સત્યના પ્રયોગો અથવા આત્મવ્યથા – રતિલાલ બોરીસાગર

[ ‘મારું સત્ય’ નામના પુસ્તકમાંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકમાં અનેક સાહિત્યકારોએ પોતાના જીવનના અનુભવ, પ્રસંગોને આધારે પોતપોતાના સત્ય વિશે વાત કરી છે. અગાઉ આપણે એક લેખ તેમાંથી માણ્યો હતો. આપ શ્રી રતિલાલભાઈનો આ નંબર પર +91 9925111301 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

ગાંધીજીએ એમની આત્મકથાનું નામ ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ એવું આપ્યું છે. ગાંધીજીએ જીવનભર સત્યના પ્રયોગો કર્યા અને સત્યના પ્રયોગો એમની આત્મકથા બની રહ્યા. જીવનમાં હંમેશાં સત્ય જ બોલવું, સત્યનું જ આચરણ કરવું એવો દુરાગ્રહ મેં રાખ્યો નથી. મારા જેવા સરેરાશ ભારતીય નાગરિકને એવો દુરાગ્રહ રાખવાનું પરવડે પણ નહીં. પરંતુ ક્યારેક મારામાં ગાંધીજી પ્રવેશી જાય છે ને હું એકદમ સત્યના પ્રયોગો કરવા માટે ઉશ્કેરાઈ જાઉં છું. મારા આવા સત્યના પ્રયોગો મારી આત્મકથા નહીં, મારી આત્મવ્યથા બની રહ્યા છે. આત્મવ્યથાનો આવો એક કિસ્સો આજે રજૂ કરું છું.

એક વાર રાતની ટ્રેનમાં મારે મારા વતન સાવરકુંડલા જવાનું હતું. મારે ત્યાં આવેલા બે મહેમાનો પણ મારી સાથે આવવાના હતા, આમાંના એક સ્નેહી રિઝર્વેશન કરાવવા સ્ટેશને ગયા. રિઝર્વેશનના ફોર્મમાં નામ, જાતિ અને ઉંમર દર્શાવવાનાં હોય છે. મારા નામ કે મારી જાતિ અંગે મૂંઝવણ અનુભવવાનું સ્નેહી માટે કશું કારણ નહોતું, પરંતુ મારી ઉંમર અંગે એમને ખરે જ મૂંઝવણ થઈ. રિઝર્વેશન કરાવવા માટે એ નીકળ્યા ત્યારે હું એમને મારી ઉંમર કહેતાં ભૂલી ગયો અને એ પૂછતાં ભૂલી ગયા. અનુમાનને આધારે એમને મારી ઉંમર લખવાની થઈ. એ ખરે જ મૂંઝાયા. રિક્ષામાં ઘેર પૂછવા આવે તો એક રિઝર્વેશન જેટલો ખર્ચ વધુ થાય ને બસમાં આવે તો રિઝર્વેશનની બારી બંધ થઈ જાય. પ્રોફેસર ન હોવા છતાં એમને ટેલિફોન કરવાનું સૂઝ્યું નહીં. અનુમાનને આધારે એમણે મારી ઉંમર લખવાનો નિર્ણય કર્યો. હું નાનો હતો ત્યારથી મોટો દેખાઉં છું ને મોટો થયા પછી વધુ મોટો દેખાઉં છું. મારા આ દેખાવે એમને ગેરમાર્ગે દોર્યા. વળી કમરનો દુખાવો, ઢીંચણનો દુખાવો, હાર્ટની તકલીફ, જતા રહેલા માથાના વાળ – આ બધા સાંયોગિક પુરાવાઓની એમણે મદદ લીધી. મારી ઉંમરમાં એમણે દસકો ઉમેરી દીધો. સાઠને બદલે એમણે મારી ઉંમર સિત્તેર વર્ષ દર્શાવી. હું સ્ત્રી નથી એટલે મારી ઉંમર છે એના કરતાં કોઈ વધુ કહે કે માને એ સામે હું ક્યારેય વાંધો નથી લેતો. પણ આ ભૂલને કારણે કેવી આફતનો સામનો કરવાનો આવવાનો છે એની એમને કે આ આફત ઊભી થઈ ત્યાં સુધી મને સહેજે કલ્પના નહોતી.

રાત્રે ટ્રેન આવી ત્યારે ડબાનો નંબર જોવા મેં ટિકિટ જોઈ અને હું ચમક્યો. મારા સીટ નંબર સામે 70 વર્ષ દર્શાવેલાં હતાં. સિનિયર સિટીઝન તરીકે કન્સેશનનો લાભ આપવામાં આવ્યો હતો. મેં સ્નેહીનું ધ્યાન દોર્યું. સ્નેહીએ કહ્યું, ‘ખોટું કન્સેશન લેવાનો આપણો ઈરાદો નહોતો, પરંતુ ભગવાન તમને કન્સેશનનો લાભ અપાવવા ઈચ્છતા હશે એટલે એમણે મારી પાસે ભૂલ કરાવી. હવે ભગવાનની ઈચ્છાને માન આપો. કન્ડકટરને કશો વહેમ જશે નહીં. એ તમને સહેલાઈથી સિત્તેરના માની લેશે.’

