- ReadGujarati.com - http://www.readgujarati.com -

પરિવારની પરવરિશ – પ્રા. ડૉ. રેખા ભટ્ટ

[‘જનકલ્યાણ’ સામાયિક માર્ચ-2013માંથી સાભાર.]

આપણી સિદ્ધિનું શ્રેય બીજાને આપવું એ કાર્ય મોટાભાગના માનવીઓ માટે અશક્ય નહીં પણ કઠિન તો જરૂર લાગે જ. આમ તો આપણે સૌ જાણીએ છીએ કે આપણાં વ્યક્તિત્વના વિકાસમાં જાણે અજાણે અનેક વ્યક્તિઓનો સિંહફાળો રહેલો હોય છે.

હું સૂરત એમ.ટી.બી. આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી વિષયની શ્રેયાન અધ્યાપિકા તરીકે કાર્યરત છું. મેં સૂરતની પથદર્શક પ્રતિભા તરીકે સ્થાન અને માન મેળવ્યા છે. શિક્ષણરત્ન એવોર્ડથી મારું સન્માન થયું છે. આજે હું જે કંઈ છું તેમાં મારા પરિવારનો મહત્વનો ફાળો છે તેવું સ્વીકારતા મને આનંદ અને ગૌરવ બંને થાય છે. મારા પરિવાર વિશે વાત કરી આપ સૌને પણ સહભાગી બનાવવા મને ગમશે.

મારું બાળપણ મારા દાદીમાના અને નાનીમાના સાનિધ્યમાં વીત્યું છે. મારા માતા-પિતાનું પ્રથમ સંતાન હોવાથી મોસાળ તરફથી પણ અઢળક સ્નેહ મળ્યો છે. બાળપણના દસ વર્ષ મારા સમગ્ર જીવનની ઈમારત માટે પાયારૂપ બની રહ્યા છે. મારા દાદીમા બહુ જ સ્ટ્રીક. દીકરી તરીકે દરેક કામ શીખવા જ જોઈએ એવું માને અને તેના કારણે જે ચીવટથી તેમણે મને નાના નાના કામો કરતા શીખવ્યા તે આજે પણ હું ભૂલી શકી નથી. પાંચ ગુજરાતી ભણેલા દાદીમાના અક્ષરો મોતીના દાણા જેવા સુંદર. એમના અક્ષરો જોઈને હું પણ તેમના જેવા વળાંકવાળા સુંદર અક્ષરે લખવા પ્રયત્ન કરતી. વાંચનનો તેમને બહુ જ શોખ હતો. તેમને વાંચતા જોઈને હું પણ વાંચતી થઈ. દાદીમાએ ક્યારેય દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ કર્યો હોય એવું યાદ નથી. નાનામાં નાની વસ્તુમાં પણ સરખો ભાગ કરવાની શિખામણ આપે. એટલે સ્કૂલમાં મળેલી ચોકલેટ પણ અમે ક્યારેય એકલા ખાધી નથી.

અમારા ઘરનું વાતાવરણ જ એવું હતું કે નવું નવું જાણવાનું, શીખવાનું, વાંચવાનું મન થતું. અમે ચાર ભાઈ-બહેન, પિતાજી સરકારી ઓફિસર ત્રણ-ત્રણ વર્ષે તેમની બદલી થાય. જેના કારણે નવા વાતાવરણમાં જવાનું, નવી શાળા, નવું શહેર, નવા લોકો સાથે એડજેસ્ટ થતા શીખી ગયા જેના પરિણામે આજે કોઈ પણ સ્થળે અજાણ્યા લોકો વચ્ચે પણ સહેલાઈથી સમાયોજન સાધી શકું છું. મારા પપ્પાની શીખવવાની મેથડ એટલી સરસ હતી કે અમે ભાઈ-બહેનો શાળાએ ગયા તે પહેલાં જ વાંચતા-લખતા શીખી ગયેલા. વાંચતા આવડ્યું એટલે પેપર વાંચવાનું મન થતું. એમનું ગણિત એટલું સરસ હતું કે તેમણે શીખવેલું ગણિત આજે પણ બરાબર યાદ છે. દૂરંદેશી એટલી હતી કે અમને બે-બે ધોરણ સાથે કરાવેલા જેથી ભવિષ્યમાં કોઈ પણ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટે ઉંમરનો બાધ ન નડે. તેના કારણે હું 20 વર્ષે એમ.એ. થઈ ગઈ હતી.

