કેસૂડાં – સંકલિત

[1] મૈત્રી – મોહમ્મદ માંકડ

વિયેટનામમાં ગયેલ અમેરિકન સૈનિક બી. કીથ કોસીએ એક હૃદયસ્પર્શી વાત લખી છે. કોસી અને એનો એક મિત્ર સૈનિક વિયેટનામનાં એક ખખડી ગયેલ દવાખાનાના મકાન પાસે બેસીને લંચ લઈ રહ્યા હતા. ખાણું પૂરું થવા આવ્યું ત્યારે તેમની નજર થોડે દૂર બેઠેલ એક ખખૂડી મખૂડી છોકરા ઉપર પડી. તેમની સામે જ તે જોઈ રહ્યો હતો. તેની ઉંમર અગિયાર-બાર વર્ષની હતી, અને અપોષણથી તે પીડાઈ રહ્યો હતો. કોસીને ખ્યાલ આવી ગયો કે તે ભૂખ્યો હતો, પરંતુ તે કશું માંગતો નહોતો – માત્ર મૈત્રી ભરી નજરે તાકી રહ્યો હતો.

કોસીના મિત્રે તેને નજીક બોલાવ્યો. ખાવાનું તો ખતમ થઈ ગયું હતું. પાછળ માત્ર એક ગોળ ચોકલેટ વધી હતી. છોકરાના હાથમાં એ ચોકલેટ તેમણે મૂકી. કશું જ બોલ્યા વિના છોકરાએ એનો સ્વીકાર કર્યો. ખૂબ જ જાળવીને ચોકલેટના ત્રણ સરખા ટુકડા તેણે કર્યા. તેમાંથી, એક કોસીના હાથમાં અને બીજો તેના મિત્રના હાથમાં મૂકીને તેણે સ્મિત કર્યું. અને ત્રીજો ટુકડો લઈને, માથું નમાવીને તે ચાલ્યો ગયો. (‘આપણે માણસ’ પુસ્તકમાંથી સાભાર.)
.

[2] રવીન્દ્ર ટાગોરનું નિવાસસ્થાન – લીલા મજમુદાર, ક્ષિતિજ રૉય

કલકત્તાના ઉત્તર ભાગમાં એક રસ્તો છે. ગિરદીનો ત્યાં પાર નથી. ટ્રામ છે, બસ છે, મોટર છે, પાડાગાડી છે, હાથલારી છે અને માણસો તો એટલા બધા કે ગણ્યા ગણાય નહિ. રસ્તાની બંને બાજુનાં મકાનો જાણે ખભેખભો અડાડીને ઊભાં છે. ક્યાંય હથેલી જેટલીયે ખુલ્લી જગા નથી. આ રસ્તામાંથી એક નાની ગલી ફંટાય છે. એમાં ફૂટપાથરીયે નથી. બહુ જ થોડાં ઘર છે, એક જૂનું દેવળ છે. જરા આગળ જઈએ તો બે ઘર મૂકીને ગલી પૂરી થઈ જાય છે. સામે જ મોટો દરવાજો દેખાય છે. દરવાજાની સામે જ ત્રણ માળનું મોટું મકાન છે. તેને ખડખડિયાંવાળી હારબંધ બારીઓ છે. ઘરને લાંબી લાંબી ઓસરી છે. દાયકાઓ અગાઉ એક છોકરો આ ઘરની ઓસરીમાં ઊભો રહેતો, જ્યારે વરસાદ ઝરમર વરસતો હોય. છોકરો એકવડા બાંધાનો ને ગોરો હતો. તે ઊભો ઊભો એકીટશે ગલી ભણી જોઈ રહેતો. તેને થતું કે વરસાદ પડે છે એટલે આજે માસ્તર નહિ આવે. પણ એની ધારણા ખોટી પડતી. વખત થતો એટલે માસ્તર તો ગલીને નાકે મોટી છત્રી ઓઢીને અચૂક દેખા દેતા.

