[ મહાકવિ રવીન્દ્રનાથની સાહિત્યસૃષ્ટિનો પરિચય આપતા ગ્રંથ ‘ગુપ્તધન’માંથી પ્રસ્તુત વાર્તા સાભાર લેવામાં આવી છે.]
શશીભૂષણ અને રાધામુકુંદ બે સગા ભાઈ નહોતા, બે વચ્ચે બહુ નજીકનો સંબંધ પણ નહોતો. પરંતુ બેઉ વચ્ચે સગા ભાઈઓના કરતાં પણ વધારે હેતભાવ હતો. નાનપણથી બંને વચ્ચે આવો પ્રેમસંબંધ હતો. બેઉ જણ સાથે નિશાળે જતા, ગુરુજીને થાપ આપી ભાગી જવામાં પણ બેઉ સાથે, અને રાતે ઘરનાંને ખબર ન પડે એમ છાનામાના રામલીલા જોવા જવામાં પણ સાથે ! પકડાઈ જવાય તો માર ખાવામાં પણ સાથે !
મોટા થયા પછી પણ એમનો આ પ્રેમસંબંધ ચાલુ રહ્યો. બેઉ પરણ્યા. શશીભૂષણની જમીનદારી હતી, પણ એનો વહીવટ બધો રાધામુકુંદ કરતો હતો. શશીભૂષણની સ્ત્રી વ્રજસુંદરીના મનમાં એક સંદેહ ઘર કરી ગયો હતો કે રાધામુકુંદ મારા પતિને દગો દેવાનું કરી રહ્યો છે. આનો કોઈ પુરાવો નહોતો, પણ પુરાવો નહોતો એથી એનો સંદેહ વધારે પાકો થતો જતો હતો, અને કોઈ કોઈ વાર તે કઠોર શબ્દોમાં પ્રગટ પણ થઈ જતો હતો. આવી રીતે એક વાર ગુસ્સામાં એણે રાધામુકુંદની સ્ત્રી રાસમણિના સાંભળતાં રાધામુકુંદને કઠોર વેણ સંભળાવ્યાં. કહે : ‘પ્રેમબેમ કાંઈ નથી, કેવળ પારકાનું અન્ન ખાવાની ચતુરાઈ છે બધી.’
આ સાંભળી રાસમણિને બહુ લાગી આવ્યું. તેણે રાતે રડતાં રડતાં પતિને કહ્યું :
‘આવું કેમ સહન થાય ?’
રાધામુકુંદે કહ્યું : ‘જે ખાવાપીવા પહેરવા ઓઢવાનું આપે છે તે જો કોઈ વખત બે વેણ કહે તો તે પણ પહેરવા ઓઢવામાં ગણી લેવાનાં.’ પણ રાસમણિના મનનું આથી સમાધાન થયું નહિ. બીજે દિવસે રાધામુકુંદે શશીભૂષણને કહ્યું :
‘તમારા ઘરમાં અશાન્તિ થાય એ ઠીક નહિ, રજા આપો તો હું જાઉં.’
શશીભૂષણે હસીને કહ્યું : ‘વાહ, એ પારકા ઘરની છોકરી, લાગ મળે બે વેણ કહેવાની. સ્ત્રીનાં વેણ ન સહી શકીએ તો આપણે પુરુષ થઈને જન્મ્યા શું કરવા ?’
વાત ત્યાં જ અટકી.
દિવસે દિવસે વ્રજસુંદરીનાં શબ્દબાણોનો મારો વધતો જતો હતો. રાસમણિ તો જાણે બાણપથારી પર જ સૂતી હતી. એવામાં એક ભારે વાત બની ગઈ. રાધામુકુંદે સરકારને જમીનદારીનું ભરણું ભરવા નાણાં મોકલ્યાં તે રસ્તામાં લૂંટાઈ ગયાં. ભરણું સમયસર ભરાયું નહિ એટલે સરકારે શશીભૂષણની જમીનદારીનું લિલામ કરી નાખ્યું અને એક વેપારી વણિકે તે રાખી લીધું. શશીભૂષણ પાસે હવે કંઈ રહ્યું નહિ. એકાએક ઊંડા પાણીમાં લપસી પડ્યા જેવું તેને થયું. નોકરી ધંધો કરી શકે એવું એનું શિક્ષણ નહોતું અને સ્વભાવે નહોતો. નાણાંની આ ભીડમાં રાધામુકુંદે પોતાની સ્ત્રીનાં તમામ ઘરેણાં ગીરો મૂકી રકમ ઊભી કરી શશીભૂષણની સામે ધરી દીધી. હવે એક અજબ પરિવર્તન આવી ગયું. સુખના દિવસોમાં વ્રજસુંદરી જેને કાઢી મૂકવાનું કરતી હતી તેનો જ તેણે આ દુઃખના દિવસોમાં આશ્રય લીધો. રાધામુકુંદ પ્રત્યે તેના મનમાં તલભારે ઈર્ષ્યાભાવ હશે એવું હવે તેને જોઈને લાગે નહિ.