હું શુદ્ધ-અણિશુદ્ધ-પરિશુદ્ધ પ્રામાણિક છું એવો દાવો મારાથી થઈ શકે તેમ નથી પણ ક્યારેક ક્યારેક અકાળે અસ્થાને મને ગાંધી-ઍટેક આવી જાય છે. આજે પણ એવું જ થયું. લગભગ ટ્રેન ઊપડવાના સમયે કંડકટર આવ્યા. ટિકિટ એમના હાથમાં આપતાં પહેલાં મેં એમને કહ્યું : ‘સાહેબ, આ ટિકિટ લેવામાં ભૂલ થઈ છે. મારી ઉંમર સાઠને બદલે સિત્તેર લખાવી છે. પરિણામે મને કન્સેશનનો ખોટો લાભ મળ્યો છે. આપ એટલી રકમ મારી પાસેથી લઈ લો.’ કંડકટર દિગ્મૂઢ બનીને મારી સામે જોઈ રહ્યા. પાગલખાનામાંથી છૂટીને સીધો આ ટ્રેનમાં બેઠો હોઉં એવી શંકા એમને પડી હોય એવું લાગ્યું. એમણે કહ્યું : ‘તમે સાચું બોલ્યા એટલે દંડ તો નહીં કરું, પણ આ ટિકિટ હવે નકામી કહેવાય. રેલવેના કાયદા પ્રમાણે તમે અત્યારે ટિકિટ વગરના કહેવાવ. એટલે તમે જઈને નવી ટિકિટ લઈ આવો. હું તમને નવું રિઝર્વેશન આપું.’ હવે દિગ્મૂઢ થવાનો વારો મારો હતો. ટિકિટ મારા હાથમાં હતી અને છતાં રેલવેના કાયદા પ્રમાણે હું ટિકિટ વગરનો હતો ! ખરેખર તો હું બુદ્ધિ વગરનો હતો એવું મને લાગવા માંડ્યું, એટલામાં બાજુવાળા એક પેસેન્જરે કહ્યું, ‘સાહેબ ! આવી બધી બબાલ કરવા કરતાં પચાસ રૂપિયા લઈને જવા દો ને !’ આ સાંભળી કંડકટર બોલ્યા, ‘આ વાત જો આમણે કરી હોત તો મેં દંડ ફટકાર્યો જ હોત. આટલી નોકરીમાં મેં ક્યારેય હરામની પાઈ લીધી નથી.’ સરકારી ખાતામાં ખાતા ન હોય એવાં માણસો એવી સાંકડી લઘુમતીમાં છે કે આવો કોઈ માણસ મળે ત્યારે આપણને સાશ્ચર્યાનંદ થાય છે.

એક વાર ‘નો પાર્કિંગ’ના બોર્ડના થાંભલાને અડાડીને જ મેં સ્કૂટર પાર્ક કર્યું હતું. ગુનો કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો, પણ ધૂનમાં ને ધૂનમાં મેં બોર્ડ વાંચ્યું જ નહોતું. કામ પત્યા પછી હું પાછો ફર્યો ત્યારે ટ્રાફિક પોલીસ મારી રાહ જોઈને જ ઊભી હતી. કોઈ આપણી રાહ જોતું હોય એ આપણને ગમે જ, પણ એ વખતની સ્થિતિ અવશ્ય અણગમતી હતી. આવું થાય ત્યારે દસ-વીસ રૂપિયા પકડાવી દેવાના (આ વીસ વર્ષ પહેલાંનો ભાવ છે). નામ લખે ને કોર્ટમાં જવું પડે તો દંડ તો આટલો જ થાય, પણ હેરાનગતિ કેટલી બધી થાય ! આવી સલાહ મેં સ્કૂટર લીધું ત્યારથી જ વ્યવહારદક્ષ મિત્રો આપતા રહ્યા છે. મિત્રોની સલાહ યાદ આવતાં મેં ખિસ્સામાં હાથ નાખ્યો. ટ્રાફિક પોલીસે કડક અવાજે કહ્યું : ‘ખિસ્સામાંથી હાથ બહાર કાઢી લો. હું લાંચ લેતો નથી.’ એ વખતે પણ મને આવો જ આનંદ થયેલો. મેં કન્ડકટરને કહ્યું, ‘સાહેબ, હું આપને શરણે છું. આપ કહેશો તેમ કરીશ, પણ મને કમરનો દુખાવો છે. ઢીંચણનો વા છે, હાર્ટની તકલીફ છે. દસ પ્લૅટફૉર્મ ઓળંગી ટિકિટ લેવા જવાનું અઘરું છે અને ટ્રેન ઊપડવાનો સમય પણ થયો છે.’ મેં આટલું કહ્યું ત્યાં ટ્રેનની વ્હિસલ વાગી. કન્ડકટરે કહ્યું : ‘તમે સાચું બોલ્યા એટલે તમને મુશ્કેલીમાં મૂકતાં મને દુઃખ થાય છે, પણ રેલવેના કાયદાનું પાલન કરવાની મારી ફરજ છે. એમ કરો, હું તમને ગાંધીગ્રામ સ્ટેશન સુધી મફત લઈ જાઉં. આમ જોકે ખોટું છે, પણ ભવિષ્યમાં તમે સાચું બોલતાં બંધ ન થઈ જાવ એ વાસ્તે હું એટલું કરીશ. ગાંધીગ્રામ સ્ટેશને ઊતરી તમે ટિકિટ લઈ આવો.’
‘ગાંધીગ્રામ તો ગાડી બે-ત્રણ મિનિટ જ ઊભી રહે છે. હું નાનો હતો ત્યારે દોડવામાં ઈનામો પણ મળતાં હતાં. એ ઈનામો સાચવી રાખ્યાં છે. પણ હવે દોડવામાં….’
‘તમે ચિંતા ન કરો. તમે ટિકિટ લઈને પાછા આવો ત્યાં સુધી ગાડી ન ઊપડે એવું કરીશ.’ કન્ડકટરસાહેબે મને ધીરજ બંધાવી. જૂના જમાનામાં કોઈ રાજાને ટ્રેનમાં જવાનું થતું ત્યારે રાજા સ્ટેશને ન આવે ત્યાં સુધી ટ્રેન ઊપડતી નહીં. આજે એક પ્રજાજનને આ બહુમાન આપવામાં આવી રહ્યું હતું, પણ આ બહુમાન માણી શકું એવી મારી માનસિક સ્થિતિ નહોતી.