રોજ રાત્રે દાદીમા પાસે આંક બોલીને જ સૂવાનું એવો કડક નિયમ. દાદીમાએ પપ્પાને પણ એવા જ આંક શીખવ્યા હતા કે તેમને 40 એકા સુધી, o|, o||, o|||, 1|| બધા જ આંક મોઢે આવડતાં. અમને એવી ટેકનિકથી આંક બોલતાં શીખવેલા કે અમે હોંશે હોંશે આંક બોલતા. તેમાંથી વચ્ચે વચ્ચે પલાખા પૂછે, રમત પણ એવી જ રમાડે. ઉખાણા, ગીતો, લોકગીતો, બાળગીતોનો તો એમની પાસે ખજાનો જ હતો જે અમે મેળવ્યો હતો. દાદીમાના પલંગમાં તેમની આજુબાજુ ઘેરી લઈને અમે ખૂબ જ વાર્તાઓ સાંભળેલી. નીડરતાનો પાઠ હું એમની પાસેથી જ શીખેલી. દાદીમા કહેતા, ‘બીક શેની લાગે ? હું સાવજ જેવી બેઠી છું ને ?’ જોકે અમારું કમનસીબ કે હું દસ વર્ષની થઈ ત્યારે મારા દાદીમા ગુજરી ગયા. પપ્પા ત્યારે અમને રોજ અમારા ક્વાટરના દરવાજા પાસે સેવ-મમરા લઈને બેસાડતા. રસ્તા પરથી જે બાળકો નીકળે એને અમે સેવ-મમરા આપતા અને એ લોકો હોંશે હોંશે પ્રેમથી ખાતા. ત્યારથી જ એવા સંસ્કાર મળ્યા કે બીજાને ખવડાવતા કેટલો આનંદ મળે છે ! મારા મમ્મી રોજ રાત્રે સૂતા પહેલાં અમને પ્રાર્થના બોલાવતા એનું રટણ હજુ યાદ છે : ‘હે ભગવાન, સૌનું કલ્યાણ કરજો.’ આજે જ્યારે લોકો બીજાનું ખરાબ કરવા ઈચ્છતા હોય છે ત્યારે નવાઈ લાગે છે કારણ કે બિલકુલ અણસમજમાં પણ રોજ બોલાતું આ વાક્ય ક્યારે દિલમાં ઉતરી ગયું તેની ખબર જ ન પડી.

પટાવાળા, ડ્રાઈવર, બસ કંડકટર બધાને જ આદરથી બોલાવવાની પ્રણાલી અમારા ઘરમાં હતી. મારા નાનાજી ડિસ્ટ્ર્રીક્ટ એન્ડ સેશન્સ જજ હતા પરંતુ રિક્ષામાં બેસે ત્યારે રિક્ષાવાળા ભાઈનો વાંસો થાબડીને કહેતા કે ‘સાહેબ જરા આ બાજુ લેજો.’ મોચી પાસે ચંપલ રિપેર કરાવે તો તેને પણ સાહેબ કહીને સંબોધે. ત્યારે જે વાતની નવાઈ લાગતી એ આજે બરાબર સમજાય છે. નાનાજીના ઘરે બાળસાહિત્યમાં ઝગમગ, બાલસંદેશ, ચાંદામામા, રસરંજન બધું જ આવે. મામા સાથે વાંચવાની સ્પર્ધા અને લડાઈ પણ થાય. વેકેશનમાં હું જાઉં ત્યારે મામા સાચવેલા બધાં અંકો મને આપે અને હું આખો દિવસ બસ વાંચ્યા જ કરું. એક અદ્દભુત સૃષ્ટિ- બકોર પટેલ, વિક્રમવેતાળ, છકોમકો, મિયાંફૂસકી વગેરે. કોઈનું લઈને નહીં આપીને જ ખુશ થવું, થોડામાં મીઠું માની આનંદથી રહેવું, કોઈનું છીનવી લેવાની વૃત્તિ ન રાખવી. પ્રમાણિકતા રાખવી. આ બધા જ સંસ્કાર મમ્મી-પપ્પા તરફથી એટલા દઢમૂલ અપાયા છે કે આજે જ્યારે સાંભળવા મળે કે એ તો વહેવાર કહેવાય ત્યારે પણ સ્વીકારી શકતી નથી. અમે બહાર કોઈ જોડે ઝઘડો કરીને આવ્યા હોઈએ ત્યારે અમારો જ વાંક કાઢે. અમારી તરફેણ કરી ક્યારેય કોઈને ઠપકો ન આપે. અમને એવું કહેતાં કે તમે સામું મારીને આવો તો પછી એમનામાં અને તમારામાં શો ફેર ?

