ક્યાં છે મંઝિલ ? – શરીફા વીજળીવાળા

[‘સંબંધોનું આકાશ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શરીફાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે skvijaliwala@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

સૌરાષ્ટ્રના ખોબા જેવડા ગામડામાં અભણ મા-બાપને ત્યાં જનમ લેનારા મારી જેવા જીવની ઝંખનાઓ, ધખનાઓ બદલાતી રહે, સમય અને સંજોગો સાથે રૂપ બદલતી રહે એ બહુ સ્વાભાવિક છે. પણ એક વાત ખરી છે કે આટલી જિંદગીમાં કોઈ પળ એવી નથી મળી જ્યારે આ ધખનાએ જંપીને જીવવા દીધી હોય….

બઉ કાઠા કાળમાં જન્મેલી એટલે નાનપણ ભીંત્યુ હાર્યે માથાં પછાડીએ તો જ મારગ થાય એવું વીત્યું. મા અને દાદીએ હાથે ચણેલા ગારાના ઘર પર માથું અડી જાય એટલાં ઊંચાં પતરાં છાયેલાં…. કાઠિયાવાડનો કાળઝાળ તડકો, ઠારી નાખે એવી ટાઢ્ય કે વારતેવારે ફુંકાતાં વાવાઝોડાંમાં આ ઘરે એકાદ અપવાદને બાદ કરતાં પાક્કો સાથ દીધેલો. મોસમે મોસમે ચીજની ફેરી કરતા બાપુ બોર, બરફ, કેળાંને બદલે છેલ્લે છાપાના ધંધામાં ઠરીઠામ થયા ત્યારે હજી મારો જન્મ નો’તો થયો….. ગામેગામનાં પાણી પીતાં, જાતભાતના ધંધા અજમાવી ચૂકેલા બાપુને છાપાંએ ભાવનગર જિલ્લાના જિંથરી ગામે સ્થિર કર્યા. ચીનના યુદ્ધના પડછાયામાં મારો જન્મ થયેલો એટલે મા કાયમ કહે : ‘તું આવી ને કાળા કોપની મોંઘવારી લઈ આવી.’ પછી તો મોંઘવારી એવી વધતી ગઈ કે ગમે તેટલાં ટૂંટિયા વાળો તોયે ચાદર ટૂંકી જ પડે. બાપુ વહેલી સવારે ખડખડપાંચમ સાઈકલ લઈને નીકળી પડે છાપાં વેચવા તે છેક દોઢ-બે વાગ્યે રોટલા ભેળા થાય…. મા થાય એટલી ખેતમજૂરી કરે. ગામ આખાનાં કપડાં સીવે ને તોય ચાદરના બે છેડા ભેળા થવાનું નામ નો’તા લેતા. અમે ભાઈબહેન પણ થાય એટલો ટેકો કરતાં. હું ને મારી બે’ન નિશાળ સિવાયના સમયમાં છાણાં-બળતણ ભેળાં કર્યે રાખતાં. ભાઈ-બે’ન ભેળાં થઈ કાગળની કોથળીઓ બનાવી વેચતાં. જૈનોના મેળાવડાઓમાં રાડ્યું પાડી પાડીને છાપાં વેચતાં પણ તોય હાંડલાની કુસ્તી બંધ નો’તી થાતી.