આ નાના બાળકનું નામ રવીન્દ્રનાથ ટાગોર. ઘરમાં એને બધાં રવિ કહેતાં. એ ગલીનું નામ દ્વારકાનાથ લેન અને એ જૂનો રસ્તો તે કલકતાનો ચિતપોરનો સરિયામ રસ્તો. આ મકાન જોડાસાંકોના ટાગોર કુટુંબનું વંશપરંપરાનું ઘર છે. વર્ષો થયાં એ ત્યાં ઊભું છે. સાડાત્રણ એકરનો એનો વિસ્તાર છે. એમાં દીવાનખાનાં છે. નોકરોના ઓરડા છે, સ્ત્રીઓના ઓરડા છે, અખાડો છે, કચેરીઓ છે, તબેલા છે, અનેક ચોક છે, તળાવો છે, શું નથી ? આખું મકાન કારકુનોથી, ચપરાશીઓથી, મજૂરોથી, ચોકીદારોથી, પંડિતોથી, નોકરોથી, મહેમાનોથી અને તદ્દન અજાણ્યા જ માણસોથી ગાજતું રહેતું. (‘ઘર એટલે….’ પુસ્તકમાંથી સાભાર.)
.
[3] વારસો – બેપ્સી એન્જિનિયર

એક વૃદ્ધ મરણપથારી ઉપર હતા.
તેમણે પોતાના પુત્રને પોતાની પાસે તેડ્યો.
પછી વૃદ્ધ કહે : ‘બેટા, હું ગરીબ રહ્યો. તારે માટે પાછળ મૂકી જવા સારુ મારી પાસે કાંઈ મૂડી નથી. પણ મારા બાપે મને જે આપ્યું હતું તે આજે હું તને આપતો જાઉં છું. જિંદગીભર તું તેને સાચવજે. જ્યારે તને ક્રોધ ચડે ત્યારે ચોવીસ કલાક પહેલાં તું તેનો જવાબ વાળતો નહીં. ચોવીસ કલાક વીત્યા બાદ તું જવાબ આપી શકે. બસ આટલી ‘મૂડી’ હું તને વારસામાં આપતો જાઉં છું.’

પિતાએ આપેલી ‘મૂડી’ દીકરાએ જીવ્યો ત્યાં સુધી સાચવી. આથી તે ઘણું કમાયો. તેને જીવનમાં ઘણાં અપમાન સહન કરવાં પડ્યાં. ક્રોધ ચડે એવા અનેક સંજોગો વારંવાર ઊભા થયા; પણ પિતાનાં વચનો યાદ રાખી પુત્રે પરિસ્થિતિ સંભાળી લીધી. સામી વ્યક્તિને તે શાંતિથી કહેતો કે, ‘આનો જવાબ હું તમને ચોવીસ કલાક બાદ આપીશ.’ ચોવીસ કલાક બાદ એના મનમાં પેદા થયેલો રોષ, વેરની ભાવના ઈત્યાદિ આપમેળે ઓગળી જતાં. પછી તે એ આખો પ્રસંગ એને એટલો તો નજીવો લાગતો કે અપમાનનો બદલો વાળવા તે પાછો પેલી વ્યક્તિ આગળ કદી જતો નહીં. આમ કરતાં તેના હૃદયમાંથી બધો ક્રોધ અદશ્ય થયો. તેનું હૃદય સ્વચ્છ બની ગયું. એ છોકરો મોટો થતાં ગુર્જેફ નામે મોટા જ્ઞાની પુરુષ તરીકે ઘણી ખ્યાતિ પામ્યો. (‘વીણેલી વાતો’ પુસ્તકમાંથી સાભાર.)
.

[4] સંકલ્પનો જાદુ – બર્ડ ડુબિન (અનુ. સોનલ પરીખ)

ગામડાની એ નાનકડી શાળાને હૂંફાળી રાખવા માટે જૂનોપુરાણો ગોળાકાર સગડી જેવો, કોલસાનો ચૂલો હતો. એક છોકરાને રોજ વહેલા આવી તેમાં કોલસા પૂરી, ચૂલો પેટાવવાની જવાબદારી સોંપાઈ હતી. શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓ આવે ત્યારે શાળા હૂંફાળી થઈ જતી. એક સવારે તેઓ આવ્યા ત્યારે શાળાનું મકાન ભડકે બળતું હતું. તેમણે અર્ધા બેભાન છોકરાને તેમાંથી ખેંચી કાઢ્યો. તે ખૂબ દાઝી ગયો હતો. અડધું શરીર ખરાબ રીતે બળી ગયું હતું. મરણતોલ હાલતમાં તેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો.

