની જુગલબંદીનો બની રહ્યો. છેવટે કાર્યક્રમ પૂરો થયો અને તાળીઓના ગડગડાટથી હૉલ ગાજી ઊઠ્યો. મહેફીલ પૂરી થઈ. પંડિતજીનો સત્કાર થયો. તેની સાથે ભાર્ગવનેય પુષ્પગુચ્છ અપાયો. તેણે તે અત્યંત વિનય અને ભક્તિપૂર્વક પંડિતજીના ચરણે મૂક્યો. પંડિતજી મંચ પરથી નીચે આવ્યા ત્યારે એમના પદત્રાણ ઉપાડીને એમના પગ આગળ મૂક્યા. શ્રોતાઓમાં બેઠેલાં પંડિતજીનાં પત્ની ઉમાજી આવ્યાં. બધાંની વિદાય લઈ પંડિતજી મોટર પાસે આવ્યા, ત્યારે બારણું ખોલી ભાર્ગવ ઊભો જ હતો. પંડિતજી ને ઉમાજી બેઠાં એટલે ભાર્ગવ આગળ ડ્રાઈવર પાસે બેસી ગયો.

‘દાદા, ગળે આ મફલર વિંટાળી લો !’
‘ક્યાં એટલી ઠંડી છે ? હજી એટલો ઘરડો નથી થયો તારો દાદો !’
‘સીત્તેર થયાં તે હજી ઓછાં છે ? તમે ભાર્ગવનું કહેવું સાંભળતા જાવ….’ – ઉમાજીએ એમને ટોક્યા.
‘બસ, થયું ! એ તો મારી પાછળ પડ્યો જ હોય છે, તેમાં વળી તારો ટેકો મળ્યો.’
‘ખરું કહું તો ભાર્ગવ બધે તમારી સાથે હોય છે એટલે જ તમે પરગામ, પરદેશ વગેરે જાવ ત્યારે મને તમારી ચિંતા નથી રહેતી.’

પંડિતજી અને એમના કુટુંબ સાથે ભાર્ગવ આટલો બધો ભળી ગયેલો. નવ વરસનો હતો, ત્યારે ભાર્ગવ એમની પાસે આવેલો. આજે ત્રીસીએ પહોંચેલો ભાર્ગવ પંડિતજીનો લાડકો શિષ્ય થઈ ગયો હતો. પંડિતજીને બે દીકરી, તે પરણી ગઈ. પંડિતજીના ગાયનના ઘરાનાનો વારસદાર ભાર્ગવ જ હતો. ભાર્ગવની ગુરુ પ્રત્યે પૂર્ણ ભક્તિ. ગુરુનો પડ્યો બોલ ઝીલે. ગુરુની દોરવણી મુજબ કલાકો સુધી રિયાજ કરે. હવે તો એનું ગળું બરાબર ખીલેલું. ત્રણેક વરસ ઉપર ભાર્ગવની સ્વતંત્ર મહેફીલ રાખવા માટે કેટલાક લોકો આવેલા. ભાર્ગવે વિનયપૂર્વક પંડિતજી પાસે મોકલ્યા. પણ પંડિતજીએ કહ્યું, ‘હમણાં નહીં.’ અને ભાર્ગવે ગુરુજીનો બોલ ઉપાડી લીધો.

ત્યારે પંડિતજીની નાની દીકરી સુવાવડ માટે આવેલી. એ આખાબોલી. તેણે પૂછ્યું, ‘આમ કેમ ? ભાર્ગવ હવે પૂરેપૂરો તૈયાર થઈ ગયો છે. દોઢ-બે કલાકની મહેફીલ એ સરસ ચલાવી શકે તેમ છે.’
‘હા, તે સાચું છે, પરંતુ એક વાર આ શરૂ થયું કે પછી બીજા કાર્યક્રમો, રેડીઓ, ટીવી વગેરે શરૂ થઈ જશે.’
‘તે તેમાં શું ખોટું છે ?’
‘ભાર્ગવની તૈયારી સરસ છે, પણ પૂર્ણ નથી. હું હજી એને ઘણી વધારે ઊંચાઈએ જોવા માગું છું. ઝટપટ પ્રસિદ્ધિનું વિપરીત પરિણામ આવશે. આજકાલ પ્રસાર-માધ્યમોનું ભારે જોર છે. રાતોરાત એ તમને ઊંચા આસમાને ચઢાવી દે છે, અને પછી તમારા પગ ધરતી પર રહેતા નથી. એ બધી ધામધુમમાં રિયાજ, અવાજની કાળજી, સંગીત-સાધના બધું ગૌણ બની જાય છે. ભાર્ગવને મારે તેમાં ફસાવા દેવો નથી. એ તો આપણા ઘરાનાનું નામ રાખશે અને સસ્તી પ્રસિદ્ધિને બદલે જીવનભર ચાલે એટલી કીર્તિ કમાશે.’