કાલુપુરથી ઊપડેલી ટ્રેન ગાંધીગ્રામ સ્ટેશને આવીને ઊભી રહી. જે સ્નેહીએ ઉંમર લખાવવામાં ગોટાળો કર્યો હતો એ પ્રાયશ્ચિત કરવા એમના ખર્ચે ટિકિટ લઈ આવવા તૈયાર થયા, પણ હવે કશું જોખમ લેવાની મારી તૈયારી નહોતી. ટ્રેનમાંથી ઊતરી હું સીધો ટિકિટબારીએ ગયો અને બોલ્યો, ‘સાવરકુંડલાની એક ટિકિટ આપો.’ બુકિંગ કલાર્ક ઘડી ભર મારી સામે જોઈ રહ્યા પછી બોલ્યા, ‘આજે જ જવાનું છે ?’
‘હા.’ મેં કહ્યું, ‘આજે જ જવાનું છે. અત્યારે જ જવાનું છે. આ ટ્રેનમાં જ જવાનું છે.’ કોર્ટમાં એફિડેવિટ કરતો હોઉં એમ હું એકીશ્વાસે બોલી ગયો.
‘ટ્રેન આવે એ પહેલાં આવવું જોઈએ ને ?’ આ સાંભળી હું ગભરાયો. ટ્રેન આવી જાય પછી ટિકિટ ન આપવાનો કાયદો હશે કે શું ?
મેં કહ્યું : ‘સાહેબ, આ ટ્રેન આવે એ પહેલાં આવવાનું મારા માટે શક્ય જ નહોતું.’
‘કેમ ?’
‘હું આ ટ્રેનમાં જ આવ્યો.’
‘હેં ?’ મારી વાત સાંભળી બુકિંગ કલાર્કના આશ્ચર્યની અવધિ ન રહી. એમની આટલાં વરસની નોકરીમાં આવો કિસ્સો પહેલો જ હશે એવું એમના ચહેરા પર વ્યાપેલા આશ્ચર્ય પરથી લાગતું હતું.

‘તમે આ ટ્રેનમાં આવ્યા ? વિધાઉટ ટિકિટ ?’ ‘વિધાઉટ ટિકિટ’ની વાત સાંભળી મારા મોતિયા મરી ગયા. ફરી દંડની કાર્યવાહી તોળાઈ રહી હોય એવી મને બીક લાગી, પણ ત્યાં તો કંડકટરસાહેબ આવી પહોંચ્યા. એમણે મને ટિકિટ ઈશ્યૂ કરવાનું બુકિંગ કલાર્કને કહ્યું. બુકિંગ કલાર્કે મને ટિકિટ આપી. આ ટિકિટ પર કંડકટરસાહેબે મને બીજા 60 રૂપિયા લઈ નવું રિઝર્વેશન આપ્યું. ખાધું, પીધું ને રાજ કર્યું…..

[કુલ પાન : 225. (પાકું પૂઠું.) કિંમત રૂ. 300. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22139253.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “સત્યના પ્રયોગો અથવા આત્મવ્યથા – રતિલાલ બોરીસાગર”

Copy Protected by Chetan's WP-Copyprotect.