ગાલની કમાલ – ડૉ. નલિની ગણાત્રા

[‘અહં હાસ્યાસ્મિ’ પુસ્તકમાંથી સાભાર. આપ નલિનીબેનનો (અમદાવાદ) આ નંબર પર +91 9428351120 સંપર્ક કરી શકો છો.]

વહાલ પ્રદર્શિત કરવા ગાલે હળવો ચીંટિયો ભરાય છે, હળવી ટપલી મરાય છે કે પપ્પી કરાય છે. આ બધું એક સાથે આંખ, નાક, કાન કે કપાળ પર થઈ શકતું નથી. તેથી જ ગાલ એ વહાલના પરમ અધિકારી ગણી શકાય. ગાલ શબ્દ કદાચ વહાલનો અપભ્રંશ પણ હોય ! ચીંટિયો, ટપલી અને પપ્પી હળવાં હોય તો જ વહાલમાં ખપે. એમાં જો ઉગ્રતા ભળે તો એ દાઝ, થપ્પડ અને બચકા સ્વરૂપ ધારણ કરે છે અને દોડાવીને હંફાવી દે છે. તમાચો એ ટપલીનો સિનિયર સ્કેલ છે.

સિનિયર પોસ્ટ એટલે જ તમાચો ખાઈને ગાલ લાલ રાખવાની પદવી ! (ઉચ્ચ પદવીને અત્યારના સમયમાં ‘ગધઈ’ ગણવામાં આવે છે) કેટલાંકને ગાલ લાલ થતો હોય તો તમાચો ખાવામાં હરકતો હોતી નથી, એવાને ચોડવો !! તમાચા ઉપરાંત ક્રોધ અને શરમથી પણ ગાલ લાલ થાય છે. પણ એ બંને લાલી વચ્ચે મજીઠ અને મરચાં (ભૂકી મરચું) જેટલું અંતર હોય છે. શરમમાંય કોઈ એકને જ જોઈને શરમાય એ લાલી અને સિત્યોતેરને જોઈને શરમાય એ લાલી વચ્ચેય અનુક્રમે કંકુ અને કાપડ જેટલું અંતર હોય છે. (લાલ કલરના કાપડમાં એકસો સિત્યોતેર શેડ જોવા મળે છે) માત્ર સૂરજને બાથમાં લેતી હોય ત્યારે જ સંધ્યા શરમથી લાલચોળ થઈ જાય છે. અગણિત તારાઓને બાથમાં લેતી હોય તો રિઝલ્ટ આટલું રતૂમડું ન હોત ! નર્યા નીતર્યા પ્રેમથી કરવામાં આવેલું ચુંબન એ પ્રેમના હસ્તાક્ષર છે. ચીંટિયા ગમે ત્યાં ભરી શકાય. પણ લાફો તો ગાલ પર જ મારવામાં આવે છે. ચીંટિયા કરતાં લાફો ઓફકોર્સ લાજવાબ છે. શેર વાંચો, સમજો અને હા એ હા કરો :

શાક ઈ શાક ને ડીંટિયાં ઈ ડીંટિયાં
લાફો ઈ લાફો ને ચીંટિયા ઈ ચીંટિયા.

ટૂંકમાં લાફો શાકતુલ્ય અને ચીંટિયા ડીંટિયાતુલ્ય છે. જે ગાલ પર વહાલ થાય છે ત્યાં જ થપ્પડ મરાય છે. એ જે થાળીમાં ખાઈએ એમાં જ થૂંકવા જેવું લાગે છે. ચીંટી (કીડી) પણ ચટકો ભરી જાય પણ ગાલ પર લાફો તો પરમ વહાલા કે પરમ દવલાં હોય એ જ મારી શકે. અડધી રાતે માએ બનાવી આપેલી મેગી કરતાં અડધા દિવસે માએ મારેલા લાફાને યાદ રાખનાર સ્મૃતિકારોને શરમના પરમ અધિકારી સમજવાં.

ગાલ એ આંસુનો બે ઘડીનો વિસામો છે. આંસુ ગાલ પર પડે છે તેથી લૂછી શકાય છે. ગાલ ન હોત તો આંસુ સીધાં જમીન પર પડત અને ગમ્મે તેટલી વહાલી વ્યક્તિનાં હોય પણ જમીન પર પડેલાં આંસુ કોઈ રૂમાલથી લૂછી ન આપે. પોતાના રૂમાલથી તો નહીં જ ! ઘણાં લોકો બહુ પ્રેક્ટિકલ હોય છે. એ લોકો રડતી વ્યક્તિનો રૂમાલ ઝૂંટવીને એનાથી જ આંસુ લૂછી આપે છે. ઈમોશનલ બ્લેકમેલ એ સ્ત્રીઓને ગળથૂથીમાં મળેલ ગુણ છે અને એમાં વધારે રડવું પડતું હોવાથી આંસુને લીધે સ્ત્રીઓના ગાલની ભૂમિ ઉષર (ખારી) થઈ જાય છે. તેથી તેમના ગાલ પર વાળ ઊગતા નથી ! યુવાવસ્થાનું પૂર આવે ત્યારે આ ફાજલ જમીન જેવા ગાલના મધદરિયે ટાપુની જેમ ‘ખીલ’ ઉજાગર થાય છે. ખીલ એ મેટ્રીમોનીઅલ માટે આડખીલી રૂપ છે. એ ગાલની વચ્ચોવચ્ચ અને વચલી અવસ્થા (યુવાવસ્થા)માં થાય છે. એથી સાબિત થાય છે કે ખીલ એ વચગાળાની આફત છે. રોડ બનાવવા માટે ખાડા ખોદીને રસ્તા વચ્ચોવચ્ચ માટીના ઢગલા કર્યા હોય એવો ખીલવાળો ગાલ લાગે છે. ફરી રોડ ક્યારે બને, બને કે ન બને એ નક્કી નહીં, એમ ખીલ ક્યારે મટે, મટે કે ન મટે એય નક્કી નહીં ! એવા માટીના ઢગલાવાળા રસ્તાય આડખીલીરૂપ જ હોય છે.