બેહોશી અને જાગૃતિની જતી આવતી પળોમાં છોકરાએ ડૉક્ટરના શબ્દો સાંભળ્યા. તેમણે તેની માને કહ્યું, ‘આ છોકરો બચશે નહીં અને તે સારું છે, કારણ કે આગે તેના શરીરને ખૂબ નુકશાન કર્યું છે.’ છોકરો બહાદુર હતો. મરવા માગતો નહોતો. તેણે એ અવસ્થામાંય નિશ્ચય કર્યો કે પોતે જીવશે અને તે બધાના આશ્ચર્ય વચ્ચે જીવી ગયો. કટોકટીની ઘડી વીતી ગયા પછી તેણે ફરી ડૉક્ટરની વાત સાંભળી, ‘છોકરો જીવી તો ગયો છે, પણ તેનું માંસ ખૂબ બળી ગયું છે. તેના પગ વાંકા રહી જશે ને તેનો ઉપયોગ તે કરી શકશે નહીં.’ ફરી તેણે નિર્ણય કર્યો કે પોતે અપંગ નહીં બને. ચાલશે, પણ તે અશક્ય હતું. કમર નીચેનો હિસ્સો તે હલાવી પણ શકતો નહોતો. પાતળા પગ નિર્જીવ બનીને લટકી પડ્યા હતા. છેવટે તેને હૉસ્પિટલમાંથી છુટ્ટી મળી. રોજ તેની મા તેના નિર્જીવ પગ પર મસાજ કરી આપતી, પણ ત્યાં કોઈ સંવેદન થતું નહીં. કોઈ નિયંત્રણ પણ રહેતું નહીં, પણ ચાલવાનો તેનો સંકલ્પ એવો ને એવો દઢ હતો.

જ્યારે તે સૂતેલો ન હોય ત્યારે તેને વ્હીલચેરમાં જકડીને રહેવું પડતું. એક દિવસે તેની મા તેને ઘરના બગીચામાં લઈ ગઈ જેથી તેને ખુલ્લી હવા મળે. તે દિવસે તેણે જોર કરી પોતાને વ્હીલચેરમાંથી જમીન પર ફેંકી દીધો અને ઘાસમાં ઘસડાવા માંડ્યું. નિર્જીવ નબળા પગ પાછળ ઘસડાતા રહ્યા. બગીચાની વાડ સુધી તે ઘસડાયો અને મહામુશ્કેલીથી ઊંચો થયો. તેની પ્રતિજ્ઞા હતી કે ચાલતા થવું – રોજ તે આ પ્રમાણે કરતો અને વાડાને ફરતું ચક્કર મારવાની કોશિશ કરતો. તેના પગમાં જો ચેતન આવી જાય તો પછી કશું જ અશક્ય નહોતું.

છેવટે રોજનું માલિશ, લોખંડી સંકલ્પ અને અથાક મહેનતના પરિણામે તે એક દિવસ પોતાના પગ પર ઊભો રહી શક્યો. તે પછી અટકતાં અટકતાં પકડી પકડીને પગલાં ભર્યાં ને પછી કોઈના ટેકા વગર ચાલ્યો અને છેવટે દોડ્યો પણ. સ્કૂલમાં ચાલતા ગયા પછી તે દોડીને જવા લાગ્યો. પછી તો દોડવાનો એવો આનંદ આવ્યો કે તે દોડવા ખાતર દોડતો. પછીથી તેણે કૉલેજમાં એક ટ્રેક ટીમ પણ બનાવી. જે છોકરો જીવતો બચી જાય તેવુંય કોઈ ધારતું નહોતું, જે કદી ચાલી પણ શકવાનો નહોતો, તે યુવાન વયે વિશ્વનો સૌથી ઝડપી દોડવીર બન્યો. તેનું નામ ડૉ. ગ્લેન કનિંગહામ. (‘મોતીની માળા’ પુસ્તકમાંથી સાભાર.)
.
[5] ગૂંચ – કાન્તિલાલ કાલાણી