રાધામુકુંદ વકીલાતનું ભણેલો હતો. તેણે શહેરમાં જઈ વકીલાત શરૂ કરી અને થોડા વખતમાં સારું કમાતો થઈ ગયો. મોટા મોટા જમીનદારોનું કામ એના હાથમાં આવ્યું. શશીભૂષણના ઘરનો તમામ ભાર એણે પોતાને શિર લઈ લીધો હતો. હવે પરિસ્થિતિ પહેલાં કરતાં ઊલટી હતી. હવે રાસમણિનું અનાજ ખાઈને શશીભૂષણ અને વ્રજસુંદરી પોષાતાં હતાં. પણ ઘરની કરતી કરાવતી પહેલાંની પેઠે વ્રજસુંદરી જ હતી. રાધામુકુંદ બધી કમાણી વ્રજસુંદરીના જ હાથમાં મૂકતો. આ બાબત એક વાર રાસમણિ પગ પછાડી મિજાજ કરી જેઠાણીના મોં પર કંઈ બોલી ગઈ હશે. એ જ રાતે રાધામુકુંદે એને પિયર મોકલી દેવાનું કર્યું હતું અને અઠવાડિયા સુધી એણે એનું મોં સુદ્ધાં જોયું નહોતું. છેવટે વ્રજસુંદરીએ દિયરનો હાથ પકડી બેઉ વચ્ચે મેળ કરાવ્યો હતો.
શશીભૂષણના મોં પર હાસ્ય હતું, પણ એ દિવસે દિવસે સુકાતો જતો હતો. એ જોઈ રાધામુકુંદની ચિંતાનો પાર નહોતો. આ ચિંતામાં ઘણી વાર એની ઊંઘ ઊડી જતી. તે ઘણી વાર શશીભૂષણને હિંમત આપી કહેતો : ‘દાદા, ચિંતા ન કરો. આપણી જમીનદારી આપણે પાછી મેળવીશું.’ અને એણે એ મેળવી. પણ વચમાં ખાસ્સાં સાત વરસ વહી ગયાં. સંપત્તિ પાછી મળી તેની ખુશાલીમાં આખું ગામ જમ્યું, ગરીબો અન્નવસ્ત્ર પામ્યાં, પણ કોણ જાણે કેમ શશીભૂષણ પહેલાં જેવો પ્રફુલ્લ થઈ શક્યો નહિ. એ પથારીવશ થઈ પડ્યો; દાક્તરોએ જાહેર કર્યું કે એ નહિ બચે. એકાન્ત જોઈ રાધામુકુંદે શશીભૂષણને કહ્યું :
‘દાદા, મેં એક મોટું પાપ કર્યું છે. આપણી વચ્ચે અંતરનો કોઈ ભેદ નહોતો, માત્ર બહારનો ભેદ હતો- તમે પૈસાદાર હતા, હું ગરીબ હતો. આને લીધે આપણો સંબંધ તૂટવાનો સંભવ દિવસે દિવસે વધતો જતો હતો, તેથી મેં પોતે જ એ ભેદ ભૂંસી નાખવા સરકારી ભરણું લૂંટાવી તમારી જમીનદારી હરાજ કરાવી દીધી હતી. મને માફ કરો, દાદા !’
શશીભૂષણના મોં પર જરાયે વિસ્મયનો ભાવ નહોતો. તેણે કહ્યું :
‘તેં સારું જ કર્યું હતું, ભાઈ !’ આમ કહી એનો હાથ પકડી કહ્યું : ‘હું પહેલેથી આ જાણતો હતો. તેં જેમની સાથે ગોઠવ્યું હતું તેમણે જ મને એ કહી દીધું હતું. તે વખતથી જ મેં તને માફી બક્ષેલી છે.’
રાધામુકુંદ મોં છુપાવી રડવા લાગ્યો. તે રડતાં રડતાં બોલ્યો : ‘તો હવે તમારી મિલકત તમે સંભાળો, ગુસ્સે થઈ ના ન કહેશો !’
‘મિલકત મારી છે જ ક્યાં ?’ શશીભૂષણ આથી વધારે બોલી શક્યો નહિ. એની વાણી બંધ થઈ ગઈ હતી.
15 thoughts on “બે ભાઈ – રવીન્દ્રનાથ ટાગોર (રૂપાંતર : રમણલાલ સોની)”
આવી સંવેદનશીલ વાર્તા વાંચી ટેલી-ફિલ્મ બનાવવાની ઈચ્છા થાય છે,
દાદા, કાશ મેં કોઈ ડાયરેક્ટર હોતા.
khub j srs story
ખુબજ સુઁદર અને પ્રેરણાદાયી વાર્તા.
ખુબ જ સરસ સ્ટોરી આજના કળિયુંગમાં આવા સબધ ધરાવનાર કુટુબ જોવા મળે છે.આવી સ્ટોરી પરથી પ્રેરણા મેળવી શકાય આવા મોટા ગજાના માનવી જોઈ.
પ્રભુ પ્રત્યેની આસ્થા અડગ રહે છે.
ખુબ સરસ વારતા….
મનના વૈભવની મહેક માણવાની મઝા આવી.
superb kevu pade bhai………
Badho vank ladies no j hoy 6e!!!!!!!!!
ચાંદની રાતનું સૌંદર્ય અદભૂત હોય ચે આ સૌંદર્યનું અદભૂત વર્ણન આ લેખમાં કરવામાં આવ્યુ ચે.ખૂબ સરસ લેખ.
ખુબજ સરસ્ લેખ છે
gujarat no rang varta ne sang
આ સુન્દર વાર્તા છે.
THESE KIND OF BHAYDA BORN IN INDIA ONLY.
Very good story
Best
Too much nice
Beautiful and deep
Very nice story I like to read the stories of Ravindranath tagore.All stories very peaceful