મારી નોકરી – તેજસ જોશી

[‘મુંબઈ સમાચાર’ વસંત વિશેષાંક 2013માંથી સાભાર.]

‘નેક્સ્ટ કેન્ડિડેટ,’ મહેતા એસોસિયેટ્સની એસીમાં ઠંડી કરેલી કેબિનમાંથી અવાજ આવ્યો.
‘શું નામ તમારું…..?’
‘આમ તો મારાં હજારો નામ છે, પરંતુ અહીં લખવા ખાતર કૃષ્ણલાલ વાસુદેવ યાદવ.’
‘જુઓ એમ નહીં ચાલે…. પેન કાર્ડમાં શું નામ છે તમારું ?’
‘પેન કાર્ડ….!! એટલે ?’
‘એટલે ઈન્કમટેક્સમાં શું નામ છે તમારું ?’
‘જુઓ, હું કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવામાં માનતો નથી, ઊલટું હું ટેક્સ ન ભરવા આખા ગામને સમજાવું છું.’

‘તમે કોઈ યુનિયનના સભ્ય લાગો છો.’
‘જી ના, પરંતુ મારું માનનારા ઘણા છે.’
‘તમે પહેલેથી જ આવા બળવાખોર છો ?’
‘જી હા…..!!’
‘હા પાડતાં તમને શરમ નથી આવતી ?’
‘જી ના, જેવા હોઈએ એવા જ રજૂ થવું જોઈએ.’
‘અચ્છા ઠીક છે. તમારો જન્મ ક્યાં થયો ?’
‘જેલમાં.’
‘શું કહ્યું જેલમાં !! જુઓ ભાઈ કૃષ્ણલાલ, આ એક અત્યંત સંસ્કારી વકીલાતની કંપની છે. અહીં સૌએ શિસ્ત પાળવી પડે છે.’
‘શિસ્ત….? અરે સાહેબ, જીવનમાં કેવી શિસ્ત પાળવી એ વિશે મેં એક ગ્રંથ પણ લખ્યો છે.’
‘જુઓ મિ. યાદવ, અમને લેખકની નહીં કલાર્કની જરૂર છે. તમે આ પહેલાં કેવા પ્રકારના કેસ સંભાળ્યા છે ?’
‘બધા જ પ્રકારના કેસ મારી પાસે આવે છે. પતિના ત્રાસના, આત્મહત્યાના, પૈસાના…..’
‘ઠીક છે….. પણ તમારી ફાવટ કેવા પ્રકારના કેસોમાં છે ?’
‘ફાવટમાં તો એવું છેને કે બસ કેસ કોઈ પણ હોય, લોકોનું દુઃખ દૂર થવું જોઈએ.’

‘હં…અ….અ…અ….. જુઓ વકીલાતમાં ભાવનાઓને સ્થાન નથી. વકીલાતમાં તો બસ આપણો ફાયદો જોવો પડે.’
‘સત્યના ભોગે પણ….?!!’
‘જી હા, સત્યના ભોગે પણ.’
‘મને એ નામંજૂર છે.’
‘મેં તમારી મંજૂરી નથી પૂછી. તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે કંઈ કહેશો ?’
‘જી જરૂર, મારે બે બાપ છે…..’
‘શું કહ્યું બે બાપ….?!!’
‘જી હા, એક તો આ વાસુદેવજી અને એક નંદલાલજી, બે માતાઓ છે. અનેક પત્નીઓ છે. બીજાં સગાંસંબંધી બધાં અંદરઅંદર ઝઘડીને મરી ગયા છે. નાનપણમાં એકાદ અફેર પણ હતું.’
‘તમારો ભૂતકાળ બહુ જ વિવાદાસ્પદ અને ગુનાહિત લાગે છે.’
‘વિવાદોમાં રહેવું મને હંમેશાં ગમે છે.’
‘કઈ સ્કૂલમાં ભણ્યા છો ?’
‘નાનપણમાં નિશાળે ગયો જ નહોતો. ફક્ત સાંદીપનિ યુનિવર્સિટીમાં દાખલ થયો.’
‘અચ્છા તો ડાયરેક્ટ બી.કોમ. વાળો કેસ છે. એમ.બી.એ. છો ?’
‘એમ બીએ એવા અમે નથી. અમારાથી લોકો બીએ છે.’
‘જવા દો, શું નામ કહ્યું ? સાંદી…. સાંદીપનિ યુનિવર્સિટી, કોન્વેન્ટ છે ?’
‘જી ના, સંસ્કૃતમાં ભણ્યો છું…!’

