ખોરાક પર સંયમ – સ્વામી સચ્ચિદાનંદ

[ પુનઃપ્રકાશિત. ‘આવેગો અને લાગણીઓ’ પુસ્તકમાંથી સાભાર.]

મનુષ્યોના આવેગોને સમજવા જેવા છે. જેમ કે ભૂખતરસનો આવેગ. પ્રાણીઓને ભૂખ લાગે છે, તરસ લાગે છે. તેના શરીરની રચના એવી રીતે કરાઈ છે કે તેને સમય-સમય ઉપર અન્નજળ વગેરેની આવશ્યકતા પડે જ. મશીનમાં ઈંધણ ભરવું પડે. ઈંધણ વિના મશીન ચાલી ન શકે, પણ ઈંધણ ખૂટી ગયું હોય તો મશીનને ભૂખનો આવેગ નથી આવતો. એટલે તે જડ છે. એટલે તે સુખદુ:ખથી પર છે. પણ પ્રાણીઓને ભૂખ લાગે છે. જેમ જેમ ભૂખ વધતી જાય છે તેમ તેમ તેનો આવેગ પ્રબળ થતો જાય. જેમ જેમ આવેગ પ્રબળ બનતો જાય તેમ તેમ તે પોતાની જાત ઉપરથી કાબૂ ગુમાવતાં જાય. તેનાં વિનય, વિવેક, સમજણ વગેરે આવેગના વંટોળમાં ઊડી જાય. સમર્થમાં સમર્થ વ્યક્તિ પણ આવેગની તાણમાં તણાઈ જાય. આ કુદરતી વ્યવસ્થા છે. પ્રાણીમાત્ર આ વ્યથાની પકડમાં પકડાયેલાં છે.

મહાભારતમાં યુદ્ધમેદાનમાં હણાયેલા પોતાના સો પુત્રોનાં શબ જોઈને વ્યાકુળ બનેલી ગાંધારી હૃદયફાટ રુદન કરી રહી છે. આ કરુણ દ્રશ્ય જોઈને અર્જુનને પીડા થાય છે. જરૂર ગાંધારી રડી રડીને મરી જશે તેવી ખાતરી થાય છે. પણ શ્રી કૃષ્ણ ગંભીર છે. તે કહે છે, ‘અર્જુન, મારી પ્રકૃતિને જો. પ્રાણી ઉપર પ્રકૃતિનું સામ્રાજ્ય છે, એટલે વિશ્વ ચાલે છે.’ થોડી જ વારમાં ગાંધારીને ભૂખ લાગે છે. ક્રમે ક્રમે ભૂખનો આવેગ વધતો જાય છે. અહીં રણમેદાનમાં ખાવાનું ક્યાંથી લાવવું ? પણ તેની નજર દૂરના એક આમ્રવૃક્ષ ઉપર પડે છે. ત્યાં જઈને જુએ છે તો એક સરસ મજાની પાકેલી કેરી દેખાય છે. ઊંચા હાથ કરીને તોડવા પ્રયત્ન કર્યો પણ ત્યાં હાથ પહોંચાયો નહિ. ઊંચા થવા માટે પોતાના પુત્રનું શબ લઈ આવીને ઉપર ચડીને કેરીને તોડવાનો પ્રયત્ન કર્યો તોપણ કેરી ઊંચી જ રહી. એક પછી એક સોએ સો પુત્રોનાં શબ ગોઠવીને ગાંધારીએ કેરી તોડવા પ્રયત્ન કર્યો. ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું : ‘જો અર્જુન, આ કુદરતની વ્યવસ્થા જો. ભૂખના આવેગ આગળ આ માતા રાંક થઈ ગઈ છે. પુત્રશોકમાં વ્યાકુળ બનેલી હવે એ જ સ્ત્રી ભૂખની પીડાથી વ્યાકુળ થઈને પુત્રોનાં શબ ગોઠવી રહી છે.

