અખબારો અને સામાયિકોનું વાચન કરીએ તો ન ચાલે ? – હસમુખ પટેલ

[ યુવાનોને મૂંઝવતા પ્રશ્નો અને યુવાનોના વ્યક્તિત્વને મહેકાવતા જવાબોની આ છે પ્રશ્ન-ગીતા. મહાભારતમાં શ્રીકૃષ્ણે અર્જુનના સવાલોના જવાબો આપીને તેનું દિશાદર્શન કર્યું હતું. આ પુસ્તકમાં અનેક યુવાનોના પ્રશ્નોના ઉત્તરો આપીને તેમનું દિશાદર્શન કરવાનો ઉમદા અભિગમ લેખકે દાખવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

vikasiyeઅખબારો અને સામાયિકો વાંચવામાં વાંધો નથી, પણ તે પર્યાપ્ત નથી. અખબારોમાં મુખ્યત્વે સમાચારો અને લેખોનો સમાવેશ થાય છે. તંત્રીલેખ અને બીજા લેખોમાં વર્તમાન પ્રવાહોની સમીક્ષા કરવામાં આવી હોય છે. તેના વાચનથી યુવાન એક જ બાબતમાં વિવિધ પાસાંઓથી વાકેફ થાય છે. એટલું જ નહિ તેનો પોતાનો સ્પષ્ટ અભિપ્રાય કેળવાય છે. નોકરી માટેના ઈન્ટરવ્યૂમાં વિચારોની સ્પષ્ટતા ખૂબ જ ઉપયોગી થાય છે.

કેટલાક લેખો જુદા જુદા વાચક વર્ગને ધ્યાનમાં રાખીને પીરસવામાં આવે છે. કેટલાંક સામાયિક ઘટનાઓ પર આધારિત હોય છે તો કેટલાંક આપણા રીત-રિવાજો, રૂઢિઓ, પરંપરાઓ, વિચારસરણી આદિ અંગે આલોચનાત્મક મૂલ્યાંકન કરે છે. આવા લેખોનું વાચન વિચારની સ્પષ્ટતા જ નહિ યુવાનને પોતે જીવનમાં શું કરવા માંગે છે, તે નક્કી કરવામાં સહાયરૂપ નીવડે છે. ઘણી વાર અજાણપણે તે પ્રક્રિયા ચાલ્યા કરે છે. મારો એક મિત્ર નવમા ધોરણમાં ભણતો હતો ત્યારે તેણે છાપાના એક લેખમાં સ્વામી વિવેકાનંદનું કથન વાંચ્યું : ‘તમને તરસ લાગી હોય તો તમે ગટરનું પાણી પીશો ? તમને સારા મિત્રો ન મળે તો તમે ગમે તેવા મિત્રો બનાવી દેશો ?’ આ કથને અભાનપણે તેના મન ઉપર એવી ઘેરી અસર કરી કે તેણે ઉત્તમ મિત્રો બનાવ્યા. લગભગ પચીસ વર્ષ સુધી તેને એ ખબર ન હતી કે સ્વામી વિવેકાનંદનું આ કથન તેના ઉપર કેવી ઘેરી અસર કરી રહ્યું છે. અખબારો અને સામાયિકોના લેખોના વાચનથી યુવાનમાં તેની આસપાસની દુનિયાની સમજ આવે છે. તેનામાં વિચારની સ્પષ્ટતા વિકસે છે. ઉપરાંત તેની ભાષા અને અભિવ્યક્તિ ઉપર પણ હકારાત્મક અસર થાય છે. પરંતુ છાપાં અને સામાયિકોમાંથી શું વાંચીએ છીએ, ક્યા આશયથી વાંચીએ છીએ તે પણ મહત્વનું છે.