‘સંસ્કૃતમાં ? હે ભગવાન, કેવા-કેવા લોકો આ નોકરી માટે એપ્લાય કરે છે. જુઓ ભાઈ, આ વકીલાતની કંપની છે. કોઈ મંદિર કે ટ્રસ્ટ નહીં. અહીં રોજ અંગ્રેજીમાં કાગળો લખવા, કેસ તપાસવા, પુરાવાઓ એકત્ર કરવા, કાયદાનાં થોથાં ઉથલાવવા માટે કલાર્ક જોઈએ છે. પંડિતાઈ કરવાની નથી. કોઈની ભલામણ ચિઠ્ઠી લાવ્યા છો ?’
‘જી ના.’
‘કોઈ મોટી વ્યક્તિ ઓળખે છે તમને ?’
‘બધા જ ઓળખે છે મને.’
‘બધા જ એટલે કોણ ?’
‘બધા જ એટલે…. બધા જ.’
‘તમે તો એવી વાત કરી રહ્યા છો કે ટાટા, બિરલા, બજાજ અને અંબાણી બધા જ ઓળખે છે તમને.’
‘અફ કોર્સ. બધા જ ઓળખે છે મને.’
‘તો પછી એમાંથી કોઈએ તમને ભલામણ ચિઠ્ઠી ન આપી……?’
‘હું લેવા ગયો જ નથી એમની પાસે.’
‘વાહ ધન્ય છે તમને….. કોઈ અનુભવ છે તમને ?’
‘હા છે ને ! ઘણો અનુભવ છે મને. એક નારીની આબરૂ બચાવી છે મેં. અશ્લીલ ભાષા બોલનારને સ્વધામ પહોંચાડ્યો છે મેં. 18 દિવસ સુધી ચાલેલા યુદ્ધનું સંચાલન કર્યું છે મેં.’
‘જુઓ ભાઈ કૃષ્ણલાલ, હું તમને ફરી ફરી કહી રહ્યો છું કે અહીં પોલીસ કે આર્મીવાળાની જરૂર નથી. કલાર્કની જરૂર છે. નોકરી કરી શકો એવી લાયકાત છે તમારી પાસે ?’
‘ટાઈપીંગ આવડે છે ?’
‘ના.’
‘કોમ્પ્યુટર ?’
‘ના.’
‘ડિક્ટેશન લેતાં આવડે છે ?’
‘ડિક્ટેશન એટલે ?’
‘ડિક્ટેશન એટલે બોસ બોલે અને તમારે એ પ્રમાણે લખવાનું.’
‘હરગિજ નહીં. અમે સ્વયં માલિક છીએ.’

‘જુઓ ભાઈ કૃષ્ણલાલ વાસુદેવ યાદવજી, મને કહેતાં અત્યંત દુઃખ થાય છે કે તમે જેને તમારા સદગુણો માનો છો એ અહીં દુર્ગુણો ગણાય છે. અમારે અહીં કહ્યા પ્રમાણે કામ કરી આપનાર કલાર્કની જરૂર છે. તમારા જેવા બળવાખોર, વિવાદાસ્પદ, બીજી કોઈ લાયકાત કે લાગવગ ન ધરાવનાર સ્વતંત્ર માણસની અમને કોઈ જરૂર નથી.’
‘મારી કોઈ જરૂર નથી ?’ વિષાદભર્યા સ્વરે કૃષ્ણલાલજીએ પૂછ્યું.
‘જી ના, કોઈ જરૂર નથી. તમે જઈ શકો છો.’
કૃષ્ણલાલજીએ ઉપર લટકાવેલી છબી તરફ જોયું. એમાં ગીતાસાર લખેલો હતો : ‘કર્મ કર – ફળની આશા ન રાખ.’ આમ અંતે ભગવાનને નોકરી ન મળી.

હવે એ નોકરી હું કરું છું…..


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પરિવારની પરવરિશ – પ્રા. ડૉ. રેખા ભટ્ટ
સૌંદર્યનું એક નવું દ્વાર – જેરોમ વીડમન (અનુ. કુન્દનિકા કાપડીઆ) Next »   

8 પ્રતિભાવો : મારી નોકરી – તેજસ જોશી

 1. Kalidas V. patel { Vagosana } says:

  તેજસભાઈ,
  સચોટ હાસ્યલેખ આપ્યો. સાચે જ ભગવાનને આપણે વિવાદાસ્પદ , બળવાખોર અને જૂનવાણી { out of date } બનાવી દીધો નથી ?
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 2. ketan shah says:

  OH GOD!
  તારા બનાવેલા લોકો તને બનાવૈ રહયા છએ

 3. nitin says:

  આ જમાનામા ભગવાન ને નોકરી ન મળૅ.

 4. Ambaram Sanghani says:

  તેજસભાઈ, આપનો લેખ વાંચવાની ખૂબ મજા આવી. ખાસ તો આપણા કૃષ્ણ ભગવાનના સંદર્ભથી વિષય-વસ્તુને સરસ રીતે વણી લીધું છે. લખતા, હસતા, હસાવતા રહેશો. અભિનંદન.

 5. બોલે તો કડક હાસ્ય છે ભીડુ
  હિન્દી લેખક કરન નિમ્બાર્ક, મુંબઈ

 6. RAJ GOHIL says:

  GOOD STORY

 7. pjpandya says:

  આજે અહિ દરેક ક્ષેત્રમા ભગવાન નપાસ થા તેમ ચ્હે

 8. ખુબ જ મર્મ પુર્ણ અને સચોટ હાસ્ય લેખ, દિવો લઇ અમે સુરજ ને શોધવા નિકળા અને સુરજ સામે આવેીને વાદળોમાઁ ઘેરાય ગયો એવુ બન્યુ ….

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.