સૌંદર્યનું એક નવું દ્વાર – જેરોમ વીડમન (અનુ. કુન્દનિકા કાપડીઆ)

[ રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા બદલ આદરણીય શ્રી જયંતભાઈ મેઘાણી (‘પ્રસાર’, ભાવનગર)નો ખૂબ ખૂબ આભાર.]

એક વેળા, એક જાણીતી વ્યક્તિને ત્યાં મને ભોજન માટે નિમંત્રણ મળ્યું હતું. ભોજન પછી ત્યાં બે વસ્તુઓ જોઈને હું અસ્વસ્થ થઈ ગયો : એક તો એ કે નોકરો ત્યાં ખુરસીઓ ગોઠવી રહ્યા હતા; અને બીજું, સામે દીવાલ પાસે સંગીતનાં વાદ્યો મૂકવામાં આવ્યાં હતાં. પરિસ્થિતિ પરથી હું સમજી ગયો કે મારે આજે સંગીત સાંભળવું પડશે.

‘સાંભળવું પડશે’ એવો શબ્દપ્રયોગ હું એટલા માટે કરું છું કે સંગીતનો મારે મન કશો અર્થ નહોતો. હું લગભગ સૂરબહેરો હતો. સીધાસાદા સૂર પણ હું ભારે પ્રયત્ને સમજી શકું; અને ગંભીર શાસ્ત્રીય સંગીત તો મારે માટે કેવળ વિવિધ અવાજોની પરંપરાથી વિશેષ કશું નહીં. એટલે આવી રીતે ક્યાંક ફસાઈ પડ્યો હોઉં ત્યારે જે રીત હું અખત્યાર કરતો તે મેં ત્યારે પણ કરી : મારી બેઠક મેં લીધી, ને મોં પર સમજણ ને પ્રશંસાના ભાવ રાખી અંદરથી કાનને બંધ કરી દીધા; અને પછી મારા અસંગત વિચારોમાં હું ખોવાઈ ગયો. થોડીવાર પછી મેં જોયું કે મારી આસપાસનાં લોકો તાળી પાડીને પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યાં હતાં; એટલે મેં મારા કાનને સજાગ કરવાનું સલામત માન્યું. ત્યાં તો અચાનક મારી બાજુએથી મૃદુ, હૃદયને સ્પર્શી જાય તેવો અવાજ સાંભળ્યો : ‘તમને બાકનું સંગીત ગમે છે ?’

અણુવિસ્ફોટન વિશે મને ખબર હોય એટલી જ ખબર મને બાક વિશે હતી. પણ હોઠ ઉપર હંમેશ રહેતી ચુંગી અને વિખરાયેલા સફેદ વાળવાળા, દુનિયાના એ એક પ્રસિદ્ધ ચહેરાને હું ઓળખતો હતો : હું આલ્બર્ટ આઈન્સ્ટાઈનની બાજુમાં બેઠો હતો.
‘હં…….’ અસ્વસ્થતાથી હું બોલ્યો- ને જરા અચકાયો. પ્રશ્ન સહજ રીતે જ પુછાયો હતો. મારો ઉત્તર પણ એમ જ સહજ રીતે, ઉડાઉ રીતે, હું આપી શક્યો હોત. પણ મારા પડોશીનાં અસાધારણ નેત્રોમાંથી હું પામી શક્યો કે એ માત્ર શિષ્ટાચાર નહોતા બતાવતા. આ વાતચીતમાં મારે મન એ વિનિમયનું કશું મૂલ્ય ન હોય, પણ તેમને મન તો એ ખૂબ મહત્વની બાબત લાગી. અને વળી, મને એવી લાગણી થઈ કે એ એક એવા માણસ હતા, જેને જૂઠો ઉત્તર આપી શકાય નહીં- પછી એ જૂઠાણું ભલે નાનકડું જ હોય.
‘બાક વિશે મને કશી જ ખબર નથી,’ મેં જરા મૂંઝવણથી કહ્યું : ‘મેં એનું સંગીત ક્યારેય સાંભળ્યું નથી.’
આઈન્સ્ટાઈનના ચહેરા ઉપર મૂંઝવણભર્યું આશ્ચર્ય પથરાઈ ગયું, ‘તમે બાકને કદી સાંભળ્યા નથી ?’ એ અવાજ એવો હતો, જાણે એ પૂછતો હોય : તમે કદી સ્નાન કર્યું નથી ?
મેં ઝડપથી ઉત્તર વાળ્યો : ‘હું લગભગ સૂરબહેરો છું. સાચું કહું તો મેં કોઈનું જ સંગીત સાંભળ્યું નથી.’
એ બુઢ્ઢા આદમીના ચહેરા પર ચિંતાનો ભાવ ઊઠ્યો : ‘મારી સાથે આવશો ?’ તેણે અચાનક જ કહ્યું.