લોકતંત્રમાં અખબારોનું કામ સરકારની સકારાત્મક આલોચના પણ છે. અખબારોમાં સરકારની નીતિરીતિઓની ટીકા જોવા મળે તે સ્વાભાવિક છે. આમ પણ કૂતરું માણસને કરડે તે સમાચાર નથી પણ માણસ કૂતરાને કરડે તે સમાચાર છે. લોકોને ચટપટા અને ચકચારભર્યા સમાચારો તેમ જ અપરાધને લગતા સમાચારો ગમે છે. આવા સમાચાર આપતાં છાપાં લોકો વધુ પસંદ કરે છે. આમ છાપાં અને સમાચાર આધારિત સામાયિકોમાં નકારાત્મક સમાચારોનું પ્રમાણ વધારે રહે તેવું સામાન્ય રીતે બને છે. સમાચારોમાં આવતા નકારાત્મક સમાચારો વાચકમાં નકારાત્મકતા અને શક્તિહિનતાની લાગણી જન્માવે તેવી સંભાવના રહે છે. સમાચાર માધ્યમો દ્વારા આવી નકારાત્મક બાબતો જોવા-સાંભળવાથી લોકોના મનમાં એવો ભાવ જન્મે છે કે આ દેશમાં બધું જ બરાબર ચાલતું નથી, અસત્યનો જ જય થાય છે. કશું સારું કરી શકાય તેમ નથી. આ પરિસ્થિતિ બદલી શકાય તેમ નથી. પ્રયત્ન કરવાનો કોઈ અર્થ નથી. પ્રયાસ કરનારાઓ હારે છે અને ખુવાર થાય છે. લોકોમાં આવી ભાવના દેશની પ્રગતિની દિશામાં એક મહત્વનો અવરોધ ગણી શકાય – યુવાનોએ આ ભાવનાથી બચવા જેવું છે. યુવાન સ્વભાવે આદર્શવાદી હોય છે. તેના દિલમાં દુનિયા બદલવાની ઈચ્છા હોય છે. સંપર્ક માધ્યમોને કારણે તેના મનમાં ઊભી થતી આ છાપને કારણે તેના મનમાં મૂલ્યો વિશે આશંકા જન્મે છે. તે આદર્શોને કોરાણે મૂકી દઈ સાધારણ માણસની જેમ જીવવા પ્રેરાય છે. અન્યાય સહી લેવા તૈયાર થાય છે. અન્યાય સહી લે છે. જૂઠ, દંભ, ભ્રષ્ટાચાર, આદિનો વિરોધ કરવાને બદલે તેને અપનાવતો થાય છે.

તેને આનાથી કોણ બચાવી શકે ? તે પોતે જ. તેણે એ નક્કી કરવાનું છે કે અખબારોમાંથી તેણે શું ગ્રહણ કરવાનું છે ? નકારાત્મકતા, અને શક્તિહીનતા કે તેની સામે લડવાની તાકાત ? આ દુનિયા આજે જીવવા જેવી લાગે છે, કારણ કે કેટલાક લોકોએ સામા પ્રવાહે ચાલવાનું પસંદ કર્યું. બદલાવ આ રીતે જ આવ્યો છે, આવે છે, આવતો રહેશે.

ઘણા બધા લોકોને તેમના શોખ બાબતે આપણે પૂછીએ તો કહેશે : ‘વાચનનો શોખ છે’ પણ વાસ્તવમાં તેઓ છાપાં અને મેગેઝિનો સિવાય કશું વાંચતા નથી હોતાં. આ વાચનને વાચવાના શોખમાં ખપાવી ન શકાય. ઉત્તમ પ્રકારના શિષ્ટ સાહિત્ય વાચનને જ વાચન ગણવું જોઈએ. સમાચારો પર આધારિત ન હોય તેવાં જુદા જુદા વિષય પરનાં સામાયિકો પણ મહત્વનાં હોય છે. ગુજરાતીમાં ‘અખંડ આનંદ’, ‘જનકલ્યાણ’, ‘નવનીત સમર્પણ’, જેવાં પરિવારલક્ષી સામાયિકો ઉપરાંત સાહિત્યને લગતાં ‘પરબ’, ‘કવિતા’, ‘શબ્દસૃષ્ટિ’ જેવાં સામાયિકો ઉપરાંત ‘નિરીક્ષક’ જેવાં સામાયિકો પણ યુવાનોએ વાંચવા જેવાં ખરાં.

[કુલ પાન : 228. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “અખબારો અને સામાયિકોનું વાચન કરીએ તો ન ચાલે ? – હસમુખ પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.