ભૂખનો આવેગ કુદરતી વ્યવસ્થા છે. તેમાં પણ બે વિભાગ છે : પેટમાંથી ઉત્પન્ન થયેલો આવેગ અને રસનેન્દ્રિયમાંથી સ્વાદ માટે ઉત્પન્ન થયેલો આવેગ. કુદરતે માત્ર ઉદરમાં જ ભૂખ મૂકી હોત અને સ્વાદનો આવેગ ન મૂક્યો હોત તો માણસ મોટા ભાગે મશીન કે અર્ધમશીન જેવો બની ગયો હોત. જેમ મોટરગાડીની ખાલી ટાંકીમાં પેટ્રોલ ભરી લેવાય છે તેમ માણસ પણ પોતાના ખાલી પેટમાં ગમે તે ખોરાક ભરી લેત. પણ માણસ મશીન નથી. તેને સ્વાદ જોઈએ છે. માત્ર પેટ ભરવાનો પ્રશ્ન નથી. સ્વાદિષ્ટ વસ્તુઓથી પેટ ભરવાનો પ્રશ્ન છે. ઘણી વાર ઉદર તૃપ્ત હોય પણ સ્વાદેન્દ્રિય અતૃપ્ત હોય. માત્ર સ્વાદેન્દ્રિયની તૃપ્તિ માટે જે ખોરાક લેવાય છે તે અસંયમ છે, અતિભોગ છે. તે કુદરતી પણ નથી. એટલે તેનાં પરિણામે રોગ છે. અહીંથી માણસની જવાબદારી શરૂ થાય છે. ઉદર અને સ્વાદ બંને એકબીજાનાં પૂરક બને તો ખોરાક સુખરૂપ થવાની સાથે જીવન બને છે. પણ જો ઉદર અને સ્વાદ બંને એકબીજાનાં વિરોધી બને તો ખોરાક દુ:ખરૂપ બનીને જીવનને મૃત્યુમાં પલટાવે છે. કેટલાક લોકોએ એવો માર્ગ શોધ્યો કે ખોરાક અને સ્વાદ બંનેનો ત્યાગ કરવો. આત્મબળ દ્વારા કે દુરાગ્રહ દ્વારા આવી પ્રક્રિયા થોડા દિવસો તો ચલાવી શકાય, પણ અંતે ખોરાકની અનિવાર્યતા રહેવાની જ. એટલે આ માર્ગમાં સાતત્ય નથી. ઘણી વાર એવું પણ બને કે ખોરાક અને સ્વાદનો ત્યાગ કરેલો હોય એવો માણસ અંતે બેબાકળો થઈને ખોરાક ઉપર તૂટી પડે. આ સંયમ નથી પણ નિગ્રહ છે. નિગ્રહ કુદરતી નથી. એટલે નિગ્રહની પાળ તૂટવાની જ છે. કોઈની બે દિવસ વહેલી તૂટે તો કોઈની બે દિવસ મોડી તૂટે. પણ નિગ્રહ કદી ચિરંજીવી ન હોઈ શકે. (હા, સંયમ જરૂર ચિરંજીવી થઈ શકે.) નિગ્રહની પાળ જ્યારે તૂટે છે ત્યારે તળાવનું સંગ્રહાયેલું તમામ પાણી વહી જાય છે. તળાવ ખાલી થઈ જાય છે અને વહેલું પાણી સ્વયં નષ્ટ થઈ, બરબાદી પ્રસરાવે છે, તેમ તૂટેલો નિગ્રહ પ્રચંડ વેગથી વહેવા માંડે છે. એટલે ખોરાકનો નિગ્રહ એ કલ્યાણમાર્ગ નથી.