ખંજન એ ગાલનું નજરાણું છે. આંખમાં કે કપાળમાં પડેલાં ખંજન શોભા નથી દેતાં. વળી આખ્ખેઆખા ગાલ બેસી ગયા હોય તો ગબ્બા જેવા લાગે છે. જેને જોઈને લખોટી રમવાનું ઝનૂન ઊપડી આવે છે, પણ રમી શકાતું નથી. જોકે તંદુરસ્ત ગાલ પર માપનું ખંજન એ ગોલ્ફના મેદાનમાં કરવામાં આવેલા હૉલ જેવું ખૂબસૂરત લાગે છે. આમ જોઈએ તો ચહેરાનો સમગ્ર વિસ્તાર એ કપાળ, આંખ, આઈબ્રો, નાક અને હોઠની ભાગીદારીમાં લીધેલો પ્લોટ છે. આ બધા ભાગીદારોએ જન્મથી જ પોતાની જગ્યા સ્થાપિત કરી લીધી છે. પછી જેમ મકાનમાં રૂમ મોટા કરાવીએ એમ આ બધા અવયવોની સાઈઝ અને વિસ્તાર સમય જતાં થોડા વિસ્તૃત થતા જાય છે. નાક, હોઠ, કપાળ, આઈબ્રો અને ઈવન ‘આંખ’ પણ ઉંમરે ઉંમરે ‘મોટી’ થતી જાય છે. પણ ચહેરામાં કપાળ અને ગાલ કોઈ બાંધકામ કર્યા વગરના ખાલી પ્લોટ જેવાં લાગે છે. કપાળનો ભાગ એ જાણે ગાલે માળ ખેંચી લીધો હોય એવો લાગે છે. મતલબ કપાળ એ ગાલનું એક્ષ્ટેન્શન છે ! કપાળમાં કોઈ બાંધકામ થતું નથી. રોજ ચાંદલો કરીને એ પ્લોટનું પૂજન કરવામાં આવે છે એટલું જ. કંઈ સર્જન થતું નથી એટલે જ કપાળનો કૂટવા માટે ઉપયોગ થાય છે. કપાળમાં ક્યારેક ઢીમડાનું સર્જન થાય છે, પણ એય છેક લગ્ન પછી જ !

ચહેરાના પ્લોટમાં સહુથી વધારે જગ્યા ગાલે ખરીદી લીધી છે. એ રીતે ગાલ સહુથી માલદાર છે. ડનલોપ જેવા ગાલ એ શ્રીમંતાઈની નિશાની છે. ગાલપચોળિયું એ ગાલની મોનોપોલી બીમારી છે. ‘ચીઝ બટર’ના ગાલ ગાલપચોળિયાં વગર પણ લબડેલ લોથા જેવાં હોય છે. કેટલાંકના ગાલ વળી ચટ્ટાઈ જેવા સાવ ચોપટ હોય છે, જેમાં સોપારી કે ગલોફા ખોસી દેવાની ઈચ્છા થઈ આવે છે. સામાન્ય રીતે ગાલનો પ્લોટ ખાલી-કોરો જ હોય છે. પણ ક્યારેક કોઈ જન્મથી જ એમાં ખંજનરૂપે કૂવો ખોદાવી રાખે છે. કોઈ વળી તલ, મસા જેવી નિશાનીઓથી પોતાનો જ પ્લોટ છે એવી માલિકીની સાબિતી (આઈડેન્ટિટી) આપે છે. કોઈક ગાલમાં જીવનના અંતિમ તબક્કામાં કરચલીની રંગોળી રચાય છે, જે રણની રેતીમાં સળ પડ્યા જેવી દીસે છે ! અકાળે ‘ઊર્ધ્વગમન’ કરનાર રંગોળીથી વંચિત રહી જાય છે. કેટલાંક આમાંનું કશું રોકાણ કે બાંધકામ કર્યા વગર પ્લોટ કોરોકટ્ટ મૂકીને સ્વર્ગની બાજુમાં (?) સિધાવી જાય છે !