પપ્પા એમ.એસ.સી, એલ.એલ.બી. હોવા છતાં અમને તેમની પાસેથી દરેક વિષયનું માર્ગદર્શન મળતું. અમને જ નહીં સમાજમાં કોઈને પણ કોઈ પણ સમયે તેમની સહાય મળે જ. ગુજરાતી વિષયની રેડિયો ટોક હોય, બહેનો વિશે હોય કે બાળકો વિશે હોય, યુવાવાણીનો કાર્યક્રમ હોય. તૈયાર ન કરી આપે. માર્ગદર્શન આપે. અર્ધી રાત્રે રંગોળી પૂરી ન થાય ત્યાં સુધી અમારી સાથે બેસે અને કલર કોમ્બિનેશનમાં પણ મદદ કરે. મમ્મી અમને સતત પ્રોત્સાહિત કરતાં. કોઈ પણ કાર્યક્રમ હોય અમને જોવા મોકલે. કોઈ વાર એવું થાય કે કંપની વિના એકલું જવું ન ગમે ત્યારે મમ્મી કહે કે કોઈ ન આવે તો એકલા જવાનું પણ જવાનું તો ખરું જ. એ જ વાત યાદ કરીને આજે પણ કંપનીની પરવા કરતી નથી. કોઈના ઘેર હસ્તકળાની સારી વસ્તુ બની હોય, રંગોળી બની હોય તો શીખવાનું પ્રોત્સાહન મળે. ખર્ચની પરવા ન કરે. પપ્પાની ઑફિસના ડ્રાઈવર ભાઈ ચાઈનીઝ વાનગી સરસ બનાવતા તો એમની પાસેથી શીખવામાં પણ ક્યારેય નાનમ અનુભવી નથી. બે સોયાથી ઊનના સ્વેટર ગૂંથવા ઊન લાવી આપ્યું અને બીજા ઑફિસરના ઘેર આંટી પાસે મને શીખવા લઈ ગયા. તેમણે કહ્યું કે ભૂલ થાય અને સારું નહીં બને તો પણ હું પહેરીશ અને તેમણે પહેર્યું પણ ખરું. એટલું જ નહીં બધા પાસે વખાણ કરતા. એ પ્રોત્સાહનથી જ ગૂંથતા શીખી ગઈ અને બધા માટે સ્વેટર બનાવ્યા. આમ અમારો સર્વાંગી વિકાસ પરિવારના લીધે જ થયો.

લગ્ન પછી મા બન્યા પછી પી.એચ.ડી.નો અભ્યાસ શરૂ કર્યો ત્યારે મારા પતિ ત્રિગુણનો સાથ મને સતત મળતો રહ્યો. પપ્પા પત્ર દ્વારા મારા પ્રોગ્રેસનો રિપોર્ટ વારંવાર માગતા. જેના કારણે મારા કાર્યને વેગ મળતો. મારા પરિવારનું ઋણ તો ક્યારેય ચૂકવી શકાય એવું નથી. હું ફક્ત ઋણસ્વીકાર જ કરું છું.