કેટલાક લોકોએ એક બીજો માર્ગ શોધ્યો. તે છે ખોરાકનો સંયમ અને સ્વાદનો નિગ્રહ. માપસરનો ખોરાક ખાવાનો પણ તેને સ્વાદ વિનાનો બનાવીને ખાવાનો. ખોરાક સ્વાદ વિનાનો હોય એટલે આપોઆપ તેની માત્રા ઓછી થઈ જાય. સ્વાદના કારણે વધુ ને વધુ ખાવાનો લોભ ન રહે. એટલે ખોરાકની માત્રા સીમિત થઈ જાય. આ માર્ગ પહેલા માર્ગ કરતાં થોડો ઠીક છે. પણ આમાં પણ નિગ્રહ તો છે જ. સ્વાદનો નિગ્રહ તન-મન બંનેને હાનિ પહોંચાડે છે તે વાત વૈરાગ્યભાવવાળા લોકો ભૂલી જાય છે. કુદરતે મુખમાં સ્વાદ મૂક્યો છે તે માત્ર સ્વાદસુખ મેળવવા કે અકરાંતિયા થઈને ખા ખા કરવા નથી મૂક્યો. પણ ખોરાક સાથે સ્વાદની અનિવાર્ય ઉપયોગિતા સ્થાપિત કરવા મૂક્યો છે. જેમ ઘંટીમાં અનાજ નાખો અને તેનો લોટ થઈ જાય, તેમ મોઢામાં ખોરાક મૂકો અને તે પકવાશયમાં જઈને પચી જાય તેવી વ્યવસ્થા નથી. ખોરાકને જોતાં જ તમારા મોઢામાં પાણી આવે, તો નિશ્ચિત પ્રકારના હૉર્મોન ઉત્પન્ન થાય. આ હૉર્મોન ખોરાકને પચાવવાના રસો ઉત્પન્ન કરે છે. આ રસોથી ખોરાક પચે છે. ખોરાકને જોઈને જ જો મોઢું બગડી જાય, કડવી દવા જોતાં તથા તે પીતાં જે દશા થાય છે તેવી દશા થાય તો ઊલટા હૉર્મોન ઉત્પન્ન થાય, તેથી ખોરાક પચે નહિ. સતત અપ્રિય ખોરાક ખાવાથી અજીર્ણ, મરડો, એનીમિયા અને અલ્પાહારની બીમારીઓ થવા લાગે છે. એટલે ખોરાકનો સંયમ અને સ્વાદનો નિગ્રહ એ માર્ગ પણ યોગ્ય નથી.

જીવન માટે સ્વાદ જરૂરી છે. પણ સ્વાદ વિકૃત ન હોય, વિસંવાદી ન હોય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. સ્વાદનો અત્યંત ત્યાગ જો લોકચાહના મેળવવા માટે કર્યો હોય તો તે વ્યક્તિના વ્યક્તિત્વ માટે પણ હાનિકારક છે. મોટા ભાગે કુદરતી જીવનનો ત્યાગ કોઈ ને કોઈ રીતે લોકચાહના માટે જ કરાતો હોય છે, કોઈ ખોરાક અને સ્વાદ છોડી દે અથવા સ્વાદ વિનાનો ખોરાક લે તો લોકો તેને ત્યાગ-વૈરાગ્ય માને છે. તેથી અંજાઈ જાય છે. અંજાયેલા લોકો આવી વ્યક્તિઓમાં ચમત્કારોની સૃષ્ટિ ઊભી કરે છે. ચમત્કારોની કાલ્પનિક સૃષ્ટિમાં પેલી વ્યક્તિનું વ્યક્તિત્વ નિરૂપણ થવા લાગે છે. આ આખા મિથ્યાવ્યક્તિત્વને પોષવા માટે પેલો ખોરાક અને સ્વાદનો ત્યાગ મૂલાધાર બને છે. એટલે ઉપરથી મહાન ગણાતા આવા પુરુષો અંદરથી વાંસ જેવા પોલા અને વ્યક્તિત્વ વિનાના બની જાય છે. લોકચાહનારૂપી લક્ષ્યને સિદ્ધ કરવા ખોરાક અને સ્વાદનો નિગ્રહ એ સાધના બની જાય છે.