એની વે, ગાલને સહુથી વધુ વહાલ મળે છે. મતલબ કે ગાલ લાડકા છે અને લાડકા દીકરા ખર્ચાળ વધુ હોય ! પાવડર, ક્રીમ, ફેઈસપેક વિગેરે ગાલ જ વધારે ખાઈ જાય છે (આપણો પોણો પગાર હપ્તા ખાઈ જાય છે એમ !) ગાલ લાગે છે સીધા સપાટ, પણ કેવાં ગુલ ખીલાવે છે, જોયું ને ? કંઈ સમજાણું ?!


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સવારની ચા નો કપ સાંજે ! – ભૂપત વડોદરિયા
પરિવારની પરવરિશ – પ્રા. ડૉ. રેખા ભટ્ટ Next »   

14 પ્રતિભાવો : ગાલની કમાલ – ડૉ. નલિની ગણાત્રા

 1. ‘શાક ઈ શાક ને ડીંટિયાં ઈ ડીંટિયાં
  લાફો ઈ લાફો ને ચીંટિયા ઈ ચીંટિયા.’

  ચહેરાના પ્લોટમાં સહુથી વધારે જગ્યા ગાલે ખરીદી લીધી છે. એ રીતે ગાલ સહુથી માલદાર છે. ડનલોપ જેવા ગાલ એ શ્રીમંતાઈની નિશાની છે… ગાલ ઘણુ કહી જાય વ્યક્તિ વિશે…

 2. Kalidas V. Patel { Vagosana } says:

  નલિનીબેન,
  આપના ” ગાલની કમાલ ” ઉપર કુરબાન છે ‘ નરોડા ‘
  ઓછુ પડે તો ય કહેજો , લખી આપીશ હું ‘ બરોડા ‘
  ખરેખર એક ઉત્તમ હાસ્યલેખ. અભિનંદન.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 3. Lata Bhatt says:

  ગાલ વિશે પણ આટલુ બધુ લખી શકાય; !!! સફળ હાસ્યલેખિકા માટે કશુ અસંભવ નથી અબ્કિનંદન્

 4. પલ્લવી says:

  નલિનીબેન,
  તમારો સરસ મજાનો હાસ્યલેખ વાઁચીને તમારો ગાલ પંપાળવાનું મન થયું છે. મારા વતી તમે જાતે પંપાળી લેજોને પ્લીઝ.
  પલ્લવી

 5. nisha rathod says:

  ખંજન એ ગાલનું નજરાણું છે. આંખમાં કે કપાળમાં પડેલાં ખંજન શોભા નથી દેતાં.

  good nalineeben…

 6. nisha rathod says:

  ચહેરાના પ્લોટમાં સહુથી વધારે જગ્યા ગાલે ખરીદી લીધી છે. એ રીતે ગાલ સહુથી માલદાર છે.

  ne aa plot nu bhumi poojan varsh ma 1 j vaar thay chhe..!! dhuleti na divase..!!!!

 7. સંજય ઉપાધ્યાય says:

  ગાલ અને ગાળ વચ્ચે કઈ સામ્ય ખરું? વિચારજો.
  સુંદર હાસ્યલેખ..

 8. Hina says:

  You must have to read if article is written by Naliniben. Good one!

 9. મેહુલ says:

  ગાલ વિશે આટલું સુંદર રચના અત્યાર સુધી મેં ક્યારેય વાંચી જ નહતી …..આભાર આપને આ રચના માટે…..

 10. meena v says:

  નલિનિબેન્
  સન્દેશ સમાચાર પત્રમા તમારા લેખ વાચ્યા છૅ.નાના સરખા મુદ્દા ઉપર પણ આટલુ સુન્દર્ લખાણ. વિચાર આવે છે કે ગાલ ઉપર થોડી લાઈન્ લખવા માટે અમારે કેટ ક્ટલી મેહેનત ક્રરવી પડે. ખરેખેર પ્રશન્શાને યોગ્ય છે.

 11. Vaghela Gulabsinh says:

  Great paragraph on GAL, Really ADABHUT. I was little nervous today while working in Kazakhstan near RUSSIA. Reading your article made me very energetic…this is only Gujaraties who can tell anything about anything in great sense. Firstly bunch of thanks and secondly congratulations. Please keep it up for us….

 12. gita kansara says:

  અ તિ સુન્દર લેખ્. અભિનન્દન.ગાલ વિશે સચોત ઉમદા વિચારો અભિવ્યક્ત રજુ કરેીને વાચ્કોને આવા લેખનેી લ્હાનેી ભવિશ્યમા પન આપશોને?

 13. Rekha Shukla says:

  ખુબ સુંદર લખાણ, નલિનીબેને બહુ હસાવી દીધી…!!ગાલ એ આંસુનો બે ઘડીનો વિસામો છે. આંસુ ગાલ પર પડે છે તેથી લૂછી શકાય છે. ગાલ ન હોત તો આંસુ સીધાં જમીન પર પડત અને ગમ્મે તેટલી વહાલી વ્યક્તિનાં હોય પણ જમીન પર પડેલાં આંસુ કોઈ રૂમાલથી લૂછી ન આપે. આપને મળવા આતુર છું.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.