ઊભા થઈ ને તેમણે મારો હાથ પકડ્યો. લોકોની ભીડ વચ્ચેથી તે મને દોરી ગયા. આ દશ્ય પ્રત્યે આશ્ચર્ય પામેલા લોકોનો ગણગણાટ સંભળાતો રહ્યો. આઈન્સ્ટાઈને એની તરફ કશું જ લક્ષ આપ્યું નહીં. દઢતાથી તે મને મકાનના ઉપરના માળે લઈ ગયા. ઘરની ગોઠવણીથી તે પરિચિત હતા. એક ખંડ ઉઘાડીને તેમણે મને અંદર બેસાડ્યો, ને પછી બારણું બંધ કર્યું. એક વેદનાયુક્ત સ્મિત સાથે તેમણે કહ્યું : ‘હવે મને કહેશો- સંગીત વિશે તમારી આવી લાગણી કેટલા વખતથી છે ?’
‘પહેલેથી જ’ મેં કહ્યું. હું મનમાં અસ્વસ્થ થઈ રહ્યો હતો, ‘હું ઈચ્છું છું, ડૉક્ટર આઈન્સ્ટાઈન, કે આપ નીચે જાઓ અને સંગીત સાંભળો. હું તેનો આનંદ માણી શકતો નથી તે કાંઈ અગત્યની બાબત નથી.’
એમણે એવી રીતે માથું ધુણાવ્યું, જાણે મેં કોઈક અસંબદ્ધ વાત કરી હોય. તેમણે કહ્યું : ‘કહો તો, એવું કોઈપણ સંગીત છે ખરું જે તમને ગમતું હોય ?’
‘હં હં, શબ્દો જેમાં આવતા હોય, અને જેના સૂરો હું મનમાં પછી ગણગણી શકતો હોઉં, એવું સંગીત ગમે.’
તેમણે સ્મિત કર્યું, ને ડોકું હલાવ્યું. દેખીતી રીતે જ મારા કહેવાથી તેમને આનંદ થયો હતો.
‘દાખલા તરીકે….?’
‘ફિલ્મી ગાયક બિંગ ક્રૉસ્બીનું કોઈપણ ગીત…..’ મેં જરા હિંમતથી કહ્યું.
‘સરસ !’ તેમણે ફરી મસ્તક હલાવ્યું અને એક ખૂણામાં પડેલા ગ્રામોફોન પાસે જઈ અંદરથી રેકૉર્ડ કાઢવા માંડી. હું અસ્વસ્થતાથી તેમને નીરખી રહ્યો. છેવટે તેમનો ચહેરો પ્રકાશી ઊઠ્યો, ‘આહ !’ તેમણે કહ્યું.