આવા માણસોનું બરાબર નિરીક્ષણ કરશો તો દેખાશે કે તેઓ રોગી, ફિક્કા, નિસ્તેજ, દુર્બળ અને જોમ-જુસ્સ્સા વિનાના, મંદ ઈચ્છાશક્તિવાળા હોય છે. હા, જો લોકચાહના લક્ષ્ય ન હોય તો આટલી બધી વિકૃતિ નથી આવતી પણ મોટા ભાગે જ્યાં અકુદરતી નિગ્રહો જ પ્રતિષ્ઠાનું માપ બનતા હોય ત્યાં પ્રારંભમાં આવા નિગ્રહો પોતાની આત્મતૃપ્તિ માટે આચરાયા હોય તો પણ આગળ જતાં એ લોકચાહનાનાં સાધનો બની જતાં હોય છે. એટલે શરૂઆતમાં માત્ર સ્વેચ્છાથી જે વ્યક્તિ આવો નિગ્રહ કરતી હોય છે, તે આગળ જતાં સ્વેચ્છાની જગ્યાએ લોકેષણાના દબાણ નીચે આવી જતી હોય છે. લોકેષણાના દબાણમાં આવેલી વ્યક્તિને આગળ જતાં પોતાની ભૂલ સમજાય તો પણ તે ભૂલને સુધારી શકતી નથી, ઊલટાનું પોતાની ભૂલને જ આદર્શ, તપ અથવા ત્યાગનો જામો પહેરાવવાનું ચાલુ રાખે છે. પ્રજાની વિકૃતિનું આ મૂળ છે.

એક ત્રીજો માર્ગ છે. ખોરાક અને સ્વાદ બન્નેનો નિગ્રહ નહિ, પણ બંનેનો સંયમ. ખોરાક લેવાનો જ, તે પણ સ્વાદિષ્ટ ખોરાક લેવાનો, ઉચિત માત્રામાં હિત-મિત-પથ્ય સાથે લેવાનો. રસોઈ પણ કળા છે. તેનું પણ એક શાસ્ત્ર છે – ‘પાકશાસ્ત્ર’. આહાર એ કુદરતી વ્યવસ્થા છે. તનમનને રુચે, ગમે તેવો અને આરોગ્યનાં પરિણામ આપે તેવો યોગ્ય સ્વાદિષ્ટ ખોરાક લેવાનો જ. તેથી સુખ, તૃપ્તિ અને શાન્તિ ત્રણે મળે છે. ભૂખના આવેગને ત્રાસરૂપ માની તેમાંથી મુક્ત થવા ખોરાકનો નિગ્રહ કરવો અને સ્વાદના આવેગથી છૂટવા સ્વાદમાત્રનો નિગ્રહ કરવો, એ કુદરતી માર્ગ નથી, એટલે હિતાવહ પણ નથી. ભૂખ્યા માણસનું મન સતત ખોરાકનું ચિંતન કર્યા કરશે. જ્યારે તૃપ્ત થયેલા માણસનું મન ખોરાકથી પાછું હઠીને શાન્તિનો અનુભવ કરશે. અશાન્તિનાં બે મુખ્ય કેન્દ્રો છે : (1) અત્યંત નિગ્રહ અને (2) અતિભોગ. આ બન્નેનો ત્યાગ કરી જે મધ્યમાર્ગી – સંયમી જીવન જીવે છે તે સુખશાન્તિનો અધિકારી બને છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અખબારો અને સામાયિકોનું વાચન કરીએ તો ન ચાલે ? – હસમુખ પટેલ
સવારની ચા નો કપ સાંજે ! – ભૂપત વડોદરિયા Next »   

14 પ્રતિભાવો : ખોરાક પર સંયમ – સ્વામી સચ્ચિદાનંદ

 1. Kalidas V. Patel { Vagosana } says:

  ક્રાંતિકારી સંત સ્વામી સચ્ચિદાનંદજી સ્પષ્ટ અને સત્ય વક્તા છે. અહીં જણાવેલ ખોરાક પરનો સંયમ જીવનમાં ઉતારવા જેવી બાબત છે. સુખી અને સ્વસ્થ જીવન માટે અત્યંત જરૂરી છે. જ્યારે આડેધડના ખોરાક નિગ્રહો ટાળવા પણ એટલા જ જરૂરી છે.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 2. Chintan Oza says:

  Excellent article on eating habits by Swami Sachchidanand, all the points mentioned here are very true to real life of every individuals. Thanks to Mrugeshbhai for posting such nice article.