પંડિતજી આ બધું કહી તો ગયા, પણ ભીતર ને ભીતર એમને કાંઈક ચૂભતું હોય એવું લાગ્યું. ભાર્ગવ માટે એમને ભારે ગૌરવ હતું, પ્રેમ હતો એ ખરું, ભાર્ગવ એમનો તેજસ્વી શિષ્ય છે, એમ સાંભળીને એમને બહુ સારું પણ લાગતું; અને તેમ છતાં એનું સ્વતંત્ર નામ બને, લોકો પોતાને બાજુએ મૂકી એની જ વાહ વાહ કરે – આ સ્વીકારવા એમનું મન હજી તૈયાર નહોતું. જો કે એ પોતે પણ પોતાના મનમાં ચાલતું આ ઘમસાણ હજી પૂરું સમજી નહોતા શક્યા. ભાર્ગવની સ્વતંત્ર મહેફીલ માટે ના પાડી, તેને માટે આવી બુદ્ધિગમ્ય સચોટ દલીલ કરી, અને છતાં એમને ભીતર કશુંક ડંખતું રહ્યું. શું આમાં થોડો અસૂયાનો ભાવ તો નથી ? પોતાની પ્રસિદ્ધિ ઝાંખી પડશે, એવો ધ્રાસકો તો નથી કામ કરી જતો ? આમ, છેલ્લાં બે-ત્રણ વરસથી પંડિતજી મનમાં ને મનમાં મૂંઝાયા કરતા. ક્યારેક કોઈના ઉપર વિના કારણ ચિડાઈ જતા. એકલા હોય ત્યારે ઊંડા વિચારમાં ખોવાઈ જતા. ક્યારેક પોતાની જાત ઉપર એમને ચીડ ચડતી. પોતે સંગીતના ઉપાસક, એવો જ સંગીતનો ઉપાસક આવો સરસ શિષ્ય મળ્યો છે, છતાં હું આટલો પામર છું ? માંકડા મનનો ગુલામ છું ? મોકળે મને કેમ એને નવાજી નથી શકતો.

આજની મહેફીલના આવા સરસ વાતાવરણ વચ્ચેયે જ્યારે ‘ગુરુથી શિષ્ય સવાયો થશે’ – એમ સાંભળવા મળતું, ત્યારે પંડિતજીનું મન થોડું આળું થઈ જતું. તેમાં ઈન્દોરથી આવેલા એમના પ્રશંસકોએ એમને સંગીત સંમેલન માટે આમંત્રણ આપ્યું અને ખાસ આગ્રહપૂર્વક કહ્યું કે તેમાં ભાર્ગવસાહેબ તો આવે જ. ત્યારે જરીક એમનું મન ખાટું થઈ ગયું. એમણે તુરત હા ન પાડી, ‘પછી જણાવીશ’ એમ કહ્યું. પરંતુ એમના મનમાં જબ્બર ઘમસાણ ચાલ્યું. રાતે પથારીમાં પડ્યા, પણ ઊંઘ ન આવી. આજે એમનું મન ચકડોળે ચઢ્યું હતું. ચિત્તની સંગીતમય સુસંવાદિતા ડહોળાઈ ગઈ હતી. તેવામાં ગઈ કાલે એક સામાયિકમાં વાંચેલી યયાતિની કથા એકદમ એમને યાદ આવી. આમ તો જાણતા જ હતા, પણ અત્યારે પોતાના મનના તીવ્ર ઘમસાણ વખતે તત્કાળનો સંદર્ભ લઈને યાદ આવી. શું હું યયાતિ બની ગયો છું ? તુમુલ મંથન ચાલ્યું. છેવટે મનમાં અમુક નિરધાર થયો, ત્યારે જ શાંતિ થઈ અને મીઠી ઊંઘ આવી.

સવારે ઊઠીને પહેલું કામ પંડિતજીએ ઈન્દોરવાળા પોતાના ચાહકો-પ્રશંસકોને જણાવી દેવાનું કર્યું – ‘ઈન્દોરનો કાર્યક્રમ ભાર્ગવનો રહેશે. હું પણ ઉપસ્થિત રહીશ અને એની સંગત કરીશ. પણ મુખ્ય રહેશે, ભાર્ગવ.’

(શ્રી શોભના બેરીની મરાઠી વાર્તાને આધારે)

Leave a Reply to Arvind Patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “સૂરીલી સંગત – હરિશ્ચંદ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.