તેમણે રેકૉર્ડ શરૂ કરી, ને થોડી જ વારમાં બિંગ ક્રૉસ્બીના ‘વ્હેર ધ બ્લુ ઑફ ધ નાઈટ મિટ્સ ધ ગોલ્ડ ઑફ ધ ડે’ (જ્યાં રાત્રીની નીલિમા દિવસના સુવર્ણને મળે છે) ગીતથી ખંડ ભરાઈ ગયો. ત્રણ-ચાર લીટીઓ વાગ્યા પછી આઈન્સ્ટાઈને આનંદથી મારી સામે જોયું, પૂછ્યું :
‘હવે તમે કહેશો મને- તમે શું સાંભળ્યું ?’
એ પ્રશ્નનો સાદામાં સાદો ઉત્તર એ ગીત ગાઈ બતાવવાનો હતો. મહામહેનતે મારા અવાજને ભાંગતો અટકાવી, શક્ય તેટલા સૂરમાં રહી મેં એ ગાઈ બતાવ્યું. આઈન્સ્ટાઈનના ચહેરા ઉપર જે ભાવ ફેલાયો તે ઊગતા સૂર્યના પ્રકાશ જેવો હતો, ‘અરે વાહ !’ મેં પૂરું કરતાં તે બોલી ઊઠ્યા : ‘તમને સંગીતની સમજ પડે જ છે.’ એ મારું એક પ્રિય ગીત હતું ને મેં એને કેટલીયવાર સાંભળ્યું હતું એટલે એ કંઈ બહુ મહત્વનું ન કહેવાય, એવું કાંઈક હું બબડ્યો.
આઈન્સ્ટાઈન બોલ્યા : ‘કોણ કહે છે ! એ જ મહત્વનું છે. શાળામાં તમને ગણિત કેમ શીખવાતું હતું તે યાદ છે ? ધારો કે તમે હજુ આંકડાને ઓળખતા શીખો, ને તરત તમને શિક્ષક ગુણાકાર કે ભાગાકારનો મોટો દાખલો આપે તો તમે કરી શકો ?’
‘નહીં જ વળી.’
‘બરોબર !’ આઈન્સ્ટાઈને વિજયની મુદ્રામાં તેમની ચુંગી હલાવી : ‘તમે કરી ન શક્યા હોત- ને એ માટે તમને ખૂબ દુઃખ થયું હોત, ને ગુણાકાર ને ભાગાકાર પ્રત્યે તમે તમારાં મનદ્વાર બંધ કરી દીધાં હોત. પરિણામે, શિક્ષકની એક નાની-શી ભૂલને પરિણામે તમે આખી જિંદગી ગણિતના સૌંદર્યથી ને આનંદથી વંચિત રહ્યા હોત.’

ચુંગી ફરી એકવાર તરંગની જેમ હાલી, ‘પણ પહેલા જ દિવસે એવું કરવા જેવો કોઈ શિક્ષક મૂરખ ન હોય. પહેલાં એ તમને પ્રાથમિક વસ્તુઓ શીખવે છે. ને સાદા દાખલા આવડી જાય પછી એ તમને લાંબા ગુણાકાર-ભાગાકાર શીખવે છે. સંગીતનું પણ એમ જ છે.’ આઈન્સ્ટાઈને બિંગ ક્રૉસ્બીની રેકોર્ડ ઉપાડી : ‘આ નાનકડું સાદું મધુર ગીત નાનકડા સાદા સરવાળા-બાદબાકી જેવું છે. એ તમને આવડી ગયું. હવે તમે એથી થોડું અઘરું સમજી શકશો !’ એમણે એક બીજી રેકૉર્ડ શોધીને વગાડી. ‘ધ ટ્રેમ્પેટર’ ગાતા જોહન મૅક્કોરમૅકનો સોનેરી અવાજ હવામાં ફેલાઈ ગયો. થોડી પંક્તિઓ પછી એમણે એ રેકૉર્ડ બંધ કરી : ‘હવે તમે મને ગાઈ બતાવશો નહીં ?’

ખૂબ સભાનતા સાથે મેં ગીત ગાઈ બતાવ્યું : આઈન્સ્ટાઈન મારી તરફ નિહાળી રહ્યા હતા. તેમના ચહેરા ઉપર જે ભાવ હતો, તે મેં એ પહેલા જિંદગીમાં એક જ વાર જોયો હતો : મારી શાળામાં છેલ્લા દિવસે મેં ભાષણ આપ્યું ત્યારે મારા પિતાના ચહેરા ઉપર એવો ભાવ હતો.
‘સુંદર !’ મેં પૂરું કર્યું ત્યારે આઈન્સ્ટાઈને કહ્યું : ‘અદ્દભુત !….. અને હવે આ….’ પછીનું ગીત અઘરું હતું અને મેં પ્રયત્ન કર્યો, ને આઈન્સ્ટાઈનનો ચહેરો સંમતિથી ચમકી રહ્યો. ત્યાર પછી લગભગ બીજી બારેક રેકૉર્ડ વાગી. આ મહાન માણસની આ પદ્ધતિ વિશે મારા મનમાં જે અસ્વસ્થતાની લાગણી થઈ રહી હતી તે હું કાઢી નાખી શક્યો નહીં. એના સાંનિધ્યમાં હું અકસ્માત જ ગોઠવાઈ ગયો હતો; અમે જે કરતા હતા તેમાં તેમનું ધ્યાન એટલું એકાગ્ર હતું- જાણે હું જ માત્ર તેમની ચિંતાનું કેન્દ્ર હતો. છેવટે અમે શબ્દહીન સંગીતની રેકોર્ડ સુધી પહોંચ્યા. અને મારે એના સ્વર ગણગણવાના હતા. એક ઊંચો સ્વર મેં લીધો ત્યારે આઈન્સ્ટાઈનનું મુખ પહોળું થઈ ગયું, તેમનું મસ્તક પાછળ ઢળ્યું : જાણે મને અપ્રાપ્ય લાગતું હતું તે મેળવવામાં તે મને મદદ કરવા માગતા હોય !