મા-બાપ ભણેલાં નંઈ પણ અમને ભણાવવાની બહુ હોંશ. મા તો વારેવારે કે’તી : ‘આપડે ક્યાં તાલેવંતનાં છોકરાં છીએ તે બાપદાદાની મિલકતું વાટ જોતી હોય…. તમારે તમારા બાપની જેમ તૂટી નો મરવું હોય તો ભણો…. ભણશો તો જ દા’ડો વળશે….. નઈતર કરજો અમારી જેમ ઢસરડા…..’ માનાં આ વેણ અને બાપુનાં સપનાંની લંગાર…. બેઉ ભેળાં થઈ અમને ભણવા બાજુ વધુ ને વધુ ગંભીર કરતાં ગયાં. અમે તો ગામ બારા, આવળ, બાવળ, બોરડી ને ઈંગોરિયાનાં જાળાં વચાળે અફાટ વગડામાં સાવ એકલાં રે’તાં’તાં. અમારા ઘર્યે લાઈટ તો અમે બધાંએ ભણી લીધું ઈ પછી આવી. અમે તો બધાએ ફાનસના અજવાળે જ વાંચ્યું છે. બપોરનું મળે તો સાંજનાં ફાંફાં એવી ઘરની હાલત એટલે નિશાળમાં કંઈ ને કંઈ વાંકમાં આવવાનું થાય. મારે માથે મોવાળા વાંભએકના ને વળી બોથડ તે જાન્યુઆરી આવતાં આવતાં બે થરા થીંગડાં પણ ફાટી જાય ને યુનિફોર્મ વગર રોજેરોજ વર્ગની બારી ઊભી રાખે. ભાઈની પણ સમયસર ફી નહીં ભરી શકવાને કારણે એવી હાલત ઘણી વાર થતી. પણ અમે કોઈદી ઘરે નો’તું કીધું. ડાપણની દાઢ અમારે ભાઈ-બે’નને જરીક વેલી જ ઊગી ગયેલી. ખબર હતી કે ઉપરવાળાએ એવાં માબાપ દીધાં છે કે હોય તો માગ્યા વગર જ આપે. પણ આજે એક વાત કબૂલવી પડે કે એ દિવસોએ ખુદ્દારી શીખવી. વર્ગની બહાર ઊભા ઊભા તડાક દઈને પ્રશ્નોના સાચા જવાબો દેતી થઈ…. આપણે ત્યાં સમાજનાં ધારાધોરણો તો આમ પણ આર્થિક માપદંડે જ ચાલે. ગામ આખું મારા બાપુજીને ‘તું’ કહીને જ બોલાવતું. અમારા મનમાં ચચરાટ તો બહુ થાય પણ કરીએ શું ? પણ મનોમન ગાંઠ વળતી જાય… કંઈક એવા બનવું, એટલા આગળ વધવું કે આ ‘તું’ કહેનારાં મારાં માબાપને ‘તમે’ કહેતા થાય…. ને જુઓ આજે અમે ભાઈબે’ન એવી જગ્યાએ પહોંચ્યા છીએ કે કાલે ‘તું’ કહેનારા બધા આજે મારાં માબાપને મળવા સામેથી ઘરે આવે છે !