 3. dineshbhai bhattji says:

  સરસ

  (1) અત્યંત નિગ્રહ અને (2) અતિભોગ. આ બન્નેનો ત્યાગ કરી જે મધ્યમાર્ગી – સંયમી જીવન જીવે છે તે સુખશાન્તિનો અધિકારી બને છે.
  બહુ સરસ લેખ સ્વામી સચ્ચિદાનંદ ના વિચારો ક્રાન્તિકારિ અને વિચારવા લાયક હોય છે માટે સ્વામીજિ ના વિચારો આવિ રિતે મુકતા રહો એવિ વિનતિ ધન્યવાદ…

  દિનેશ ભટ ના વન્દન

 4. Maya Shah says:

  Example about Mahabharat did not sound appropriate. How did Gandhari see the mango?? What kind of a mother does this behaviour?

 5. Maya Shah says:

  How did Gandhari see the Mango??

 6. Parul Pandya says:

  Very nice article.Please put the articlles aout Kailsh Maansarover Yatra written by Pujya Dandi Swami Datt Yogwshwarji

 7. devina says:

  very useful article regarding eating habits

 8. nitin says:

  ખુબ જ સરસ છ્ણાવટ કરેલ લેખ્.સ્વાદ નિ પણ જરુરિયાત છે,પણ મર્યાદા મા રહિ ને

 9. Maganbhai M Parmar says:

  The article is interesting but I don’t think that any mother can be so crual.Also how Gandhari can see the mango.

 10. Suresh kerai says:

  Good article

 11. kiranraval says:

  ખુબ સરસ

 12. Jay Patwa says:

  What swamiji says it alright but example he gave is like too much or impossible.Example of એક પછી એક સોએ સો પુત્રોનાં શબ ગોઠવીને ગાંધારીએ કેરી તોડવા પ્રયત્ન કર્યો.

  For me it is very difficult or impossible to do fast but I went to other town on somebody’s death,everybody was crying
  shock and not eating.I came from other town, I was hungry but I could not ask and sleep without eating.This is for ordinary people like me but Great Gandhari do like that is impossible.

 13. dineshbhai bhattji vapi says:

  ધન્યવાદ…

  બહુ સરસ લેખ સ્વામી સચ્ચિદાનંદ ના વિચારો ક્રાન્તિકારિ અને વિચારવા લાયક હોય છે માટે સ્વામીજિ ના વિચારો આવિ રિતે મુકતા રહો એવિ વિનતિ ધન્યવાદ…

  dineshbhai bhattji vapi

 14. Arvind Patel says:

  ભૂખ કરતા બે કોળિયા ઓછું ખાવું તેનું નામ સંયમ. આ નહિ ખાવું અને આ સારું અને આ ખરાબ, તેવી બધી વાતો થી દૂર રહેવું. જે સારું લાગે અને શરીરને માફક આવે તે બધું જ ખાવું. માફકસર દરેક વસ્તુ આરોગવાથી કશુંજ ખરાબ થતું નથી. જેવું ખાવાની બાબતમાં છે, તેવી જીવનની દરેક બાબતમાં છે. તમને સારું લાગે અને અનુકૂળ આવે તે બધું જ કરવું. લોકો શું કહેશે તેની જાજી ચિંતા કરવી નહિ. મનને ગમે તે કરવું. અને હંમેશા ખુશ રહેવું.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.