ખ્વાજા નસિરુદ્દીનનો એક વિચિત્ર પ્રસંગ નોંધાયો છે. ખ્વાજા જે ગામમાં રહેતા હતા તે ગામમાં અનાજ દળવાની સગવડ નહોતી, એટલે અનાજ દળાવવા દૂર આવેલા શહેરમાં જવું પડતું. ગામના ખેડૂતોએ એવું નક્કી કર્યું કે જેણે પોતાનું અનાજ દળાવવું હોય, તેણે પોતપોતાના ગધેડા પર અનાજની ગૂણો ભરીને જેનો વારો આવતો હોય તેને ઘરે મોકલવી અને તે માણસ ગધેડાઓને લઈ શહેરમાં જાય અને અનાજ દળાવી જેનું હોય તેને લોટ પહોંચતો કરે. અમુક સમય વીત્યા પછી ખ્વાજાસાહેબનો વારો આવ્યો. તેમણે પોતાનું ગધેડું અને બીજાં આઠ ગધેડાં પર અનાજની ગૂણો લાદી શહેરમાં જવા નીકળ્યા. અમુક અંતર કાપ્યા પછી તેમને ગધેડાંની સંખ્યા બરાબર છે કે નહિ તે અંગે શંકા ગઈ. એમણે ગધેડાં ગણ્યાં તો આઠ જ હતાં. તેઓ વિચારમાં પડી ગયાં. પોતે નવ ગધેડાં લઈને નીકળેલા અને આઠ જ થયાં ! એક ગધેડું છૂટું પડી આડે રસ્તે ચડી ગયું લાગે છે, એવો વિચાર આવતાં ગધેડા પરથી નીચે ઊતરી દૂર દૂર સુધી તપાસ કરી આવ્યા. પણ ગધેડાનો પત્તો ન લાગ્યો એટલે હતાશ થઈ ગયા. પાછા ફરીને ગધેડાં ગણ્યા તો બરાબર નવ હતાં ! તેમણે નિરાંતનો શ્વાસ લીધો. આઘુંપાછું જતું રહેલું ગધેડું આપમેળે પાછું ફરી ગયેલું જાણી રાજી થયા અને ફરી ગધેડા પર બેસી ચાલી નીકળ્યા.

ચારેક માઈલનું અંતર કાપ્યા પછી ફરી શંકાનો કીડો સળવળ્યો. આગળ-પાછળનાં ગધેડાં ગણ્યા તો આઠ જ થયાં ! ફરી એની એ જ હૈયાહોળી ! ગધેડાંને એક વૃક્ષ નીચે ઊભાં રાખી આજુબાજુ બધે ફરી વળ્યા પણ નવમું ગધેડું ક્યાંય દેખાયું નહિ. પાછા ફરી વૃક્ષ નીચે આવ્યા તો નવેય ગધેડાં ઊભેલાં ! તેઓ ખૂબ ગૂંચવાઈ ગયા. ગધેડું ગુમ થઈ જાય અને પાછું આવી જાય એ કેમ બને છે તે તેમને સમજાતું નહોતું. તેમને ભૂતપ્રેતની શંકા ગઈ ! નક્કી કોઈ પાછળ પડ્યું લાગે છે. વહેમનું ઔષધ હોતું નથી. તેમણે જ ઊભું કરેલું ભૂત મગજ પર સવાર થઈ જતું હતું અને તેમને પરેશાન કરતું હતું.

સારું થયું કે રસ્તામાં તેમને પરિચિત એવો મુસાફર મળી ગયો. ખ્વાજાસાહેબે તેની સમક્ષ હૈયાવરાળ ઠાલવી. પોતે ભૂતની જાળમાં કેવા ફસાઈ ગયા છે તેની વિગતો તેમણે કહી. પછી આજુબાજુ ચરવા ગયેલાં ગધેડાને એકત્ર કરી ગણી જોયાં તો બરાબર નવ થયાં ! ખ્વાજાસાહેબ પોતાના ગધેડા પર બેસી ગણવા લાગ્યા, તો પાછાં આઠ થયાં ! મુસાફર ખડખડાટ હસી કહેવા લાગ્યો : ખ્વાજાસાહેબ, તમે જે ગધેડા પર બેઠા છો તેને ગણતરીમાં લેતા નથી ! ગધેડાંના સહવાસમાં રહીને તમારી અક્કલ પણ ગધેડા જેવી થઈ ગઈ લાગે છે. તમે જે ગધેડા પર બેઠા છો તેને જ કેમ ભૂલી જાવ છો ? ખ્વાજાસાહેબે વિચાર કરી જોયો. પોતે જે ગધેડા પર બેઠા હતા તેની ગણતરી કરી તો પૂરા નવ ગધેડાં થયાં એટલે રાજી-રાજી થઈ ગયા. પરિચિત મુસાફરે તેમની ગૂંચ ઉકેલી ન હોત તો એ મગજની સમતુલા ગુમાવી જંગલમાં ભટકતા રહ્યા હોત અથવા ગધેડાંની લમણાંઝીકથી કંટાળી ગયા હોત.

મનુષ્યોની મોટાભાગની ગૂંચો વિચારશક્તિનો ઉપયોગ કરવાથી અથવા અનુભવીજનોની સલાહથી ઊકલી જતી હોય છે; પણ મનુષ્યો કાગળનો વાઘ કરી ડરે છે અને પોતે ભગવાન કરતાં પણ વધુ ડાહ્યા છે તેવું બતાવવાની કોશિશ કરે છે. (‘જીવનની માવજત’ પુસ્તકમાંથી સાભાર.)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “કેસૂડાં – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.