ભણ્યા વગર દા’ડા નંઈ વળે એ સમજાયા પછી ભણવા તરફ તો ગંભીર બની જ પણ બાપુના છાપાના ધંધાએ મને વાંચવાની લત વળગાડી…. સાવ નાનેથી જાતજાતનાં છાપાં ને ધર્મયુગ, માધુરી, જી, ફિલ્મફેરના ઢગ વચ્ચે મોટી થઈ. બાંગ્લાદેશના યુદ્ધ વખતે હતી તો ચોથા ધોરણમાં તોય જાતભાતના ફોટા અને કતરણ કાપીને ભેળા કરતી, નિબંધ લખતી થઈ ગયેલી. રમતગમત, રાજકારણ, ફિલ્મ, સાહિત્ય…. કોઈ એવું ક્ષેત્ર નહીં જેમાં મને રસ ન પડે. સાતમા ધોરણ સુધીમાં તો મુનશી, મેઘાણી, મડિયા, દર્શક, પન્નાલાલ, ર.વ. દેસાઈ ને તમામ લોકપ્રિય સાહિત્યકારોને હું આખેઆખા વાંચી ગયેલી. નવમા ધોરણ સુધીમાં ટાગોર, શરદબાબુ, પ્રેમચંદ, ખાંડેકર વાંચી કાઢેલા… જે હાથ ચડે તે વાંચવું એવી ટેવને કારણે પસંદગીનું જ વાંચ્યું એવું નહીં કહી શકું. પણ આ વાચને મને ધરમૂળથી બદલી. મારી વિચારવાની, મૌલિક રજૂઆતથી તાકાતને ધાર કાઢી આપી. દલીલો, તર્ક અકાટ્ય થતાં ચાલ્યાં. ખોબા જેવડા ગામડામાં જીવતા જીવને પુસ્તકોએ બૃહદ જગત સાથે જોડી આપ્યો. મને હંમેશાં લાગ્યું છે કે હું આજે જે કંઈ છું એમાં મારાં મા-બાપ, શિક્ષકો જેટલો જ ફાળો પુસ્તકોનો છે. પુસ્તકોએ શીખવાડ્યું કે માહિતી મહત્વની છે પણ પહોંચવાનું તો જ્ઞાન સુધી છે. મારા અંતસત્વને પુસ્તકોએ જ ઝળાંઝળાં કર્યું છે એવું કહી શકું. જ્ઞાનને કોઈ સીમા નથી હોતી, ગમે તેટલું જાણો, વાંચો તોય ઓછું જ પડવાનું એ પણ પુસ્તકોએ જ મને શિખવાડ્યું. મને નરી માણસ બનાવી પુસ્તકોએ. ગીતા, રામાયણ, મહાભારત મને કુરાન જેટલાં જ મારાં લાગ્યા. કોઈ ધર્મના માણસ બનવામાં મને કદી રસ ના પડ્યો. મને માત્ર માણસ બનવામાં રસ પડ્યો એની પાછળ પણ આ પુસ્તકો જ જવાબદાર.

મારે થવું હતું મારા મોટા ભાઈની જેમ ડૉક્ટર…. પણ 12મા ધોરણમાં મારે 9 માર્ક ખૂટ્યા ને મેડિકલના દરવાજા મારા માટે કાયમ માટે દેવાઈ ગયા. પણ આ અવરોધ હતો, અંત નો’તો એવું મારો માંહ્યલો વારંવાર કે’તો હતો. મેં વડોદરાની ઈજનેરી કૉલેજના આર્કિટૅક્ચર વિભાગમાં પ્રવેશ લીધો. ને પહેલા જ દા’ડે ડેબુ ફાડી નાખે એવો ખર્ચો ! ટી સ્કેવર, સેટ સ્કેવર, બેચાર જાતની ડ્રૉઈંગબુક્સ ને પેન્સિલો અને…… બાપુજીએ આખા મહિના માટે 250 રૂ. દીધેલા. તે ઘડીક વારમાં ચટણી થઈ ગયા. આ 250 પણ બે-ચાર પાસેથી ઉછીના-પાછીના લઈને આપેલા એટલે બીજા મંગાવવાનો તો સવાલ જ નો’તો પેદા થતો…. પણ ત્યાં ઉપરવાળો વહારે ધાયો. 30 દિવસની અંદર ‘ઈન્ટર ડિપાર્ટમેન્ટ ચેઈન્જ’ માટેની નોટિસ મુકાઈને આપણા રામ 21મા દિવસે ફાર્મસીમાં પહોંચ્યા. બી.ફાર્મ થઈને નોકરી લીધી. વડોદરાથી પચાસ કિ.મી. રોજ જતી આવતી. વડોદરામાં તો સાત પેઢીએ કોઈ સગું નો મળે એટલે હૉસ્ટેલ વગર ચાલે નહીં….. હૉસ્ટેલ એડમિશન માટે કંઈક ભણવું પડે એટલે મેં પ્રથમ વર્ષ બી.એ.નું ફૉર્મ ભર્યું. ગુજરાતી ને ગણિત વિષય સાથે બી.એ. થઈ. નોકરીને કારણે કૉલેજ તો એમ.એ. સુધી કદી ના થઈ પણ યુનિ.માં પાંચેય વર્ષ પ્રથમ આવી. જિંદગીએ પ્રવાહ પલટ્યો. ફાર્મસીનું ક્ષેત્ર છોડી કૉલેજમાં નોકરી લીધી. ઉત્સાહમાં પી.એચ.ડી. શરૂ કર્યું. ત્યાં મણકાની તકલીફે એવો ઉપાડો લીધો કે બેસવું શક્ય જ ના રહેવા દીધું. ‘કદી નીચે જોવાનું નહીં, વાંકા વળવાનું નહીં’ જેવી દાક્તરી સૂચનાઓ સાથે સૂતાં-બેસતાં ધરાર પી.એચ.ડી. થઈ. પેલ્લીવાર અનુવાદ કર્યો. સમીક્ષા લખી કે સર્જનાત્મક લખ્યું. ત્યારે કદી કલ્પના નો’તી કરી કે હું પણ કો’ક દી લેખક કહેવાઈશ ! નાની હતી ત્યારે વિનોદ ભટ્ટ, શિવકુમાર જોષી, તારક મહેતા, અશ્વિની ભટ્ટ, ચિનુ મોદીને બહુ પત્રો લખતી. પણ ‘તમારો ફલાણો લેખ બહુ ગમ્યો’ એવું કો’ક મને લખશે એવું તો મેં સપને પણ નો’તું ધાર્યું. મારે તો ‘જાતી થી જાપાન પહુંચ ગઈ ચીન’ જેવો ઘાટ છે. થવું તું ડાક્ટર, થઈ બી.ફાર્મ ને ભણાવું છું સાહિત્ય. પણ હા, હજી મેં અલમ = બસ બહુ થયું એવું નથી કહ્યું…..