તેમણે ગ્રામોફોન બંધ કરી દીધું.
‘હવે….’ તેમણે મારા હાથમાં હાથ પરોવ્યો : ‘આપણે બાક માટે તૈયાર થઈ ગયા છીએ !’ દીવાનખાનામાંની અમારી બેઠક અમે ફરીથી લીધી ત્યારે કલાકારો એક નવો સ્વરસંગ પસંદ કરી રહ્યા હતા.
‘મુક્ત મનથી માત્ર સાંભળો….’ આઈન્સ્ટાઈને મારા કાનમાં ધીમેથી કહ્યું, ‘બસ, એથી વધારે કશું નહિ.’
પણ એથી વધારે તો ઘણું હતું. એક તદ્દ્ન અજાણ્યા માનવી માટે એમણે જે પ્રયત્નો કર્યા તે ન કર્યા હોત તો બાકનું ‘શીપ મે સેઈફલી ગ્રેઈઝ’ હું કદી સાંભળી શક્યો ન હોત. ત્યાર પછી તો મેં એ વારંવાર સાંભળ્યું છે; ને મને કદી એનો થાક લાગ્યો નથી, કારણ હું એને કદી એકલો નથી સાંભળતો : જ્યારે જ્યારે એને સાંભળું છું ત્યારે ત્યારે શ્વેત વિખરાયેલા વાળ, હોઠ વચ્ચે સ્થિર થઈ ગયેલી ચુંગી અને નેત્રોની પેલી અદ્દભુત ઉષ્મામાં દુનિયાભરનું વિસ્મય ભરી રહેલા એક નાનકડા માનવનું સાંનિધ્ય હું હંમેશા અનુભવું છું…. સમારંભ પૂરો થયો ત્યારે મેં જે તાળીઓ પાડી તે હૃદયના આનંદની હતી.

એકાએક અમારાં યજમાન બાઈ અમારી પાસે આવ્યાં.
‘હું ખૂબ દિલગીર છું, ડૉક્ટર આઈન્સ્ટાઈન,’ મારી તરફ એક ઠંડી દષ્ટિ નાખીને તેમણે કહ્યું, ‘કે તમારે સંગીતનો ઘણોખરો ભાગ ગુમાવવો પડ્યો.’
અમે બન્ને ઊભા થઈ ગયા. ‘હું પણ દિલગીર છું,’ તેમણે કહ્યું, ‘એમ છતાં મારા મિત્રને હું દુનિયા પર માણસ કરી શકે તેવી એક શ્રેષ્ઠ પ્રવૃત્તિમાં રોકાઈ ગયા હતા.’
‘ખરેખર ? એ વળી કઈ પ્રવૃત્તિ હતી ?’ યજમાન મહિલાના મુખ પર મૂંઝવણ તરી આવી.
આઈન્સ્ટાઈને એક સ્મિત કર્યું, અને મારા ખભા પર હાથ મૂક્યો. તેમણે જે શબ્દો ઉચ્ચાર્યા – એને માટે ઓછામાં ઓછો એક માણસ તેમના અનંત ઋણ નીચે રહેશે- તે તેમના મૃત્યુની સમાધિ પર અંજલી રૂપે છે : ‘સૌંદર્યનું એક વધુ દ્વાર અમે ખુલ્લું કર્યું છે….’

(જૂના ‘યાત્રિક’ માસિકમાંથી)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “સૌંદર્યનું એક નવું દ્વાર – જેરોમ વીડમન (અનુ. કુન્દનિકા કાપડીઆ)”

Copy Protected by Chetan's WP-Copyprotect.