નિર્ણય – કિરીટ ગોસ્વામી

[લઘુકથા, ‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.]

રાત્રિના લગભગ સાડા-અગિયાર વાગવા આવ્યા હતા. ફળિયામાં ખાટલો ઢાળીને સૂતેલો કુંદન હજીયે જાગતો હતો. કપાળ પર હથેળી મૂકીને આકાશમાં ખીલેલા ચંદ્રને તે જોઈ રહ્યો હતો. ચંદ્રનાં રેશમી કિરણો પણ તેને આજે દઝાડી રહ્યાં હતાં ! તેના માથામાં કોઈએ એક સામટાં, સંખ્યા-બંધ તીર ખોસી દીધાં હોય એવી પીડા તે અત્યારે અનુભવી રહ્યો હતો. મનમાં ખૂબ જ અકળામણ હતી. રહી-રહીને તેના મિત્ર, સુદર્શનની વાતો તેને યાદ આવી જતી હતી.

ગઈકાલે સુદર્શન તેને કહેતો હતો- ‘યાર કુંદન, મારાં મમ્મી-પપ્પાનો હું એકનો એક દીકરો છું છતાં તેઓને મારી જરાય પરવા જ નથી ! પપ્પા તો સવારે હું જાગું એ પહેલાં જ ઑફિસે ચાલ્યા જાય અને રાત્રે હું ઊંઘી જાઉં ત્યારે છેક પાછા આવે ! માત્ર રવિવારે મને મળે ત્યારે પણ સાથે એમનું ઑફિસવર્ક તો હોય જ ! ને મમ્મી પણ ઘર અને એની જૉબમાંથી નવરી જ નથી થાતી !

યાર ! જોઈએ ત્યારે મને પૈસા અને ચીજવસ્તુઓ તો મળી જાય છે પણ મમ્મી-પપ્પા ક્યારેય મળતાં નથી ! ક્યારેય સાથે બેસીને જમવાનું કે વાતો કરવાનું મારા નસીબમાં જ નથી ! જો એ વિશે હું ફરિયાદ કરું તો મમ્મી-પપ્પા તરત જ ચિડાઈ જાય છે અને કહે છે કે, અમે આ બધી દોડધામ તારા માટે જ તો કરીએ છીએ ! યાર, મારે એમને કઈ રીતે સમજાવવું કે, મારે બીજું કાંઈ નથી જોઈતું, ફક્ત મમ્મી અને પપ્પા જ જોઈએ છે !’ સુદર્શન પોતાની વ્યથા વર્ણવતાં સાવ નિરાશ થઈ ગયો હતો. કુંદને તેને આશ્વાસન આપતાં કહ્યું હતું :
‘યાર, તું તો નસીબદાર છે, તારી પાસે રહેવા માટે સરસ ઘર છે ! રોજ તને નવાં-નવાં કપડાં મળે છે અને વાપરવા માટે જોઈએ એટલા પૈસા મળે છે ! પછી બીજું શું જોઈએ ?’
‘પણ પૈસા સાવ ગૌણ વસ્તુ છે, કુંદન !’ સુદર્શને તૂટક અવાજે કહ્યું હતું.
તેનું આ વાક્ય સાંભળીને કુંદન મનોમન વિચારવા લાગ્યો હતો – પૈસો ગૌણ નથી, સુદર્શન ! પૈસો તો બધે જ મુખ્ય ચીજ છે ! પૈસા વિના જીવનમાં કશું જ નથી ! પૈસા ન હોય તો સંબંધોનો રંગ પણ ફિક્કો પડી જાય છે ! અત્યારના જમાનામાં પૈસાની જ કિંમત છે ! પૈસો જ પરમેશ્વર છે ! પૈસા વિના જીવન જીવવું કેટલું દુષ્કર છે, એ તો મારું મન જ જાણે છે ! તને ક્યાંથી સમજાય કે ગરીબાઈ શું ચીજ છે ?

કુંદનના મનની આ વ્યથાથી અને વિચારોથી સુદર્શન સાવ અજાણ્યો હતો. તેણે કુંદનને કહ્યું હતું :
‘યાર ! હું તો વિચારું છું કે, મમ્મી-પપ્પા તો મને ટાઈમ જ નહીં આપી શકે એટલે ઘરમાં એક નોકર રાખી લેવો છે ! જે મારું બધું કામ તો કરે જ, સાથે-સાથે સતત મને કંપની આપે ! યાર, કુંદન ! તું જ મને એવો કોઈ માણસ શોધી આપને !’ સુદર્શનની એ વાતનો કુંદનને તરત જ જવાબ આપી દેવાની ઈચ્છા થઈ આવી હતી કે, હું જ તારા ઘરમાં નોકરી કરવા તૈયાર છું ! પરંતુ તે ત્યારે તો તેને એમ કહેતાં શરમાયો હતો. અત્યારે પણ તેના મનમાં એ જ વિમાસણ હતી કે, સુદર્શનને ત્યાં નોકર તરીકે રહેવું કે નહીં ? જો એમ કરું તો મા અને બાપુને એકલાં છોડવાં પડે ! મોટા ઘરની રીત-રસમ શીખવી પડે અને આમ પોતાનું ઘર છોડીને જવાય ખરું ?! બીજી જ પળે તેને થયું – પણ પૈસા તો મળશે ને ! ઘરમાંય એ બહાને થોડી મદદ થશે ! ને મારા ભણવાનો ખર્ચ પણ નીકળી જશે ! વળી, સુદર્શન ક્યાં પરાયો છે ? એ તો મારો મિત્ર જ છે !

લગભગ સવાર થવા આવી ત્યાં સુધી કુંદન વિચારતો રહ્યો. લાંબી ગડમથલને અંતે તેણે નિર્ણય કરી લીધો કે, પોતે સુદર્શનને ત્યાં નોકરી કરશે !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “નિર્ણય – કિરીટ ગોસ્વામી”

Copy Protected by Chetan's WP-Copyprotect.