હજી તો બીજાં 100 વર્ષની જરૂર પડે એટલું વાંચવાનું બાકી છે, ઘણું બધું લખવાનું બાકી છે. હા, શરીરની પીડાઓ વધતી જાય છે, બેસવાની તાકાત ધીમે ધીમે ઓછી થતી જાય છે. પણ નાનેથી એક વાત મનમાં ઘર કરી ગયેલી…. કે રસ્તામાં રોડાં આવે તો ઝરણું વહેણ બદલે, ફંટાય પણ વહેતું બંધ ના થઈ જાય. મારું પણ કંઈક એવું જ છે. કેટલી વાર એવા અવરોધ આવ્યા કે હવે ગાડી આગળ નહીં જ ચાલે એવું લાગ્યું…. પણ એવું થયું નહીં. હા, વહેણ ફંટાયું જરૂર પણ જિંદગીમાં આગળ વધવાની, કંઈક બનવા તરફની ગતિ અવરોધાઈ નહીં, nobody થી somebody બનવા માટેની આ યાત્રાના હજી તો કેટલાય પડાવ બાકી છે… પણ મને ખાતરી છે…. આગળ વધવા માગનારને દુનિયાની કોઈ તાકાત રોકતી નથી…. બસ મનમાં એક ધગશ, એક ઉદ્દેશ હોવો જોઈએ….. આગળ…. હજી આગળ…. ઓર આગળ…..

[કુલ પાન : 71. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : સ્વમાન પ્રકાશન. આલ્ફા ભવન, 12, સુહાસનગર, સેલ્સ ઈન્ડિયાની પાછળ, ઑફ આશ્રમરોડ, દિનેશ હૉલ રોડના છેડે. સંકલ્પ રેસ્ટોરાંની સામેની ગલીમાં. અમદાવાદ-380009. ફોન : +91 9427606956. ઈ-મેઈલ : mdave.swaman@gmail.com ]

Leave a Reply to Tushar Desai Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “ક્યાં છે મંઝિલ ? – શરીફા વીજળીવાળા”

Copy Protected by Chetan's WP-Copyprotect.